સ્થાપનાદિન વિશેષ : ભાજપને ગુજરાતમાંથી કેમ ઉખાડી શકાતો નથી?

    • લેેખક, જય મકવાણા
    • પદ, બીબીસી ગુજરાતી

1984માં એ વખતનાં વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા બાદની ચૂંટણીમાં સમગ્ર દેશમાં રાજીવ ગાંધી પ્રત્યે સહાનુભૂતિનું મોજું હતું. એને કારણે કૉંગ્રેસે જંગી બહુમતીથી સરકાર બનાવી હતી. પણ, કૉંગ્રેસની અભૂતપૂર્વ લહેર વચ્ચે ગુજરાતના મહેસાણામાંથી ભાજપના ઉમેદવાર ડૉ. એ. કે. પટેલ ચૂંટાઈ આવ્યા હતા. ગુજરાત આગળ જતા જે રીતે ભાજપની પ્રયોગશાળા બન્યું એનાં આ મંડાણ હતાં.

ભાજપે ગુજરાતમાં નવો રેકૉર્ડ સર્જી નાખ્યો છે. 156 બેઠકો જીતીને જે વિક્રમ ભાજપે સર્જ્યો છે તેને તોડવો કોઈ પણ રાજકીય પક્ષ માટે અઘરો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામે સાબિત કરી દીધું છે કે આટલાં વર્ષો બાદ વિપક્ષ માટે ભાજપને ગુજરાતમાંથી ઉખાડી ફેંકવો આજે પણ મુશ્કેલ છે.

(આ લેખ સૌપ્રથમ 2018માં પ્રકાશિત થયો હતો)

ભાજપની સ્થાપના

કટોકટી બાદ દેશમાં ભારતીય જનસંઘે અન્ય પક્ષો સાથે મળીને જનતા પક્ષની સરકાર બનાવી. ત્રણ વર્ષ સુધી સત્તામાં રહેલા જનતા પક્ષનું 1980માં વિઘટન થયું. એ સાથે જ જનસંઘના સભ્યોને નવો પક્ષ રચવાની જરૂર જણાઈ.

રાજકીય વિશ્લેષક હરિ દેસાઈએ બીબીસીને આ અંગે વાત કરતાં કહ્યું, "એ વખતે જનતા પક્ષના મધુ લિમયે અને અન્ય સમાજવાદી નેતાઓનું માનવું હતું કે જનસંઘના લોકોએ જનતા પક્ષમાં રહેવું હોય તો સંઘને છોડી દેવો પડે."

"જનસંઘના લોકો અને સમાજવાદી કે કૉંગ્રેસમાંથી આવેલા નેતાઓએ જનતા પક્ષમાં કમઠાણ સર્જ્યું હતું."

''વળી, મોરારજી દેસાઈની સરકાર તૂટી હતી અને ઇંદિરા ગાંધીએ પુનરાગમન કર્યું હતું. આમ જનતા પક્ષ તૂટ્યો અને એમા સામેલ જનસંઘના લોકોને લાગ્યું કે તેમને પોતાના એક અલાયદા રાજકીય પક્ષની જરૂર છે."

સંઘને જણાયેલી રાજકીય પક્ષની જરૂર આખરે મુંબઈમાં પૂરી થઈ અને 6 એપ્રિલ, 1980માં ભારતીય જનતા પક્ષની સ્થાપના થઈ.

અટલ બિહારી વાજપેયીને ભાજપના પ્રથમ અધ્યક્ષ બનાવાયા. જ્યારે લાલકૃષ્ણ અડવાણીને સિકંદર બખ્ત અને સુરજભાણ સાથે મહાસચિવનો હોદ્દો અપાયો.

ભાજપ અને ગુજરાત

મુંબઈમાં સ્થપાયેલો ભાજપ ગુજરાતને ભવિષ્યમાં હિંદુત્વની પ્રયોગશાળા બનાવવાનો હતો. ગુજરાત જ તેનો સૌથી મોટો ગઢ બનવાનું હતું અને આ માટે તેને જનસંઘ અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘે ગુજરાતમાં કરેલી મહેનત ફળવાની હતી.

બીબીસી સાથે વાત કરતા વરિષ્ઠ પત્રકાર મનીષ મહેતા જણાવે છે, "એ વખતે ભાજપ માટે ગુજરાતમાં સૌથી મોટો પડકાર પોતાને રાજકીય રીતે સ્થાપિત કરવાનો હતો. ગુજરાતમાં માન્યતા મળ્યા બાદ રાષ્ટ્રીય ફલક પર પણ એ માન્યતાને આગળ વધારવાનો હતો."

"જોકે, ગુજરાતમાં સંઘે પહેલાંથી જ તૈયાર રાખેલી હિંદુત્વની ફળદાયી જમીનનો ફાયદો ભાજપને થયો. એ જ કારણ હતું કે રાજીવ ગાંધીને મળેલાં સહાનુભૂતિનાં મોજાં વચ્ચે પણ ભાજપે જે બે બેઠકો જીતી એમાંની એક બેઠક ગુજરાતમાં હતી."

મહેતા આગળ કહે છે, "ભાજપને એક પ્રાંતીય પક્ષ બની રહેવાને બદલે રાષ્ટ્રીય પક્ષ બનવાનું હતું અને એ માટેની ચાવી એણે ગુજરાતમાંથી ફેરવી હતી."

ભાજપના રાષ્ટ્રીય પક્ષ બનવા માટેના પ્રયોગો પણ ગુજરાતથી જ શરૂ થયા. અડવાણીએ સોમનાથથી રથયાત્રા શરૂ કરી. ભાજપને એ યાત્રા ફળી પણ ખરી.

ભાજપે ગુજરાતી મધ્યમવર્ગમાં હિંદુત્વવાદી વિચારધારાનાં બીજ રોપ્યાં અને એ રીતે મધ્યમવર્ગને પોતાની તરફ વાળ્યો.

આ અંગે મહેતા જણાવે છે, "ભારતીય સમાજના ત્રણ વર્ગો છે ધનવાન, મધ્યમ અને ગરીબ. ઇંદિરા ગાંધી અને કૉંગ્રેસની છાપ ગરીબ તરફી હતી અને ગરીબવર્ગ કૉંગ્રેસનો વફાદાર મતદાર ગણાતો. પણ ભાજપે મધ્યમવર્ગ પર ધ્યાન કેન્દ્રીત કર્યું. જેનું પ્રમાણ સંખ્યાની દૃષ્ટિએ ખૂબ જ મોટું હતું."

"ગુજરાતના મધ્યમવર્ગમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘે પહેલાંથી જ રોપેલાં હિંદુત્વાદી માનસિકતાનાં બીજને ભાજપે ઉછેર્યાં.”

એ વખતનો ભાજપ અને હાલનો ભાજપ

પરિવર્તન કુદરતનો નિયમ હોય કે ના હોય પણ ભાજપે પરિવર્તન અપનાવી લીધું છે અને કદાચ એટલે જ ગુજરાતમાં હિંદુત્વના પ્રયોગ કરીને દેશની સત્તા સુધી પહોંચેલા હાલના ભાજપની પ્રકૃતિ એના પ્રારંભ કરતાં ક્યાંય અલગ છે.

ગુજરાતમાં ભાજપનો મજબૂત પાયો નાખનારા ચાર મુખ્ય નેતાઓમાંથી એક રહી ચૂકેલા રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ બીબીસીને કહ્યું, "આજના ભાજપ અને એ સમયના ભાજપ વચ્ચે જમીન આસમાનનો ફેર છે. એ ભાજપ વાજપેયીની 'ગાંધીવાદી-સમાજવાદી' વિચારધારાને વરેલો હતો. 'કૅડરબેસ્ડ માસ પાર્ટી' હતો. પણ હવે કૅડર જતી રહી છે અને માત્ર 'માસ પાર્ટી' જ બચી છે."

ભાજપના ટોચના નેતા રહી ચૂકેલા ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતા બીબીસીને જણાવે છે, "એ વખતનો ભાજપ ખરા અર્થમાં લોકતાંત્રિક પક્ષ હતો. જ્યારે હાલનો ભાજપ 'ઑટોક્રૅટ' બની ગયો છે. એ વખતના ભાજપની બસ સજ્જનોથી ભરેલી હતી. જ્યારે આજના ભાજપની બસ સ્વાર્થી અને લાલચુ લોકોથી ભરેલી છે."

"એ લોકો સંગઠનને નુકસાન ન થાય એ માટે કામ કરતા હતા. પોતે જ રોપેલા છોડને કોઈ નુકસાન ના થાય એ માટે એમણે ક્યારેય માથું ના ઊચક્યું. પણ એવા કાર્યકરોની સંખ્યા ધીમે-ધીમે ઘટતી ગઈ."

વર્તમાન ભાજપની કાર્યપદ્ધતિ

હરિ દેસાઈ આ અંગે જણાવે છે, "ભાજપની ભાષામાં આક્રમકતા વધી છે. આક્ષેપબાજી વધી છે. મને લાગે છે કે અટલબિહારી વાજપેયી સુધી ભાજપમાં ગરિમા હતી. વિપક્ષમાં હોય કે સત્તામાં, ભાજપનું વર્તન સૌહાર્દપૂર્ણ રહેતું પણ હવે એવું નથી."

"વાજપેયી રાજપુરુષ હતા, જ્યારે નરેન્દ્ર મોદી રાજકારણી છે. રાજપુરુષ આવતી પેઢીનો વિચાર કરે. રાજકારણી આવતી ચૂંટણીનો જ વિચાર કરે છે. આમાં ક્યાંય ગ્રેસ નથી."

“અટલ લિબરલ હતા. એટલે એ 24 પક્ષોને સાથે રાખીને પાર્ટી ચલાવી શક્યા. આજના ભાજપ પાસે 'એરોગન્સ' છે. સત્તાનો નશો છે."

"લોકશાહીમાં વિરોધી અવાજનો આદર કરવો ઘટે. પણ અત્યારના ભાજપમાં ડરનો માહોલ છે. કાર્યકરો સાથે વાત કરો તો પણ એ ડર અનુભવાય છે."

ગુજરાતમાં ભાજપનું ભવિષ્ય

ગુજરાત એ ભાજપનો ભારતમાં સૌથી મોટો ગઢ છે. અહીં બે દાયકા કરતાં પણ વધુ સમયથી ભાજપ એકહથ્થું શાસન ચલાવી રહ્યો છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની બેઠકો ભલે ઘટી હોય, સરકાર તો ભાજપની જ બની છે. પણ ભાજપ અને ગુજરાતનો સંબંધ કાયમ આવો જ રહેશે?

સુરેશ મહેતા આ અંગે કહે છે, "ગુજરાતમાં સંઘે રોપેલાં જૂનાં મૂળનો ભાજપને ફાયદો મળ્યો છે. ગુજરાતની લાગણીશીલ પ્રજા સંઘ સાથે જોડાયેલી છે અને ભાજપને એનો લાભ મળતો રહ્યો છે."

"જોકે, હવે સતત થઈ રહેલા ખોટા પ્રચારને કારણે લોકોમાં લાગણી ઘટી છે. લોકો હવે વિચારતા થયા છે. વર્ચસ્વ, ભય અને લાલચ જેવાં તત્ત્વો પક્ષમાં ઉમેરાયાં છે અને એટલે ગુજરાતમાં જીતતા રહેવું ભાજપ માટે ભવિષ્યમાં અઘરું બની જશે."

ભાજપનાં મૂળ ઉખેડવાં અશક્ય?

ભવિષ્યમાં ભાજપ માટે 'ગુજરાત જીતવી' અઘરી ભલે બને પણ અશક્ય કદાચ નહીં જ બને.

શંકરસિંહ વાઘેલા આ અંગે જણાવે છે, "ભાજપ ગુજરાતમાં જીતે છે, કારણ કે કૉંગ્રેસ નબળી છે. કૉંગ્રસની ભાજપ સાથે 'ઉપલા લેવલ'ની દોસ્તી આનું સૌથી મોટું કારણ છે."

"કૉંગ્રેસ સારા ઉમેદવારોને 'ફ્રિહૅન્ડ' નથી આપતી. એનો સીધો જ ફાયદો ભાજપને થાય છે. 'ભાજપ ભલે ફાવી જાય પણ કૉંગ્રેસની કોઈ વ્યક્તિ આગળ ના આવવી જોઈએ' એવી કૉંગ્રેસીઓની માનસિકતા ભાજપને લાભ કરાવી રહી છે."

"એમ પણ કહી શકાય કે ભાજપને મજબૂત કરવામાં કૉંગ્રેસનો સૌથી મોટો ફાળો છે."

હરિ દેસાઈ પણ કહે છે, "કૉંગ્રેસ પાસે પોતાનું માળખું નથી. જ્યાં સુધી કૉંગ્રેસ પોતાનું માળખું ઊભું ન કરે ત્યાં સુધી એ ભાજપને પહોંચી શકે એમ નથી. ચૂંટણી વખતે ભાજપ માટે સંઘની આખી કૅડર કામે લાગે છે."

"ભાજપ હિંદુ વોટબૅન્કને કબજે કરવા ગમે તે કરી જાય છે. સામે પક્ષે કૉંગ્રેસીઓ સૂતા રહે છે."

જ્યારે મનીષ મહેતાનું અવલોકન છે, "નરેન્દ્ર મોદીના વડા પ્રધાન બન્યા બાદ ગુજરાતમાં ભાજપ બીજા ક્રમની નેતાગીરી વિકસી શકી નથી."

મહેતા 2017ની વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કહે છે, "છેલ્લી ચૂંટણીનાં પરિણામો પરથી કહેવાય કે ભાજપના પાયા હલ્યા છે. જો સ્થિતિ આવી જ રહે તો ભવિષ્યમાં ભાજપ માટે ટકી રહેવું અઘરું બનશે."

(મૂળ લેખ 6 એપ્રિલ 2018ના રોજ લખાયો હતો. 23 મે 2019ના રોજ અપડેટ કરાયો હતો)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો