You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દૃષ્ટિકોણ : દલિત ઉત્થાનને ભૂલીને 'ચમચા યુગ' લાવનારી માયા!
- લેેખક, અરુણ કુમાર ત્રિપાઠી
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
માયાવતીના 63માં જન્મદિવસ પર દલિત રાજનીતિમાં ધ્રુવીકરણની શરૂઆત થઈ ચૂકી છે.
એક તરફ ઉત્તર પ્રદેશ જેવા વિશાળ રાજ્યમાં 22.2 ટકા મતબેંક અને માત્ર 19 સીટો પર માયાવતી છે.
બીજી તરફ ગુજરાતમાં અપક્ષ રહીને એકલા હાથે વડગામ જીતનારા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના આંબેડકરવાદી અને ડાબેરી વિચારોની ચડાઈ છે.
એક તરફ બહેનજીનો ચાર વાર મુખ્યમંત્રી બનવાનો અને 2009માં ડાબેરી દળો દ્વારા વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાનો ઇતિહાસ છે.
બીજી તરફ વૈશ્વિકરણ અને હિંદુત્વને ભીમા કોરેગાંવ, ઊનામાં દલિતો પર અત્યાચાર, યુવાનોની બેરોજગારી અને ખેતીની ખરાબ સ્થિતિના બહાને લલકારવાનું ભવિષ્ય છે.
દેશની ડાબેરી વિચારધારા સાથે છત્રીસનો આંકડો રાખનારી દલિત રાજનીતિ પહેલીવાર ના ફકત માર્ક્સવાદી ભાષા બોલી રહી છે પરંતુ કોંગ્રેસને હરાવ્યા બાદ તેના સાથે હાથ મિલાવવા પણ તૈયાર છે.
ગુજરાતનાં રમખાણો બાદ ભાજપ સાથે સરકાર બનાવનારાં અને ગુજરાત ચૂંટણીમાં બસપાના ઉમેદવારોના માધ્યમથી દલિત મતોના ભાગલા કરીને ભાજપને મદદ કરનારાં બહેન માયાવતી પોતાના ભૂતકાળને લઈને ભલે સંતુષ્ટ હોય પરંતુ ભવિષ્યને લઈને શંકાશીલ છે.
તેઓ દલિતો પર અત્યાચાર થયા બાદ ક્યારેક ક્યારેક બૌદ્ધ બનવાની ધમકી આપે છે અને હિંદુત્વવાદની વિરુદ્ધ એકાદ ટિપ્પણી કરી દે છે પરંતુ તેમણે બહુજન મિશનનું કામ લગભગ છોડી દીધું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમને ના તો બૅકવર્ડ માઇનૉરિટી શેડ્યૂલ કાસ્ટ ઇમ્પલાઇ ફેડરેશન(બામસેફ)નું સ્મરણ છે કે ના તો દલિત શોષિત સમાજ સંઘર્ષ સમિતિ(ડીએસ4)નું સ્મરણ છે.
કાંશીરામનો યુગ
કાંશીરામે એેંશીના દાયકામાં રામને અત્યાચારી અને ગાંધીને ધોખાબાજ કહી કોંગ્રેસ અને ભાજપની રાજનીતિ પર પ્રહારો કર્યા હતા.
ત્યારબાદ પૂના કરારનો વિરોધ કરીને દલિતોને કોંગ્રેસના ચમચાયુગમાંથી બહાર કાઢી સ્વતંત્ર નેતૃત્વ પુરું પાડ્યું હતું.
તેઓ મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધીના વિંધ્યપારના સમસ્ત દલિત બહુજનનાં વર્ણનોને ઉત્તર પ્રદેશની ધરતી પર ઉતારી રહ્યા હતા. બીજી તરફ બ્રાહ્મણવાદને પાળતા મનુવાદ સાથે યુદ્ધ કરી રહ્યા હતા.
તેઓ ક્યારેક પેરિયાર, ફુલે, નારાયણ ગુરુ અને આંબેડકરના મેળા ભરાવતા હતા તો ક્યારેક સાયકલ અને પદયાત્રાએ નીકળતા હતા.
આ આક્રમકતામાં તેમના સર્મથકોએ ગુલામગીરી, તમિલ રામાયણ, રિડલ્સ ઇન હિંદુઇઝમની વાર્તાઓનો પ્રચાર કર્યો.
તેમજ અછૂતાનંદ, લલઈ સિંહ યાદવ, રામસ્વરૂપ વર્મા જેવા સમાજ સુધારકો અને દાદૂદયાલ, રોહિદાસ તેમજ બીજા દલિત સંતોની વાતો અને વચનો જનતા સામે પ્રકટ કર્યાં.
આ દરમિયાન કાંશીરામે સેંકડો સાથીઓ(કૉમરેડ) તૈયાર કર્યા અને તેમને મિશનની રાજનીતિ અને સત્તાની રાજનીતિમાં જોડ્યા.
બસપાનો ચમચા યુગ
આ જ માયાવતી ખુદને કાંશીરામના એકમાત્ર ઉત્તરાધિકારી જાહેર કરે છે પરંતુ તેમણે વિચારોની બધી તલવારો પોતાની માયાનાં મ્યાનમાં નાખીને મહત્વાકાંક્ષાની તિજોરી બંધ કરી દીધી છે.
તેઓ ભગવાધારી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સમક્ષ કોઈ પડકાર ઊભો નથી કરતાં. જો સ્થાનિક ચૂંટણીઓમાં તેમને બીજું સ્થાન મળ્યું છે તો તે અલ્પસંખ્યક સમાજની મજબૂરીના કારણે.
નહીં તો માયાવતીના નેતૃત્વમાં બહુજન વિચાર અને દલિત આંદોલન માત્ર જન્મદિવસ પર દાન મેળવવા અને ન આપવાવાળાને કરંટ આપીને મારવાવાળા, બસપાના નેતાઓના દલિત યુવતીઓ સાથે બળાત્કાર અને અત્યાચાર કરવાવાળી એક અમાનવીય અને લોકશાહી વિનાની ધારણા બની ચૂક્યા છે.
એટલું જ નહીં દલિત નેતાઓને કોંગ્રેસના જે ચમચા યુગમાંથી બહાર કાઢીને કાંશીરામે ભણવાનું, સંઘર્ષ કરવાનું અને આંદોલન કરવાનું જે આહવાન કર્યું હતું અને એક પેઢીને તૈયાર કરી હતી તે બધાને માયાવતીએ ચમચા બનવા મજબૂર કરી દીધા. જે ચમચા બનવા માગતા ન હતા તે બધાને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા.
શું બહુજનની પાર્ટી બની ગઈ બસપા?
પહેલીવાર માયાવતીના સત્તામાં આવ્યા બાદ દલિત સમાજમાં જે સાહસ અને સ્વાભિમાનનો સંચાર થયો હતો તે અભૂતપૂર્વ હતો.
એટલા માટે પૂર્વ ઉત્તર પ્રદેશના એક જિલ્લામાં એક દલિત મહિલા તેના પર બળાત્કાર કરનારનું લિંગ કાપી પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પુરા પ્રદેશમાં ખળભળાટ મચી ગયો હતો.
બસપામાંથી સમય સમય પર બહારનો રસ્તો બતાવી દેવાયેલા નેતાઓ દીનાનાથ ભાસ્કર, મસૂદ અહમદ, રાજબહાદુર, બરખૂરામ વર્મા, રાશિદ અલ્વી, દદ્દૂ પ્રસાદ, જુગલ કિશોર, બાબૂ સિંહ કુશવાહા, સ્વામી પ્રસાદ મોર્ય અને આર. કે. ચૌધરી જેવા નેતાઓ અન્ય પાર્ટીઓમાં જઈને ખોવાઈ ગયા અથવા તો સ્વતંત્ર રીતે કાઠું ના કાઢી શક્યા.
તેમના જવાથી બહેનજીની રાજનૈતિક હેસિયત પણ વધી અને પાર્ટીમાં તે એકછત્ર નેતા બની ગયાં.
તેમ છતાં પણ એ માનવામાં સંકોચ ના થવો જોઈએ કે કાંશીરામના તમામ સાથિઓએ પાર્ટી છોડ્યા બાદ અને મિશનના કાર્યકર્તાઓની ઉપેક્ષા બાદ બસપા સર્વજન તો શું બહુજનની પાર્ટી પણ રહી નથી.
તે માત્ર માયાવતીના ખિસ્સા માટેની પાર્ટી બનીને રહી ગઈ. બહેનજી ઇચ્છતાં તો 2007 અને 2012 સુધીની બહુમતિ અને પાંચ વર્ષનાં શાસન દરમિયાન ભૂમિ સુધારણા, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવાં કામો પર ધ્યાન આપીને પ્રદેશને બહુજન વિચારનું એક મૉડલ રાજ્ય બનાવવાની દિશામાં કામ કરી શકતાં હતાં.
પરંતુ તેમણે બ્રાહ્મણવાદ, હિંદુત્વ અને મૂડીવાદ બધાથી સમજૂતી કરી પોતાની રાજનીતિને માત્ર માયાવાદના રસ્તા પર આગળ વધારી જે સરકી રહેલી મતબેંકનાં ખોખલા વૃક્ષના આધારે ખીણ પર લટકી રહી છે.
તેને હવે ભાજપની નિષ્ફળતા અને સપા કે કોંગ્રેસની સમજૂતિના માધ્યમથી કોઈ ચમત્કારની આશા છે.
જિગ્નેશમાં દેખાતું ભવિષ્ય
આ રાજનીતિની સામે આમ આદમી પાર્ટીથી દલિત રાજનીતિમાં આવેલા જિગ્નેશને રાહુલ ગાંધી, કનૈયા કુમાર, ઉમર ખાલિદ અને શેહલા રાશિદ જેવા યુવા નેતાઓના માધ્યમથી સત્તા વિરોધી રાજનીતિની વ્યવસ્થામાં વિરોધી તેવર ઉત્તપન્ન કર્યાં છે.
તેઓ કાંશીરામના નવા ઉત્તરાધિકારી બનતા જોવા મળી રહ્યા છે. તેઓ આંબેડકર અને માર્ક્સવાદને સાથે મેળવીને બંને પર ખુલ્લા મનથી વિચાર કરવા પર ભાર મૂકી રહ્યા છે. પહેલાં તેમણે ભલે એક વકીલને એવું કહ્યું હોય કે આંબેડકરના વિચારોમાં બધું જ નથી પરંતુ આજ તેઓ એ વાત કહી રહ્યા છે કે માર્ક્સવાદથી અસહમત થવા છતાં પણ આંબેડકરના ચિંતનમાં વર્ગોનો સવાલ છે.
તેથી જ આજ જાતિ અને વર્ગના સવાલોને સાથે ઉઠાવવાની જરૂરિયાત છે. આ ક્રમમાં તેઓ પેરિયારથી પણ પ્રેરણા લે છે અને ફુલે, આંબેડકરથી પણ. તેઓ ગુજરાત મૉડલને પડકાર પણ ફેંકે છે અને હિંદુત્વ અને વૈશ્વીકરણને એકબીજાના સહયાત્રી પણ માને છે.
કૉર્પોરેટ હિંદુત્વ
દેશની રાજનીતિની સામે આજ એ પડકાર છે જેમાં માયાવતી ના તો દલિત બૌદ્ધિકોની અંદર આકર્ષણ ઊભું કરી રહ્યાં છે ના તો બિનદલિતોમાં સાથે સંવાદ કરી શક્યાં છે. જાતી નિવારણની વાત તો દૂર રહી.
દલિત રાજનીતિ હિંદુત્વની ભૂલભૂલામણીમાં ખોવાઈ ગઈ છે અને તેને બહાર નીકળવાનો રસ્તો દેખાઈ રહ્યો નથી. અલબત્ત આજ જિગ્નેશ મેવાણી એક હાથમાં મનુસ્મૃતિ તો બીજા હાથમાં બંધારણ લઈને મોદીને એકને પસંદ કરવાનો પડકાર ફેંકે છે તો અંધારામાં દીપક બતાવવાની કોશિશ કરી રહ્યા છે.
પરંતુ તેમણે એ ના ભૂલવું જોઈએ કે કૉર્પોરેટ હિંદુત્વના ભાથામાં ઘણાં તીર છે. હજી તો તેણે પછાતવર્ગના એક નેતાને વડાપ્રધાન બનાવ્યા છે અને નીચ શબ્દને જાતીય સ્વાભિમાન સાથે જોડીને ફાયદો ઉઠાવ્યો છે.
તેમણે દલિતોને આકર્ષિત કરવા માટે એક સામાન્ય નેતાને રાષ્ટ્રપતિ બનાવ્યા છે. જો તેઓ દલિત બહુજન રાષ્ટ્રવાદની રાજનીતિના વધતા પડકારને જોશે તો કોઈ દલિતને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં સંકોચ નહીં કરે.
દલિતો પાસે માયાવતી જેવાં નેતા હતાં અને હવે દેશની પ્રગતિશીલ તાકાતોના સહયોગથી ઊભરી રહેલા જિગ્નેશ મેવાણી ભલે હોય પરંતુ કૉર્પોરેટ હિંદુત્વ પાસે માયાવી રણનીતિનો તોટો નથી.
તે ક્યારેક ઝોળીમાંથી કાઢે છે તો ક્યારેક મેદાનમાંથી. જોવાનું એ છે કે દલિત વડાપ્રધાનની રાહ જોઈ રહેલા દેશને તે ભેટ બંધારણનાં મૂલ્યોને નબળાં કરવાની કિંમત પર મળે છે કે મજબૂત કરવાની.
(આ લેખકના અંગત વિચારો છે)
(લેખક વરિષ્ઠ પત્રકાર અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ હિંદી યુનિવર્સિટી વર્ધામાં પ્રોફેસર ઍડજંક્ટ છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો