You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જિગ્નેશ જેવા નેતા હિંદુવાદી રાજકારણ માટે જોખમી?
- લેેખક, રાજેશ જોશી
- પદ, રેડિયો સંપાદક, બીબીસી હિંદી
યૂ-ટ્યૂબ પર એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં ભગવા ઝંડાધારીઓ 'જય ભીમ' લખેલા ઝંડાધારીઓને મારવા દોડી રહ્યા છે.
તેમની ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા. થોડીવારમાં પોલીસની હાજરીમાં જ સામેસામે પથ્થરમારો થવા લાગ્યો હતો.
દલિતો સામે એવો તે કયો આક્રોશ હતો જે પૂના પાસે ભીમા કોરેગાંવમાં ફાટી નીકળ્યો?
તમામને જાણ હતી કે જે સ્થળે દલિત વિજયનો ઉત્સવ ઊજવાય રહ્યો છે ત્યાં વર્ષ 1927માં બાબાસાહેબ આંબેડકર ગયા હતા અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં દલિત સંગઠનો એકઠાં થશે.
તમને આ પણ વાંચવું ગમશે
કેન્દ્ર અને રાજ્યમાં એક જ પાર્ટી સત્તામાં હોવા છતાં દલિત અને હિંદુવાદી સંગઠનો વચ્ચેની અથડામણને અટકાવવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.
ગત દોઢ વર્ષ દરમિયાન મહારાષ્ટ્રનાં અનેક શહેરોમાં મરાઠાઓએ 'મૌન રેલીઓ' કાઢી હતી. તેની પૂર્ણાહુતિ પૂના પાસે ભીમા-કોરેગાંવમાં થઈ.
ત્યાં દલિત સમુદાયના હજારો લોકો ચિતપાવન બ્રાહ્મણ પેશવાની સેના પર 'અછૂત' મહાર સૈનિકોના વિજયની 200મી જયંતી ઊજવવા માટે ગત વર્ષના છેલ્લા દિવસે એકઠા થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વૈચારિક ગર્ભનાળ
દલિત-વિરોધી હિંસા માટે પોલીસે બે શખ્સો સામે ફોજદારી કેસ દાખલ કર્યા છે.
તેઓ પૂના તથા આજુબાજુના વિસ્તારના ચર્ચિત હિંદુવાદી રાજકીય ચહેરા છે. તેમાંથી એક છે 85 વર્ષીય સંભાજી ભીડે.
તેમના વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ જ કહી ચૂક્યા છે, "અમે જ્યારે સમાજ જીવન માટે કાર્ય કરવાના સંસ્કાર મેળવી રહ્યા હતા, ત્યારે અમારી સમક્ષ ભીડે ગુરુજીનું ઉદાહરણ રજૂ કરવામાં આવતું."
આ બંને આરોપીઓની વૈચારિક ગર્ભનાળ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલી છે.
સંભાજી ભીડે 1984માં સંઘના પ્રચારક હતા. હિંદુવાદી સંગઠનો હંમેશા હિંદુ સમાજને એક કરવાની તથા જાતિ આધારિત ભેદભાવને સમાપ્ત કરવાની હિમાયત કરે છે.
તો પછી ભીમા-કોરેગાંવમાં હિંદુવાદીઓએ ખુલ્લે આમ દલિતોને કેમ પડકાર્યા?
દલિત તથા બિન-દલિતો વચ્ચે તણાવને દૂર કરવાના બદલે કેટલાક શખ્સોએ પાસેના ગામમાં આવેલી મધ્યકાલીન દલિત વિભૂતિ ગોવિંદ ગાયકવાડની સમાધિને નુકસાન પહોંચાડ્યું.
સમાધિ સ્થળ ખાતે લાગેલાં બોર્ડ્સ તોડી નાખ્યાં.
મૌન રેલીઓનું રાજકારણ
દલિતો માને છે કે જ્યારે ઔરંગઝેબે છત્રપતિ શિવાજીના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજના શબના ટુકડે ટુકડા કરાવ્યા ત્યારે મુઘલોના ભયથી સવર્ણો તેમના અંતિમ સંસ્કાર કરવા માટે તૈયાર થયા ન હતા.
એ સમયે ગોવિંદ ગાયકવાડે શબના ટુકડા એકઠા કર્યા અને અંતિમ સંસ્કાર કર્યા હતા.
જોકે, મરાઠાઓ આ વાતને ખોટી માને છે અને કહે છે કે, મરાઠાઓએ જ છત્રપતિ સંભાજી મહારાજના અંતિમ સંસ્કાર કર્યા હતા.
ત્યારે એવો સવાલ થાય કે હિંદુત્વના નામે રાજકારણ કરનારાઓએ જ દલિતો અને હિંદુઓ વચ્ચેના સંઘર્ષને ઉશ્કેરવાનું કામ કર્યું?
એટલું જ નહીં ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, અખિલ ભારતીય બ્રાહ્મણ મહાસંઘ જેવા સંગઠનોએ પોલીસ સમક્ષ અપીલ કરી હતી કે દલિતોને કાર્યક્રમ યોજવાની મંજૂરી આપવામા ન આવે.
આ સવાલનો જવાબ મેળવવા માટે મહારાષ્ટ્રનાં અનેક શહેરો અને વિસ્તારોમાં કાઢવામાં આવેલી મૂક રેલીઓનું રાજકારણ સમજવું પડશે.
દલિત-વિરોધી
હાથમાં ભગવા ઝંડાઓ સાથે એકઠાં થયેલા લાખો મરાઠાઓની મૂક રેલીઓ છેલ્લા દોઢેક વર્ષથી મીડિયામાં છવાયેલી હતી.
મરાઠાઓ મહારાષ્ટ્રનાં નાનાં-મોટાં શહેરો અને વિસ્તારોમાં રસ્તા ઉપર ઊતરી આવતા.
એકદમ મૌન અને શિસ્તબદ્ધ. કોઈ નારેબાજી નહી કે કોઈ ભાષણ પણ નહી.
શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતી રેલીઓનું નેતૃત્વ સ્કૂલની છોકરીઓ કરતી હતી.
13મી જુલાઈ 2016ના મરાઠા કિશોરી સાથે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના કોપરડી ગામ ખાતે દુષ્કર્મ થયું હતું.
દુષ્કર્મના આરોપીઓ દલિત હતા અને મરાઠા સમાજ તેમને કડક સજા અપાવવા માટે આંદોલન કરી રહ્યો હતો.
આગળ જતા આ આંદોલનમાં દલિત-વિરોધી માગો થવા લાગી.
જેમ કે, સરકારી નોકરીઓમાં મરાઠાઓને અનામત આપવામાં આવે તથા અનુસૂચિત જાતિ-જનજાતિ કાયદામાં ફેરફાર કરવામાં આવે જેથી તેનો 'દુરુપયોગ' ન થાય.
મરાઠી ફિલ્મ 'સૈરાટ' અંગે વિવાદ
1994માં ઉત્તરપ્રદેશમાં તત્કાલીન મુલાયમસિંહ સરકારે શિક્ષણ સંસ્થાઓમાં પછાત વર્ગના વિદ્યાર્થીઓને અનામત આપવાની જાહેરાત કરી હતી.
જેની સામે સમગ્ર ઉત્તરાખંડ(એ સમયે ઉત્તરપ્રદેશનો ભાગ હતું)માં આંદોલનો શરૂ થયાં હતાં.
જેમાં લોકોએ કહ્યું હતું કે અમને ઉત્તરાખંડ આપો, અમે અમારી અનામત નીતિ લાગુ કરીશું.
આમ તો એ આંદોલન અલગ ઉત્તરાખંડ રાજ્યની માંગ માટે હાથ ધરવામાં આવ્યું હતું.
પરંતુ તેમાં માયાવતી અને કાશીરામ જેવા દલિત નેતાઓ અને મુલાયમસિંહ જેવા પછાત વર્ગના નેતાઓ સામે ખુલ્લે આમ નારેબાજી કરવામાં આવતી.
આથી દલિત સમાજનો મોટો વર્ગ અલગ ઉત્તરાખંડના આંદોલનમાં સામેલ ન થયો.
મરાઠાઓ અને દલિતો વચ્ચેનો સંઘર્ષ રસ્તા પર જોવા મળ્યો, તે પહેલાં મરાઠી ફિલ્મ 'સૈરાટ'માં જોવા મળ્યો હતો.
આ ફિલ્મનું દિગ્દર્શન નાગરાજ મુંજલેએ કર્યું હતું.
એપ્રિલ 2016માં રજૂ થયેલી આ ફિલ્મમાં ખાતાપીતા ઘરની મરાઠા જમીનદારની દીકરી દલિત યુવકના પ્રેમમાં પડે છે. ફિલ્મ દુખાંત લવસ્ટોરી હતી.
છોકરીનો પરિવાર પ્રેમલગ્નને માનતો નથી. અંતમાં છોકરી તથા તેનાં પતિની હત્યા કરી નાખવામાં આવે છે.
આ ફિલ્મ રિલીઝ થતાં ફરી એક વખત મરાઠા-દલિત વચ્ચેના સંઘર્ષ અંગે જાહેરમાં ચર્ચાઓ થવા લાગી.
મરાઠાઓના અસંતોષનું અનેક રીતે વિશ્લેષણ કરવાના પ્રયાસો થયા.
ચૂંટણીમાં નુકસાનની આશંકા
કેટલાક વિશ્લેષકોએ તેને ખેડૂતોનો અસંતોષ ગણાવ્યો. દેવાના કારણે અનેક સ્થળોએ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.
કેટલીક વખત મરાઠા આંદોલનને અનામત વ્યવસ્થા સમાપ્ત કરવાની એક વ્યાપક યોજનાો ભાગ પણ માનવામાં આવે છે.
આ મૌન રેલીઓમાં પ્રત્યક્ષ રીતે હિંદુવાદી સંગઠનોની કોઈ ભૂમિકા હોય કે ન હોય પરંતુ સંઘના અનેક પદાધિકારીઓ અનેક વખત કહી ચૂક્યા છે કે અનામત વ્યવસ્થાની સમીક્ષા કરવી જોઈએ.
વિવાદ વકરે તો કે ચૂંટણીમાં નુકસાન થશે તેવી ભીતિ જણાય તો સમાધાનના પ્રયાસો હાથ ધરવામાં આવે છે.
પરંતુ આ પ્રકારના નિવેદનો દ્વારા સંઘ પરિવાર સવર્ણ હિંદુ સમાજની ભાવનાઓને રજૂ કરે છે જે અનામત વ્યવસ્થાને પોતાના માટે અન્યાયકારક માને છે.
સાથે જ માને છે કે અનામત વ્યવસ્થા સમાપ્ત થવી જોઈએ.
ભારતીય જનતા પાર્ટી અને હિંદુવાદી સંગઠનો મરાઠા મૌન રેલીઓમાં દલિત-વિરોધી વલણની અવગણના કરી શકે તેમ ન હતા.
પરંતુ સ્પષ્ટ રીતે જાહેરમાં આવવું તેમના માટે શક્ય ન હતું કારણ કે સંઘ ખુદને જાતિવાદી વિભાજનથી ઉપર હિંદુ સમાજનું પ્રતિનિધિત્વ કરતું સંગઠન માને છે.
'કડક શબ્દોમાં ટીકા'
બીજું કે દલિત-વિરોધી વલણ અખત્યાર કરવામાં આવે તો ચૂંટણીમાં નુકસાન થવાની શક્યતા રહે.
આથી, આ કામ કરવા માટે પૂનાની આજુબાજુના વિસ્તારોના ફ્રિલાન્સ હિંદુવાદી સંગઠનોને આગળ કરવામાં આવ્યાં.
જેથી તેઓ મરાઠી સમાજમાં પ્રવર્તમાન દલિત-વિરોધી લાગણીઓને ઉશ્કેરી શકે.
ઉપરાંત પ્રત્યક્ષ રીતે તેમની ઉપર દલિત-વિરોધી હોવાના આરોપ પણ ન લાગે.
જ્યારે પૂના તથા તેની આજુબાજુનાં વિસ્તારોમાં દલિત-વિરોધી વાતાવરણ ઊભું થઈ રહ્યું હતું, ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે સમાધાન માટે કોઈ સ્પષ્ટ નિવેદન આપ્યું ન હતું કે અપીલ કરી ન હતી.
જ્યારે દલિતો પર ભગવા ઝંડાધારીઓની ટોળાંએ હુમલો કર્યો હોવાના અહેવાલ આવ્યા અને 'મહારાષ્ટ્રમાં દલિતો અને હિંદુઓ વચ્ચે સંઘર્ષ' જેવી હેડલાઈનો છપાઈ ત્યારે સંઘના પ્રચાર પ્રમુખ ડૉ. મોહન વૈદ્યે તત્કાળ હિંસાની 'કડક શબ્દો'માં ટીકા કરી અને હિંદુ વિરોધીઓનું કામ હોવાનું જણાવ્યું.
યોગાનુયોગે આ મનમોહન વૈદ્યે જાન્યુઆરી 2017માં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ પહેલા સંઘના અધિકારીએ અનામત વ્યવસ્થાને સમાપ્ત કરવાની વાત કહી હતી.
વૈદ્યે કહ્યું હતું, "કોઈ પણ રાષ્ટ્રમાં અનામત વ્યવસ્થા હોય તે સારી બાબત નથી. વહેલી તકે તેની જરૂરિયાતને નાબૂદ કરીને તમામને સમાન તક મળે તેવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ."
જિગ્નેશ જેવા દલિત નેતા
વચ્ચે વચ્ચે સંઘ અનામત વિરોધી નિવેદનો આપતું રહે છે. જેથી સવર્ણ જ્ઞાતિઓનું સમર્થન મળી રહે.
રામવિલાસ પાસવાન, રામદાસ અઠાવલે તથા ઉદિત રાજ જેવા દલિત નેતાઓ સાથે હોવાથી ભાજપને 'વાણિયા-બ્રાહ્મણની પાર્ટી' હોવાની જૂની છાપને બદલવામાં મદદ મળે છે.
ઉપરાંત દલિતોનું સમર્થન પણ મળતું રહેશે તેની ગૅરંટી પણ રહે છે.
પણ સંઘ પરિવાર તથા ભાજપ જાણે છે કે 'ડાબેરી' વિચારસરણી ધરાવતા દલિત યુવાન નેતા જિગ્નેશ મેવાણી વિધાનસભા ચૂંટણી જીત્યા છે અને વિધાનસભા સુધી પહોંચ્યા છે એ તેમના માટે સારા સંકેત નથી.
જિગ્નેશ મેવાણી તથા સહારનપુરના ચંદ્રશેખર આઝાદ 'રાવણ' જેવા દલિત નેતાઓ હિંદુત્વના ગળાની ફાંસ બની ગયા છે.
ફાંસ નીકળી જાય તો પણ લોહી તો નીકળે જ છે અને યથાવત રહેવા દેવામાં આવે તો પીડા થાય છે.
અત્યારસુધી આવા કિસ્સાઓમાં 'દેશદ્રોહી'નું લેબલ કારગર નીવડ્યું છે, પણ ક્યાં સુધી?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો