You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નિર્મલા સીતારમણે બજેટમાં જે 'ઝીરો બજેટ ખેતી'નો ઉલ્લેખ કર્યો તે શું છે?
દેશનાં પહેલા પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવાર પાંચ જુલાઈએ સંસદમાં વર્ષ 2019-20નું બજેટ રજૂ કર્યું. બજેટમાં તમામ પ્રકારની જાહેરાત કરવામાં આવી અને લક્ષ્ય નક્કી કરાયાં.
બજેટ રજૂ કરતાં નિર્મલા સીતારમણે જ્યારે ખેડૂત અને ખેતીની વાત કરી તો તેમણે વધુ એક વાર 'મૂળ' તરફ પાછા ફરવાની વાત પર ભાર મૂક્યો.
બજેટભાષણ દરમિયાન નિર્મલા સીતારમણે કહ્યું કે આપણે ફરી વાર ઝીરો બજેટ ખેતી તરફ વળવાની જરૂર છે.
તેમણે ઝીરો બજેટ ખેતી પર ભાર દેતાં કહ્યું કે આપણે આ પદ્ધતિને દેશભરમાં લાગુ કરવાની જરૂર છે.
ઝીરો બજેટ ખેતી શું છે?
સરળ શબ્દોમાં કહીએ તો ઝીરો બજેટ ખેતી એટલે એવી ખેતી જેના માટે ખેડૂતે કોઈ પણ પ્રકારનું દેવું ન કરવું પડે.
આ પ્રકારની ખેતીમાં કોઈ પણ કીટનાશક, રાસાયણિક ખાતર અને આધુનિક ઢબનો ઉપયોગ નથી થતો. આ ખેતી સંપૂર્ણ રીતે કુદરતી સંસાધનો પર આધારિત છે.
રાસાયણિક ખાતરની જગ્યાએ તેમાં દેશી ખાતર અને પ્રાકૃતિક ચીજોથી બનેલા ખાતરનો ઉપયોગ થાય છે.
હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ લોકોમાં સામેલ છે જેઓ ઝીરો બજેટવાળી કુદરતી ખેતીના સમર્થક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઝીરો બજેટ ખેતી શું છે અને તે કેમ જરૂરી છે એ જાણવા માટે બીબીસી સંવાદદાતા સર્વપ્રિયા સાંગવાને આચાર્ય દેવવ્રત સાથે વાત કરી.
ઝીરો બજેટ ખેતી પ્રાકૃતિક કૃષિ છે. આ ખેતી ભારતમાં પરંપરાગત રીતે હજારો વર્ષથી થતી આવે છે. તેમાં એક દેશી ગાયથી આપણે 30 એકર જમીનમાં ખેતી કરી શકીએ છીએ.
આ પદ્ધતિથી આપણું ઉત્પાદન ઓછું નથી થતું. જેટલું રાસાયણિક ખેતીથી ઉત્પાદન થશે એટલું જ ઉત્પાદન તેનાથી પણ થશે.
રાસાયણિક ખેતીમાં ખર્ચ વધુ થાય છે, જ્યારે આમાં ન બરાબર ખર્ચ થાય છે.
કેવી રીતે થાય છે ઝીરો બજેટ ખેતી?
તેના માટે એક પ્લાસ્ટિકનું પીપ લેવાય છે. તેમાં 180 લિટર પાણી નાખવાનું. દેશી ગાય રાત-દિવસમાં આઠ કિલોગ્રામ છાણ આપે છે. એટલું જ ગૌમૂત્ર આપે છે.
એ પાણીમાં મિક્સ કરી દો. દોઢથી બે કિલો ગોળ, દોઢથી બે કિલો કોઈ પણ દાળનું ખીરું અને એક મુઠ્ઠી માટી.
આ બધી ચીજ ખેડૂત પેદા કરે છે. આ બધી ચીજને પાંચ દિવસ સુધી ઘોળી નાખવી. પાંચમા દિવસે એક એકર માટે ખાતર તૈયાર થઈ જાય છે.
પ્રાકૃતિક ખેતીનો લાભ શું છે?
આજના સમયમાં ગ્લોબલ વૉર્મિંગ મોટી સમસ્યા બની ગઈ છે. જેને વધારવામાં રાસાયણિક ખેતીનો મોટો ફાળો છે.
આવા સમયે પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણને નુકસાન થતું અટકાવી શકાય છે. આમ કરવાથી જમીનની ફળદ્રુપતા વધશે. 60થી 70 ટકા પાણીની પણ બચત થશે.
રાસાયણિક ખેતી પહેલાં દેશમાં કૅન્સર અને ડાયાબિટીસ જેવી બીમારી નહોતી.
રાસાયણિક ખેતીને કારણે એવા અનેક અસાધ્ય રોગ પેદા થયા થયા છે અને આપણી ખાણીપીણીમાં રસાયણ અને કીટનાશક એવા સામેલ થઈ ગયાં છે જે આપણા સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે.
જોકે હાલમાં પણ આ પદ્ધતિ દેશના ખેડૂતોમાં પ્રચલિત છે.
લાખો ખેડૂતો આ પદ્ધતિથી ખેતી કરે છે. પરંતુ સરકાર અને વિશ્વવિદ્યાલયના માધ્યમથી રાસાયણિક ખેતીનો પ્રચાર થાય છે. હવે ભારત સરકારે આ પદ્ધતિનો સ્વીકાર કર્યો છે તો ઝડપથી તેનો પ્રચાર વધશે.
ભારતમાં આવી ખેતી કરવી સરળ છે.
અમે હિમાચલ પ્રદેશમાં 2022 સુધી આખા પ્રદેશને પ્રાકૃતિક ખેતી પ્રદેશ ઘોષિત કરવા માગીએ છીએ.
ગત વર્ષે અમે પાંચસો ખેડૂતોને સામેલ કર્યા હતા ત્યારે ત્રણ હજાર ખેડૂત આવ્યા હતા. આ વર્ષે અમે પચાસ હજાર ખેડૂતોને જોડીશું.
ગુરુકુળ કુરુક્ષેત્રમાં મારું ખેતર છે, બસ્સો એકર. જેમાં હું છેલ્લાં નવ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું, આ પદ્ધતિથી કરાય છે.
ભારતના અનેક મંત્રી તેને જોઈ ચૂક્યા છે. સપ્ટેમ્બરમાં કૃષિમંત્રી પણ મૉડલને જોવા માટે આવી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો