You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચારુલતા પટેલ : ટીમ ઇન્ડિયાનાં સુપરફેનનું નિધન
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
આઈસીસી વર્લ્ડ કપ 2019 દરમિયાન ભારતીય ટીમને ચીયર કરનારા અને એ પછી મીડિયામાં છવાઈ જનારાં ચારુલતા પટેલનું 87 વર્ષની વયે નિધન થયું છે.
ચારુલતા પટેલનાં માતાપિતાનો જન્મ ભારતમાં થયો હતો, જ્યારે તેઓ તાન્ઝાનિયામાં જન્મ્યાં હતાં.
તેમનાં સંતાનો પણ કાઉન્ટી મૅચ રમે છે અને એટલે તેઓ પણ ક્રિકેટમાં ઊંડો રસ ધરાવતા હતા.
87 વર્ષનાં સુપરફેન
ખભા ઉપર તિરંગો ખેસ, ગાલ ઉપર તિરંગો અને હાથમાં તિરંગો ઝંડો અને પીળા રંગની પિપૂડી સાથે ભારતીય ટીમનો ઉત્સાહ વધારી રહેલાં ચારુલતાબહેન બાંગ્લાદેશ સામેની મૅચ દરમિયાન 'ઇન્ટરનેટ સેન્સેશન' બની ગયાં હતાં.
કૅમેરા વારંવાર તેમના ઉત્સાહ ઉપર કેન્દ્રીત થતો.
વર્લ્ડ કપ 2019ની એક મૅચમાં કૅપ્ટન વિરાટ કોહલી તથા 'પ્લેયર ઑફ ધ મૅચ' રોહિત શર્મા ચારુલતા પટેલને પ્રેક્ષકગણમાં મળવા પહોંચ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.
વ્હિલચૅરમાં બેઠેલાં ચારુલતાબહેને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત વર્લ્ડ કપ જીતશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મૅચમાં ભારતે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી અને નવ વિકેટે 314 રન બનાવ્યા હતા. તેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 48 ઓવરમાં 286 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.
સ્પૉર્ટ્સ રિપોર્ટર ગૌરવ કપૂરે ટ્વિટર પર લખ્યું હતું કે 'મૅન ઑફ ધ મૅચ કોણ છે, તેની મને ખબર નથી, પરંતુ આ દાદી ચોક્કસથી ફેન ઑફ ધ મૅચ' છે.
ટીમ ઇન્ડિયાનો ઉત્સાહ વધરારવા બદલ કોહલી અને રોહિત શર્માએ આ દાદીની મુલાકાત લીધી હતી.
દાદીએ બંનેને બચી ભરી હતી અને તેમને વર્લ્ડ કપ જીતવાના આશીર્વાદ આપ્યા હતા.
કોહલીએ એ સમયે ટ્વીટ કર્યું હતું, "નિરંતર પ્રેમ અને સહકાર આપવા બદલ હું તમામ ફેન્સનો આભાર માનવા ચાહીશ, વિશેષ કરીને ચારુલતા પટેલજીનો. તેઓ 87 વર્ષનાં છે. મેં તેમના જેવા બહુ થોડા ઉત્સાહિત અને સમર્પિત ફેન્સ જોયા છે."
"આવો જોશ તમને કૂદકે ને ભૂસકે આગળ વધવામાં મદદ કરે છે. તેમના આશીર્વાદ સાથે આગામી મૅચમાં ઊતરીશું."
ચારુલતા પટેલગુજરાતી નથી
ચારુલતાબહેને આઈસીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું, "તેમનો જન્મ ભારતમાં નહીં, પરંતુ તાન્ઝાનિયામાં થયો હતો. તેમનાં માતાપિતા ભારતમાં જન્મ્યાં હતાં એટલે તેઓ ભારતીય ટીમને ચિયર કરી રહ્યાં છે."
"મારાં સંતાનો કાઉન્ટી મૅચ રમે છે. એટલે ક્રિકેટ મને પસંદ છે."
ક્રિકેટ રેકૉર્ડના અભ્યાસુ મઝહર અરશદે ટ્વીટ કરીને લખ્યું હતું, "પહેલો વર્લ્ડ કપ રમાયો તેનાં 43 વર્ષ અગાઉ ચારુલતા પટેલનો જન્મ થયો હતો. તેમણે ક્રિકેટની અનેક પેઢીઓ જોઈ છે. તેઓ વિરાટ કોહલીને સર્વશ્રેષ્ઠ ખેલાડી માને છે. તેઓ ફેન ઑફ ધ ટુર્નામેન્ટ છે."
ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં ચારુલતાબહેને કહ્યું હતું, "હું દાયકાઓથી ક્રિકેટ જોઉં છું. આફ્રિકામાં હતી ત્યારે પણ ક્રિકેટ જોતી હતી. 1975માં હું અહીં (ઇંગ્લૅન્ડ) આવી. અહીં હું કામ કરતી એટલે ઘરે ટીવી ઉપર જ મૅચ જોવી પડતી. પરંતુ હવે હું કામ નથી કરી રહી એટલે ક્રિકેટ જોઈ શકું છું."
ચારુલતા પટેલને વિશ્વાસ હતો કે 2019નો વર્લ્ડ કપ ભારત જીતશે, પરંતુ ભારત વર્લ્ડ કપ જીતી શક્યું નહોતું.
પટેલે કહ્યું, "1983માં જ્યારે ભારત વર્લ્ડ કપ જીત્યું, ત્યારે પણ હું ત્યાં હતી. મને એટલી ખુશી થઈ હતી કે હું નાચવા લાગી હતી."
"મેં મારી પૌત્રીને કહ્યું હતું કે જો આજે બાંગ્લાદેશની સામે ભારત જીતે તો હું નાચીશ."
મૅચ બાદ તેઓ ઉત્સાહમાં આવી ગયાં હતાં અને નાચ્યાં પણ હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો