શૅરબજાર દિવસે દિવસે નીચે કેમ જઈ રહ્યું છે, રોકાણકારોએ ક્યાં સુધી રાહ જોવી પડશે?

ભારતીય શૅરબજાર માટે 28 ફેબ્રુઆરીનો દિવસ 'બ્લૅક ફ્રાઇડે' સાબિત થયો છે.

શુક્રવારે બજાર ખૂલતાંની સાથે જ 30 શૅરનો સેન્સેક્સ અને 50 શૅરનો એનએસઈ નિફ્ટી ઝડપભેર ગગડ્યા હતા.

શુક્રવારે બીએસઈ સેન્સેક્સ 1420 પૉઇન્ટ ઘટીને 73,192 પર બંધ આવ્યો હતો જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 418 પૉઇન્ટ ઘટીને 22,126 પર બંધ થયો હતો. શૅરબજાર નવ મહિનાના સૌથી નીચા સ્તરે બંધ થયું છે.

બૅન્કિંગ અને આઇટી શૅરોમાં સૌથી મોટો ઘટાડો થયો હતો. આઇટી શૅરોનો ઇન્ડેક્સ ચાર ટકા જેટલો ઘટ્યો હતો. સ્મૉલ, મિડકેપ શૅરોમાં સૌથી મોટો કડાકો જોવા મળ્યો હતો.

ભારતીય શૅરબજાર માટે ફેબ્રુઆરી મહિનો બહુ નુકસાનકારક સાબિત થયો છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડન્ટ બન્યા ત્યાર પછી ટ્રેડ વૉર શરૂ થવાની આશંકાથી બજારમાં ચિંતા છે.

ભારતીય શૅરબજાર કેમ સતત ગગડી રહ્યું છે?

શુક્રવારે ભારતમાં જીડીપીના સત્તાવાર આંકડા જાહેર થવાના હતા તે અગાઉ બજાર દબાણમાં હતું. કેટલાક નિષ્ણાતોના મતે જીડીપીના આંકડાની ચિંતાના કારણે બજાર ઘટ્યું હતું.

ઇકૉનૉમિક ટાઇમ્સે શુક્રવારના કડાકા માટે પાંચ કારણોને જવાબદાર માન્યાં છે.

તેમાં જીડીપીના આંકડા અગાઉનો ગભરાટ, ટેરિફ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પનું અસ્પષ્ટ વલણ, આઇટી શૅરો પર દબાણ, ડૉલરની મજબૂતી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે એફઆઇઆઇની વેચવાલીના કારણો સામેલ છે.

27 ફેબ્રુઆરી, ગુરુવારે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે કૅનેડા અને મૅક્સિકોથી આવતા માલ પર 25 ટકા ટેરિફ ચોથી માર્ચથી લાગુ થશે. ટ્રમ્પે ચીનથી આવતા માલ પર પણ વધુ 10 ટકા ટેરિફ લાદવાની વાત કરી હતી.

ટ્રમ્પના આ નિવેદનોના કારણે વિશ્વના સૌથી મોટા અર્થતંત્રો વચ્ચે ટ્રેડ વૉર ઉગ્ર બનવાની આશંકા પેદા થઈ છે.

મની કન્ટ્રોલ સાથે વાત કરતા જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું કે, "શૅરબજારને અનિશ્ચિતતા પસંદ નથી. ટ્રમ્પ જ્યારથી અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા ત્યારથી અનિશ્ચિતતા જ છે."

તેમણે કહ્યું કે, "ટ્રમ્પ સતત નવા ટેરિફની જાહેરાત કરતા રહે છે જેના કારણે બજારને અસર થઈ છે. ચીન પર 10 ટકા વધારાનો ટેરિફ નાખવાની તાજેતરની જાહેરાતથી લાગે છે કે પોતાના કાર્યકાળના શરૂઆતના તબક્કામાં તેઓ અમેરિકાના હિત ખાતર બીજા દેશોને ડરાવશે. હવે ચીન આ ટેરિફ અંગે કેવો જવાબ આપે છે તે જોવાનું રહેશે."

જોકે, તેમણે એવી શક્યતા પણ દર્શાવી હતી કે ભારતીય બજાર રિકવરી કરશે.

રોકાણકારોને શૅરબજારમાં રોકાણ કરતાં કઈ વાતનો ડર છે?

શુક્રવારે લગભગ તમામ સેક્ટરના શૅરો રેડ ઝોનમાં હતા જેમાં આઇટી, ઑટો, મીડિયા, ટેલિકૉમ સેક્ટર સામેલ છે. આ તમામ સેક્ટરમાં બેથી ત્રણ ટકા સુધી ઘટાડો થયો હતો.

બીએસઈના મિડકેપ અને સ્મૉલકેપ સૂચકાંક પણ બે ટકા સુધી ઘટ્યા હતા.

સેન્સેક્સમાં સૌથી વધારે નુકસાન ઇન્ડસઇન્ડ બૅન્કના શૅરને થયું હતું જે 4.44 ટકા સુધી ઘટ્યો હતો. ત્યાર પછી મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા, એચસીએલ ટેકના શૅર સૌથી વધુ ઘટ્યા હતા.

આ ઉપરાંત ઇન્ફોસિસ, ટીસીએસ, ભારતી એરટેલ, ટાટા મોટર્સ અને ટાઇટનના શૅર પણ રેડ ઝોનમાં હતા.

રેલિગેર બ્રોકિંગ ખાતે રિટેલ રિસર્ચના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ ડૉ. રવિસિંહે શૅરબજારનાં ઘટાડાનાં કારણો જણાવ્યાં હતાં.

તેમણે કહ્યું કે, "પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં તમામ સેક્ટરના શૅરોમાં ઓછામાં ઓછા 20થી 25 ટકાનો ઘટાડો થયો છે. તેમાં બૅન્ક, આઇટી, ડિફેન્સ, ઑટો, પાવર, એફએમસીજી, રિયલ્ટી, એનબીએફસી, ફર્ટિલાઇઝર, શુગર જેવાં સેક્ટર સામેલ છે. વાસ્તવમાં આટલાં બધાં સેક્ટરમાં ઘટાડો થયો તેનું કારણ એ છે કે ઇકૉનૉમીમાં જે બૂસ્ટ દેખાવો જોઈએ તે નથી દેખાતો."

તેમણે કહ્યું કે, "રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટેરિફ લગાવવાની જાહેરાત કરી તેનાથી બજારમાં નકારત્મકતા આવી છે અને તેની અસરરૂપે શૅરોના ભાવ ઘટ્યા છે. આ ઉપરાંત છેલ્લા ત્રણ ત્રિમાસિક ગાળામાં કંપનીઓની આવક પણ ઘટી છે. તેની અસર શૅરબજાર પર પડી છે. ચીનની મેટલ અને રોકાણનીતિ પણ આંતરરાષ્ટ્રીય બજાર પર નૅગેટિવ અસર કરી રહી છે જેના કારણે ભારતીય બજાર ઘટ્યું છે."

વૈશ્વિક અનિશ્ચિતતાઓનો અંત નથી દેખાતો

રવિસિંહ કહે છે કે "દુનિયાભરમાં જિયોપૉલિટિકલ સમસ્યાઓ હજુ પણ ઓછી થતી દેખાતી નથી. રશિયા-યુક્રેનના મોરચે અનિશ્ચિતતા યથાવત્ છે. આ કારણથી ક્રૂડઑઇલના ભાવ અંગે આશંકા છે. તેથી ભારતીય બજારમાં ઘટાડો થયો છે."

એચડીએફસી સિક્યૉરિટીઝના કૉમૉડિટી અને કરન્સી હેડ અનુજ ગુપ્તાએ જણાવ્યું કે, "હકીકતમાં હાલના સમયે આંતરરાષ્ટ્રીય વેપાર જગતમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે."

તેમના કહેવા પ્રમાણે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન સામે ટેરિફની સતત જાહેરાતથી વૈશ્વિક શૅરબજારમાં આશંકા વધી છે. તેના કારણે લોકોએ શૅર વેચવાનું શરૂ કરી દીધું છે. આ કારણે ભારતીય બજારોમાં પણ ઘટાડો થયો છે.

તેમણે કહ્યું, "બજારમાં હજુ પણ સેન્ટિમેન્ટ ખૂબ નબળું છે. આ સેન્ટિમેન્ટમાં સુધારો કર્યા વગર પરિસ્થિતિમાં સુધારો કરવો મુશ્કેલ છે. ભારતીય બજારમાં ઘણા ઍસેટ ક્લાસમાં ઘટાડો ચાલુ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.