You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'અમે જે યાતના ભોગવી છે, તે ગુનેગારોના પરિવાર પણ ભોગવે તે જરૂરી છે' - અમિત જેઠવાના પિતા
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી અને અમદાવાદ
સીબીઆઈની વિશેષ અદાલત દ્વારા દલિત આરટીઆઈ ઍક્ટિવિસ્ટ અમિત જેઠવા મર્ડર કેસમાં ભાજપના પૂર્વ સંસદસભ્ય દિનુ બોઘા સોલંકીને જનમટીપની સજા ફટકારવામાં આવી છે.
આ સિવાય તેમના ભત્રીજા શિવા સોલંકી, શૂટર શૈલેશ પંડ્યા તથા અન્ય ચાર આરોપીઓને જનમટીપની સજા ફટકારવામાં આવી છે.
તા. છઠ્ઠી જુલાઈએ ગુનેગારોને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની સજાની સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી.
જેઠવાએ ગીરના જંગલોમાં ચાલતા ખનન સંદર્ભે કેટલીક આરટીઆઈ અરજીઓ દાખલ કરી હતી.
જુલાઈ-2010માં અજાણ્યા શખ્સોએ અમદાવાદમાં ગોળી મારી જેઠવાની હત્યા કરી હતી.
'10 વર્ષની લડતનો સંતોષ'
ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતાં અમિત જેઠવાના પિતા ભીખાભાઈએ કહ્યું :
"ન્યાય માટે 10 વર્ષથી મારી લડાઈ ચાલી રહી હતી. આ ચુકાદાથી સંતોષ મળ્યો છે અને આનંદ છે."
"અમે જે યાતના ભોગવી છે, તે ગુનેગારોના પરિવાર પણ ભોગવે તે જરૂરી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"કોર્ટે જે રકમ ચૂકવવા માટે કહ્યું છે, તેનો ઉપયોગ અમિતના પુત્ર-પુત્રીના ભણતર માટે ખર્ચીશ."
અમિતનાં પુત્રી એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરી રહ્યાં છે. જો દોષિતો ઉપરની કોર્ટના દરવાજા ખખડાવે તો તેને પડકારવાની તૈયારી ભીખાભાઈ ધરાવે છે.
105 સાક્ષી સામે કાર્યવાહી
કોર્ટની કાર્યવાહી દરમિયાન લગભગ 105 સાક્ષી ફરી ગયા હતા. તેમની સામે કાર્યવાહી હાથ ધરવાનો આદેશ કોર્ટે આપ્યો છે. અમુક સાક્ષીઓએ 164 હેઠળ નિવેદન આપ્યા હતા.
ભીખાભાઈએ કહ્યું, "કદાચ ધાકધમકી અને ડરને કારણે 164 હેઠળ નિવેદન નોંધાવવા છતાં ફરી ગયા હશે. તેમની સામે કાર્યવાહી કરવાના આદેશથી હું ખુશ છું."
"જે સાક્ષીઓ દબાણ હેઠળ પણ ઝૂક્યા નહીં અને નિવેદન આપ્યાં, તેમનો આભાર માનું છું."
CrPC (ક્રિમિનલ પ્રોસિજર કૉડ)ની કલમ 164ની જોગવાઈ પ્રમાણે, મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યા હતા. કાયદાકીય જોગવાઈઓ
ગુનેગારો સામે ચુકાદાને હાઈકોર્ટમાં અને જો તેના ચુકાદાથી સંતોષ ન થાય તો તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવાના કાયદાકીય વિકલ્પ રહેશે.
નવ વર્ષ પહેલાં હત્યા
અમદાવાદની ડિટેક્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હત્યાકેસની તપાસ હાથ ધરવામાં આવી હતી.
જેણે ભાજપના નેતા દિનુ સોલંકીને ક્લિનચીટ આપી હતી અને તેમના ભત્રીજા શિવા સોલંકી સહિત પાંચ અન્ય સામે આરોપનામું દાખલ કર્યું હતું.
સોલંકીને ક્લિનચીટ સામે અમિત જેઠવાના પિતા ભીખાભાઈએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ઉચ્ચ અદાલતે આ કેસમાં સીબીઆઈ તપાસના આદેશ આપ્યા હતા.
ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમિત જેઠવા મર્ડર કેસમાં સીબીઆઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. વર્ષ 2013માં સીબીઆઈએ દિલ્હીથી સોલંકીની ધરપકડ કરી હતી.
સીબીઆઈ કોર્ટના સ્પેશિયલ જજ કે. એમ. દવેએ આરોપી શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણ સહિત સાતને દોષિત ઠેરવ્યા હતા.
જેઠવાએ ભાજપના તત્કાલિન સાંસદ દિનુ સોલંકી સામે વર્ષ 2009માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.
હાઈકોર્ટની સામે હત્યા
દલિત આરટીઆઈ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) ઍક્ટિવિસ્ટ અમિત જેઠવાએ ગીરના જંગલમાં ચાલી રહેલા ગેરકાયેદસર ખનનનો પર્દાફાશ કરવા માટે ચળવળ હાથ ધરી હતી.
તા. 20મી જુલાઈ, 2010ના સાંજેના સમયે ગુજરાત હાઈકોર્ટની સામે અજાણ્યા શખ્સોએ જેઠવાની (ઉં.વ.42) ગોળી મારીને હત્યા કરી નાખી હતી.
જેઠવા પહેલાં સરકારી કર્મચારી હતા, પરંતુ 1956-'96માં તેમને ફરજ પરથી હઠાવી દેવાયા હતા.
અમરેલી, જૂનાગઢ તથા ગીર-સોમનાથ જિલ્લામાં એશિયાઈ સિંહો વસવાટ કરે છે. તેમના વિસ્તાર સમાન ગીરના જંગલોમાં ગેરકાયદેસર ખનન સહિતની ગેરરીતિઓ સામે જેઠવાએ ચળવળ હાથ ધરી હતી.
આ માટેની માહિતી એકઠી કરવા તેમણે આરટીઆઈનો 'હથિયાર' તરીકે ઉપયોગ કર્યો હતો.
જેઠવાની હત્યા બાદ આરટીઆઈ ઍક્ટિવિસ્ટ્સને સુરક્ષા આપવા માટે વિશેષ બિલ રજૂ થયું હતું, પરંતુ તે કાયદાનું સ્વરૂપ ધારણ કરી શક્યું ન હતું.
જોકે, કેટલાક લોકોએ જેઠવાની કાર્યપ્રણાલી સામે સવાલ ઉઠાવ્યા હતા. કેટલીક કંપનીઓ તથા વ્યક્તિઓએ માહિતીના આધારે જેઠવાએ ધમકાવવાનો પ્રયાસ કર્યો હોવાના આરોપ મૂક્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો