You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાલાકોટ : ભારતના હુમલાના દોઢ મહિના બાદ પાકિસ્તાને દેખાડી એ જગ્યા
ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામામાં થયેલા ઉગ્રવાદી હુમલામાં 40 જવાનોનાં મોત થયાં હતાં. જે બાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં હવાઈ હુમલો કર્યાનો દાવો કર્યો હતો.
આ ઘટનાના અંદાજે દોઢ મહિના બાદ પાકિસ્તાનની સેના કેટલાક પત્રકારોને આ જગ્યાએ લઈને ગઈ હતી.
બાલાકોટની આ એ જ સાઇટ છે જેને 26 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતીય વાયુસેનાએ હવાઈ હુમલામાં ધ્વસ્ત કર્યાનો ભારતે દાવો કર્યો હતો.
આ જગ્યા પાકિસ્તાનના ખૈબર પખ્તુન્ખ્વાહમાં આવેલી છે.
ભારતનો દાવો હતો કે અહીં ઉગ્રવાદીઓનો કૅમ્પ હતો અને મોટી સંખ્યામાં જૈશના 'આતંકવાદીઓ માર્યા' ગયા હતા.
પાકિસ્તાને એવો દાવો કર્યો હતો કે આ જગ્યાએ મદરેસા હતી, જેને નુકસાન થયું નથી અને હવાઈ હુમલામાં કોઈએ જીવ ગુમાવ્યા નથી.
હુમલાના બીજા દિવસે પાકિસ્તાને બીબીસી સહિતની મીડિયા સંસ્થાના પત્રકારોને ઘટનાસ્થળે લઈ જવાનું નક્કી કર્યું હતું.
જોકે, આ મુલાકાત રદ કરવામાં આવી હતી. હુમલાના બીજા દિવસે પત્રકારોને ટેકરી પર આવેલી મદરેસા સુધી જવાની પરવાનગી પણ અપાઈ ન હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હુમલાના 43 દિવસ બાદ 10 એપ્રિલ 2019ના રોજ પાકિસ્તાન સરકારે ઇસ્લામાબાદમાં આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે મુલાકાત યોજી હતી.
આ મુલાકાતમાં કેટલાક ડિપ્લોમૅટ્સ હાજર રહ્યા હતા અને પાકિસ્તાનની સેના પત્રકારોને આ સ્થળે લઈ ગઈ હતી.
બીબીસીના સંવાદદાતા ઉસ્માન ઝાહિદે પણ સેનાની સાથે આ સ્થળની મુલાકાત લીધી હતી.
અમારા રિપોર્ટરે પાકિસ્તાનના અમલદારોને આ મુલાકાતમાં થયેલા વિલંબનું કારણ પૂછ્યું હતું. જવાબમાં તેમણે જણાવ્યું કે પરિસ્થિતિ એવી હતી કે લોકોને ત્યાં લઈ જવું મુશ્કેલ હતું.
તેમણે એવું પણ જણાવ્યું કે મીડિયાની મુલાકાત યોજવા માટે આ સમય તેમને યોગ્ય લાગ્યો.
અમારા રિપોર્ટરે એવું પણ જણાવ્યું હતું કે હુમલા બાદ ઘટનાસ્થળે સ્થાનિક પત્રકારો અને રોયટર્સની ટીમે જવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તંત્રે તેમને ઘટનાસ્થળની મુલાકાત લેવા દીધી નહોતી. જોકે હવે પાકિસ્તાન આ વાતને નકારી રહ્યું છે.
મદરેસાના બોર્ડ પર લખ્યું હતું એ પ્રમાણે મદરેસા 27 ફેબ્રુઆરીથી 14 માર્ચ દરમિયાન બંધ હતી કે નહીં? એ અંગે અમારા પત્રકારે શિક્ષક અને વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે હુમલા બાદ લેવાયેલાં તાત્કાલિક પગલાંના ભાગરૂપે મદરેસાને બંધ કરાવાઈ હતી, જે હજી પણ બંધ છે.
અમારા રિપોર્ટરે પૂછ્યું, 'જો મદરેસા બંધ હોય તો પછી આટલાં બધાં બાળકો અહીં ક્યાંથી આવ્યાં?'
તો તેમણે જવાબ આપ્યો કે આ બધાં સ્થાનિક બાળકો છે અને મદરેસા હજી બંધ જ છે.
રિપોર્ટરે એવું પણ જણાવ્યું કે અમને ત્યાં હાજર લોકો સાથે વાત કરવાની અને તેમને પ્રશ્નો પૂછવાની છૂટ આપવામાં આવી હતી, પણ જ્યારે અમે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે અમને ઉતાવળ કરવા અને લાંબી વાતચીત ન કરવા જણાવ્યું હતું.
મહદંશે સ્પષ્ટ હતું કે લોકો સાથે વાત કરવા મુદ્દે અમારા પર નિયંત્રણ રાખવામાં આવી રહ્યું હતું.
આ મામલે બીબીસીએ ભારતના વિદેશ મંત્રાલયનો સંપર્ક સાધ્યો હતો પરંતુ તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
બીબીસી સંવાદદાતાએ મદરેસામાં શું જોયું?
ઉસ્માન જાહિદે આ મદરેસાની જગ્યા પરથી જણાવ્યું, "હું હમણાં બાલાકોટના જાબા વિસ્તારની મદરેસામાં છું, જેને હિટ કર્યાનો દાવો ભારતે કર્યો હતો."
"હેલિપૅડથી મદરેસા સુધી પહોંચવામાં અમને દોઢ કલાક જેટલો સમય લાગ્યો. મદરેસાની બાઉન્ડરી વૉલ મારી સામે છે."
"બાળકોનો અવાજ સંભળાઈ રહ્યો છે, બાળકો અહીં ભણી રહ્યાં છે."
"અહીં શાળા બહાર મેદાન છે, જ્યાં ફૂટબૉલના પૉલ્સ લાગેલા છે. આ પહાડોની વચ્ચે મદરેસાની ઇમારત છે, જે મસ્જિદ જેવી લાગે છે."
"અમારી સાથે બીજા પત્રકારો, સૈન્યના જવાનો અને ઍમ્બૅસૅડર્સ પણ છે."
"હું હાલમાં મદરેસાના ઓરડામાં છું, અહીં 100થી 150 જેટલાં બાળકો કુરાન ભણી રહ્યાં છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો