You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વર્લ્ડ કપ : જ્યારે જાડેજાના કારણે તૂટેલું દિલ બુમરાહે સાંધી દીધું - ક્રિકેટ ડાયરી
- લેેખક, સિવાકુમાર ઉલાગનાથન
- પદ, બીબીસી સંવાદદાતા, સાઉથૅમ્પટન
હજારો લોકોની ભીડનો શોર. દૃષ્ટિ પહોંચે ત્યાં સુધી બસ ક્રિકેટના પ્રશંસકો જ પ્રશંસકો. ઉપર નજર કરો તો થોડાં વાદળ છવાયેલાં પણ જોઈ શકાય.
જોકે, આ વાદળ એટલાં પણ નહોતાં કે વરસાદ પડે અને મૅચની મજા બગાડી નાંખે.
સાઉથૅમ્પટનના આ સ્ટેડિયમની અંદર જ્યારે બુધવારે ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ વર્લ્ડ કપની મૅચ તરફ આગળ વધી રહી હતી ત્યારે સ્ટેડિયમની બહાર ઊભેલા એક સિક્યોરિટી ગાર્ડ મંદ-મંદ હસી રહ્યા હતા.
અમારી સાથે વાત કરતા એમણે કહ્યું, "મને ખબર નથી કે મૅચ કોની વચ્ચે છે. પણ આ શોર પરથી લાગે છે કે કોઈ આશિયન ટીમ રમી રહી હશે."
આ કોલાહલ વર્લ્ડ કપ 2019માં પોતાની પહેલી જ મૅચમાં સાઉથ આફ્રિકાને છ વિકેટથી હરાવનારી ટીમ ઇન્ડિયાના ચાહકોનો હતો.
પરંતુ પોતાની ગમતી ટીમનો ઉત્સાહ વધારવા અને શોરબકોર કરવા માટે મેદાન સુધી પહોંચે કેટલાય પ્રશંસકોને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો.
ઇંગ્લૅન્ડના બાકીના સ્ટેડિયમ કરતાં આ સ્ટેડિયમ સુધી પહોંચવા માટે ઓછી સુવિધાઓ છે. આ સ્ટેડિયમ સાઉથૅમ્પટન સિટી સેન્ટરથી 20 કિમી દૂર છે. જ્યાં ટૅક્સી-સ્ટેન્ડ, દુકાનો કે રેસ્ટરૉ પણ નથી.
મોટા ભાગના લોકો પોતાનાં વાહનોથી આવ્યા હતા. આ સ્થળની આસપાસ કોઈ રેલવેસ્ટેશન પણ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સ્ટેડિયમના માર્ગે બહુ ઓછી બસ દોડે છે અને ત્યાં જવા માટે ટૅક્સી પણ ઓછી મળે છે. પરંતુ આ વિઘ્નો પણ ક્રિકેટપ્રેમીઓને મેદાન સુધી જતા રોકી શક્યાં નહીં.
લંડનમાં રેહેતા વિનીત સક્સેના જણાવે છે,"હું ટ્રેનથી સવારે 8 વાગ્યે સાઉથૅમ્પટન પહોંચી ગયો હતો પરંતું ત્યાંથી મને તરત ટૅક્સી મળી નહીં એટલે ડરી ગયેલો કે હું ટૉસ જોવાનું ચૂકી જઈશ."
સ્ટેડિયમની આસપાસ કોઈ મૉલ કે હોટેલ નથી. તેથી સવારે સાડા દસ વાગ્યે શરૂ થનારી મૅચ જોવા માટે લોકો વહેલી સવારે જ એકઠા થઈ ગયા.
વિવેક પોતાના પરિવાર સાથે મૅચ જોવા પહોંચ્યા હતા.
તેઓ કહે છે, "અમે સિંગાપોરથી આ મૅચ જોવા આવ્યા છીએ. અમારે આ મૅચનો એક પણ બૉલ મિસ કરવો નહોતો. અમને ખબર હતી કે અહીં બહુ જ ભીડ થશે તેથી અમે લંડનથી પહેલાં જ ટ્રેન પકડીને અહીં આવી ગયા હતા."
તેમની જેમ ઘણા લોકો વહેલા જ મેદાન સુધી પહોંચવા માગતા હતા, જેથી તેઓ ટૉસ મિસ ન કરે.
પોતાની ઓળખ નહીં આપવાની શરતે એક દર્શકે કહ્યું, "મારા બૉસ મને રજા આપતા નહોતા તેથી મેં ખોટું બહાનું બનાવીને રજા લીધી છે, મને ખબર છે કે એ ખોટું છે પણ ધોની માટે કંઈ પણ. બની શકે કે ધોની હવે આના પછી કોઈ ટુર્નામેન્ટ ન રમે. મારા માટે એ લાગણીશીલ બાબત છે."
'બુમરાહ બુમરાહ'થી ગુંજી ઊઠ્યું સ્ટેડિયમ
સિક્યોરિટી ગાર્ડ્ઝ માટે પણ આ મૅચ અન્ય મૅચની સરખામણીએ અલગ હતી. સામાન્ય મૅચ દરમિયાન આ પ્રકારની ભીડ જોવા મળતી નથી. અલબત્ત, ભારત- પાકિસ્તાન વચ્ચે મૅચ હોય ત્યારે આવી ભીડ થાય છે.
સાઉથ આફ્રિકા ભલે ટૉસ જીત્યું હોય પણ ભારત માટે જ લોકો મોટી સંખ્યામાં તાળી પાડી રહ્યા હતા.
જો દર્શકોની સંખ્યાની વાત કરીએ તો અહીં આવનારા દસમાંથી 9 ભારતીયો હતા. સ્ટેડિયમમાં એટલો શોર હતો કે હોટેલમાં બેઠેલા લોકો પણ ભારતના નામનો શોર સાંભળી શકતા હતા.
જે ખેલાડી માટે સૌથી વધુ અવાજ થયો તે ધોની કે કોહલી નહોતા. 'બુમરાહ...બુમરાહ'ના અવાજથી મેદાન ગુંજી ઊઠ્યું હતું.
ખાવાનું અને ખરાબ ઇન્ટરનેટ
દીપક અને તેમના મિત્રો કેટલીક મૅચ જોવા માટે ખાસ અમેરિકાથી આવ્યા હતા.
તેઓ કહે છે, "અમે ગુજરાતીઓ છીએ અને અમને ખબર પડી કે આ મૅચમાં રવિન્દ્ર જાડેજા નથી રમવાના તો અમને ખરાબ લાગ્યુ હતું. પણ બુમરાહે અમારું દિલ જીતી લીધું. રોહીત અને ચહલને રમતા જોવાની પણ મજા આવી."
પરંતું એવું પણ નથી કે દરેક ભારતીય આ મૅચથી ખુશ હતો.
લંડનની એક હોટેલમાં કામ કરતા વરુણ કહે છે, "પહેલી જ મૅચમાં જીત હાંસલ થવી સારી વાત છે પણ મને નથી લાગતું કે આ બહુ મોટી જીત છે. સાઉથ આફ્રિકા આ પહેલાં પણ બે મૅચ હારી ચૂક્યુ હતું. તેમજ આ મૅચમાં તે પોતાના બે બૉલર પણ ગુમાવી ચૂક્યુ હતું. જો સાઉથ આફ્રિકાએ પહેલી ઇનિંગમાં સારો સ્કોર કર્યો હોત તો આ મૅચ ભારત માટે એક પડકાર બની હોત."
કોહલી અને ધવનનાં ખરાબ પ્રદર્શન અંગે પણ કેટલાક લોકોએ ચિંતા વ્યક્ત કરી પણ લોકોને આશા છે કે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધની મૅચમાં કોહલી સારું રમશે.
જ્યારે મૅચ ભારત તરફ વળવા લાગી ત્યારે મેદાનમાં ખાવા-પીવાની વસ્તુઓનું વેંચાણ પણ વધી ગયું. ત્યાં ભારતીય ખાન-પાનની બે-ત્રણ દુકાનો હતી. તેમાં પનીર બટર મસાલા અને આલુટિક્કા મળતાં હતાં.
ભારતીયોનો ઉત્સાહ
સ્ટેડિયમમાં ઘણા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હતા તેથી ત્યાં ઇન્ટરનેટ બરાબર ચાલતું નહોતું.
આનંદ ફરિયાદ કરે છે, "મારે મારા ભાઈને સ્કાઇપ-કૉલ કરવો છે પણ ઇન્ટરનેટ કામ કરતું નથી."
તે ઉપરાંત ત્યાં હાજર પત્રકારોને પણ ઇન્ટરનેટના કારણે લાઇવ કરવામાં ઘણી તકલીફ પડી.
ભારતીયો પોતાના નેતાઓ અને આદર્શો અંગે હંમેશા ઉત્સાહિત રહે છે.
છેલ્લા દાયકામાં લોકો પોતાના ગમતાં નેતાઓ, ધર્મગુરુઓને સાંભળવા માટે આસપાસનાં ગામો સુધી જતાં. આજે પણ જો તેમના ગમતા કલાકારની ફિલ્મ પોતાના શહેરમાં રિલીઝ ન થાય તો તેઓ બીજા શહેર સુધી જાય છે.
ક્રિકેટ બાબતે પણ ભારતીયોમાં એવો જ ઉત્સાહ છે. બીબીસી સાથે વાત કરનારા ઘણા લોકો યૂરોપ, ભારત, અમેરિકા એમ વિશ્વના અલગઅલગ ખૂણેથી આવ્યા હતા.
પણ તેનું કારણ શું? ક્રિકેટ કે દેશ?
વિશાલ જણાવે છે, "આપણી સંસ્કૃતિ, ભોજન અને ભાષાઓ અલગ અલગ છે પરંતુ ક્રિકેટ આપણને એક રાખે છે."
જૅશન સવાલ પૂછે છે, "તમે પોતે જ જોઈ શકો છો કે અહીં મિની ભારત જેવો માહોલ છે. તમને અહીં ભારતનાં લગભગ દરેક રાજ્ચના લોકો દેખાશે. આપણે હંમેશાં આ રીતે એક કેમ ન રહી શકીએ?"
મૅચ પૂરી થયાના બે કલાક પછી જ્યારે ક્રિકેટના પ્રશંસકો સ્ટેડિયમમાંથી જતા રહ્યા પણ ત્યારે 'ઇન્ડિયા-ઇન્ડિયા'નો અવાજ અમારા કાનમાં ગુંજતો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો