અલ્પેશ ઠાકોર : કૉંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યા બાદ તેમનું ભવિષ્ય શું?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

શુક્રવારે ગુજરાત કૉંગ્રેસમાં વધુ એક વખત તિરાડ પડી. રાજ્યસભાની પેટાચૂંટણી સમયે અલ્પેશ ઠાકોર તથા ધવલસિંહ ઝાલાએ પાર્ટીના વ્હિપ વિરુદ્ધ જઈને મતદાન કર્યું હતું.

કૉંગ્રેસે બંને ધારાસભ્ય સામે પક્ષાંતર વિરોધી ધારા હેઠળ ફરિયાદ દાખલ કરી છે અને તેમને છ વર્ષ માટે ગેરલાયક ઠેરવવા માટે માગ કરી છે.

ઠાકોરે રાજીનામું આપ્યા બાદ કહ્યું હતું કે તેમણે 'અંતરાત્માના અવાજ'ને અનુસરીને મતદાન કર્યું અને કૉંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.

બદલાયેલી રાજકીય પરિસ્થિતમાં ઠાકોર રાજનીતિ તથા બંને ઠાકોર ધારાસભ્યોના રાજકીય ભવિષ્ય અંગે સવાલ ઊભા થયા છે.

અલ્પેશ ઠાકોર : ભાજપ અને ભવિષ્ય

વરિષ્ઠ પત્રકાર અજય નાયકના કહેવા પ્રમાણે, "ઠાકોરના ભવિષ્યનો આધાર વિધાનસભાના અધ્યક્ષના વલણ ઉપર રહેશે."

"જો સકારાત્મક પ્રતિસાદ ન મળે તો કોર્ટના દરવાજા ખખડાવવાનો વિકલ્પ રહેશે."

"જો ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે તો પણ બોર્ડ કે નિગમનું અધ્યક્ષપદ ઓફર થઈ શકે છે."

પક્ષાંતર વિરોધી ધારાની જોગવાઈઓ પ્રમાણે ધારાસભા કે સંસદ (રાજ્યસભા તથા લોકસભા)માં લોકપ્રતિનિધિઓએ પક્ષપલટો કરવો હોય તો કમ સે કમ બે-તૃતીયાંશ ધારાસભ્યોનો સાથ હોવો જોઈએ.

રાજકીય વિશ્લેષક ડૉ. શિરીષ કાશીકરના કહેવા પ્રમાણે, "અલ્પેશને ઠાકોર સમાજ તથા ઠાકોર સેનામાં પોતાની લોકપ્રિયતાનો અંદાજ છે, જેને ધ્યાને રાખીને તેઓ કૉંગ્રેસ કે ભાજપની સાથે વાત કરે છે."

"લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ ઠાકોર સત્તાની નજીક જવા માગતા હોય તેમ જણાય છે."

"જો તેઓ અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાય તો તેમને જીતાડવાની જવાબદારી ભાજપનું સંગઠન લેશે."

"હાલમાં ભાજપની ગણતરી ઠાકોર સમાજમાં વ્યાપ વધારવાની કે અલ્પેશ ઠાકોરને વધુ સશક્ત બનાવવા કરતાં કૉંગ્રેસને નબળી પાડવાની હોય તેમ જણાય છે."

કાયદાકીય જોગવાઈઓ પ્રમાણે જો અલ્પેશ ઠાકોરે (કે સંસદસભ્યે) વ્હિપનો ભંગ થયો હોવાનું પુરવાર થાય તો તેઓ છ વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે.

ગુજરાત 'મૉડલ' અને રાજ્યસભા

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સના પ્રોફેસર ડૉ. અમિત ધોળકિયાના કહેવા પ્રમાણે:

"આ પહેલાંની (ઑગસ્ટ-2017) તથા આ રાજ્યસભાની ચૂંટણી સમયે ફરી એક વખત સાબિત થયું છે કે ગુજરાતમાં રાજકીય નીતિમતાનું ધોવાણ થયું છે."

"ભાજપને કોઈપણ રીતરસમ અપનાવતા ખચકાતો નથી."

તાજેતરમાં રાજ્યસભામાં તેલુગુ દેશમ્ પાર્ટીના છમાંથી ચાર સંસદસભ્યો પક્ષાંતર કરીને ભાજપમાં જોડાય ગયા હતા.

રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ માને છે, "જો બંને ધારાસભ્યોએ મતદાન પહેલાં રાજીનામું આપ્યું હોત તો પણ ચૂંટણી પરિણામમાં કોઈ ફેર પડ્યો ન હોત."

"જોકે, ભાજપ એવો સંદેશ આપવા માગે છે કે કૉંગ્રેસ તેના ધારાસભ્યોને સાચવી શકતો નથી. એટલે જ પહેલાં ક્રૉસવોટિંગ થયું અને પછી રાજીનામું આપ્યું."

ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના કહેવા પ્રમાણે, બંને ઠાકોર ધારાસભ્યોનાં રાજીનામાંએ કૉંગ્રેસની 'આંતરિક બાબત' છે તથા તેમને ભાજપમાં સામેલ કરવાની હાલમાં કોઈ યોજના નથી.

ઠાકોર, સમાજ અને શક્તિ

ડૉ. કાશીકર માને છે કે આગામી દિવસોમાં કૉંગ્રેસની સ્થિતિ વધુ ખરાબ થશે તેવા અણસાર મળી રહ્યા છે.

શુક્રવારના ઘટનાક્રમ પરથી એવો સંદેશ ગયો કે કૉંગ્રેસ તેના સંગઠન તથા ધારાસભ્યોને સાચવી રાખવામાં નિષ્ફળ રહી છે.

રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરે કહ્યું કે સમાજ તથા રાધનપુરના હિતોને ખાતર તેમણે કૉંગ્રેસ છોડ્યું હતું.

ડૉ. કાશીકરના કહેવા પ્રમાણે, જો કોઈ ધારાસભ્ય કે પદાધિકારી સમાજનું નામ આગળ કરીને પાર્ટી છોડે તો તેનું નુકસાન થાય છે અને એટલે જ અલ્પેશ ઠાકોરનું રાજકીય ભવિષ્ય ઉજ્જવળ છે.

વિધાનસભામાં કૉંગ્રેસની સભ્યસંખ્યા 71 હતી, પરંતુ બંને ઠાકોર ધારાસભ્યોના ક્રૉસવોટિંગને કારણે પાર્ટીને પોતાના ધારાસભ્યોના 69 મત મળ્યા હતા.

નાયક માને છે કે જો અલ્પેશ ઠાકોરની સમાજ ઉપર પકડ હોત તો લોકસલભાની ચૂંટણીનાં પરિણામો સમયે તેની અસર જોવા મળી હોત.

અલ્પેશ ઠાકોર, કોર્ટ અને કાયદો

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી રાજ્યસભાની પેટા ચૂંટણીની સામે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, પરંતુ સર્વોચ્ચ અદાલતે દખલ દેવાનો ઇન્કાર કરી દીધો હતો.

અલ્પેશ ઠાકોરને ગેરલાયક ઠેરવવા માટે કૉંગ્રેસે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

પાર્ટીએ તેમને ગેરલાયક ઠેરવવા માટે ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને 'તત્કાળ' નિર્દેશ આપવામાં આવે. જોકે, હાઈકોર્ટે કૉંગ્રેસની અરજી નકારી કાઢી હતી.

બંધારણના અનુચ્છેદ 39 મુજબ એક વખત ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ જાય એટલે કોર્ટ ચૂંટણીપંચની પ્રક્રિયામાં દખલ ન દઈ શકે.

અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યા બાદ કહ્યું હતું કે તેઓ રાધનપુરની બેઠક ઉપરથી ફરી ચૂંટણી લડશે અને જીતશે.

કૉંગ્રેસ 'યુક્ત' ભાજપ

ઑગસ્ટ-2017માં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી. તે સમયે અપેક્ષા પ્રમાણે જ ભાજપના અધ્યક્ષ અમિત શાહ તથા તત્કાલીન કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાનીનો વિજય થયો હતો.

જોકે, ભાજપે ભાજપે બળવંતસિંહ રાજપૂતને પણ ટિકિટ આપી હતી, જેથી કૉંગ્રેસના મહાસચિવ અહેમદ પટેલના વિજય ઉપર જોખમ ઊભું થયું હતું.

એ સમયે કૉંગ્રેસના આઠેક ધારાસભ્યોએ કૉસવોટિંગ કર્યું હતું, છતાંય પટેલ જીતી ગયા હતા.

લોકસભા ચૂંટણી પહેલાં જવાહર ચાવડા, કુંવરજીભાઈ બાવળિયા, આશાબહેન પટેલ, રાઘવજી પટેલ જેવા ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયાં હતાં.

ડૉ. ધોળકિયા કહે છે, "વિચારધારા તથા રીતરસમની દૃષ્ટિએ ભાજપ તથા કૉંગ્રેસ વચ્ચે કોઈ તફાવત નથી રહ્યો. ભાજપનું કૉંગ્રેસીકરણ થઈ રહ્યું છે. ભાજપ કાર્યકર્તા આધારિત પાર્ટી રહી છે."

"અગાઉ સંઘ કે ભાજપમાં ન હોય તેવા લોકોને ભાજપના સંગઠનમાં કે મહત્ત્વપૂર્ણ સ્થાનો કે પદ ઉપર નિમણૂક મળતી ન હતી."

ધોળકિયા ઉમેરે છે કે વ્યક્તિગત મહત્ત્વકાંક્ષા તથા જ્ઞાતિના સમર્થનને આધારે જો કોઈ નેતા રાજકીય કારકિર્દીને આગળ વધારવા માગે તો તે ગુજરાતના રાજકારણ માટે સારી બાબત નથી.

અલ્પેશ અને કૉંગ્રેસ કનેક્શન

શુક્રવારે કૉંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપનારા અલ્પેશ ઠાકોર ઑક્ટોબર-2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે કૉંગ્રેસમાં જોડાયા હતા.

એ સમયે તેમણે રાહુલ ગાંધીના નેતૃત્વમાં સરકાર રચવા માટે કામ કરવાની વાત કહી હતી.

એપ્રિલ-2019માં તેમણે કૉંગ્રેસના તમામપદો ઉપરથી રાજીનામાં આપી દીધાં હતાં. ચૂંટણી સમયે તેઓ બિહાર કૉંગ્રેસના સહ-પ્રભારી નિમવામાં આવ્યા હતા.

માર્ચ મહિનામાં બીબીસી ગુજરાતીના કાર્યક્રમ 'ગુજરાતની વાત'માં રાધનપુર બેઠકના ધારાસભ્ય ઠાકોરે કહ્યું હતું કે રાહુલ ગાંધી 'ભાઈની જેમ' રાખે છે અને તેઓ કૉંગ્રેસ સાથે જ રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો