You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રોહિત-રાહુલના ઝંઝાવાત વચ્ચે ભારતના આ ત્રણ ખેલાડીઓની ચર્ચા કેમ?
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપ 2019ની અંતિમ લીગ મૅચ રોહિત શર્મા અને કે. એલ. રાહુલના નામે રહી.
રોહિત શર્માએ વર્લ્ડ કપની છઠ્ઠી અને આ જ વર્લ્ડ કપની પાંચમી સદી ફટકારી તો રાહુલે વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ સદી ફટકારી છે.
શ્રીલંકાએ ભારતને જીતવા માટે 265 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે ભારતે 3 વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કરી લીધો હતો.
ભારત આ જીત સાથે જ હવે સેમિફાઇનલમાં 9 જુલાઈએ ન્યૂઝીલૅન્ડ સામે ટકરાશે.
જોકે, આ તમામની વચ્ચે રવીન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ અને વિરાટ કોહલી પણ ચર્ચામાં રહ્યા. પરંતુ આ મૅચમાં શા માટે તેમની ચર્ચા થઈ?
વિરાટ કોહલીએ બનાવ્યો રેકૉર્ડ
ઇંગ્લૅન્ડના લીડ્સમાં રમાયેલી શ્રીલંકા સામેની મૅચમાં વિરાટ કોહલીએ વર્લ્ડ કપમાં પોતાના 1,000 રન પૂરા કર્યા હતા.
કોહલી આ રેકૉર્ડ કરનારા ભારતના ત્રીજા બૅટ્સમૅન બની ગયા છે. આ પહેલાં સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી ભારત તરફથી વર્લ્ડ કપમાં 1,000 રન કરી ચૂક્યા છે.
વિરાટ કોહલીએ તેમની વર્લ્ડ કપની 25મી મૅચમાં આ 1,000 રન પૂર્ણ કર્યા હતા. કોહલીનો આ ત્રીજો વર્લ્ડ કપ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોહલી 2011માં ભારતની વર્લ્ડ કપ વિજેતા ટીમમાં હતા, 2015માં પણ તેઓ વર્લ્ડ કપની ટીમમાં હતા જેમાં ભારત ઑસ્ટ્રેલિયા સામે સેમિફાઇનલમાં હારી ગયું હતું.
આ વર્લ્ડ કપમાં ધોનીએ કુલ પાંચ અડધી સદી ફટકારી છે અને ભારતીય ટીમને અત્યાર સુધી આગળ લઈ જવામાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી છે.
જસપ્રીત બુમરાહ નામે બન્યો રેકૉર્ડ
ગુજરાતી ક્રિકેટર અને ભારતની ટીમના આધારભૂત અને ઘાતક બૉલર જસપ્રીત બુમરાહે પણ શ્રીલંકા સામેની મૅચમાં એક રેકૉર્ડ બનાવ્યો છે.
બુમરાહે શ્રીલંકાના કપ્તાન કરુણારત્નેને જ્યારે પોતાની ચોથી ઓવરમાં આઉટ કર્યા તો તેઓ વન-ડેમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનારા બીજા ભારતીય બૉલર બની ગયા હતા.
બુમરાહ પોતાની 57મી વન-ડે મૅચ રમી રહ્યા હતા, જેમાં તેમણે પોતાની 100 વિકેટ પૂર્ણ કરી હતી.
ભારતના મોહમ્મદ શમી, જેમને આ મૅચમાં આરામ આપવામાં આવ્યો હતો, ભારતના સૌથી ઝડપી 100 વિકેટ ઝડપનારા બૉલર છે. મોહમ્મદ શમીએ 56 મૅચમાં 100 વિકેટ ઝડપી હતી.
બુમરાહે શ્રીલંકા સામે ત્રણ વિકેટ ઝડપીને ભારતની જીતનો પાયો નાખ્યો હતો.
આ સાથે જ બુમરાહ આ વર્લ્ડ કપમાં સૌથી વધારે વિકેટ ઝડપનારા છઠ્ઠા બૉલર બની ગયા છે.
રવીન્દ્ર જાડેજાની પ્રથમ મૅચ અને ચર્ચા
સૌરાષ્ટ્રના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને ભારતે વર્લ્ડ કપની આઠ મૅચ સુધી તક આપી ન હતી.
વર્લ્ડ કપ દરમિયાન ભારતનો કોઈ ખેલાડી ઘાયલ થાય ત્યારે જાડેજાને ફિલ્ડિંગમાં બોલાવવા પડતા હતા અને તે વખતે પોતાની ફિલ્ડિંગ દ્વારા જાડેજા હીરો પુરવાર થતા હતા.
તેમણે શાનદાર ફિલ્ડિંગથી કૅચ પણ ઝડપ્યા હતા અને ઘણા રન બચાવ્યા હતા.
શનિવારની મૅચમાં જાડેજાને અંતિમ ઇલેવનમાં સ્થાન મળ્યું હતું અને તેમણે આગમન સાથે જ પોતાની ઉપયોગિતા પુરવાર કરી દીધી હતી.
શ્રીલંકાના બૅટ્સમૅનોના જોરદાર શૉટ્સને તેમણે મેદાન વચ્ચે જ્યારે ડાઇવ લગાવીને રોક્યા તો કૉમેન્ટેટરથી લઈને સોશિયલ મીડિયા પર તેમની ચર્ચા થઈ હતી.
જ્યારે 11મી ઓવરમાં જાડેજા બૉલિંગમાં આવ્યા અને તેમણે ચોથા જ બૉલે કુશલ મેન્ડીસને આઉટ કર્યા હતા.
ત્યાર બાદ પાંચમી વિકેટ જામી ગઈ હતી ત્યારે કુલદીપ યાદવની બૉલિંગમાં જાડેજાએ થિરિમાનેનો કૅચ કરીને ભારતને મૅચમાં પરત ફરવામાં મદદ કરી હતી.
જાડેજાએ તેમની પહેલી આઠ ઓવરમાં માત્ર 21 રન આપ્યા હતા. દસ ઓવરને અંતે તેમણે 40 રન આપ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો