વર્લ્ડ કપ : ભારતને સેમિફાઇનલમાં પહોંચવા આડે હજી શું અડચણો છે?

ઇંગ્લૅન્ડમાં ચાલી રહેલા ક્રિકેટ વિશ્વ કપમાં અફઘાનિસ્તાન પર બાંગ્લાદેશના વિજય અને દક્ષિણ આફ્રીકા પર પાકિસ્તાનની જીતે સમીકરણને રસપ્રદ બનાવી દીધાં છે.

અંકના આધાર પર ટૉપ ચાર ટીમ સેમિ ફાઇનલ માટે ક્વૉલિફાઈ કરશે. આ સ્પર્ધામાં 10 ટીમ ભાગ રહી છે, બધી ટીમ નવ-નવ મૅચ રમશે.

મંગળવારે ઇંગ્લૅન્ડ ઑસ્ટ્રેલિયા સામે હારી ગયા બાદ પૉઇન્ટ ટેબલમાં ઑસ્ટ્રેલિયાની ટીમ 12 અંકો સાથે ટૉપ પર છે.

ન્યૂઝીલૅન્ડની જેમ ભારતે પણ એક પણ મૅચ નથી હારી પણ ભારતે હજુ ન્યૂઝીલૅન્ડ કરતાં એક મૅચ ઓછી રમી છે.

આ સમયે ચાર ટીમ છે- ન્યૂઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, ભારત અને ઇંગ્લૅન્ડ. માનવામાં આવી રહ્યું છે કે પાછલા બે મૅચનાં પરિણામે આગળના સમીકરણને રસપ્રદ બનાવી દીધાં છે.

દક્ષિણ આફ્રીકા અને અફઘાનિસ્તાનની ટીમ સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ ચૂકી છે.

અફઘાનિસ્તાનની ટીમે હજુ સુધી સાત મૅચ રમ્યા છે અને સાતમાંથી સાત મૅચ હારી ગઈ છે. જ્યારે દક્ષિણ આફ્રીકાની ટીમ સાતમાંથી એક મૅચ જીતી છે.

ન્યૂઝીલૅન્ડની ટીમનું સેમિ ફાઇનલમાં જવું લગભગ નક્કી

આ સમયે પોઇન્ટ્સ ટેબલના આધાર પર ન્યૂઝીલૅન્ડનું સેમિ ફાઇનલમાં પહોંચવું નક્કી લાગી રહ્યું છે. છ મૅચમાં તેના 11 પૉઇન્ટ છે અને ત્રણ મૅચ હજુ બાકી છે.

પાકિસ્તાન, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વિરુદ્ધ એક મૅચમાં વિજય મળે તો ન્યૂઝીલૅન્ડનું સેમિફાઇનલમાં જવું નક્કી થઈ જશે.

જો તે ત્રણે મૅચ હારી જશે તો પણ તે સેમિફાઇનલમાં પહોંચી શકે છે.

પણ તેનો આધાર બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમ કેવું પ્રદર્શન કરે તેના પર છે.

ભારતનો પણ દાવો મજબૂત

ભારતે પાંચમાંથી ચાર મૅચ જીતી છે. ભારતે વેસ્ટ ઇન્ડીઝ, ઇંગ્લૅન્ડ, બાંગ્લાદેશ અને શ્રીલંકા સાથે મૅચ રમવાની બાકી છે.

માનવામાં આવી રહ્યું છે કે ટીમનું પ્રદર્શન જોતાં ચારમાંથી બે મૅચ જીતવી ભારત માટે મુશ્કેલ સાબિત નહીં થાય.

પણ જો ભારત એક મૅચ હારી ગયું તો સ્થિત મુશ્કેલ બની શકે છે. પછી ભારતને બીજી ટીમોનાં પ્રદર્શન પર નિર્ભર રહેવું પડશે.

આ સ્થિતિમાં ઇંગ્લૅન્ડ પોતાના બે મૅચમાંથી માત્ર એક મૅચ જીતે અને શ્રીલંકા પોતાના બે મૅચ જીતે, તો ભારત એક મૅચ જીતીને સમિફાઇનલમાં પહોંચી શકે છે.

ઑસ્ટ્રેલિયા માટે રસ્તો

ઑસ્ટ્રેલિયાને ન્યૂઝીલૅન્ડ અને દક્ષિણ આફ્રીકા સાથે રમવાનું છે. ઇંગ્લૅન્ડ સાથે ઑસ્ટ્રેલિયા મંગળવારે મૅચ રમી જેમાં તેની જીત થઈ છે.

આ મૅચ જીત્યા બાદ ઑસ્ટ્રેલિયાની સેમિફાઇનલ માટેની ટિકિટ નક્કી થઈ ગઈ છે.

ઇંગ્લૅન્ડનો દાવો

ઇંગ્લૅન્ડની ટીમને 7 મૅચમાં આઠ અંક મળ્યા છે. ભારત અને ન્યૂઝીલૅન્ડ સાથે તેના મૅચ બાકી છે. ઑસ્ટ્રેલિયા સાથે મંગળવારે મૅચ રમી જેમાં તેની હાર થઈ છે.

જો ઇંગ્લૅન્ડની ટીમ પોતાના બધા મૅચ હારી જશે તો તે સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ શકે છે.

જો તે બાકીના બે મૅચ માંથી એક પણ મૅચ જીતી જશે તો પણ તેનું સેમિફાઇનલમાં પહોંચવું નક્કી નથી.

રેસમાં બાંગ્લાદેશ

બાંગ્લાદેશના અત્યાર સુધી સાત પૉઇન્ટ છે અને તેને ભારત અને પાકિસ્તાન સાથે રમવાનું બાકી છે.

જો બાંગ્લાદેશ બંને મૅચ જીતે,તો તેના 11 અંક થઈ જશે અને તે સેમિફાઇનલમાં પહોંચી જશે, જો શ્રીલંકા પોતાના મૅચ હારી જશે અને ઇંગ્લૅન્ડ એકથી વધુ મૅચ ન જીતે તો આ શક્યતા છે.

શું થશે શ્રીલંકાનું

શ્રીલંકાના છ મૅચમાં છ અંક છે. તેને હજુ દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ અને ભારત સામે રમવાનું છે. આ મૅચ સહેલા નહીં રહે.

જો શ્રીલંકાની ટીમ ત્રણ મૅચ જીતશે, તો તેના 12 અંક થઈ જશે.

જો તેના માત્ર 10 પોઇન્ટ રહ્યા તો તેને ઇંગ્લૅન્ડ, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના મૅચના પરિણામની રાહ જોવી પડશે.

વેસ્ટ ઇન્ડીઝની આશા

વેસ્ટ ઇન્ડીઝના ખાતામાં માત્ર ત્રણ પોઇન્ટ છે અને તેને હજુ ભારત, શ્રીલંકા અને અફઘાનિસ્તાન સાથે મૅચ રમવાના બાકી છે.

ત્રણ મૅચ જીત્યા બાદ પણ તેને અન્ય દેશોના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. વેસ્ટ ઇન્ડીઝ માટે આ સમીકરણ મુશ્કેલ દેખાઈ રહ્યાં છે.

પાકિસ્તાનનું સપનું સાચું પડશે?

આ વિશ્વ કપમાં પાકિસ્તાનની આશા હજુ ખતમ નથી થઈ. તેની પાસે પાંચ પૉઇન્ટ છે અને તેને ત્રણ મૅચ રમવાના બાકી છે.

તેને ન્યૂઝીલૅન્ડ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સાથે રમવાનું બાકી છે. આજે તેની મૅચ ન્યૂઝીલૅન્ડ સાથે છે.

જો પાકિસ્તાનની ટીમ બધા મૅચમાં વિજય મેળવે તો તેના 11 અંક થઈ જશે. તેને એ પણ આશા હશે કે ઇંગ્લૅન્ડ એક મૅચથી વધુ મૅચ ન જીતે.

સાથે જ બાંગ્લાદેશ અને શ્રીલંકા પણ ઓછામાં ઓછી એક મૅચ હારી જાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો