NZvsWI: હારેલી ટીમનો એ હીરો, જેણે લોકોનાં દિલ જીતી લીધાં

વર્લ્ડ કપમાં પૉઇન્ટ ટેબલમાં સાવ તળિયે રહેલા અફઘાનિસ્તાન સામે ભારતે 22 જૂનના રોજ રમાયેલા એક મૅચ ભારે સંઘર્ષ બાદ જીત મેળવી હતી.

બીજી તરફ તાજેતરમાં જ એક સમયે પૉઇન્ટ ટેબલમાં નવમા ક્રમે રહેલી શ્રીલંકાની ટીમે વર્લ્ડ કપ જીતવાની દાવેદાર ગણાતી ઇંગ્લૅન્ડની ટીમને હરાવી હતી.

ભારત અને અફઘાનિસ્તાનની જેમ 22 જૂનના રોજ વેસ્ટ ઇન્ડીઝ અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે પણ પણ મૅચ રમાઈ હતી જે ઉપરોક્ત મૅચ જેવી જ દિલધડક રહી હતી.

આ મૅચમાં વેસ્ટ ઇન્ડીઝનો 5 રને પરાજય થયો પરંતુ વેસ્ટ ઇન્ડીઝના બ્રેથવેટે સૌના દિલ જીતી લીધાં હતાં.

એક મૅચ, બે સદી

ન્યૂઝીલૅન્ડે પ્રથમ બૅટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટના ભોગે 291 રન બનાવ્યા હતા.

જેમાં ન્યૂઝીલૅન્ડ તરફથી વિલિયમસને 148 રન ફટકારી મોટો સ્કોર કરવામાં પોતાનો મહત્ત્વનો ફાળો આપ્યો હતો.

એ સિવાય ન્યૂઝીલૅન્ડ તરફથી ટેઇલરે 69 રન ફટકાર્યા હતા અને વેસ્ટ ઇન્ડીઝ તરફથી કોટ્રેલે 56 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.

291 રનનો સામનો કરવા ઊતરેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમ 286 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને માત્ર 5 રને તેની હાર થઈ હતી.

જેમાં ક્રિસ ગેઇલે 87 રન અને બ્રેથવેટે 101 રન સાથે ન્યૂઝીલૅન્ડને લડત આપી હતી, સાથેસાથે હેટમાયરે પણ 54 રન બનાવ્યા હતા. આમ છતાં પણ વેસ્ટ ઇન્ડીઝ જીતી શક્યું ન હતું.

એ ઓવર જેણે સૌના શ્વાસ ઊંચા કરી દીધા

ન્યૂઝીલૅન્ડ સામે રમવા ઊતરેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમનો સ્કોર એક સમયે 167 રનમાં 7 વિકેટ હતો, જે બાદ આ 211 રનમાં તેની 8 વિકેટ પડી ગઈ અને 245 રને તેની 9મી વિકેટ પડી ગઈ.

આ સાથે જ લાગતું હતું કે હવે વેસ્ટ ઇન્ડીઝની ટીમ ન્યૂઝીલૅન્ડ સામે સાવ આસાનીથી હારી જશે.

જોકે, વેસ્ટ ઇન્ડીઝ તરફથી બૅટિંગ કરવા આવેલા કાર્લોસ બ્રેથવેટે હજી હાર માની ન હતી. તે હજી પણ ન્યૂઝીલૅન્ડને ફાઇટ આપવાના મૂડમાં હતો.

વેસ્ટ ઇન્ડીઝે છેલ્લી ત્રણ ઓવરમાં જીતવા માટે 33 રનોની જરૂર હતી અને તેના હાથમાં એક વિકેટ હતી.

જે બાદ મૅચની 48મી ઓવર ન્યૂઝીલૅન્ડ તરફથી હેન્રીને આપવામાં આવી, સામે બ્રેથવેટ હતો.

પ્રથમ બૉલ પર તેણે ડીપ સ્કેવેર રાઇટ પર ફટકારીને 2 રન લીધા. આ પહેલાં તો કેટલાક દર્શકો મેદાન છોડીને જવા લાગ્યા હતા.

હેન્રીના બીજા બૉલ પર તેણે લોંગ ઓન પર સિક્સ ફટકારી. હેન્રીએ ત્રીજો બૉલ લો ફૂલટૉસ નાખ્યો જેના પર બ્રેથવેટે ફરી સિક્સ ફટકારી.

જે બાદ હેન્રીએ ચોથો બૉલ પણ ફૂલટૉસ નાખ્યો અને તેને ફરીથી બ્રેથવેટે સિક્સના રૂપમાં મેદાનની બહાર મોકલી દીધો.

સતત ત્રણ બૉલમાં ત્રણ સિક્સે ન્યૂઝીલૅન્ડની ટીમના જાણે શ્વાસ અદ્ધર કરી દીધા હતા એટલામાં પાંચમા બૉલ પર બ્રેથવેટે ચાર રન ફટકાર્યા અને છેલ્લા બૉલે એક રન લીધો.

હેન્રીની 48મી ઓવરમાં 25 રન આવ્યા જે આ મુજબ હતા, 2,6,6,6,4,1. આ ઓવર બાદ વેસ્ટ ઇન્ડીઝને જીતવા માટે 8 રનની જરૂર હતી.

49મી ઓવરમાં સ્ટ્રાઇક પર બ્રેથવેટ જ હતો, જેમાં પ્રથમ 3 બૉલમાં કોઈ રન ના આવ્યા, જે બાદ ચોથા બૉલમાં બ્રેથવેટે 2 રન લીધા.

જોકે, ઓવરના છેલ્લા બૉલે લોંગ ઓનમાં તેનો બોલ્ટના હાથે કૅચ થઈ ગયો અને વેસ્ટ ઇન્ડીઝ 5 રને મૅચ હારી ગયું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો