You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વર્લ્ડ કપ 2019 : પૉઇન્ટ ટેબલમાં ટોચ ઉપર રહેવાથી ભારતને લાભ કે નુકસાન?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
શનિવારે ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં સેમિફાઇનલમાં કઈ-કઈ ટીમો ટકરાશે તેની સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. પૉઇન્ટ ટેબલમાં નંબર વન ભારત (15 પૉઇન્ટ) અને ચોથા ક્રમાંકની ન્યૂઝીલૅન્ડ વચ્ચે સેમિફાઇનલમાં ટક્કર થશે.
બીજા ક્રમાંકની ઑસ્ટ્રેલિયા અને ત્રીજા ક્રમાંકની ઇંગ્લૅન્ડ વચ્ચે ગુરૂવારે બર્મિંગહામના એજબેસ્ટન મેદાન ઉપર મૅચ રમાશે.
આ પહેલાં શનિવારે ગ્રૂપ સ્ટેજની છેલ્લી મૅચમાં ભારતે શ્રીલંકાને, જ્યારે સાતમા ક્રમાંકની દક્ષિણ આફ્રિકાએ ઑસ્ટ્રેલિયાને પરાજય આપ્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમ અગાઉથી જ બહાર નીકળી ગઈ છે.
તા. 14મી જુલાઈએ લંડનના લૉર્ડ્સના મેદાન ખાતે વર્લ્ડ કપ 2019ની ફાઇનલ મૅચ રમાશે.
ભારત, ન્યૂઝીલૅન્ડ અને ટક્કર
ગ્રૂપ સ્ટેજ દરમિયાન ભારત તથા ન્યૂઝીલૅન્ડ વચ્ચેની મૅચ વરસાદને કારણે રદ થઈ ગઈ હતી, એટલે બંને ટીમને એક-એક પૉઇન્ટ મળ્યા હતા.
મતલબ કે 2019ના વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે પહેલી ટક્કર સેમિફાઇનલમાં થશે.
ગ્રૂપ સ્ટેજમાં પ્રારંભિક તબક્કામાં ન્યૂઝીલૅન્ડની ટીમ પ્રથમ ક્રમાંક ઉપર હતી અને તેને ખૂબ જ મજબૂત ટીમ માનવામાં આવતી હતી. જોકે, બાદમાં પાકિસ્તાન, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ સામે કારમો પરાજય થયો હતો.
મંગળવારે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે માન્ચેસ્ટરમાં ટક્કર થશે. આ સિવાય વરસાદની શક્યતાને જોતા બુધવારનો દિવસ અનામત રાખવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો બંને દિવસ વરસાદને કારણે મૅચ ન રમાઈ શકે તો પૉઇન્ટ્સના આધારે ભારતને ફાઇનલમાં સ્થાન મળશે.
વર્લ્ડ કપમાં અત્યારસુધી ભારત...
વર્લ્ડ કપ દરમિયાન ગ્રૂપ સ્ટેજમાં ભારતે કુલ નવમાંથી આઠ મૅચ રમી હતી, જેમાં ઇંગ્લૅન્ડ સામે 31 રને પરાજય થયો હતો. જે ટુર્નામેન્ટમાં ભારતની એકમાત્ર હાર છે.
જો ગ્રૂપ સ્ટેજનાં પરિણામો ઉપર નજર કરીએ તો ન્યૂઝીલૅન્ડની ટીમ કરતાં ભારતની ટીમ ચડિયાતી જણાય છે.
જો પૉઇન્ટ ટેબલમાં ભારત બીજા ક્રમે રહ્યું હોત તો તેની ટક્કર યજમાન ઇંગ્લૅન્ડ સાથે થઈ હોત.
ગ્રૂપ સ્ટેજમાં ઇંગ્લૅન્ડે ભારતને પરાજય આપ્યો હતો એટલે સ્વાભાવિક રીતે સેમિફાઇનલની મૅચ સમયે ભારતના મનમાં એ હારનો ભાર રહ્યો હોત.
કોણ કોની ઉપર ભારે
ગ્રૂપ સ્ટેજ દરમિયાન ઑસ્ટ્રેલિયાએ ઇંગ્લૅન્ડને હરાવ્યું હતું. ગ્રૂપ સ્ટેજ દરમિયાન ઑસ્ટ્રેલિયાએ કુલ નવમાંથી સાત મૅચ જીતી છે, જ્યારે ઇંગ્લૅન્ડનો છ મૅચમાં વિજય થયો હતો.
વર્તમાન સ્થિતિ જોઈએ ઇંગ્લૅન્ડ કરતાં ઑસ્ટ્રેલિયાની ટીમ વધુ મજબૂત જણાય છે.
વર્લ્ડ કપ દરમિયાન ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે સાત વખત ટક્કર થઈ છે, જેમાં ત્રણ વખત ભારત અને ચાર વખત ન્યૂઝીલૅન્ડ જીત્યું છે.
1975માં વર્લ્ડ કપ દરમિયાન માનચૅસ્ટરના મેદાન ઉપર બંને દેશો વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં ખરાબ બૉલિંગને કારણે ન્યૂઝીલૅન્ડ સામે ભારતનો ચાર વિકેટે પરાજય થયો હતો.
1979માં યૂકેના લીડ્સ ખાતે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં છ વિકેટે ભારતની હાર થઈ હતી.
ભારતે માત્ર 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ન્યૂઝીલૅન્ડે સરળતાથી હાંસલ કરી લીધો હતો.
1987ના વર્લ્ડ કપમાં બેંગ્લુરુ (તત્કાલીન બેંગ્લૉર) તથા ન્યૂઝીલૅન્ડની મૅચોમાં ભારતનો વિજય થયો હતો.
નાગપુર ખાતેની મૅચ દરમિયાન ચેતન શર્માએ હૅટ્રિક લીધી હતી. બાદમાં વર્તમાન વર્લ્ડ કપ દરમિયાન મોહમ્મદ શમી આ સિદ્ધિ મેળવનારા બીજા ભારતીય બન્યા હતા.
1992ના વર્લ્ડ કપ દરમિયાન ડ્યૂનેદીન ખાતે ભારતનો ન્યૂઝીલૅન્ડ સામે ચાર વિકેટે પરાજય થયો હતો.
1999માં ઇંગ્લૅન્ડના નૉટિંગહમ ખાતેની મૅચમાં ભારતનો પાંચ વિકેટે પરાજય થયો હતો.
2003માં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે તથા કેન્યાએ સંયુક્ત રીતે વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. એ સમયે સૅંચુરિયન ગ્રાઉન્ડ ખાતે ભારતનો સાત વિકેટે વિજય થયો હતો.
ભારતની શક્તિ
વર્લ્ડ કપ દરમિયાન આઠ મૅચમાં 647 રન ફટકારનારા ભારતીય ઓપનર રોહિત શર્મા ટુર્નામેન્ટના સૌથી સફળ બૅટ્સમૅન છે.
આઠ મૅચમાં 17 વિકેટ ખેરવનારા જસપ્રિત બુમરાહ ટુર્નામેન્ટના સૌથી સફળ પાંચ બૉલર્સમાંથી એક છે.
ન્યૂઝીલૅન્ડ પાસે લૉકી ફર્ગ્યુસન છે, જેમણે 17 વિકેટ લીધી છે.
કૅપ્ટન કેન વિલિયમસન સૌથી સફળ બૅટ્સમૅન છે, જેમણે આઠ મૅચમાં 481 રન બનાવ્યા છે.
ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ આઠ મૅચમાં 442 રન બનાવ્યા છે.
ગ્રૂપ સ્ટેજની છેલ્લે મૅચમાં દક્ષિણ આફ્રિકા સામે ઑસ્ટ્રેલિયાનો પરાજય થયો હતો, જેથી તે બીજા સ્થાન ઉપર સરકી ગયું હતું.
દક્ષિણ આફ્રિકાએ ઑસ્ટ્રેલિયાને 10 રને પરાજય આપ્યો હતો.
માન્ચૅસ્ટર ખાતે આયોજિત મૅચમાં દક્ષિણ આફ્રિકાએ પહેલા બેટિંગ કરી હતી અને 50 ઓવરમાં છ વિકેટના ભોગે 325 રન બનાવ્યા હતા.
દક્ષિણ આફ્રિકાના કૅપ્ટન ફૉફ પ્લેસીએ 100 રન બનાવ્યા હતા.
326 રનના લક્ષ્યાંકને પાર કરવા મેદાન ઉપર ઉતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમ 49.5 ઓવરમાં 315 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઑસ્ટ્રેલિયા વતી વૉર્નરે 122 રન બનાવ્યા હતા. આ સિવાય અન્ય કોઈ બૅટ્સમૅન નોંધપાત્ર ઇનિંગ રમી શક્યા ન હતા.
ગુરુવારે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડની વચ્ચે સેમિફાઇનલ રમાશે, જો વરસાદને કારણે પહેલા દિવસે મૅચ ન થઈ શકે તો શુક્રવારનો દિવસ રમત આયોજિત કરવા માટે અનામત રાખવામાં આવ્યો છે.
જો, બન્ને દિવસ વરસાદને કારણે ધોવાઈ જાય તો પૉઇન્ટ્સના આધારે ઑસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પહોંચી જશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો