You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપ સાથેના ‘અણબનાવ’ની કિંમત ચૂકવી રહ્યા છે તોગડિયા?
- લેેખક, અજય ઉમટ
- પદ, સીનિયર પત્રકાર
રાજસ્થાનના ગંગાપુરની કોર્ટે એક કેસ સંબંધે વિશ્વ હિન્દુ પરિષદ(વીએચપી)ના કાર્યકારી આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડો. પ્રવીણ તોગડિયા સામે વોરન્ટ બહાર પાડ્યું હતું.
જામીનપાત્ર વોરંટ અનેકવાર બહાર પાડવામાં આવ્યાં હોવા છતાં તોગડિયા અદાલતમાં હાજર થયા ન હતા. તેથી કોર્ટે તેમની સામે બિન-જામીનપાત્ર વોરંટ બહાર પાડ્યું હતું.
રાજસ્થાન પોલીસ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશને તોગડિયાની ધરપકડ કરવા માટે સોમવારે સવારે પહોંચી હતી, પણ તોગડિયા તેમના ઘરે મળ્યા ન હતા એટલે પોલીસ પાછી ચાલી ગઈ હતી.
ઝેડ પ્લસ સિક્યુરિટી ધરાવતા તોગડિયા ગુમ થઈ ગયા હોવાની ખબર સોમવારે બપોરે પડી હતી. તેઓ દાઢીવાળી વ્યક્તિ સાથે ઓટો રિક્ષામાં જતા છેલ્લે જોવા મળ્યા હતા.
એ પછી વીએચપીના કાર્યકરોએ ધમાલ કરી હતી અને બે-ત્રણ મુસલમાન રિક્ષાચાલકોને કથિક ધોલધપાટ પણ કરી હતી.
કોતરપુર પાસે એક વ્યક્તિ બેભાન અવસ્થામાં હોવાનો ફોન ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને રાતે સાડા આઠ વાગ્યે આવ્યો હતો.
શાહીબાગ વિસ્તારની ચંદ્રમણિ હોસ્પિટલમાં તોગડિયાને દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ જણાવ્યું હતું કે તોગડિયાના સ્વાસ્થ પર કોઈ જોખમ નથી.
પોલીસે હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડ્યું નથી, કારણ કે ડોક્ટરોએ પોલીસને તોગડિયાનું નિવેદન લેવાની છૂટ આપી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
15 દિવસમાં અનેક નોટિસ
તોગડિયા સામે વોરંટ બહાર પાડવામાં આવ્યાની અનેક ઘટનાઓ છેલ્લા પખવાડિયામાં મારી નજરમાં આવી છે.
1998ના એક કેસમાં કોર્ટે 2017માં નોંધ લઈને તોગડિયા સામે વોરંટ બહાર પાડ્યું હતું. એ સંબંધે તેઓ કોર્ટમાં હાજર થયા હતા.
એ પછી તોગડિયા સામે ગંગાપુર કોર્ટમાંથી વોરંટ આવ્યું હતું અને હરિયાણામાંથી પણ તેમની સામે વોરંટ આવી શકે છે.
આ બધાનો અર્થ એ છે કે તોગડિયા સામેના જૂના કેસો ફરી ઉઘડી રહ્યા છે.
આ સંયોગ હોઈ શકે, પણ એવું કહેવામાં આવે છે કે તોગડિયાને ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના સીનિઅર નેતાઓ સાથે અણબનાવ થયો છે.
વીએચપીના કાર્યકારી પ્રમુખની ચૂંટણી તોગડિયા લડ્યા ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને બીજેપીનું એક જૂથ એવું માનતું હતું કે તોગડિયાએ એ ચૂંટણી લડવી જોઈતી ન હતી.
જોકે, ભુવનેશ્વરની મીટિંગમાં તોગડિયાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું અને દેખાડ્યું હતું કે વીએચપીના 70 ટકા લોકો તેમની સાથે છે.
એ પછી સંઘે તોગડિયાને ત્રણ વર્ષ માટે વીએચપીના કાર્યકારી પ્રમુખ બનાવ્યા હતા.
શું છે બીજેપી સાથે મતભેદ?
તોગડિયા અને બીજેપીના નેતાઓ વચ્ચે વ્યાપક મતભેદ હોવાનું કહેવાય છે.
તોગડિયા રામ મંદિરથી માંડીને બંધારણની કલમ 370 સુધીના મુદ્દાઓ પર ખુલ્લેઆમ અભિપ્રાય વ્યક્ત કરે છે.
ગયા અઠવાડિયે એક પત્રકાર પરિષદમાં તોગડિયાએ જણાવ્યું હતું કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રામ મંદિરના નિર્માણ માટે સંસદમાં એક ખરડો રજૂ કરવો જોઈએ.
તેમણે છ મુદ્દે મોદી સરકારને પડકારવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં રામ મંદિર ઉપરાંત રોજગાર અને ખેડૂત સંબંધી મુદ્દાઓ પણ હતા.
તોગડિયાએ ત્યારે એવું જણાવ્યું હતું કે મોદી સરકારે માત્ર ટ્રિપલ તલાકના મુદ્દે જ બોલકા થવાની જરૂર ન હતી.
કેટલા મજબૂત છે તોગડિયા?
તોગડિયા, તેમનાથી ડરવું પડે એટલા મજબૂત અત્યારે નથી, પણ તેમનો સમાવેશ શત્રુઘ્ન સિંહા, યશવંત સિંહા અને અરુણ શૌરી જેવા બીજેપીના નેતાઓની યાદીમાં થાય છે.
આ નેતાઓ મોદી સરકારને સતત પડકારતા રહ્યા છે. એ ઉપરાંત તેઓ સરકારી નીતિઓ વિરુદ્ધ ખુલ્લેઆમ અભિપ્રાય પણ આપતા રહે છે.
તોગડિયા બીજેપીમાં બહુ મોટો પ્રભાવ ધરાવતા હોવાનું લાગતું નથી.
(બીબીસી સંવાદદાતા મોહમ્મદ શાહિદ સાથેની વાતચીતના આધારે. આ તેમના વ્યક્તિગત વિચાર છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો