You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રોહિત શર્મા : કયા મિશન પર છે આ હિટમૅન? એક મૅચ અને આટલા રેકૉર્ડ
રોહિત શર્માની વિક્રમી સદી અને લોકેશ રાહુલે પણ સદી ફટકારતાં આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની અંતિમ લીગમાં ભારતે શનિવારે શાનદાર પ્રદર્શન કરીને શ્રીલંકાને સાત વિકેટથી કચડી નાખ્યું હતું.
આ સાથે ભારત પૉઇન્ટ ટેબલમાં મોખરે આવી ગયું હતું.
ઑસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા સામે હારી ગયા બાદ હવે ભારત ન્યૂઝીલૅન્ડ સામે સેમિફાઇનલ રમશે.
હેડિંગ્લે ખાતે રમાયેલી મૅચમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં શ્રીલંકાએ એંજેલો મેથ્યુઝની સદીની મદદથી 50 ઓવરમાં સાત વિકેટે 264 રન નોંધાવ્યા હતા.
ભારતે 43.3 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે 265 રન કરીને ટાર્ગેટ વટાવી દીધો હતો.
રોહિત શર્માની સદી પર સદી
રોહિત શર્માએ તેમના અસામાન્ય ફૉર્મને આગળ ધપાવીને વર્તમાન વર્લ્ડ કપની પોતાની પાંચમી સદી તથા સળંગ ત્રીજી મૅચમાં 100નો આંક પાર કર્યો હતો.
સદીની હેટ્રિકની સાથે-સાથે તેમણે વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ સદીના વર્લ્ડ રેકૉર્ડની પણ બરાબરી કરી હતી.
આ ઉપરાંત તેમણે એક વર્લ્ડ કપમાં પાંચ સદી ફટકારવાનો નવો વિક્રમ સર્જ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રોહિત શર્માએ તેમની કારકિર્દીની 27મી સદી નોંધાવતાં 94 બૉલમાં 14 બાઉન્ડ્રી અને બે સિક્સર સાથે 103 રન ફટકાર્યા હતા.
આ સાથે જ લોકેશ રાહુલે તેમની વન-ડે કારકિર્દીની બીજી સદીની સાથે વર્લ્ડ કપમાં પહેલી વાર સદી નોંધાવી હતી.
તેમણે 118 બૉલમાં એક સિક્સર અને 11 બાઉન્ડ્રી સાથે 111 રન ફટકાર્યા હતા.
એક વર્લ્ડ કપમાં 600 રન કરનારા રોહિત ચોથા બૅટ્સમૅન
આ વર્લ્ડ કપમાં રોહિત શર્મા રેકૉર્ડની જાણે વણજાર સર્જી રહ્યા છે. તેમના નામે એક બાદ એક રેકૉર્ડ બની રહ્યા છે.
રોહિત શર્માએ શ્રીલંકા સામેની આ મૅચ દરમિયાન વર્તમાન વર્લ્ડ કપમાં પૉતાના 600 રન પૂરા કર્યા હતા.
આમ કરનારા તે વર્લ્ડ કપ ઇતિહાસના ચોથા બૅટ્સમૅન બન્યા હતા. તેઓ 56 રનના સ્કોરે પહોંચ્યો ત્યારે તેમણે આ સિદ્ધિ હાંસલ કરી લીધી હતી.
અગાઉ સચિન તેંડુલકર (673 રન, 2003માં), મેથ્યુ હેડન (659, 2007માં) અને સાકીબ હસન (606, 2019માં)એ આ સિદ્ધિ નોંધાવી હતી.
સદીની તમામ ભાગીદારીમાં રોહિત સામેલ
આ વર્લ્ડ કપમાં ભારત તરફથી પાંચ વખત સદીની ભાગીદારી નોંધાઈ છે અને એ તમામ ભાગીદારમાં રોહિત શર્મા એક ભાગીદાર તરીકે રહ્યા છે.
ભારતે પાંચમાંથી ચાર વખત પહેલી વિકેટ માટે સદીની ભાગીદારી નોંધાવી છે.
રોહિત શર્માએ ઑસ્ટ્રેલિયા સામે શિખર ધવન સાથે 127, પાકિસ્તાન સામે લોકેશ રાહુલ સાથે 136 અને બાંગ્લાદેશ સામે લોકેશ રાહુલ સાથે 180 રન પહેલી વિકેટ માટે ઉમેર્યા હતા.
જ્યારે ઇંગ્લૅન્ડ સામે બીજી વિકેટ માટે વિરાટ કોહલી સાથે 138 રનની ભાગીદારી નોંધાવી હતી.
શનિવારે તેમણે ફરી શ્રીલંકા સામે લોકેશ રાહુલ સાથે પહેલી વિકેટ માટે સદીની ભાગીદારી નોંધાવી હતી.
રોહિતે સંગાકરાની હાજરીમાં જ તેમનો રેકૉર્ડ તોડ્યો
રોહિત શર્માએ શનિવારે શ્રીલંકા સામે સદી ફટકારીને એક વર્લ્ડ કપમાં સૌથી વધુ પાંચ સદીનો નવો રેકૉર્ડ સર્જ્યો હતો.
શ્રીલંકાના કુમાર સંગાકરાએ 2015ના વર્લ્ડ કપમાં સાત મૅચમાં ચાર સદી ફટકારી હતી.
જ્યારે રોહિત શર્માએ શનિવારે તેમની પાંચમી સદી નોંધાવી હતી.
રસપ્રદ વાત એ છે કે રોહિતે સદી નોંધાવી ત્યારે સંગાકરા કૉમેન્ટ્રી આપી રહ્યા હતા.
આ વર્લ્ડ કપમાં રોહિત શર્માએ સાઉથ આફ્રિકા, પાકિસ્તાન, ઇંગ્લૅન્ડ, બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે સદી નોંધાવી હતી.
રોહિત શર્માએ આ વર્લ્ડ કપમાં છેલ્લી ત્રણ મૅચમાં સળંગ સદી ફટકારી છે.
વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી રોહિત-સચિન સાથે-સાથે
ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે છ વર્લ્ડ કપ રમીને કુલ છ સદી ફટકારી હતી.
જોકે, તેમના કરતાં વધુ સદી અન્ય કોઈ બૅટ્સમૅન નોંધાવી શક્યા ન હતા.
શનિવારે રોહિત શર્માએ શ્રીલંકા સામેની સદી સાથે સચિનના છ સદીના રેકૉર્ડની બરાબરી કરી હતી.
રોહિત પાસે નવો રેકૉર્ડ સર્જવાની તક છે કેમ કે તેઓ આ જ ટુર્નામેન્ટમાં હજી રમવાના છે અને કારકિર્દીમાં માત્ર બીજો જ વર્લ્ડ કપ રમી રહ્યા છે.
તેમણે 2015ના વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે મેલબોર્નમાં સદી નોંધાવી હતી.
પ્રથમ ચાર વિકેટમાં ધોનીનું યોગદાન
ભારતે પ્રારંભમાં જ શાનદાર બૉલિંગ કરી હતી અને 12 ઓવર સુધીમાં શ્રીલંકાની ચાર વિકેટ ખેરવી દીધી હતી.
આ ચારેય વિકેટમાં ધોનીનું યોગદાન હતું. તેમણે ત્રણ કૅચ ઝડપવા ઉપરાંત એક સ્ટમ્પિંગ પણ કર્યું હતું.
ધોનીએ આ ચાર શિકાર સાથે 349 વન-ડેમાં પોતાના શિકારનો આંક 443 સુધી પહોંચાડી દીધો હતો.
જેમાં 123 સ્ટમ્પિંગ અને 320 કૅચનો સમાવેશ થતો હતો.
માત્ર કુમાર સંગાકરા (482 શિકાર) અને એડમ ગિલક્રિસ્ટ (472) જ તેના કરતાં વધુ શિકાર ઝડપી શક્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો