વર્લ્ડ કપ 2019: ...તો ભારત એક પણ બૉલ રમ્યા વિના ફાઇનલમાં પહોંચી જશે

    • લેેખક, નીતિન શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા, માન્ચેસ્ટરથી

ન્યૂઝીલૅન્ડ સામે સેમિફાઇનલ મૅચ રમવા માટે ભારત માન્ચેસ્ટર પહોંચી ગઈ છે.

શનિવારે શ્રીલંકા સામે ભારતની જીત અને ઑસ્ટ્રેલિયા સામે દક્ષિણ આફ્રિકાની જીત બાદ ભારત પૉઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું હતું.

આ સમીકરણને જોતા ભારતની મૅચ ન્યૂઝીલૅન્ડ સામે થવાની છે. હાલમાં ભારત અને ન્યૂઝીલૅન્ડની જીતના દાવા અંગે ચર્ચા થઈ રહી છે.

જોકે, આ સાંભળીને અચરજ જરૂર થશે કે મંગળવાર એટલે કે નવ જુલાઈના રોજ માન્ચેસ્ટરના ઑલ્ડ ટ્રેફૉર્ડ મેદાનમાં એક પણ બૉલ ફેંકાયા વિના ભારત ફાઇલનમં પહોંચી શકે છે.

જોકે, આ માટે ભારતીય ટીમ પર 'વરસાદની મહેરબાની' હોવી જરૂરી છે.

બ્રિટનના હવામાન વિભાગે મંગળવારના રોજ માનચેસ્ટરના આકાશમાં વાદળો છવાઈ રહેવાની આગાહી કરી છે.

આ પરિસ્થિતિમાં જો વરસાદ પોતાની 'રમત' બતાવે તો મૅચ રદ થઈ શકે છે.

તમારા મનમાં ક્યાંક 13 જૂનના રોજ ભારત-ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાયેલી મૅચનો તો ખ્યાલ નથી આવ્યો ને જ્યારે એક પણ બૉલ ફેંકાયા વિના મૅચ સમાપ્ત થઈ ગઈ હતી.

પરંતુ આ કોઈ લીગ રાઉન્ડ મૅચ નહીં, પરંતુ વર્લ્ડ કપ સેમિફાઇનલ છે. એટલા માટે તેમાં એક આરક્ષિત દિવસ રાખવામાં આવ્યો છે કે જેથી નિર્ધારિત દિવસે મૅચ ન થાય તો બીજા દિવસ એટલે કે 10 જુલાઈના રોજ મૅચ થાય.

મુશ્કેલી શું છે?

આમ છતાં સમસ્યા હવામાનને લઈને જ છે. બ્રિટનના હવામાન વિભાગની ભવિષ્યવાણી પર વિશ્વાસ કરવામાં આવે તો 10 તારીખના રોજનું હવામાન 9 તારીખ કરતાં વધુ ખરાબ રહેવાનું છે.

હવામાન વિભાગ અનુસાર આકાશમાં વાદળો છવાયેલાં રહેશે અને બપોર સુધીમાં હળવો વરસાદ થઈ શકે છે.

આ સંજોગોમાં જો નવ જુલાઈ અને 10 જુલાઈના રોજ પણ મૅચ ન રમાય તો પછી આ મૅચ નહીં થાય.

મતલબ કે 15 પૉઇન્ટ ધરાવતી ભારતીય ટીમ આપમેળે ફાઇનલમાં પહોંચી જશે.

આમ પણ ઇંગ્લૅન્ડના હવામાન અને તેનાથી પ્રભાવિત થયેલી મૅચો અંગે ઘણું લખાયું છે.

લીગ રાઉન્ડની કુલ 45 મૅચમાંથી સાત મૅચ પર વરસાદની અસર રહી અને ત્રણ મૅચ તો એક પણ બૉલ ફેંકાયા વિના રદ કરવી પડી હતી.

બીજી તરફ ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા પણ આશા વ્યકત કરી રહ્યા છે કે તેમની મૅચ દરમિયાન વરસાદ ન પડે.

એજબેસ્ટનમાં રમાવા જઈ રહેલી આ મૅચમાં વરસાદ પડશે તેવી આશંકા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તેમણે તો એવું પણ કહ્યું છે કે આરક્ષિત દિવસ એટલે કે શુક્રવારે વરસાદ પડે તેવી પણ શક્યતા છે.

જો વરસાદને કારણે એજબેસ્ટનમાં મૅચ ન થાય તો ઑસ્ટ્રેલિયા ફાઇનલમાં પહોંચી જશે.

હવામાન સાફ રહેવાની પ્રાર્થના

દુનિયાભરના ક્રિકેટ પ્રશંસકો માનચેસ્ટરમાં પહોંચવા લાગ્યા છે અને તેમનાં મુખે એક જ પ્રાર્થના છે કે ફાઇનલ મૅચમા વરસાદ વિલન ના બને.

રવિવારના રોજ માન્ચેસ્ટરનું વાતાવરણ સારું હતું. દુબઈથી મૅચ જોવાં પહોંચેલાં પ્રમિલા અને તેમના પતિએ કહ્યું, "જોકે, અમને ભારે વરસાદથી કોઈ તકલીફ નથી કારણ કે ભારત ફાઇનલમાં પહોંચી જ જશે."

અહીંની વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને મળ્યો જેમણે કહ્યું કે તેમણે મૅચની ટિકિટો ખરીદી લીધી છે.

તેમાંથી એક વિદ્યાર્થીએ કહ્યું, "કૃપા કરીને વરસાદની પ્રાર્થના કરો. કારણ કે 2015ના વર્લ્ડ કપની સેમિફાઇનલ મૅચમાં ભારતની હાર બાદ ફરીથી ભારતને હારતા નહીં જોઈ શકું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો