You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વર્લ્ડ કપમાં હારની નિરાશા વચ્ચે આ રીતે વિસરાયો દુતી ચંદનો ગોલ્ડમૅડલ
9 જુલાઈ, મંગળવાર.
"મેં ગોલ્ડમેડલ જીતી લીધો છે."
10 જુલાઈ, બુધવારની સાંજ.
"ઓગ શિ*! રોહિત આઉટ! કોહલી આઉટ!"
ભારતીયોની નજર ટીવી પરથી જરા પણ હઠતી નહોતી. ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલ મૅચ ચાલી રહી હતી અને મૅચ એવી હતી કે લોકોના શ્વાસ અટકી ગયા હતા. જેમ-જેમ ખેલાડીઓ આઉટ થઈ રહ્યા હતા, લોકોનું ટેન્શન વધી રહ્યું હતું.
આખરે એ જ થયું, જેનો ડર હતો. ભારત ન્યૂઝીલૅન્ડ સામે હારીને વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું. બાદમાં દરેક જગ્યાએ નિરાશાનો માહોલ હતો. સોશિયલ મીડિયા પર લોકો પોતાનું દુઃખ, ગુસ્સો અને ક્રિકેટ માટેની જાણકારી પ્રદર્શિત કરતાં જણાયા.
કોઈ ધોનીને દોષ આપી રહ્યું હતું તો કોઈ કોહલીને. આ દોર હજુ અટક્યો નથી.
હવે પાછા ફરીએ 9 જુલાઈ તરફ, જ્યાંથી આપણે શરૂઆત કરેલી. આ ટ્વીટ ભારતના સ્ટાર સ્પ્રિન્ટર દુતી ચંદે કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દુતીએ આ ટ્વીટ ઈટાલીમાં ચાલી રહેલા વર્લ્ડ યુનિવર્સિયાડમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યા બાદ કરેલું. તેમણે 11.32 સેકન્ડમાં 100 મિટરની દોડ પૂરી કરી અને ગોલ્ડમેડલ પોતાને નામ કરી લીધો.
ભારતની રેકર્ડ હોલ્ડર દુતી યુનિવર્સિયાડમાં ટ્રૅક ઍન્ડ ફિલ્ડમાં ગોલ્ડમૅડલ જીતનારાં પ્રથમ ભારતીય મહિલા બની ગયાં છે. એટલે કે આ ઉપલબ્ધિ તેમનાં અગાઉ કોઈ જ મહિલા ખેલાડીને હાંસલ થઈ નથી.
એટલું જ નહીં, પુરુષ વર્ગમાં પણ હજુ સુધી માત્ર એક જ ભારતીય ખેલાડીને આ સફળતા હાંસલ થઈ છે. વર્ષ 2015માં ભારતીય ખેલાડી ઇંદરજિત સિંહે શૉટપુટમાં ગોલ્ડમૅડલ જીત્યો હતો.
તો સરવાળે હિમા દાસ બાદ દુતી ચંદ એવા માત્ર બીજા મહિલા ખેલાડી છે જેણે વૈશ્વિક ટુર્નામેન્ટમાં ગોલ્ડ જીત્યો હોય. ભારતનાં હિમા દાસે ગયા વર્ષે વર્લ્ડ જુનિયર ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં 400 મિટર રેસમાં સુવર્ણપદક જીત્યો હતો.
ક્રિકેટના દુઃખમાં દુતીની જીત ગુમનામ
આ બધા જ રેકર્ડ જોઈએ તો ખબર પડે છે કે દુતી ચંદની આ સિદ્ધિ કેટલી શાનદાર છે. પરંતુ ભારતીયો કદાચ ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પોતાની ટીમની હારથી એટલા દુઃખી હતાં કે દુતીની જીત તેમને દેખાઈ જ નહીં.
જ્યારે દુતીએ ટ્વિટર પર પોતાની તસવીર શૅર કરી ત્યારની આ સ્થિતિ હતી. તેમણે લખ્યું હતું, "તમે મને જેટલી પાછળ ખેંચશો, હું એટલી જ મજબૂતી સાથે પાછી આવીશ."
યુનિવર્સિયાડને ઑલિમ્પિક પછીની દુનિયાની સૌથી મોટી ટુર્નામેન્ટ માનવામાં આવે છે. તેમાં 150 દેશના ખેલાડીઓ ભાગ લે છે. ત્યારે આ દુતી ચંદની ઉપેક્ષા કરવામાં આવી.
સ્વિટ્ઝર્લૅન્ડનાં ડેલ પૅન્ટ બીજા ક્રમે રહ્યાં અને જર્મનીના ક્કાયાઈ આ રેસમાં ત્રીજા સ્થાને રહ્યાં. દુતીએ તેમની તસવીરો પણ ટ્વિટર પર શૅર કરી હતી.
જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ખેલમંત્રી કિરેન રિજીજુનું ધ્યાન દુતી ચંદ તરફ જરૂર ગયું.
બે દિવસ પસાર થયા બાદ ધીરેધીરે લોકોની નજર હવે દુતી ચંદની જીત તરફ જઈ રહી છે. સોશિયલ મીડિયા પર કહેવાઈ રહ્યું છે - All is not lost એટલે કે બધું જ નથી ગુમાવ્યું.
પરંતુ કડવું સત્ય એ છે કે દુતીની આ જીતનું જેટલા ઉત્સાહથી સ્વાગત થવું જોઈએ એટલું થયું નહીં.
લડાઈ માત્ર ટ્ર્રૅક પર નહીં
આ એ જ દુતી ચંદ છે જેમણે થોડા સમય પહેલાં પોતે સમલૈંગિક હોવાનું અને એક છોકરી સાથે સંબંધ હોવાનું સાર્વજનિક રીતે સ્વીકાર્યું હતું.
દુતી પહેલા એવા ભારતીય ખેલાડી છે જેમણે પોતાની સેક્સુઆલિટી અંગે જાહેરમાં વાત કરી હોય. તે માટે ભારતથી લઈને દુનિયાભરમાં તેમનાં વખાણ થયાં.
ઓડિશાના એક ગામ અને ગરીબ પરિવારમાંથી આવતી એક છોકરીએ પોતાના અંગત જીવન પર ખૂલીને બોલીને સમલૈંગિક અધિકારોનું પણ આગળ આવીને સમર્થન કર્યું.
અગાઉ પણ દુતીએ એક લાંબી મુશ્કેલ લડાઈ લડી છે. વર્ષ 2014માં તેમને છેલ્લી ઘડીએ કૉમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેતાં અટકાવી દીધાં હતાં. તેનું કારણ હતું હાઇપરએન્ડ્રોજિનેઝમ. હાઇપરએન્ડ્રોજિનેઝમ એ એક એવી અવસ્થા છે જ્યારે કોઈ છોકરી કે મહિલામાં પુરુષ હૉર્મોન્સ (ટેસ્ટોસ્ટેરૉન)નું સ્તર એક સીમાથી વધી જાય છે.
હાઇપરઅન્ડ્રોજિનેઝમને કારણ બનાવીને દુતીને કૉમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેતાં અટકાવ્યાં હતાં. કહેવામાં આવ્યું હતું કે જો દુતી ટુર્નામેન્ટમાં ભાગ લેશે તો એ બાકીનાં મહિલા પ્રતિસ્પર્ધીઓને અન્યાય હશે.
આ ઉપરાંત દુતીએ પોતાની લડાઈ યથાવત્ રાખી છે અને વર્ષ 2015માં નિયમ બદલાઈ ગયા, અને દુતીએ ફરી એક વખત જુસ્સા સાથે રમતમાં વાપસી કરી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો