અમદાવાદ : 'જ્યારે મારી નજર સામે 1857ના વિપ્લવનો ઇતિહાસ જમીનમાંથી નીકળ્યો'

    • લેેખક, કલ્પિત ભચેચ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

1857માં દેશભરમાં સિપાહીઓએ અંગ્રેજ અધિકારીઓ સામે બળવાનું બ્યૂગલ ફૂંકી દીધું હતું, એ સમયે ગુજરાતીઓએ પણ અંગ્રેજો સામે હથિયાર ઉપાડી લીધા હતા, પરંતુ તેમના પ્રદાન તથા એ સમયની ઘટનાઓ અંગે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે.

આવું જ એક પ્રકરણ અમદાવાદમાં લખાયું હતું, જેમાં સાત સૈનિકોએ અંગ્રેજ અધિકારીઓ સામે બળવો પોકાર્યો હતો.

18 વર્ષ અગાઉ એ પ્રકરણની કેટલીક યાદો મારી નજર સામે જમીનમાંથી બહાર નીકળી હતી.

આજે પણ એ દિવસને યાદ કરું છું તો શરીરમાં રોમાંચ વ્યાપી જાય છે.

ભયાનક ભૂકંપ પહેલાંનો દિવસ

ઇતિહાસકાર આશુતોષ ભટ્ટ અને હું અમદાવાદથી લગભગ 20 કિલોમીટર દૂર ચાંગોદર પાસે આવેલાં તાજપુર ગામ ખાતે પહોંચ્યા હતા.

ભટ્ટે વાંચ્યું હતું કે અંગ્રેજો સામે હથિયાર ઉઠાવનારા સાત ગુજરાતી (અલબત વર્તમાન સમય મુજબ) સૈનિકો સાથે સંકળાયેલી સ્મૃતિઓ ત્યાં છે.

અમે તાજપુર પહોંચ્યા, પરંતુ, ત્યાં કોઈ સ્મારક કે અવશેષ નજરે ન પડ્યા.

મને થોડી હતાશા થઈ, પરંતુ ભટ્ટને વિશ્વાસ હતો કે તાજપુરમાં સાત સૈનિકોના સ્મૃતિચિહ્નો છે.

અમારા આગમનના કારણની જાણ થતા થોડીવારમાં કેટલાક લોકો ત્યાં એકઠાં થઈ ગયા હતા.

ભટ્ટ તેમની સાથે ઇતિહાસના બે પુસ્તક લાવ્યા હતા. તેમણે પુસ્તક વાચીને કેટલીક જગ્યાએ ખોદકામ કરવા કહ્યું.

ભટ્ટના નિર્દેશના આધારે ગ્રામજનોએ ખોદકામ શરૂ કર્યું. એ સમયે મારી ઉંમર 37 વર્ષની હશે, એટલે હું પણ પાવડો લઈને તેમની સાથે જોડાઈ ગયો.

મને બરાબર યાદ છે, એ દિવસ 25મી જાન્યુઆરી 2001નો હતો. બીજા દિવસે રાજ્યમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો.

અગાઉ ક્યારેય ન જોયાં હોય તેવા ભયાનક દૃશ્યો મેં મારી સગી આંખે અને કૅમેરાની આંખે જોયાં.

રત્નાજી ઠાકોર અને રંગાજીનો બળવો

તા. 29મી માર્ચ 1857ની સાંજે ભારતીય સૈનિક મંગલ પાંડેયએ અંગ્રેજ અધિકારીને ગોળી મારી, આ સાથે જ ભારતભરના સૈનિકોના આક્રોશને વાચા મળી અને તેમણે અંગ્રેજો સામે હથિયાર ઉઠાવી લીધા.

મંગલ પાંડેયને તો ફાંસીના માંચડે લટકાવી દેવાયા, પરંતુ તેમણે જે બળવાનું બ્યૂગલ ફૂંક્યું તેણે અનેક ભારતીય સૈનિકોના દિલમાં ક્રાંતિની ભાવનાને જાગૃત કરી દીધી.

મેરઠ, લખનૌ, અવધ, અને દિલ્હી સહિત સમગ્ર દેશમાં સૈનિકો દ્વારા બળવાની ઘટનાઓ નોંધાવા લાગી.

અમદાવાદની સૈન્ય છાવણી પણ તેમાંથી બાકાત ન હતી.

મ્યુનિસિપલ કૉર્પોરેશન હેરિટેજ ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ. હેમંત ભટ્ટના મતે તાજપુરનું પ્રકરણ ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામનું 'સોનેરી પ્રકરણ' છે.

તા. 9મી જુલાઈ 1857ના દિવસે અંગ્રેજોની એક ટૂકડીએ અમદાવાદ નજીક સરખેજ ખાતે ડેરાતંબુ તાણ્યા હતા.

રત્નાજી ઠાકોર અને રંગાજીએ અંગ્રેજ અધિકારીઓ સામે બળવો પોકાર્યો અને પોતાના ઘોડા ઉપર છાવણીમાંથી નીકળી ગયા.

જૂન મહિનામાં જ અમદાવાદમાં 7મી બટાલિયનના સૈનિકોએ બળવો કર્યો હતો, પરંતુ તેને તરત જ ડામી દેવાયો હતો.

એટલે અંગ્રેજો વધુ સતર્ક હતા. તરત જ એક ટૂકડીએ તેમનું પગેરું દાબ્યું, અંતે તાજપુર ખાતે સાતેય સૈનિકોને આંતરી લેવાયા.

બંને પક્ષો વચ્ચે સામ-સામે ગોળીબાર થયો, જેમાં સાતેય ભારતીય સૈનિકનાં મૃત્યુ થયાં. ત્યારબાદ ગ્રામીણોએ તેમની યાદમાં પાળિયા બાંધ્યા હતા.

બે કલાકની તનતોડ મહેનત

લગભગ બે કલાક સુધી મેં તથા અન્ય ગ્રામીણોએ ઉત્ખનન કર્યું, ત્યારબાદ અમારી નજર સામે રુંવાડા ખડા કરી દે તેવું દૃશ્ય ઊભું થયું.

ગુજરાતી પરંપરા પ્રમાણે પરાક્રમ કરીને મૃત્યુ પામેલા શૂરવીરોની યાદગીરીમાં બનાવાયેલા ચાર પાળિયા નજરે પડ્યા.

ફોટો જર્નાલિસ્ટ તરીકેની લગભગ ત્રણ દાયકાની કારકિર્દીમાં જે થોડા પ્રસંગે દિલ અને દિમાગ ઉપર છપાય ગયા છે, તેમાંથી એક આ હતો.

લગભગ 1500 જેટલી વસતિ ધરાવતા તાજપુરના માજી સરપંચ શંભુભાઈ ઠાકોર કહે છે:

"2001માં રાજ્ય સરકાર દ્વારા શહીદ સ્મારક ઊભું કરવામાં આવ્યું, ત્યારે પહેલી વખત ગુજરાતના રાજ્યપાલ આવ્યા હતા."

"ત્યારબાદ સરકારના પ્રધાનો પણ આ સ્મારકની મુલાકાતે આવે છે. સ્મારક સુધી જવાનો પાક્કો રસ્તો છે, પરંતુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની માગ આજે પણ પડતર છે."

દર વર્ષે 9મી જુલાઈ પ્રથમ સ્વતંત્રતા ચળવળના નાયકોને ગ્રામજનો દ્વારા પુષ્પાંજલિ આપવામાં આવે છે.

ગુજરાતની અન્ય કેટલીક ઘટનાઓ

જુલાઈ, 1857માં પંચમહાલ, દાહોદ તથા ગોધરામાં અંગ્રેજ સરકાર સામે બળવાની અનેક ઘટનાઓ નોંધાઈ.

સ્થાનિકોની મદદથી સૈનિકોએ કંપની સરકારની અનેક કચેરીઓ ઉપર કબજો કર્યો. પંચમહાલમાં નાયકડાઓનો સંગ્રામ લગભગ એક વર્ષ સુધી ચાલુ રહ્યો હતો.

આણંદના મુખી ગરબડદાસ પટેલે લગભગ બે હજાર લોકોની મદદથી અંગ્રેજો સામે સંગ્રામ હાથ ધર્યો અને તેમને હંફાવ્યા.

ઓખામંડળ તથા બારાડી પ્રદેશમાં જોધા માણેક અને મૂળુ માણેકના નેતૃત્વમાં વાઘેરોએ અંગ્રેજો સામે ચળવળ હાથ ધરી હતો.

સમગ્ર વિસ્તાર ઉપર ફરી કબજો કરતા અંગ્રેજોને લગભગ દોઢેક વર્ષનો સમય લાગી ગયો હતો.

ઇતિહાસકાર ડૉ. રિઝવાન કાદરીના મતે, "1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે તાજપુર જેવા અનેક પ્રસંગ ગુજરાતમાં બન્યા હતા."

"તેને સમાજ સમક્ષ મૂકવા જરૂરી છે અને આ દિશામાં ઇતિહાસના સંશોધકો દ્વારા વધુ ખેડાણ થાય તે ઇચ્છનીય છે."

અંગ્રેજ અધિકારીઓ વિરુદ્ધ ભારતીય સૈનિકોના બળવાએ સ્વતંત્ર ભારતની લડાઈ માટેનો તખ્તો તૈયાર કર્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યો.

અંતે તા. 15મી ઑગસ્ટ 1947ના દિવસે દેશે અંગ્રેજોના શાસનમાંથી આઝાદી મેળવી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો