You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વર્લ્ડ કપ : સેમિફાઇનલમાં ભારતની હાર એ ધોનીની કારકિર્દીનો અંત છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ન્યૂઝીલૅન્ડ સામે પરાજય બાદ ભારત વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે.
આ પરાજય સાથે ત્રીજી વખત વર્લ્ડ કપ જીતવાનું ભારતનું સપનું રોળાઈ ગયું હતું. ટોપ-ઑર્ડર નિષ્ફળ રહ્યો હતો.
છતાં ફરી એક વખત ધોનીની ધીમી ઇનિંગની વાત શરૂ થઈ, જે તેમના રિટાયરમૅન્ટની ચર્ચા સુધી પહોંચી છે.
ધોનીએ રવિવારે તેમનો 38મો જન્મદિવસ ઉજવ્યો અને ઉંમરને ધ્યાને લેતા, તેઓ આગામી કેટલી શ્રેણીઓ રમે તેના વિશે કશું કહી શકાય તેમ નથી.
ધીમી કે ઢીલી ઇનિંગ્ઝ ?
બુધવારે કૅપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા તથા કે. એલ. રાહુલ માત્ર એક-એક રન બનાવીને આઉટ થઈ ગયા હતા.
ત્યારે ફરી એક વખત ધોનીએ ધીરજભરી ઇનિંગ રમી હતી, જે કેટલાકના મતે ઢીલી ઇનિંગ હતી.
ક્રિકેટ પત્રકાર સાજ સાદિકે ટ્વીટ કર્યું કે, '9-10ની રન-રેટની જરૂર હતી, ત્યારે ધોનીએ અનેક બૉલ જવા દીધા હતા, જેના કારણે પંડ્યા તથા જાડેજા ઉપર દબાણ વધી ગયું હતું. ધોનીએ 69.44ની સ્ટ્રાઇક-રેટથી 72 દડામાં 50 રન બનાવ્યા.'
મૅચ બાદ કોહલીએ ધોની અંગે કહ્યું હતું કે 'ધોનીએ એક તરફનો છેડો સંભાળી રાખ્યો હતો, જ્યારે તેની સામેના બૅટ્સમૅને આક્રમક વલણ અખત્યાર કર્યું હતું.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'જે સંજોગ ઊભા થયા હતા, તે મુજબ એ વ્યૂહરચના બરાબર હતી.'
ફિટનેશ અને આક્રમકતા ક્યાં?
બીબીસી મરાઠીના કહેવા પ્રમાણે, ગાયકવાડના કહેવા પ્રમાણે, "ધોનીમાં હવે અગાઉ જેવી આક્રમક્તા જોવા નથી મળતી, એ વાત નિઃશંક છે. તેમની વિકેટકિપીંગમાં અગાઉ જેટલી સક્રિયતા નથી રહી."
48મી ઓવરમાં ટ્રૅન્ટ બૉલ્ટે ધોની તથા જાડેજાની જોડીને તોડી હતી. ભારતે 14 બૉલમાં 32 રન બનાવવાના હતા ત્યારે વિલિયમસને જાડેજાનો કૅચ પકડ્યો હતો.
ચાર દડા પછી માર્ટિન ગુપ્ટિલ પ્રભાવક રીતે સીધો થ્રૉ કરીને ધોનીને રનઆઉટ કર્યા હતા.
ન્યૂઝીલૅન્ડની ટીમના કૅપ્ટન કેન વિલિયમ્સને વિજય બાદ સંબોધેલી પત્રકાર પરિષદમાં ધોનીને 'વર્લ્ડ ક્લાસ ખેલાડી' કહ્યા હતા.
વિલિમ્સને કહ્યું, "મહત્ત્વપૂર્ણ તબક્કે તેમનો અનુભવ ખૂબ જ ઉપયોગી નિવડે છે. તેમણે હંમેશા પોતાનું પ્રદાન આપ્યું છે. જાડેજા સાથેની તેમની પાર્ટનરશિપ સુંદર રહી. તેઓ વર્લ્ડ ક્લાસ ક્રિકેટર છે.
શું તેઓ રાષ્ટ્રીયતા બદલવા અંગે વિચાર કરી રહ્યાં છે? તો અમ તેમને ટીમમાં સામેલ કરવા અંગે વિચારીશું."
ચાલુ વર્લ્ડ કપ દરમિયાન એવું અનેક વખત જોવા મળ્યું છે કે વિકેટની પાછળ બૉલ ઝિલ્યા બાદ ધોની તેમના ડાબા હાથને મસળ્યો હોય કે ઝાટકો આપીને ત્યાં 'કંઈક' થઈ રહ્યું હોવાના અણસાર આપ્યા હોય.
નિવૃત્તિ લેશે કે અપાશે?
બીબીસી મરાઠીના વિનાયક ગાયકવાડના કહેવા પ્રમાણે, "માત્ર એક મૅચ કે ટુર્નામેન્ટના આધારે ધોનીએ નિવૃત્તિ જાહેર કરવી જોઈએ કે નહીં, તે અંગેની ચર્ચા ન કરવી જોઈએ."
"સેમિફાઇનલમાં જે સ્થિતિમાં ભારત હતું, તેવા સંજોગોમાં સ્થિરતા માટે ધોની જરૂરી છે."
ધોનીએ 72 બૉલમાં 50 રનની ઇનિંગ રમી હતી. એક તબક્કે સરેરાશ નવની રનરેટથી રન બનાવવાના હોવા છતાં ધોનીએ કેટલાક બૉલ વેડફ્યા હતા.
ક્રિકેટ સ્ટેટેશિયન મઝહર અરશદે ટ્વિટર ઉપર લખ્યું, 'ધોનીની વ્યૂહરચના નથી સમજાતી.'
'તેઓ ચૅમ્પિયનચેઝર હશે, પરંતુ હમણાં-હમણાં તેઓ ક્રિઝ ઉપર રહે, તેનાથી ટીમને વધુ નુકસાન થાય છે.'
'આઠ ઓવરમાં 72 રનની જરૂર હોય, ત્યારે તમારે દમદાર શૉટ્સ મારવા જ ઘટે.'
માર્ગદર્શક 'માહી'
ધોનીની જેટલી જરૂર મેદાનમાં ખેલાડી તરીકે છે, એટલી જ જરૂર માર્ગદર્શક તરીકે પણ રહે છે.
સ્પૉર્ટ્સ જર્નાલિસ્ટ વિધાંશુ કુમારના કહેવા પ્રમાણે, "સ્થિતિ જોઈને પોતાને ઢાળવામાં ધોની માહેર છે."
"આ કામ ધોની જેટલું જાણે છે, તેટલું કદાચ જ અન્ય કોઈ બૅટસમૅન જાણે છે."
"તેઓ જરૂર પ્રમાણે ટીમના ખેલાડીઓને માર્ગદર્શન આપતા રહે છે અને ફિલ્ડિંગ પણ ગોઠવે છે. યુવા ખેલાડીઓ માટે તેઓ મૅન્ટર છે."
મૅચ પૂર્વેની હોય કે બાદની, મીડિયા ચર્ચા દરમિયાન અનેક યુવા ખેલાડીઓએ જાહેરમાં સ્વીકાર્યું છે કે ધોની તેમના 'માર્ગદર્શક' છે.
ખુદ કોહલી પણ કહે છે કે ધોની લિજેન્ડ છે અને ક્યારે કેવું વલણ અખત્યાર કરવું તે સારી રીતે જાણે છે.
ક્યારે અને કઈ રીતે?
ધોની વિશે એટલું બધું કહેવાયું અને સાંભળવા મળ્યું છે કે કોઈ વાત નવી લાગતી નથી, તેઓ ક્યારે કયો નિર્ણય તે અંગે કંઈ કહી ન શકાય.
બીસીસીઆઈ (ક્રિકેટ કંટ્રોલ બૉર્ડ ઑફ ઇંડિયા)ના અધિકારીએ મૅચ પૂર્વે નામ ન આપવાની શરતે ન્યૂઝ એજન્સી પીટીઆઈ (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇંડિયા)ને કહ્યું :
"ધોની અંગે કંઈ કહી ન શકાય, પરંતુ વર્લ્ડ કપ બાદ તેઓ રમવાનું ચાલુ રાખે તેવી શક્યતા નહિવત્ છે."
"ત્રણેય ફૉર્મેટમાંથી કપ્તાની છોડવાનો નિર્ણય અચાનક જ લીધો હતો, એટલે આ ઘડીએ કંઈ પણ કહેવું વહેલું ગણાશે."
ન્યૂઝીલૅન્ડ સામેની મૅચ બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં પણ ધોનીની નિવૃત્તિનો મુદ્દો છવાયેલો રહ્યો હતો, જ્યારે એક પત્રકારે પૂછ્યું કે ધોનીએ તેમના આગામી પગલા અંગે કંઈ કહ્યું છે?
તેના જવાબમાં ધોનીએ કહ્યું, "ના, તેમણે કશું નથી કહ્યું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો