You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચા પીવા ટ્રેનમાંથી ઊતર્યા અને 20 વર્ષ સુધી વેઠિયા મજૂર બની ગયા, કેવી રીતે છુટકારો થયો?
- લેેખક, શારદા વી.
- પદ, બીબીસી તમિલ
આંધ્રપ્રદેશના 60 વર્ષીય વૃદ્ધ 20થી વધુ વર્ષથી તામિલનાડુમાં વેઠિયા મજૂરી કરતા રહ્યા હતા. તેમને આખરે બચાવી લેવામાં આવ્યા ત્યારે કેદ અને સ્થિતિસ્થાપકતાની એક હૃદયદ્રાવક કથા પ્રગટ થઈ હતી.
20 વર્ષ પહેલાં તેઓ રેલવેસ્ટેશન ઉપર ચા પીવા માટે ઊતર્યા હતા, એ પછી તેઓ જંજાળમાં ફસાઈ ગયા હતા.
આંધ્રપ્રદેશના વતની અપ્પા રાવ શિવગંગા જિલ્લાના કલૈયારકોલ તાલુકાના કદમબંકુલમ વિસ્તારમાં બે દાયકા કરતાં વધુ સમયથી કોઈ પણ પગાર વિના બકરીપાલક તરીકે કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.
શોધ અને બચાવ
જિલ્લા શ્રમવિભાગના અધિકારીઓને નિયમિત ક્ષેત્ર નિરીક્ષણ દરમિયાન અપ્પા રાવ બકરીઓ ચરાવતા જોવા મળ્યા હતા.
પૂછપરછ કરતાં ખબર પડી કે અપ્પા પાવ આંધ્રપ્રદેશથી આવ્યા હતા, 20થી વધુ વર્ષથી અહીં બકરીઓ ચરાવતા હતા અને પોતાના ગામમાં ક્યારેય પાછા ફર્યા ન હતા.
શ્રમવિભાગના સહાયક કમિશનર આદિમુથુના જણાવ્યા મુજબ, અપ્પા રાવની સ્થિતિ જાણવા મળી તેના પગલે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ટ્રેન ચૂકી ગયેલો માણસ
અપ્પા રાવ લગભગ 20 વર્ષ પહેલાં તેમના સંબંધીઓ સાથે પુડ્ડુચેરી (તત્કાલીન પોંડિચેરી) જઈ રહ્યા હતા. વચ્ચે એક સ્ટેશને ચા પીવા માટે ટ્રેનમાંથી ઊતર્યા હતા. તેઓ ફરી ચડે એ પહેલાં ટ્રેન રવાના થઈ ગઈ હતી. એ કારણે તેઓ ફસાઈ ગયા હતા.
એ દુર્ભાગ્યપૂર્ણ ઘટના અપ્પા રાવને કલાઇયરકોઇલ વિસ્તારમાં લઈ ગઈ હતી, જ્યાં આખરે તેઓ વેઠિયા મજૂર બની ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી સાથે વાત કરતાં આદિમુથુએ કહ્યું હતું, "અમે આ વિસ્તારમાંથી અગાઉ પણ ઘણા લોકોને ગુલામીમાંથી બચાવ્યા છે. આ પરિસ્થિતિમાં બીજા કોઈ છે કે કેમ તેની તપાસ અમે કેટલીક માહિતીને આધારે કરી હતી."
"એ દરમિયાન અમને અપ્પા પાવ બકરી ચરાવતા જોવા મળ્યા હતા. પૂછપરછ દરમિયાન તેઓ ક્યારેક તમિલ તો ક્યારેક તેલુગુ મિશ્રણમાં બોલતા હતા."
તપાસ અને કાનૂની કાર્યવાહી
અધિકારીઓએ અપ્પા રાવને બચાવી લીધા હતા અને કલાઇયરકોઇલ તાલુકા કાર્યાલયમાં તપાસ હાથ ધરી હતી. અપ્પા રાવના માલિક અન્ના દુરાઈને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
પ્રારંભિક પૂછપરછમાં ખબર પડી હતી કે અપ્પા રાવ 20થી વધુ વર્ષથી કોઈ પગાર વિના વેઠિયા મજૂર તરીકે બકરીઓ ચરાવતા હતા.
આખરે અન્ના દુરાઈની ધરપકડ કરવામા આવી હતી અને મજૂરી (દાડિયા) નાબૂદી અધિનિયમ 1976 અને પીએનએસ 143 (આઇપીસીની માનવતસ્કરી સંબંધિત કલમ 370) હેઠળ તેમની સામે કેસ કરવામાં આવ્યો હતો.
60 બકરીઓવાળા બગીચાના માલિક અન્ના દુરાઈને બાદમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
બંધનમાં જીવન
અપ્પા રાવે ક્યારેય ભાગી જવાનો પ્રયાસ કર્યો ન હતો, કારણ કે તેમને ગામ પાછા ફરવા માટે પૈસાની જરૂર હતી. બીજી તરફ તેમના માલિકે તેમને પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. પોતાની પરિસ્થિતિ ગંભીર હોવા અપ્પા રાવ પોતાના વતનમાં જવાની ઇચ્છા સતત વ્યક્ત કરતા રહ્યા હતા.
તમે કામ પર પાછા ફરવા ઇચ્છતા હતા કે કેમ, એવું તપાસ દરમિયાન અપ્પા રાવને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો.
શ્રમકલ્યાણના સહાયક કમિશનર આદિમુથુએ કહ્યું હતું, "તાલુકા કાર્યાલયમાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન અન્ના દુરાઈને પૂછવામાં આવ્યું કે અપ્પા રાવ કામ પર પાછા ફરવા ઇચ્છતા હતા કે કેમ ત્યારે તેમણે કહ્યું હતું, ના. અપ્પા રાવને બચાવી લેવામાં આવ્યા ત્યારે તેમનાં કપડાં અને તેમનો સામાન તેઓ જે જગ્યાએ રહેતા હતા ત્યાં જ હતો. અપ્પા રાવે જણાવ્યું હતું કે તેઓ એ સામાન લેવા માટે પણ ત્યાં જવા ઇચ્છતા નથી."
વાતચીતમાં મુશ્કેલી
હાલ મદુરાઈના એક નર્સિંગહોમમાં સારવાર લઈ રહેલા અપ્પા રાવ વાતચીત કરવામાં મુશ્કેલી અનુભવે છે. તમિલ અને તેલુગુ ભાષાના મિશ્રણમાં વાત કરતાં તેમણે તેમના જીવનની કેટલીક વાતો શૅર કરી હતી.
ગામમાં તેમનાં પત્ની, પુત્ર અને પુત્રી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ગામમાં તેઓ ચોખાની ખેતી કરતા હતા.
વર્ષોની એકલતા અને સામાજિક સંપર્કના અભાવે તેમની વાણી અને વાતચીતમાં પ્રવાહિતા પર માઠી અસર થઈ છે.
અપ્પા રાવ હાલ જ્યાં રહે છે ત્યાંના હાઉસ સુપરિન્ટેન્ડેન્ટ અન્નાલક્ષ્મીએ કહ્યું હતું, "આપણે શું વાત કરી રહ્યા છીએ એ તેઓ સમજે છે, પણ સ્પષ્ટ રીતે બોલી શકતા નથી. આંધ્રપ્રદેશના કેટલાક અધિકારીઓએ તેમનો સંપર્ક કર્યો ત્યારે પણ તેઓ તેલુગુમાં સ્પષ્ટ બોલી શક્યા ન હતા."
"તેઓ ઘેટાં ચરાવતા હતા ત્યારે બહારની દુનિયા સાથે તેમનો નહિવત્ સંપર્ક હતો. તેથી તેમની વાણી અસ્પષ્ટ થઈ ગઈ હશે. તેઓ અહીં પણ શાંત રહે છે અને કોઈની સાથે વાત કરતા નથી."
પરિવાર સાથે પુનર્મિલનના પ્રયાસ
અપ્પા રાવના પરિવારને શોધવાના પ્રયાસ આંધ્રપ્રદેશમાં ચાલી રહ્યા છે, પરંતુ સ્થળોનાં નામ અને જિલ્લા ડિવિઝનમાં વિસંગતતાને કારણે એ કામ પડકારજનક બની રહ્યું છે.
માનવતસ્કરીના કેસ લડતા વકીલ એમ. રાજાએ જણાવ્યું હતું કે અપ્પા રાવના ફોટોગ્રાફ સાથે તેમની વિગતની જાહેરાત સ્થાનિક અખબારમાં કરવામાં આવી છે.
શ્રમવિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે અપ્પા રાવે જે સ્થળોનો ઉલ્લેખ કર્યો છે તેનાં નામ અને ત્યાંના અસલી નામ અલગ છે. ઉપરાંત તેમણે જે જિલ્લાનો ઉલ્લેખ કર્યો છે તે હાલમાં બે વિભાગમાં વહેંચાયેલો છે.
આ વિસ્તારમાં છેલ્લાં કેટલાંય વર્ષોથી થતા વિકાસ અને ફેરફારને કારણે શોધ જટિલ બની છે. હવે એ જિલ્લો આંધ્રપ્રદેશ અને ઓડિશાની સરહદે આવેલો છે.
એમ. રાજાએ કહ્યું હતું, "અપ્પા રાવે જે સ્થળનો ઉલ્લેખ કર્યો છે તે ઓડિશાની સરહદે આવેલું છે. તેમણે જે વિસ્તારોનો ઉલ્લેખ કર્યો છે તે હવે ખૂબ જ વિકસિત છે. ત્યાં ઘણા ફેરફાર થયા છે. તે વિસ્તારો આંધ્રપ્રદેશમાં છે કે ઓડિશામાં તે જાણી શકાયું નથી. આંધ્રપ્રદેશના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે. તેઓ પણ અપ્પા રાવના પરિવારને શોધી રહ્યા છે."
કાયદાકીય અને નાણાકીય અસર
દાડી મજૂરીમાંથી ઉગારી લેવાયેલા લોકોને શ્રમકલ્યાણ વિભાગ તરફથી નાણાકીય સહાય આપવામાં આવે છે. અપ્પા રાવને તાત્કાલિક રૂ. 30,000ની સહાય મળવાની તૈયારીમાં છે. તેમના માલિક દોષિત સાબિત થશે તો તેમને વળતર પણ મળી શકે છે.
અન્ના દુરાઈએ અપ્પા રાવને પગાર પેટે રૂ. 8,26,000 ચૂકવવાના બાકી છે. એ નાણાંની વસૂલાત માટે પણ જિલ્લા વહીવટીતંત્ર પગલાં લઈ રહ્યું છે.
આ કેસ સાથે સંકળાયેલા મદ્રાસ હાઇકોર્ટના વકીલ એમ. રાજાએ કહ્યું હતું, "અન્ના દુરાઈ તેમના વિસ્તારમાં એક વગદાર વ્યક્તિ છે. તેમણે ગામલોકોને કહ્યું છે કે તેઓ અપ્પા રાવને કપડાં અને ખોરાક આપવા તૈયાર છે, પરંતુ પૈસા નહીં આપે. પોતે કરેલા કામ માટે અન્ના દુરાઈએ વેતન ન ચૂકવ્યું હોવાની ફરિયાદ અપ્પા રાવે ગામના કેટલાક યુવાનોને કરી હતી. યુવાનોએ તે માહિતી આ વિસ્તારમાં કાર્યરત્ સ્વૈચ્છિક સંસ્થા અને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડી હતી."
શિવગંગા જિલ્લામાં 2018થી અત્યાર સુધીમાં 34 લોકોને વેઠિયા મજૂરીમાંથી બચાવી લેવામાં આવ્યા છે, જે વેઠિયા મજૂરોની વર્તમાન સમસ્યા અને તેને નાથવાના પ્રયાસો પર પ્રકાશ પાડે છે.
એમ. રાજાએ કહ્યું હતું, "આવી ઘટનાઓમાં મોટો પડકાર કાયદાની યોગ્ય કલમો હેઠળ કેસ નોંધવાનો છે."
"ડીજીપીએ 2017માં એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે બંધુઆ મજૂરીના કેસોમાં ફક્ત બંધુઆ મજૂરી નિવારણ કાયદાની જ નહીં, પરંતુ માનવતસ્કરીના ગુના માટેની કલમ 143 (આઈપીસી 370) પણ સામેલ હોવી જોઈએ."
"ઘણા કિસ્સાઓમાં આ કલમનો સમાવેશ હોતો નથી. બંધુઆ મજૂર નાબૂદી કાયદા હેઠળ મહત્તમ ત્રણ વર્ષની જેલ સજાની જોગવાઈ છે. માનવતસ્કરીની કલમનો પણ કેસમાં સમાવેશ કરવામાં આવે તો મહત્તમ દસ વર્ષની સજા થઈ શકે છે. અપ્પા રાવના કેસમાં પણ આગ્રહ પછી જ તે કલમનો સમાવેશ કરવામાં આવ્યો હતો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન