You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગીરના આ સાવજો હવે ક્યારેય જંગલમાં પરત નહીં ફરી શકે, પાંજરામાં રહેશે કેદ
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
જૂનાગઢના દેવળિયા ઇન્ટરપ્રિટેશન ઝોન અને જસાધર પ્રાણી સારવાર કેન્દ્ર ખાતે પાંજરામાં પૂરાયેલાં 13 સિંહબાળ સહિતના 33 સિંહ પાંજરાની ગુલામીથી છૂટી તેમનાં જૂનાં રહેઠાણ તરફ જવા ગર્જનાઓ કરી રહ્યાં છે.
જોકે, આ સિંહો ક્યારેય જંગલમાં આઝાદીથી નહીં ફરી શકે અને પોતાના જૂના વસવાટ તરફ પણ નહીં જઈ શકે.
આ 33 સિંહ જિંદગી અને મોતનો જંગ જીતવામાં સફળ રહ્યા છે, પરંતુ તેમને મળેલું આ જીવનદાન હંમેશને માટે લોઢાના સળિયા પાછળ વીતવાનું છે
આ સિંહોને વનવિભાગ હવે જંગલમાં પરત છોડવા માગતું નથી.
એકાએક 23 સિંહોનાં મૃત્યુ
ગીરના 1600 ચોરસ કિલોમિટર વિસ્તારમાં એશિયાઈ સિંહો વસવાટ કરે છે.
ગીરના સિંહો પર વર્ષ 2018માં એવી ભયાનક આફત આવી હતી કે તેમનું અસ્તિત્વ ખતરામાં આવી ગયું હતું.
આ એવી જ આફત વર્ષ 1992-93માં આફ્રિકાના તાન્ઝાનિયામાં આવી હતી.
ત્યાંના સેરેન્ગેટી નેશનલ પાર્કમાં આ વાઇરસને કારણે થોડા સમયમાં જ એક હજાર સિંહોનાં મૃત્યુ થયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ આફત એટલે કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ (સીડીવી). ગીરમાં આ વાઇરસને કારણે માત્ર 20 દિવસની અંદર 23 સિંહનાં મૃત્યુ થઈ ગયાં હતાં.
ત્યારબાદ ગીરમાં વનવિભાગ દ્વારા સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું અને જેમાં 33 સિંહો એવા મળી આવ્યા જેમાં આ વાઇરસની અસર હતી.
તેમને તાત્કાલિક પ્રાણી સ્વાસ્થ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા અને સારવાર શરૂ થઈ.
આ અંગે ચીફ કન્ઝર્વેટિવ ફૉરેસ્ટ ઑફિસર દુષ્યંત વસાવડાએ કહ્યું, ''આ સિંહોને દેવળિયા રેસ્ક્યુ સેન્ટર અને જામવાળા રેસ્ક્યુ સેન્ટર ખાતે રાખવામાં આવ્યા છે.''
''છેલ્લા ઑક્ટોબર માસથી અત્યાર સુધીમાં આ સિંહોને રસીના ત્રણ ડોઝ આપવામાં આવ્યા છે. હાલમાં તેઓ સ્વસ્થ છે અને વનવિભાગની દેખરેખ હેઠળ છે.''
આ સિંહોને પાંજરામાં કેટલો સમય રખાશે એ સવાલના જવાબમાં વસાવડાએ કહ્યું કે આ સિંહોને ફરીથી જંગલમાં ક્યારેય છોડવામાં નહીં આવે.
તેમનું કહેવું છે કે આ સિંહોમાંથી અમુક સિંહબાળ પણ છે જેઓ લાંબા સમયથી પાંજરામાં રહેવાને કારણે શિકાર કરવાની કુશળતા કેળવી શક્યાં નથી.
વધુમાં વસાવડાએ કહ્યું કે આ સિંહોમાં ફરીથી સીડીવી (કેનાઈન ડિસ્ટેમ્પર વાઇરસ)ની અસર દેખાઈ શકે છે જે ખતરનાક છે. માટે તેમને જંગલમાં ક્યારેય છોડવામાં નહીં આવે.
શું છે CDV?
બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા ડૉ. ભરત જેઠવાએ જણાવ્યું, "કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ ખૂબ જ ખતરનાક અને જીવલેણ છે."
"મુખ્યત્વે આ વાઇરસ કૂતરાં અને બિલાડીઓમાં જોવા મળે છે. જે સિંહો જંગલની બહાર રખડતાં રખડતાં સ્થાનિક વિસ્તારમાં આવી જતા હોય અને કૂતરાં-બિલાડીના સંપર્કમાં આવતા હોય તેમનામાં આ વાઇરસ લાગુ પડવાની શક્યતાઓ વધી જાય છે."
આ મુદ્દે સ્થાનિક કાર્યકર્તા રાજન જોષીનું કહેવું છે કે ક્યારેક એવું પણ બને છે કે સિંહોના શિકારને કૂતરાં કે બિલાડી ખાતાં હોય છે. જ્યારે સિંહો ફરીથી તેમનો શિકાર ખાવા પરત ફરે છે ત્યારે આ વાઇરસ તેમના શરીરમાં ફેલાવવાની સંભાવના વધી જાય છે.
સિંહોમાં આ વાઇરસને ફેલાવતો અટકાવવાં શું પગલાં લેવાં જોઈએ એ અંગે જેઠવાએ જણાવ્યું, "આ વાઇરસને પહોંચી વળવા માટે રસી છે. જે રહેણાક વિસ્તારમાં સિંહોની અવરજવર હોય તે વિસ્તારના કૂતરાંને આ રસી આપવાથી આ સમસ્યાને પહોંચી વળાય છે."
પ્રાણીસંગ્રહાલય બનશે નવું ઘર
ડી. ટી. વસાવડાએ વાતચીતમાં જણાવ્યું કે આ 33 સિંહોને શક્કરબાગ કે પછી અન્ય કોઈ પ્રાણીસંગ્રહાલયમાં મોકલી દેવામાં આવશે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા નથી કરાઈ એટલા માટે આ સિંહો અહીં જ રહેશે.
વન્ય જીવોના સંરક્ષણ માટે કાર્યરત બાયૉલૉજિસ્ટ ડૉ. રવિ ચેલમે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે વન વિભાગે તેમને આટલા સમયથી પાંજરમાં રાખ્યા છે એટલે આ સિંહો પહેલેથી જ કેદમાં છે.
તેઓ કહે છે, "સિંહ એ જંગલી જાનવર છે. તેને આ રીતે પાંજરામાં પૂરવા યોગ્ય નથી. હવે તેને પ્રાણીસંગ્રહાલયોમાં મોકલી દેવામાં આવશે, પરંતુ તેઓ છેલ્લા ઘણા મહિનાથી પાંજરામાં જ જીવી રહ્યા છે."
ચેલમે એવું પણ જણાવ્યું કે ગીરના સિંહોના સ્થળાંતર મુદ્દે સુપ્રીમ કોર્ટે પણ આદેશ આપી દીધો છે, પરંતુ સરકાર તેનું પાલન નથી કરી રહી.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે વર્ષ 2013માં ગુજરાત સરકારને આદેશ અપાયો હતો કે ગીરના સિંહોને મધ્ય પ્રદેશ ખસેડી દેવામાં આવે.
ગુજરાતની તત્કાલીન મોદી સરકારે સુપ્રીમમાં દલીલ કરી હતી કે સિંહો 'ગુજરાતનું ગૌરવ' છે. તેને મધ્ય પ્રદેશ ખસેડવા યોગ્ય નથી.
ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ગીરના સિંહોના જીવન પર જોખમ તોળાઈ રહ્યું છે. તમામ પ્રયાસો કર્યા બાદ પણ તેમને આ મુશ્કેલીમાંથી ઉગારવામાં સરકાર નિષ્ફળ રહી છે.
ચેલમનું કહેવું છે કે વનવિભાગ પાસે આવું કર્યા સિવાય કોઈ બીજો રસ્તો જ નથી.
શું કહે છે કાયદો?
કોઈ પણ વન્ય પ્રાણીને પ્રાણીસંગ્રહાલયમાં સ્થળાંતરિત કરવાં હોય તો ઝૂ ઑથૉરિટીને જાણ કરવાની હોય છે.
તેમના દિશાનિર્દેશ બાદ જ કોઈ પ્રાણીને પ્રાણીસંગ્રહાલયમાં મોકલવામાં આવે છે.
સૅન્ટ્રલ ઝૂ ઑથૉરિટી (સીઝેડઓ) પર્યાવરણ અને વન મંત્રાલય હેઠળ આવે છે જેનું ગઠન 1992માં કરવામાં આવ્યું હતું.
સિંહોની જિંદગી પર કેટલું જોખમ?
વર્ષ 2008માં એશિયાટિક સિંહોને ઇન્ડેન્જર શ્રેણી હેઠળ સામેલ કરવામાં આવ્યા હતા.
મતલબ કે સિંહોનાં મૃત્યુને કારણે તેમની સંખ્યામાં સતત ઘટાડો થવાને કારણે એવું સાબિત થાય છે કે તેમના જીવન પર જોખમ તોળાઈ રહ્યું છે.
વર્ષ 2015ના આંકડા પર નજર કરીએ તો ગીરમાં સિંહોની કુલ સંખ્યા 523ની આસપાસ હતી.
જોકે, મીડિયા અહેવાલો પ્રમાણે ઑબ્ઝર્વેશનમાં સિંહોની સંખ્યા 700 નોંધાઈ હતી, જેમાંથી 240 જેટલાં સિંહબાળ હતાં. જેમની ઉંમર એકથી બે વર્ષની હોવાનું નોંધવામાં આવ્યું હતું.
'ગીર ફૉરેસ્ટ ઍન્ડ સાગા ઑફ ધી એશિયાટિક લાયન' નામના પુસ્તકમાં સુદિપ્તા મિત્રાએ ઉલ્લેખ કર્યો છે કે ગીરમાં એશિયાઈ સિંહોને સુરક્ષિત રાખવાનું શ્રેય જૂનાગઢના નવાબ સાહેબ સર મહોમ્મદ મહાબત ખાનજી ત્રીજાને જાય છે.
મુઘલો અને એમના પુરોગામી મુસ્લિમ સુલતાનો સિંહોના શિકારના શોખીન હતા, જેને કારણે જૂનાગઢમાં એશિયાઈ સિંહોની સંખ્યા ઘટવા લાગી હતી.
સિંહના અસ્તિત્વ પર તોળાઈ રહેલા જોખમનો ખ્યાલ આવતા તત્કાલીન જૂનાગઢ સ્ટેટે સિંહોને બચાવવા પગલાં લેવાનું શરૂ કરી દીધું.
1920માં જૂનાગઢની ગાદી સંભાળનારા મહાબત ખાન ત્રીજાએ સિંહને જૂનાગઢની અસ્મિતા સાથે જોડ્યા. તેમણે સિંહને 'રાજ્યાશ્રય' આપ્યો અને સિંહનો શિકાર બંધ કરાવ્યો.
એમના શાસન દરમિયાન 13 વર્ષમાં માત્ર એક વખત જ સિંહનો શિકાર થયો.
ત્યારબાદ એક સમયે જે ગીરમાં માત્ર 10થી 12 સિંહો જ બચ્યા હતા. ત્યાં હવે સિંહોની સંખ્યા ધીમેધીમે વધવા લાગી.
1950 આવતા સુધીમાં સિંહોની સંખ્યા 200નો આંકડો પાર કરી ગઈ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો