ભદ્રનો કિલ્લો : 'અમદાવાદનો રાજગઢ' કહેવાતો ભદ્રનો ઐતિહાસિક કિલ્લો, જે સમયાંતરે સમેટાતો ગયો

    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી સંવાદદાતા

ઝમીને બધાયત ફરહનાક દીદ

ઝ ગરદે મહન્ ખાકે ઉ પાક દીદ.

હવાઈ કે મી કર્દ દિલરા હવસ,

નસીમશ ચું મિશ્કે ખતન ખુશ નફસ.

એટલે કે, "ત્યાંની જમીન એમને અત્યંત આનંદકારી જણાઈ, અને મહેનતની ધૂળથી ત્યાંની ભૂમિ પવિત્ર થયેલી દીઠી. ત્યાંની હવા હૃદયને મુગ્ધ કરતી હતી. એની ફોરમ ખોતાનની કસ્તૂરી જેવી સુગંધિત હતી."

કવિ હુલ્વી શીરોઝીએ અમદાવાદ વસ્યાનું વર્ણન અહમદશાહીમાં કંઈક આ રીતે કર્યું હતું.

અમદાવાદને પોતાની રાજધાની બનાવવાનું અહમદશાહે કેમ નક્કી કર્યું તેની પાછળ અનેક વાયકાઓ છે. પરંતુ અમદાવાદની સ્થાપના કર્યા બાદ સુલતાન અહમદશાહે તરત જ જે કામને પ્રાધાન્ય આપ્યું એ હતું અમદાવાદમાં ભદ્રના કિલ્લાની સ્થાપના. ભારતમાં સલ્તનતકાળ દરમિયાન બંધાયેલાં બેજોડ સ્થાપત્યોમાં આ કિલ્લાનું સ્થાન છે.

ગુજરાતના સલ્તનતકાળનાં ઇસ્લામી સ્થાપત્યોમાં અમદાવાદનો ભદ્રનો કિલ્લો મોખરાના સ્થાપત્યો પૈકીનો એક ગણાય છે.

એવું કહી શકાય કે છેલ્લાં 614 વર્ષમાં એક નગર તરીકે અમદાવાદે કરેલી સફરનો ભદ્રનો કિલ્લો સાક્ષી રહ્યો છે.

પણ આ ભદ્રનો કિલ્લો કેવી રીતે બાંધવામાં આવ્યો હતો? તેનું નામ કેવી રીતે પડ્યું? સમયની સાથે કિલ્લાના બાંધકામમાં કેવાં પરિવર્તનો આવ્યાં અને કેવી રીતે એ સમય સાથે સમેટાતો ગયો? એ જાણીએ આ અહેવાલમાં...

અમદાવાદની સ્થાપના અને ભદ્રના કિલ્લાનો પાયો

રત્નમણિરાવ ભીમરાવલિખિત અને ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ દ્વારા પ્રકાશિત દળદાર ઐતિહાસિક પુસ્તક 'ગુજરાતનું પાટનગર અમદાવાદ'માં લખવામાં આવ્યું છે એ પ્રમાણે, "આશાવલ સારું નગર હતું અને અહમદશાહને તેની હવા પસંદ હતી, એટલે પાટણથી રાજધાની ખસેડવી અને સુરક્ષિત કિલ્લો ખસેડવો એ જ કાર્ય હતું. આશાવલની છેક પાસે સહેજ ઉત્તરે એક સપાટ જમીન પર કિલ્લાની જગ્યા પસંદ કરવામાં આવી અને ત્યાં હાલના ભદ્રના કિલ્લાનો પાયો નંખાયો."

તેમાં લખાયું છે કે, "ભદ્રના કિલ્લાનો પાયો સુલતાન અહમદશાહે શહેર વસાવ્યું એ જ દિવસે નાખ્યો હતો."

ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસમાં એન.એન. આચાર્ય લખે છે કે, "આ કિલ્લાનું મુહૂર્ત અહમદશાહે શેખ અહમદ ખટ્ટું ગંજબક્ષને હાથે કર્યું હતું."

રત્નમણિરાવ ભીમરાવ લખે છે કે, "એવું માનવામાં આવે છે કે અમદાવાદ વસાવવા માટે બાદશાહ પાટણથી એક લાખ પાયદળ, આઠસો હાથી, બત્રીસ હજાર ઊંટ, છસ્સો તોપો, સોળ હજાર પોઠી, સોળસો ગાડાં અને પાંચ કરોડ રૂપિયા લઈને આવ્યા હતા. પરંતુ પાછલી સદીઓમાં ગુજરાતમાં બાંધકામ સર્વોત્કૃષ્ટ સ્થિતિમાં હતું આથી એવી વધુ શક્યતા છે કે આ માણસો બાદશાહના લશ્કરના હોય અને સાથે સરંજામ લઈને આવ્યા હોય."

ભદ્રના કિલ્લાનું બાંધકામ શરૂ થયું તેને લઈને એક દંતકથા ખૂબ જ પ્રચલિત છે.

ગોદડીવાળા માણેકનાથ બાવાની આ દંતકથામાં એમ માનવામાં આવે છે કે તેઓ તેમની ગૂઢ શક્તિ દ્વારા અહમદશાહના કિલ્લાના બાંધકામમાં અડચણ ઊભી કરતા હતા, જેના કારણે કિલ્લાનું બાંધકામ આગળ વધતું જ ન હતું.

લોકવાયકા અનુસાર, માણેકનાથ બાવો જે સાદડી વણતો તેમાંથી દોરો ખેંચી લેતો અને બાદશાહે કરેલું બાંધકામ પડી જતું.

આથી, બાદશાહ તેમને મળવા ગયા અને તેમના નામે કિલ્લાનો પ્રથમ બુરજ બાંધ્યો, જેનું નામ માણેકબુરજ રાખ્યું. પછી ભદ્રના કિલ્લાનું બાંધકામ થયું.

આ જ બુરજને આગળ જતાં એલિસબ્રિજના વિસ્તૃતીકરણ સમયે અડધો તોડી નાખવામાં આવ્યો હતો.

'ભદ્ર' નામ કેવી રીતે પડ્યું?

ઘણા લોકોની એવી માન્યતા છે કે ભદ્રકાળી માતાનું મંદિર ત્યાં આવેલું હોવાને કારણે આ કિલ્લાનું નામ ભદ્ર પડ્યું હશે.

પરંતુ ઐતિહાસિક પુરાવાઓ આ વાતની સાક્ષી પૂરતા નથી.

'ભદ્ર' નામને લઈને મિરાતે અહમદીમાં લખાયું છે કે, "પાટણના કિલ્લાને ભદ્ર કહેતા અને એવા જ ઘાટનો આ કિલ્લો બંધાયો તેથી આને પણ લોકો ભદ્ર કહેવા લાગ્યા."

રસિકલાલ પરીખ અને હરિપ્રસાદ શાસ્ત્રી સંપાદિત 'ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ: મુઘલકાળ' માં લખાયું છે કે, "એ સમયમાં ગુજરાતમાં કેટલાક કિલ્લા 'ભદ્ર' નામે ઓળખાતા. એનું મુખ્ય કારણ એ મનાય છે કે એ કિલ્લાઓના પ્રવેશદ્વાર માટે ભદ્રકાળીનું સ્થાનક હતું. પરંતુ વધુ સંભવિત એ છે કે આ કિલ્લાઓની આયોજનની ઢબ 'ભદ્ર' અર્થાત 'સર્વતોભદ્ર' પ્રકારની હતી. આથી, તેને ભદ્રનો કિલ્લો નામ અપાયું."

ભદ્રના કિલ્લા પર વર્તમાનમાં અંકિત શિલાલેખ પ્રમાણે અમદાવાદના સ્થાપક સુલતાન અહમદશાહ પહેલા (1411-1442)એ અહીં બંધાવેલ મહેલના પૂર્વના મુખ્ય પ્રવેશદ્વાર તરીકે કામ આવે તેના માટે આ મોટો કિલ્લેબંધ 'ભદ્ર દરવાજો' 1411 અથવા તેની આસપાસમાં બંધાવ્યો હતો.

મિરાતે અહમદીમાં ભદ્રના કિલ્લાને 'અરકનો કિલ્લો' કહેવામાં આવ્યો છે.

ભદ્રનો કિલ્લો કેટલો ભવ્ય અને વિશાળ હતો?

"ભારતમાં મુઘલ સામ્રાજ્યના શાસનનો સૌથી શ્રેષ્ઠ અને સૌથી મજબૂત કિલ્લો એવો ભદ્રનો કિલ્લો એ માત્ર કાબુલ અને કંદહારના કિલ્લાથી જ ઊતરતો જણાય છે. આ કિલ્લાના રક્ષણ માટે 18 મોટી તોપો અને અનેક નાની તોપો રાખવામાં આવી હતી."

17મી સદીના ભૂવિવરણકાર જૉન ઑગ્લિબીએ કરેલું ભદ્રના કિલ્લાનું વર્ણન તેની ભવ્યતાની સાક્ષી પૂરે છે.

મિરાતે અહમદી પ્રમાણે ભદ્રના આ કિલ્લાનું ક્ષેત્રફળ કુલ 43 એકર (હાલમાં તેનાથી પણ ઓછું) છે અને તેને 14 બુરજ હતા અને નર્ગમુદૌલાએ એક બુરજ ઉમેરેલો છે."

અમદાવાદની મુલાકાતે આવેલા અનેક પ્રવાસીઓનાં વર્ણનોમાં પણ આ કિલ્લાનો ઉલ્લેખ જોવા મળે છે.

મુસાફર મેન્ડેલ્સ્લો લખે છે તેમ આ કિલ્લો પથ્થરનો બનાવેલો હતો અને મહારાજ્યના સૌથી મોટા કિલ્લાઓમાંનો એક ગણાતો. થેવેનો કહે છે તેમ એ એક નાના શહેર જેવો હતો."

એમ.એસ. કમિસેરિયેટલિખિત 'હિસ્ટ્રી ઑફ ગુજરાત'માં લખવામાં આવ્યું છે કે, "અહમદશાહે જ્યારે ઈ.સ. 1411માં અમદાવાદની સ્થાપના કરી ત્યારે 53 ફૂટનો માણેકબુરજ બંધાવ્યો હતો અને શહેરનો પાયો નાખ્યો હતો. પછી તરત જ ભદ્રના વિશાળ કિલ્લાને બાંધવાની શરૂઆત કરી દેવામાં આવી હતી."

એમ.એસ. કમિસેરિયેટ તેના બાંધકામને ટાવર ઑફ લંડન અને ફ્રેન્ચ બૅસ્ટિલ સાથે સરખાવે છે.

તેઓ લખે છે, "ભદ્રનો કિલ્લો આકારમાં ચોરસ હતો અને તેને ઘણા દરવાજા હતા. આ ઇમારત લાંબા સમય સુધી શહેરનું મુખ્ય મથક બની રહી. અહીં સુલતાનોના અને મુઘલોના વાઇસરૉયના પૅલેસ બન્યા અને શહેરનું સંચાલન થતું રહ્યું."

ભદ્રનો કિલ્લો સુલતાનોનો રંગમંચ કહેવાતો, પણ એ સિવાય અહીં ગુનેગારોને ફાંસી પણ આપવામાં આવતી હતી.

કિલ્લા પછી શહેર વિસ્તર્યું, કોટ બંધાયો?

ગુજરાતનો ઇતિહાસ- ભાગ 5 સલ્તનતકાળમાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે, "ભદ્રનો કિલ્લો પશ્ચિમે નદીના તટ સુધી હતો."

ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસમાં એન.એન. આચાર્ય લખે છે કે, "તેની આસપાસ ધીરેધીરે શહેર વસતું ગયું અને પછી આવેલા મહમદ બેગડાએ શહેર વસ્યા પછી શહેરની વસ્તીને અનુકૂળ શહેરની ફરતે કોટ બંધાવ્યો."

જોકે, સંપૂર્ણ કોટ કોણે બંધાવ્યો અને ક્યારે બંધાવ્યો તેના અંગે પણ અનેક મતમતાંતરો છે.

મહમદ બેગડાએ નગરની ફરતે કોટ અને ઘણા દરવાજા બનાવીને નગરને સુરક્ષિત બનાવ્યું.

જમાલપુર, મહુધા, આસ્ટોડિયા, રાયપુર, શાહપુર, હાલિમ, દિલ્હી, દરિયાપુર, પ્રેમ, કાલુપુર, પાંચકૂવા, સારંગપુર નામના દરવાજા એક પછી એક નિર્માણ પામતા રહ્યા.

આમ, ઐતિહાસિક વિગતો પરથી એ સ્પષ્ટ થાય છે કે અહમદશાહે કોટ બંધાવ્યા પછી શહેર વસ્યું અને ધીમેધીમે વધીને મહમદ બેગડાના સમયમાં કોટ બંધાવવા સુધી પહોંચ્યું.

આજની તારીખે અમદાવાદમાં હવે કોટની જગ્યા મોટે ભાગે દુકાનો અને બાંધકામોએ લઈ લીધી છે. જ્યાં અવશેષો દેખાય છે એ કોટ ઇતિહાસકારો પ્રમાણે ઓગણીસમી સદીમાં કોટના સમારકામ પછીના છે.

ભદ્ર વિકસ્યો, અને ફરી સમેટાતો ગયો

'ગુજરાતનું પાટનગર અમદાવાદ' પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે, "ભદ્રનો કિલ્લો એટલે અમદાવાદનો રાજગઢ, પણ હવે તે રાજગઢ નથી."

આજનો ભદ્રનો કિલ્લો એ મૂળ સ્થાપિત કિલ્લો નથી અને કાળક્રમે તેમાં અનેક રૂપાંતરણ થઈ ગયા હોય તેવું પ્રતીત થાય છે.

રત્નમણિરાવ ભીમરાવ લખે છે, "મહમદ બેગડાએ બંધાવેલો ચાંપાનેરનો કિલ્લો જોઈએ ત્યારે એવું લાગે છે કે અમદાવાદનો કિલ્લો હાલમાં જેવો છે એવો નહીં હોય. કોઈ પ્રાચીન કિલ્લાની જગ્યાએ અહમદશાહે આ કિલ્લો બાંધ્યો હોય તેવું પણ માની શકાતું નથી અને ભદ્રકાળીનું મંદિર પણ એટલું પ્રાચીન નથી. મુઘલકાળની શરૂઆતમાં જે જૂના બાદશાહી મહેલો પડી ગયા હતા તે જહાંગીર આવ્યો એ પહેલાં સમારાવી દેવામાં આવ્યા હતા. આથી, આજ સુધીમાં આ કિલ્લાના અનેક રૂપાંતર થઈ ગયાં હશે."

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની વેબસાઇટ પ્રમાણે, "સમયાંતરે નગરમાં ભદ્ર પછી અનેક સ્થાપત્યો ઉમેરાતાં ગયાં. 1487ની સાલમાં શહેરનો ફેલાવો છ માઈલ જેટલો હતો અને શહેરને 12 દરવાજા અને મુખ્ય 189 વસાહતો હતી. સમયાંતરે શહેર બહારની બાજુએ વિકસતું ગયું અને કિલ્લાનો ભાગ એ ભદ્ર પૂરતો સીમિત થઈ ગયો."

આ વર્ણનોને આધારે સરખામણી કરીએ તો આજે લાલ દરવાજા માર્કેટની બાજુમાં અનેક ઇમારતો વચ્ચે ઢંકાઈ ગયેલો કિલ્લો કેટલો નાનો છે એ કલ્પી શકાય તેવું છે.

ત્યાર બાદ 1725માં મરાઠાઓએ અમદાવાદ પર આક્રમણ કર્યું હતું અને 1753થી અમદાવાદ મરાઠા શાસન હેઠળ આવ્યું હતું. પેશ્વા અને ગાયકવાડનું સહિયારું શાસન શરૂ થયું.

કમિસેરિયેટલિખિત 'હિસ્ટ્રી ઑફ ગુજરાત'માં લખવામાં આવ્યું છે કે, "ધીમેધીમે મોટાં ભાગનાં સ્થાપત્યો અહીંથી નામશેષ થતાં ગયાં. દક્ષિણ પશ્ચિમમાં અહમદશાહની અંગત મસ્જિદ અને ઉત્તર-પૂર્વમાં સીદી સૈયદની સુંદર મસ્જિદ જ બચી."

"પછીના સમયમાં ગુજરાત પર મરાઠાઓએ આક્રમણ કર્યું અને 18મી સદીમાં એ જ મરાઠાઓ ભદ્રમાં ઘર બાંધીને ઠરીઠામ થયા."

'ગુજરાતનું પાટનગર અમદાવાદ'માં લખવામાં આવ્યું છે તેમ, "વર્ષ 1824 સુધી પણ ભદ્રના કિલ્લામાં અંદાજે 618 ઘર હતાં. 1878માં તે ઘટીને 162 ઘર થઈ ગયાં અને કાળક્રમે તે એનાથી પણ ઓછાં થઈ ગયાં. અને વર્તમાનમાં તો તેનું માહાત્મ્ય માત્ર ભદ્રકાળી મંદિરને લીધે જ રહ્યું છે."

અમદાવાદમાં અનેક સ્થાપત્યો આજે પણ જોવા મળે છે

ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસમાં એન.એન. આચાર્ય લખે છે કે, "કિલ્લાનો મુખ્ય દરવાજો રાજમહેલની પાસે હોવાની માન્યતા છે, જે લાલ દરવાજાના નામે ઓળખાતો. હાલમાં તે દરવાજો અસ્તિત્વમાં નથી. આ દરવાજો સિદી સૈયદની મસ્જિદને અડીને હતો. કિલ્લાની અંદર બાદશાહ અહમદશાહે બનાવેલી મસ્જિદ આજે પણ જોવા મળે છે."

તેઓ લખે છે, "આ મસ્જિદનું બાંધકામ ઈ.સ. 1414માં પૂર્ણ થયું હતું. મસ્જિદમાં અરબી-ફારસીમાં લખાયેલો લેખ જોવા મળે છે. આ કિલ્લાની પૂર્વ બાજુએ આવેલું મેદાન કારંજના નામે ઓળખાય છે. તેની પશ્ચિમ બાજુનો દરવાજો ભદ્રનો દરવાજો કહેવાતો. તેની પૂર્વ બાજુએ ત્રણ દરવાજાની ઇમારત આવેલી છે. આ મેદાનમાં લશ્કરી કવાયતો યોજાતી."

ગુજરાતનો ઇતિહાસ- ભાગ 5 સલ્તનતકાળમાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે, "હાલના ભદ્રકાળીના મંદિરની દક્ષિણે આવેલો આઝમખાંનો મહેલ ગુજરાતના સૂબા આઝમખાંએ 1637માં ભદ્રના દરવાજાની દક્ષિણ બાજુની દીવાલ તોડીને બાંધ્યો હતો."

"નદી કિનારાથી ભદ્રના દરવાજાવાળી દીવાલ સુધી વિસ્તરેલા આ કિલ્લાની આગળ મોટું ચોગાન હતું, એને 'મેદાને શાહ' કહેતા. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 620 વાર અતે પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 370 વાર હતી. મેદાનમાં મોટો હોજ-ફુવારો હતો જ્યાં બેસી બાદશાહ શુક્રવારની ગુજરી લેતા. આ મેદાનમાં અમલદારો ચોગાનની રમત રમતા. મેદાનની પૂર્વે ત્રણ દરવાજા આવેલા છે, જ્યાંથી શહેરમાં જવાય છે.

"ભદ્ર પરની પ્રખ્યાત ઘડિયાળ આઠ હજારના ખર્ચે મૂકવામાં આવી હતી."

ઇતિહાસના નિવૃત્ત પ્રોફેસર ડૉ. થોમસ પરમાર અમદાવાદ-ગાથા ડૉક્યુમેન્ટરીમાં કહે છે, "ભદ્રના કિલ્લા પર વર્ષ 1849ની સાલમાં ક્લૉક ટાવર મૂકવામાં આવ્યો હતો અને અમદાવાદમાં વીજળીની શરૂઆત પણ આ ટાવરથી થઈ હતી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.