You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું - કહ્યું 'વિશ્વાસઘાત થયો'
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસનાં તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ અમિત ચાવડાને રાજીનામાનો પત્ર મોકલી આપ્યો છે.
મંગળવારે ઠાકોરસેનાએ ઠાકોર સમાજના ત્રણ કૉંગ્રેસી ધારાસભ્યો અલ્પેશ ઠાકોર (રાધનપુર), ધવલસિંહ ઝાલા (બાયડ) અને ભરતજી ઠાકોર (બેચરાજી)ને આહ્વાન કર્યું હતું કે પાર્ટી દ્વારા વારંવાર કાર્યકર્તાઓનું અપમાન થતું હોવાથી તેઓ કૉંગ્રેસ સાથે છેડો ફાડી નાખે.
આ પહેલાં માર્ચ મહિનામાં પણ અલ્પેશ ઠાકોરના રાજીનામાની વાત ચર્ચાઈ હતી. બાદમાં તેમને પાર્ટી દ્વારા મનાવી લેવાયા હતા.
બીજી બાજુ કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોર મંગળવારે ભાજપમાં જોડાયા હતા.
ગુજરાતની બે લોકસભા બેઠક ઉપર ઠાકોર સમાજ નિર્ણાયક હોવાથી આ ઘટનાક્રમને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
MLAપદ પરથી રાજીનામું નહીં
રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ સંબોધતાં કહ્યું:
"પાર્ટીમાં યુવાનોને સન્માનનીય સ્થાન મળે તેવી અમારી માગ હતી. અમને હતું કે કૉંગ્રેસ અમને પરિવાર તરીકે સ્વીકારશે, પરંતુ તેવું થયું નહીં એ વાતનું દુ:ખ છે."
"અમે ઠાકોર યુવાનો માટે જિલ્લા તથા તાલુકાસ્તરે પદ ઇચ્છતા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ માટે રાજીવ સાતવ અને મોવડીમંડળને અનેક વખત રજૂઆતો કરી હતી. તેમણે અમારી વાતો સાંભળી પરંતુ કોઈ ઉકેલ ન લાવ્યા."
"બનાસકાંઠા અને ઊંઝાની બેઠક ઉપર પ્રચાર કરીશ, પરંતુ કોઈના માટે કે કોઈની વિરુદ્ધમાં પ્રચાર નહીં કરીએ."
"હું તથા અન્ય કોઈ ધારાસભ્ય પદ પરથી રાજીનામું નહીં આપીએ."
"ગરીબ લોકો અને સેનાનો એજન્ટ છું, ભાજપ કે અન્ય કોઈના માટે કામ નથી કરી રહ્યો. બે-પાંચ લોકો પાર્ટી ઉપર કબજો જમાવીને બેઠા છે અને ટિકિટ્સનું પણ વેચાણ થતું હતું."
આ અંગે પ્રતિક્રિયા આપતા વડગામથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ બીબીસી ગુજરાતીને કહ્યું:
"હાલ તો હું અલ્પેશ ઠાકોરને માત્ર એટલું જ કહેવા માગીશ કે ઠાકોર સમાજનું અહિત કરનાર ભાજપ સાથે ન જોડાશો."
આ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના વડા અમિત ચાવડાએ કહ્યું, "અલ્પેશ ઠાકોરે તેમના રાજીનામાના પત્રમાં અને પત્રકાર પરિષદમાં જે પ્રકારની ભાષા વાપરી તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે પાયાના કાર્યકરોનું અપમાન કર્યું છે."
"કૉંગ્રેસે અલ્પેશ ઠાકોર તથા તેમના સાથીઓને કૉંગ્રેસના સંગઠનમાં અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન તક આપી હતી."
"કોઈ પક્ષ ક્યારેય સંપૂર્ણપણે એક વ્યક્તિની મરજીથી ન ચાલી શકે અને એવી અપેક્ષા પણ ન રખાય."
ઠાકોરે રાજીનામાની જાહેરાત કરી તે પહેલાં કૉંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું:
"જનતા ભાજપથી નારાજ છે અને ગુજરાતમાં કૉંગ્રેસની વધુ સીટો આવી રહી છે. એટલે જ તેઓ કૉંગ્રેસના ધારાસભ્યો, કાર્યકરો અને હોદ્દેદારોને તોડવાનો પ્રયાસ કરે છે."
હાર્દિકે પોતાની અને ઠાકોરની વચ્ચે કોઈ સ્પર્ધા હોવાની વાત નકારી હતી અને ઉમેર્યું હતું કે તેમને મનાવવા માટે પ્રયાસ કરવાની વાત કહી હતી.
આ વિશે વધુ વાંચો
અલ્પેશ અને કૉંગ્રેસ
બુધવારે કૉંગ્રેસ સાથે છેડો ફાડનારા અલ્પેશ ઠાકોર ઑક્ટોબર-2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે કૉંગ્રેસમાં જોડાયા હતા.
એ સમયે તેમણે રાહુલ ગાંધીના નેતૃત્વમાં સરકાર રચવા માટે કામ કરવાની વાત કહી હતી.
બીબીસી ગુજરાતીના કાર્યક્રમ 'ગુજરાતની વાત'માં રાધનપુર બેઠકના ધારાસભ્ય ઠાકોરે કહ્યું હતું કે રાહુલ ગાંધી 'ભાઈની જેમ' રાખે છે.
જોકે, ગુજરાતમાં કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી ત્યારે ચર્ચા ચાલી હતી કે તેઓ પાર્ટીમાંથી રાજીનામું આપી દેશે.
એ સમયે પત્રકાર પરિષદ સંબોધી હતી અને કહ્યું હતું, "હું ઇમાનદારીથી કહું છું કે મારે મંત્રી બનવું હતું. મને હતું કે હું મારા ગરીબ લોકો માટે કામ કરી શકીશ."
ત્યારબાદ મંગળવારે મોડી સાંજથી ફરી એક વખત તેમના રાજીનામાની ચર્ચા ચાલી હતી.
સમગ્ર ઘટનાક્રમ અંગે TV9 સાથે વાત કરતાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું:
"અમે હંમેશાંથી કહ્યું છે અને અત્યારે પણ કહીએ છીએ કે જેને પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને નેતાગીરીમાં વિશ્વાસ હોય તેઓ આવકાર્ય છે."
બીજી બાજુ, સુરતમાં મીડિયા સાથે વાતચીતમાં ભાજપના પ્રદેશાધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે ઠાકોર ભાજપ સાથે સંપર્કમાં નથી.
હાર્દિક પટેલ સ્ટારપ્રચારક
કૉંગ્રેસ દ્વારા પાટીદાર નેતા હાર્દિક પટેલને બિહારમાં પ્રથમ અને દ્વિતીય તબક્કાના મતદાન માટે, ઉપરાંત રાજસ્થાનમાં ચૂંટણીપ્રચાર માટે સ્ટારપ્રચારક જાહેર કરવામાં આવ્યા હતા. આ બંને યાદીમાં ઠાકોરનું નામ ન હતું.
વિશ્લેષકો માને છે કે, 14 માસની બાળકી સાથે દુષ્કર્મ બાદ ગત વર્ષે ઑક્ટોબરમાં ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતીયો વિરુદ્ધ હિંસા ફાટી નીકળી હતી, જેમાં ઠાકોર સેનાનું નામ ચર્ચાયું હતું. આથી હિંદીભાષી રાજ્યોમાં તેમને સ્ટારપ્રચારક ન બનાવવામાં આવ્યા હોય તેવું બને.
હિંસાચક્ર દરમિયાન પરપ્રાંતીયોમાં વિશ્વાસ પેદા કરવા અને શાંતિ સ્થાપિત કરવા માટે ઠાકોરે ઉપવાસ પણ કર્યા હતા.
ચૂંટણીપ્રચારમાં ઠાકોરની નિષ્ક્રિયતા ઠાકોર બહુમતીવાળી બેઠક ઉપર પાર્ટી માટે ચિંતાજનક બની શકે છે.
પટેલ, મેવાણી અને ઠાકોર
છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ગુજરાતના રાજકીય પરિદૃશ્યમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર તથા જિગ્નેશ મેવાણી નેતા તરીકે ઊભર્યા.
25મી ઑગસ્ટ, 2015ના દિવસે અમદાવાદના જીએમડીસી (ગુજરાત મીનરલ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન) ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલે પાટીદાર આંદોલનનું રણશિંગુ ફૂંક્યું હતું.
શરૂઆતમાં પાટીદારોની માગ હતી કે તેમને 'ઓબીસી'ના નેજા હેઠળ અનામત આપવામાં આવે.
હાર્દિક પટેલ ગત મહિને કૉંગ્રેસમાં જોડાયા હતા. હાર્દિક પટેલે જામનગરની બેઠક ઉપરથી ચૂંટણી લડવાની ઇચ્છ વ્યક્ત કરી હતી. જોકે, કાયદાકીય અડચણને કારણે શક્ય ન બન્યું.
જો પાટીદારોને ઓબીસી અનામત મળે તો ઠાકોરોનાં હિત ઉપર જોખમ ઊભું થાય તેમ હતું. એટલે 'ઠાકોરસેના' સક્રિય બની.
ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે ઠાકોરસેનાએ દારૂના વેચાણ પર જનતારેડ શરૂ કરી હતી, જેમાં ઠાકોર મહિલાઓ અને યુવા જોડાયાં હતાં.
નાગરિકોના દબાણને કારણે ગુજરાત સરકારે દારૂબંધીનો કાયદો બદલવો પડ્યો હતો.
44 વર્ષીય અલ્પેશે ગુજરાતના યુવા બેરોજગારો, આંગણવાડી બહેનો, આશાવર્કરોના પ્રશ્નોને લઈને 2014-17 દરમિયાન રાજ્યભરમાં અનેક આંદોલનો કર્યાં હતાં.
આ મંચ અને સરકાર સામેના કાર્યક્રમોને કારણે અલ્પેશ ઠાકોર 'ઓબીસી સમાજનો ચહેરો' બન્યા હતા.
કૉંગ્રેસે અલ્પેશ ઠાકોરને રાધનપુરની બેઠક પરથી ટિકિટ આપી અને કૉંગ્રેસને આજુબાજુની ઠાકોર બહુમતીવાળી બેઠકો પર લાભ થયો હતો.
આ દરમિયાન જ દલિતોએ પણ જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં તેમની માગો સાથે આંદોલન કર્યું હતું.
વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડગામની બેઠક ઉપરથી મેવાણીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
કૉંગ્રેસે તેમની સામે કોઈ ઉમેદવાર ઊભો ન રાખ્યો, જેના કારણે દલિત નેતા મેવાણીનો માર્ગ સરળ બન્યો હતો.
ઠાકોર વિ. ઠાકોર
લોકસભા ચૂંટણીમાં ભાજપે દસ ઓબીસી ઉમેદવારોને ટિકિટ આપી છે, જ્યારે કૉંગ્રેસને નવ ઉમેદવારોમાં જીતની શક્યતા દેખાય છે.
ગુજરાતની પાટણ અને સાબરકાંઠા બેઠક ઉપર ઠાકોર સમાજ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. એટલે જ ભાજપ તથા કૉંગ્રેસે આ બંને બેઠક ઉપરથી ઠાકોર ઉમેદવારોને જ ચૂંટણીજંગમાં ઉતાર્યા છે.
પાટણની બેઠક ઉપર ભરતસિંહ ડાભી (ભાજપ) સામે કૉંગ્રેસના જગદીશ ઠાકોર છે, જ્યારે સાબરકાંઠાની બેઠક ઉપર ભાજપના દીપસિંહ રાઠોડની સામે રાજેન્દ્ર ઠાકોર (કૉંગ્રેસ) ચૂંટણી લડી રહ્યા છે.
બનાસકાંઠાની બેઠક ઉપર ભાજપે પરબત પટેલ અને કૉંગ્રેસે પર્થીભાઈ ભટોળને ઉતાર્યા છે. બંને આંજણા ચૌધરી સમાજના છે, જે ઓબીસી સમાજમાંથી આવે છે.
OBCની સામે સવર્ણ
સુરતની બેઠક ઉપર ભાજપે ઓબીસી સમુદાયના દર્શનાબહેન જરદોશને ફરી ટિકિટ આપી છે, જ્યારે કૉંગ્રેસે પટેલ સમુદાયના અશોક અધેવડાને ટિકિટ આપી છે.
પાટીદાર અનામત આંદોલન સમયે વિરોધનું ઍપિસેન્ટર બનેલા સુરતમાં કૉંગ્રેસ મૂળ સૌરાષ્ટ્રના પટેલ મતો ઉપર આશા રાખી શકે છે, જ્યાં હાર્દિક પટેલ 'ઉદ્દીપક'ની ભૂમિકા ભજવી શકે છે.
સામે પક્ષે ભાવનગરની બેઠક ઉપર ભાજપે કોળી સમુદાયના ડૉ. ભારતીબહેન શિયાળને ટિકિટ આપી છે, તેમની સામે મનહર પટેલ છે, જેઓ સવર્ણ પાટીદાર સમુદાયના છે.
ખેડાની બેઠક ઉપર ભાજપે ઓબીસી સમુદાયના દેવુસિંહ ચૌહાણને ટિકિટ આપી છે, જેમની સામે કૉંગ્રેસે સવર્ણ વણિક સમાજના બીમલ શાહની ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
નવસારીની બેઠક ઉપર ભાજપે જનરલ કૅટેગરી મરાઠી સી. આર. પાટીલને ટિકિટ આપી છે, જેમની સામે ઊતરેલા ધર્મેશ પટેલ (કૉંગ્રેસ) કોળી સમુદાયના છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો