You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એક અબજ ભારતીયો આર્થિક ભીંસમાં, મધ્યમવર્ગ પાસે ખર્ચ કરવા રૂપિયા નથી
- લેેખક, નિખિલ ઇનામદાર
- પદ, બીબીસી ન્યૂઝ
ભારતની 1.4 અબજની વસ્તીમાંથી લગભગ એક અબજ લોકો એવા છે જેમની પાસે પોતાના મન પ્રમાણે ચીજવસ્તુઓ કે સર્વિસ ખરીદવા માટે નાણાં નથી. એક નવા અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો છે.
એક વૅન્ચર કૅપિટલ ફર્મ બ્લૂમ વૅન્ચર્સના રિપોર્ટ પ્રમાણે ભારતમાં વપરાશકર્તા વર્ગ અથવા કન્ઝ્યુમિંગ ક્લાસ માત્ર 13થી 14 કરોડ લોકોનો જ છે.
આ એવા લોકો છે જેઓ સ્ટાર્ટ-અપ્સ અથવા બિઝનેસના માલિકો માટે એક માર્કેટ ગણી શકાય છે. એટલે કે 1.4 અબજની વસ્તીના દેશમાં માત્ર મૅક્સિકોની વસતી જેટલા જ લોકો વપરાશકર્તા વર્ગમાં આવે છે.
ભારતમાં 30 કરોડ 'ઇમર્જિંગ' અથવા ઊભરી રહેલાં ગ્રાહકો છે, પરંતુ તેઓ ખર્ચ કરવાની બાબતમાં ખચકાય છે અને તેમણે હજુ ખર્ચ કરવાની શરૂઆત જ કરી છે. ડિજિટલ પેમેન્ટના કારણે રૂપિયાનો વ્યવહાર કરવો સરળ બન્યો છે ત્યારે આ વર્ગ ઊભરી આવ્યો છે.
રિપોર્ટમાં જણાવ્યું છે કે એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્ર ભારતમાં ઉપભોક્તા વર્ગ (કન્ઝ્યુમિંગ ક્લાસ)નો ફેલાવો નથી થઈ રહ્યો. એટલે કે જે લોકો ધનાઢ્ય છે તેઓ વધુને વધુ ધનિક બનતા જાય છે, પરંતુ ધનિક લોકોની વસ્તી નથી વધી રહી.
તેના કારણે ભારતમાં કન્ઝ્યુમર માર્કેટ અલગ રીતે આકાર લઈ રહ્યું છે. ભારતમાં પ્રીમિયમાઇઝેશનનો ટ્રૅન્ડ શરૂ થયો છે. તેથી કંપનીઓ બહોળી સંખ્યામાં માસ માર્કેટ પર ફૉકસ કરવાના બદલે માત્ર ધનાઢ્ય લોકોને ધ્યાનમાં રાખીને મોંઘી અને અપગ્રેડેટ પ્રૉડક્ટ્સ લાવી રહી છે.
'ધનિકો વધુ ધનાઢ્ય બન્યા, ગરીબો ગરીબ જ રહ્યા'
ભારતમાં અત્યંત મોંઘાં મકાનો અને પ્રીમિયમ ફોનનું જે રીતે વેચાણ વધતું થાય છે તે આ વાતની સાબિતી છે. બીજી તરફ સસ્તા મકાનો અને ફોનની માંગ ઘટી છે.
ભારતમાં પાંચ વર્ષ અગાઉ કુલ મકાનોના વેચાણમાં 40 ટકા મકાન અફોર્ડેબલ કૅટેગરીનાં હતાં, જેનું પ્રમાણ હવે ઘટીને માત્ર 18 ટકા રહ્યું છે. માર્કેટમાં બ્રાન્ડેડ ગૂડ્સનો હિસ્સો પણ વધતો જાય છે. હવે 'ઍક્સપિરિયન્સ ઇકૉનૉમી'માં તેજી છે તેથી કોલ્ડપ્લે અને ઍડ શિરીન જેવા આંતરરાષ્ટ્રીય કલાકારોના શો માટે મોંઘી ટિકિટો ધડાધડ વેચાઈ જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ રિપોર્ટના લેખકો પૈકીના એક સજિથ પાઈએ બીબીસીને કહ્યું કે જે કંપનીઓએ આ પરિવર્તન સ્વીકાર્યું તેઓ વૃદ્ધિ કરી રહી છે.
તેમના કહેવા પ્રમાણે, "જે કંપનીઓઓ સામાન્ય લોકો પર ફૉકસ કર્યું અને પ્રીમિયમ પ્રૉડક્ટસ ન આપી તેમનો બજાર હિસ્સો ઘટી રહ્યો છે."
આ રિપોર્ટનાં તારણો દર્શાવે છે કે કોવિડ પછી ભારતમાં કે- શેપમાં રિકવરી આવી છે જ્યાં ધનિકો વધુને વધુ ધનિક બન્યા છે જ્યારે ગરીબોએ ખરીદશક્તિ ગુમાવી છે.
વાસ્તવમાં આ એક લાંબા ગાળાનો સ્ટ્રક્ચરલ ટ્રૅન્ડ છે જેની શરૂઆત કોવિડ અગાઉ થઈ હતી. ભારતમાં અસમાનતા સતત વધતી જાય છે. ટોચના 10 ટકા લોકો રાષ્ટ્રીય આવકમાં 57.7 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે 1990માં આનું પ્રમાણ માત્ર 34 ટકા હતું. દરમિયાન તળિયાના લોકોનો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો 22.2 ટકાથી ઘટીને 15 ટકા થયો છે.
ફુગાવા સામે મધ્યમ વર્ગની આવક ઘટી
તાજેતરમાં વપરાશમાં ઘટાડો થયો છે ત્યારે લોકોની ખરીદશક્તિ ઘટી છે, તેમની નાણાકીય બચતમાં ઘટાડો થયો છે અને દેવું વધ્યું છે.
કોવિડ પછી અનસિક્યૉર્ડ ઋણમાં ભારે વધારો થયો હતો ત્યારે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ તેની સામે કડક પગલાં લીધાં છે.
પાઈ જણાવે છે કે ભારતમાં ઇમર્જિંગ અથવા ઊભરી રહેલા વર્ગમાં જે વપરાશ જોવા મળ્યો તે મોટા ભાગે ઋણ પર આધારિત હતો. ઋણ ઘટવાનું બંધ થયું તેથી વપરાશ પર ચોક્કસ અસર પડી છે.
ટૂંકા ગાળામાં માત્ર બે ચીજો વપરાશને વેગ આપી શકે તેમ છે. એક, પાકની પેદાશ વધે તેના કારણે ગ્રામીણ માંગમાં વધારો થાય અને બીજું, તાજેતરના બજેટમાં અપાયેલી 12 અબજ ડૉલરની ટૅક્સ રાહતો. આની અસર બહુ નાટ્યાત્મક નહીં હોય, પરંતુ ભારતના જીડીપીમાં તે અડધા ટકા વધુ વધારો કરી શકે છે.
પરંતુ લાંબા ગાળે પડકારો યથાવત્ છે.
ભારતમાં કન્ઝ્યુમર ડિમાન્ડ વધારવામાં મધ્યમ વર્ગનો મુખ્ય ફાળો હતો, પરંતુ તે હવે સંકોચાઈ રહ્યો છે. મધ્યમ વર્ગના પગારમાં ખાસ વધારો નથી થયો એવું માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મૅનેજર્સનો ડેટા દર્શાવે છે.
જાન્યુઆરીમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ "ભારતમાં ટૅક્સ ચૂકવતાં લોકોમાંથી 50 ટકા લોકોની આવક છેલ્લા એક દાયકામાં સ્થિર થઈ ગઈ છે. ફુગાવાને ગણતરીમાં લેવાય તો વાસ્તવમાં તેમની આવક અડધી થઈ ગઈ છે."
તેમાં જણાવાયું છે કે, "આ નાણાકીય દબાણના કારણે મધ્યમ વર્ગની આવક ઘટી છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ વારંવાર જણાવ્યું છે કે ભારતીય પરિવારોની ચોખ્ખી નાણાકીય બચત ઘટીને 50 વર્ષના તળિયે છે. તે દર્શાવે છે કે મધ્યમ વર્ગ સાથે સંકળાયેલ ઘરગથ્થુ ખર્ચમાં આગામી વર્ષોમાં ઘટાડો જોવા મળશે."
એઆઈના કારણે ઘણાં સેક્ટરમાં નોકરી જશે
માર્સેલસના રિપોર્ટમાં એવું પણ જણાવ્યું છે કે વ્હાઇટ-કૉલર શહેરી જોબ શોધવી હવે મુશ્કેલ બનતી જાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે ક્લેરિકલ, સેક્રેટરિયલ અને બીજાં રૂટિન કામ ઑટોમેટિક થઈ ગયાં છે. ભારતમાં મૅન્યુફૅક્ચરિંગ એકમોમાં કામ કરતાં સુપરવાઇઝર્સની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે.
સરકારના તાજેતરના ઇકૉનૉમિક સર્વેમાં પણ આ વાતનો ઇશારો કરાયો છે.
આર્થિક સર્વેમાં જણાવાયું છે કે ટૅક્નૉલૉજીમાં થયેલા સુધારાથી ભારત જેવા સર્વિસ આધારિત અર્થતંત્રમાં લેબરને ફટકો પડ્યો છે. ભારતમાં આઈટી વર્કફોર્સનો એક મોટો હિસ્સો લૉ વૅલ્યૂ ઍડેડ સર્વિસ સેક્ટરમાં કામ કરે છે જેમને સૌથી વધુ અસર થવાની શક્યતા છે.
ઇકૉનૉમિક સર્વે કહે છે કે, "ભારત એ વપરાશ આધારિત અર્થતંત્ર પણ છે. તેથી કામદારોને ફટકો પડે અને તેનાથી વપરાશ ઘટે તો તેની મેક્રોઇકૉનૉમિક અસરો પણ જોવાં મળશે. તેના કારણે ખરાબમાં ખરાબ સ્થિતિમાં ભારતની આર્થિક વૃદ્ધિની દિશા પણ ફંટાઈ જવાનું જોખમ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન