You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરત આગ : જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ પકડાય નહીં, ત્યાં સુધી અસ્થિવિસર્જન નહીં
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી અને સુરત
સુરતમાં તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલાં બાળકોની અસ્થિયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં જ્યાં સુધી જવાબદાર અધિકારીઓને પકડવામાં ન આવે અને કાર્યવાહી શરૂ ન થાય ત્યાં સુધી અસ્થિવિસર્જન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સ્થાનિકો, પરિવારજનો તથા પ્રત્યક્ષદર્શીઓનો આરોપ છે કે સરકાર તથા સ્થાનિક તંત્રની લાપરવાહીને કારણે મરણાંક તથા ઈજાગ્રસ્તોની સંખ્યા વધી છે.
સ્વજનોનું કહેવું છે કે દુર્ઘટના પ્રત્યે લોકોમાં જાગૃતિ વધે તે માટે આ યાત્રા કાઢવામાં આવી રહી છે.
રાજ્ય સરકારે સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે ઉચ્ચસ્તરીય તપાસ સમિતિ નીમી હતી, જેણે ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ન ઘટે તે માટે કેટલીક ભલામણો કરી છે.
તારીખ 24મી મેના સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં આગ લાગી હતી.
જેમાં સૌથી ઉપરના ફ્લોર ઉપર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા 22 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 15 ઈજાગ્રસ્ત થયા હતા.
જાગૃતિ લાવવા કળશયાત્રા
યાત્રાના સંયોજક ધાર્મિક માલવિયાના કહેવા પ્રમાણે, "આગની દુર્ઘટનાઓ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તથા જવાબદારો સામે પગલાં લેવામાં આવે તે માટે આ અસ્થિયાત્રા કાઢવામાં આવી."
"અસ્થિયાત્રામાં મૃતકોના પરિવારજનો સાથે શહેરના અન્ય નાગરિકો પણ બાઇક ઉપર જોડાયા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાલીઓનો આરોપ છે કે દુર્ઘટના સાથે સંકળાયેલા સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન, દક્ષિણ ગુજરાત વીજ કૉર્પોરેશન લિમિટેડ તથા અગ્નિશમનમાં ઢીલ દાખવનારા ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ સામે પગલાં લેવામાં નથી આવ્યાં.
માલવિયાના કહેવા પ્રમાણે, મૃતકોનાં સ્વજનોએ જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ પકડાય નહીં તથા તેમની સામે કાર્યવાહી શરૂ ન થાય ત્યા સુધી અસ્થિવિસર્જન નહીં કરવાનો નિર્ણય લીધો છે.
આ પહેલાં શનિવારે સુરત પોલીસે રૂટમાં આંશિક ફેરફાર સાથે અસ્થિકળશ યાત્રાને મંજૂરી આપી હતી.
આગ, અધૂરી તૈયારી અને અંત
પ્રત્યક્ષદર્શીઓનો આરોપ છે કે સૌપ્રથમ જે ટૅન્કર પહોંચ્યું, તેનો પાણીનો ફોર્સ ઓછો હતો, બીજું ટૅન્કર પહોંચ્યા બાદ ફોર્સ વધ્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓનો આરોપ છે કે ફાયર-ફાઇટર ત્રીજા માળ સુધી પહોંચી શક્યા નહોતા. આથી બાળકોએ ઉપરથી ભૂસકા મારવા પડ્યા. આ કારણે મૃતકો તથા ઈજાગ્રસ્તોની સંખ્યામાં વધારો થયો.
જોકે, શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ મુકેશ પુરીના કહેવા પ્રમાણે, ફાયરબ્રિગેડ પાસે જે નિસરણી હતી, તે સમગ્ર દેશમાં સ્ટાન્ડર્ડ સાઇઝ નિસરણી હતી.
નાગરિકોની સંવેદનહીનતા?
કેટલાક પ્રત્યક્ષદર્શીઓ અને પીડિતોએ ફરિયાદ કરી હતી કે માત્ર ત્રણ કિલોમિટરનું અંતર પાર કરવામાં ઍમ્બુલન્સને 45 મિનિટનો સમય લાગ્યો હતો.
એટલું જ નહીં ત્યાં હાજર સેંકડો લોકો ગાદલાં પાથરીને આગમાં ફસાયેલાઓના જીવ બચાવવાને બદલે વીડિયો ઉતારી રહ્યા હતા.
રસ્તા ઉપરથી પસાર થતા કાર તથા બાઇકચાલકો આગને જોવા માટે ત્યાં અટકી જતા હતા, જેના કારણે ટ્રાફિકજામ થઈ ગયો.
આ કારણે રાહત અને બચાવ કામીગીરી સાથે સંકળાયેલાં વાહનો તથા ઍમ્બુલન્સની અવરજવરમાં અવરોધ ઊભો થયો.
સુરત મહાનગર પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન અશોક ગોસલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું:
"નિયમ પ્રમાણે, દર એક લાખની વસતિએ એક ફાયર ફાઇટર હોવું જોઈએ. તે મુજબ સુરતમાં 62 ફાયર ફાઇટર છે, પરંતુ આગ વખતે ટ્રાફિકજામ થઈ જાય છે."
"આ સમસ્યાને પહોંચી વળવા માટે અમે અમદાવાદની જેમ ટૂ-વ્હિલર ફાયર ફાઇટર વસાવીશું, જેથી કરીને ફાયર કર્મચારીઓ ઝડપભેર પહોંચી શકે અને શરૂઆતનો કિંમતી વેડફાય નહીં."
એસીથી શરૂ થઈ આગ
મુકેશ પુરી અનુસાર બિલ્ડિંગની પાછળના ભાગમાં સ્પ્લિટ ઍરકન્ડીશનરના આઉટર યુનિટમાં સ્પાર્ક થવાથી આગની શરૂઆત થઈ હતી.
જાહેરાત માટે લગાડવામાં આવેલી વિશાળ પૅનલ આ આગની ઝપટમાં આવી ગઈ હતી.
દરમિયાન નીચેની આગ મિટર રૂમ સુધી પહોંચી ગઈ હતી અને તે સળગી ઊઠ્યું હતું.
પ્રથમ તથા બીજા માળના લોકો સિમેન્ટની સીડી મારફત નીચે ઊતરી ગયા હતા એટલે આ બંને ફ્લોર ઉપર કોઈ જાનહાનિ થઈ ન હતી.
અહીં ક્લાસરૂમમાં બનાવટી છત લગાડવામાં આવી હતી. માળની હાઇટ ઓછી હોવાને કારણે બેસવાને માટે ખુરશીને બદલે ડિઝાઇનર ટાયરનો ઉપયોગ થયો હતો.
છત તથા ટાયર જ્વલનશીલ હોવાને કારણે ઉપર સુધી પહોંચેલી આગ ભયાનક રીતે ફેલાઈ હતી.
ચોથા માળે આગ પહોંચતા વિદ્યાર્થીઓએ ઉપરથી કૂદીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો, જેમાં પણ અમુક વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં.
આ બધાં બાળકો વૅકેશન બેચમાં ભણવાં આવ્યાં હતાં. 13થી 18 વર્ષનાં તરુણ-તરુણીઓ વૅકેશન બેચમાં NATA (નેશનલ ઍપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર)ની તૈયારીઓ કરી રહ્યાં હતાં.
ગુજરાત હાઈકોર્ટમાં અરજી
સુરત દુર્ઘટના અંગે ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ પાસે તપાસ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અંગે રાજ્ય સરકારને નોટિસ પાઠવવામાં આવી છે.
સુરત પોલીસે ઇમારતની ડિઝાઇન સાથે ચેડાં કરીને વિદ્યાર્થીઓનાં જીવ જોખમમાં મૂકનારા માલિકો સામે ભારતીય દંડસંહિતાની કલમ 307 (ઇરાદાપૂર્વક જીવનું જોખમ ઊભું કરવું), 304 (માનવવધ), 114 સહિતની કલમો લગાડવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા સુરત, રાજકોટ, અમદાવાદ, જૂનાગઢ અને જામનગર સહિતનાં શહેરોમાં ટ્યૂશન-ક્લાસિસ સ્થાનિક તંત્ર પાસેથી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન મેળવી લે, ત્યાં સુધી ક્લાસિસ ન ચલાવવા નિર્દેશ આપવામાં આવ્યા હતા.
સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને રૂ. ચાર-ચાર લાખની રકમ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો