વર્લ્ડ કપ 2019 : એ સેમિફાઇનલ મૅચ જેમાં કોહલી સેનાએ ન્યૂઝીલૅન્ડની ટીમને હરાવી

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

મંગળવારે માન્ચૅસ્ટર ખાતે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે સેમિફાઇનલમાં ટક્કર થશે, વર્લ્ડ કપની સેમિફાઇનલમાં કૅપ્ટન તરીકે વિરાટ કોહલી અને કૅન વિલિયમસનની બીજી ટક્કર હશે.

11 વર્ષ અગાઉ ભારત અને ન્યૂઝીલૅન્ડની ટીમ અંડર-19 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ટકરાઈ હતી, જેમાં ભારતે ન્યૂઝીલૅન્ડને પરાજય આપ્યો હતો અને બાદમાં કપ પણ જીત્યો હતો.

કોહલીએ પ્રદર્શનનું પુનરાવર્તન કરવા ઇચ્છશે, જ્યારે વિલિયમસન એ પરાજયનો બદલો લેવાની ગણતરી રાખશે.

તા. 14મી જુલાઈએ લંડનના લૉર્ડ્સના મેદાન ખાતે વર્લ્ડ કપ 2019ની ફાઇનલ મૅચ રમાશે.

કોહલી તથા વિલિયમસનની એ ટક્કર

ESPNcricinfo વેબસાઇટના ડેટા પ્રમાણે, તા. 27મી ફેબ્રુઆરી 2008ના દિવસે મલેશિયાની રાજધાની ક્વાલા લુંપુર ખાતે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે સેમિફાઇનલમાં ટક્કર થઈ હતી.

એ મૅચમાં વરસાદ વિઘ્ન બન્યો હતો જેના કારણે ડકવર્થ લુઇસ મૅથડ પ્રમાણે, નવ બૉલ બાકી હતા, ત્યારે ભારત ત્રણ વિકેટે જીતી ગયું હતું.

અંડર-19ની એ મૅચમાં કોહલી ઉપરાંત રવીન્દ્ર જાડેજા પણ ભારતીય ટીમમાં સામેલ હતા. એ મૅચમાં વિલિયમસન ઉપરાંત ટ્રૅન્ટ બાઉન્લટ તથા ટિમ સાઉથી ન્યૂઝીલૅન્ડની ટીમમાં હતા.

બીજી માર્ચે મલેશિયાના ક્વાલા લુંપુરના કિનરારા ક્રિકેટ એકૅડેમી ખાતે ફાઇનલ મૅચ રમાઈ હતી, જેમાં કોહલી સેનાએ દક્ષિણ આફ્રિકાને પરાજય આપીને કપ ઉપર કબજો કર્યો હતો.

કોહલી : મૅન ઑફ ધ મૅચ

એ મૅચમાં ભારતીય ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ બૉલિંગમાં સાત ઓવરમાં 27 રન આપીને બે વિકેટ ખેરવી હતી. આ સિવાય તેમણે 53 બૉલમાં 43 રન બનાવ્યા હતા.

શ્રીવત્સ ગોસ્વામીએ 76 બૉલમાં 51 રન બનાવીને સર્વોચ્ચ પ્રદાન આપ્યું હતું. રવીન્દ્ર જાડેજાએ એક વિકેટ લીધી હતી અને એક રન બનાવ્યો હતો.

ન્યૂઝીલૅન્ડ તરફથી એ મૅચમાં કૅન વિલિયમસને 80 બૉલમાં 37 રન બનાવ્યા હતા.

ટિમ સાઉથીએ નવ ઓવરમાં 29 રન આપીને ચાર વિકેટ ખેરવી હતી, જ્યારે ટ્રૅન્ટને આઠ ઓવરમાં 26 રનના ભોગે એક વિકેટ મળી હતી.

ટ્રૅન્ટને બેટિંગની તક મળી ન હતી, જ્યાર સાઉથીએ 11 રન બનાવ્યા હતા.

કૅપ્ટન વિરાટ કોહલી એ મૅચમાં 'મૅન ઑફ ધ મૅચ' જાહેર થયા હતા.

વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલૅન્ડ

ગ્રૂપ સ્ટેજ દરમિયાન ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેની મૅચ વરસાદને કારણે રદ થઈ ગઈ હતી, એટલે બંને ટીમને એક-એક પૉઇન્ટ મળ્યા હતા.

મતલબ કે 2019ના વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે પહેલી ટક્કર સેમિફાઇનલમાં થશે.

આ મૅચ મંગળવારે યોજાશે. બુધવારનો દિવસ અનામત

જો ગ્રૂપ સ્ટેજનાં પરિણામો ઉપર નજર કરીએ તો ન્યૂઝીલૅન્ડની ટીમ કરતાં ભારતની ટીમ ચડિયાતી જણાય છે.

ગ્રૂપ સ્ટેજમાં પ્રારંભિક તબક્કામાં ન્યૂઝીલૅન્ડની ટીમ પ્રથમ ક્રમાંક ઉપર હતી અને તેને ખૂબ જ મજબૂત ટીમ માનવામાં આવતી હતી. જોકે, બાદમાં પાકિસ્તાન, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ સામે કારમો પરાજય થયો હતો.

વર્લ્ડ કપ દરમિયાન ગ્રૂપ સ્ટેજમાં ભારતે કુલ નવમાંથી આઠ મૅચ રમ્યા હતા, જેમાં ઇંગ્લૅન્ડ સામે 31 રને પરાજય થયો હતો. જે ટુર્નામેન્ટમાં ભારતની એકમાત્ર હાર છે.

પૉઇન્ટ ટેબલમાં ભારત ટોચ ઉપર છે.

વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારત-ન્યૂઝીલૅન્ડ

વર્લ્ડ કપ દરમિયાન ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે સાત વખત ટક્કર થઈ છે, જેમાં ત્રણ વખત ભારત અને ચાર વખત ન્યૂઝીલૅન્ડ જીત્યું છે.

1975માં વર્લ્ડ કપ દરમિયાન માનચૅસ્ટરના મેદાન ઉપર બંને દેશ વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં ખરાબ બૉલિંગને કારણે ન્યૂઝીલૅન્ડ સામે ભારતનો ચાર વિકેટે પરાજય થયો હતો.

1979માં યૂકેના લીડ્સ ખાતે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં છ વિકેટે ભારતની હાર થઈ હતી.

ભારતે માત્ર 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ન્યૂઝીલૅન્ડે સરળતાથી હાંસલ કરી લીધો હતો.

1987ના વર્લ્ડ કપમાં બેંગ્લુરુ (તત્કાલીન બેંગ્લૉર) તથા ન્યૂઝીલૅન્ડની મૅચોમાં ભારતનો વિજય થયો હતો.

નાગપુર ખાતેની મૅચ દરમિયાન ચેતન શર્માએ હૅટ્રિક લીધી હતી. બાદમાં વર્તમાન વર્લ્ડ કપ દરમિયાન મોહમ્મદ શમી આ સિદ્ધિ મેળવનારા બીજા ભારતીય બન્યા હતા.

1992ના વર્લ્ડ કપ દરમિયાન ડ્યૂનેદીન ખાતે ભારતનો ન્યૂઝીલૅન્ડ સામે ચાર વિકેટે પરાજય થયો હતો.

1999માં ઇંગ્લૅન્ડના નૉટિંગહમ ખાતેની મૅચમાં ભારતનો પાંચ વિકેટે પરાજય થયો હતો.

2003માં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબવે તથા કેન્યાએ સંયુક્ત રીતે આયોજિત કર્યો હતો. એ સમયે સૅંચુરિયન ગ્રાઉન્ડ ખાતે ભારતનો સાત વિકેટે વિજય થયો હતો.

સામે કોણ?

શનિવારે ગ્રૂપ સ્ટેજની અંતિમ બે મૅચ રમાઈ, જેમાં ભારતે શ્રીલંકાને સાત વિકેટે પરાજય આપ્યો અને ટુર્નામેન્ટમાં ટોચની ટીમનું સ્થાન હાંસલ કર્યું.

અન્ય એક મૅચમાં સાતમા ક્રમાંકની દક્ષિણ આફ્રિકાએ ઑસ્ટ્રેલિયાને 10 રને પરાજય આપ્યો હતો, જેના કારણે કાંગારુઓ બીજા ક્રમે ધકેલાઈ ગયા હતા.

દક્ષિણ આફ્રિકાની ટીમ અગાઉથી જ બહાર નીકળી ગઈ હતી.

બીજા ક્રમાંકની ઑસ્ટ્રેલિયા અને ત્રીજા ક્રમાંકની ઇંગ્લૅન્ડ વચ્ચે ગુરુવારે બર્મિંગહામના એજબેસ્ટન મેદાન ઉપર ટક્કર થશે.

જો આ મૅચ વરસાદને કારણે ધોવાઈ જાય તો પરિણામ જાહેર થઈ શકે તે માટે શુક્રવારનો દિવસ અનામત રાખવામાં આવ્યો છે.

જો બન્ને દિવસે મૅચ ન રમાઈ શકે તો પૉઇન્ટ્સની સરસાઈને કારણે ઑસ્ટ્રેલિયા ફાઇનલમાં પહોંચી જશે.

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેની મૅચના વિજેતાની ટક્કર ઑસ્ટ્રેલિયા તથા ઇંગ્લૅન્ડ વચ્ચેની મૅચની વિજેતા ટીમ સાથે થશે.

તા. 14મી જુલાઈએ લંડનના લૉર્ડ્સના મેદાન ખાતે વર્લ્ડ કપ 2019ની ફાઇનલ મૅચ રમાશે.