રવીન્દ્ર જાડેજાનો સંજ્ય માંજરેકરને સણસણતો જવાબ, કહ્યું સન્માન કરતા શીખો

ગુજરાતી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરને જવાબ આપતા કહ્યું છે કે તેઓ લોકોનું સન્માન કરતા શીખે.

વર્લ્ડ કપની ટીમમાં રહેલા જાડેજા હજી સુધી વર્લ્ડ કપની એક પણ મૅચ રમ્યા નથી. આ મામલે સંજય માંજરેકરે નિવેદન આપ્યું હતું.

પૂર્વ ભારતીય બૅટ્સમૅન સંજય માંજરેકરે આ પહેલાં જાડેજાને નિશાન બનાવતા કહ્યું હતું કે તેઓ એવા ખેલાડીને વર્લ્ડ કપની પ્લેઇંગ ઇલેવનમાં જોવા નથી માગતા જે અડધા બૉલર અને અડધા બૅટ્સમૅન હોય.

સંજય માંજરેકરની આ વાત રવીન્દ્ર જાડેજાને પસંદ ના આવી અને તેમણે ટ્વીટ કરીને સંજય માંજરેકરને તેમના નિવેદન અંગે જવાબ આપ્યો.

જાડેજાએ જવાબમાં શું કહ્યું?

જાડેજાએ ટ્વિટર પર માંજરેકરને ટેગ કરતા લખ્યું, "તમે જેટલી મૅચ રમ્યા છો તેના કરતાં બમણી હું રમ્યો છું અને હજી પણ રમી રહ્યો છું. લોકોનું સન્માન કરતા શીખો, જેમણે કંઈ હાંસલ કર્યું છે. તમારી આ નિંદા મામલે ઘણું બધું સાંભળ્યું છે."

જાડેજાનો આ જવાબ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો અને કેટલાક લોકોએ સંજય માંજરેકર અંગે ટ્વીટ કરવાનું શરૂ કર્યું હતું.

સંજય માંજરેકરની કૉમેન્ટરી મામલે પણ સોશિયલ મીડિયામાં કેટલાક લોકો ટીકા કરી રહ્યા છે, કેટલાક લોકોનું માનવું છે કે તેઓ સતત ભારતીય ટીમની ટીકા કરે છે.

સંજય માંજરેકરે શું કહ્યું હતું?

જાડેજાના ટ્વીટ બાદ હવે સંજય માંજરેકરનું એ નિવેદન પણ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે જે જાડેજાને નિશાન બનાવીને આપવામાં આવ્યું હતું.

ન્યૂઝ એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ સંજય માંજરેકરે કહ્યું હતું, "મને એ ખેલાડીઓ પસંદ નથી આવતા જે આંતરે પ્રદર્શન કરતા હોય. જેમ કે આજે રવીન્દ્ર જાડેજા વન-ડેમાં પર્ફૉમ કરી રહ્યા છે. જ્યારે તે ટેસ્ટ મૅચમાં સંપૂર્ણ બૉલર છે. હું 50 ઓવરના ફૉર્મેટમાં 11 ખેલાડીઓમાં કોઈ બૅટ્સમૅન કે સ્પિનરને સામેલ કરવા માગીશ."

સંજય માંજરેકરનો કહેવાનો મતલબ એ હતો કે તેઓ અડધા બૉલર કે અડધા બૅટ્સમૅનને ટીમમાં સામેલ કરવા માગતા નથી.

આ વાત ગુજરાતી ક્રિકેટરને પસંદ ન આવી અને તેમણે સંજય માંજરેકરને જવાબ આપી દીધો.

માંજરેકર અને જાડેજાનું પ્રદર્શન

સંજય માંજરેકરે કુલ 74 વન-ડે મૅચ રમી છે જેમાં તેમણે 1,994 રન બનાવ્યા છે. તેમણે વન-ડેમાં 1 સદી અને 15 અડધી સદી ફટકારી છે.

જ્યારે તેમણે 37 ટેસ્ટ મૅચમાં 2,043 રન બનાવ્યા છે અને કુલ 4 સદી અને 9 અડધી સદી ફટકારી છે.

તેમણે ટેસ્ટમાં 0 વિકેટ જ્યારે વન-ડેમાં 1 વિકેટ ઝડપી છે.

જ્યારે રવીન્દ્ર જાડેજા 151 વન-ડે મૅચ રમ્યા છે જેમાં તેમણે 2,035 રન કર્યા છે અને 10 અડધી સદી ફટકારી છે.

ઉપરાંત તેમણે 41 ટેસ્ટ મૅચમાં 1,485 રન કર્યા છે. જેમાં 1 સદી અને 10 અડધી સદી ફટકારી છે.

જાડેજાએ વન-ડેમાં 174 વિકેટ તથા ટેસ્ટમાં 192 વિકેટો ઝડપી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો