કોણ છે સંભાજી ભિડે જેમના પર ભીમા-કોરેગાંવ હિંસાનો આરોપ છે

મહારાષ્ટ્રના ભીમા-કોરેગાંવમાં થયેલી હિંસા મામલે શ્રી શિવ પ્રતિષ્ઠાન હિંદુસ્તાનના સંસ્થાપક સંભાજી ભિડે અને હિંદુ એકતા અઘાડી મિલિંદ એકબોટે સામે પૂનાના પિંપરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ કારણે સંભાજી ભિડેનું નામ હાલ ચર્ચામાં આવ્યું છે. તો જાણો કોણ છે સંભાજી ભિડે.

1. સંભાજી ભિડે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના રહેવાસી છે.

2. બીબીસી મરાઠીને વરિષ્ઠ પત્રકાર ગણેશ જોશીએ જણાવ્યું કે ભિડેની ઉંમર 80 વર્ષ છે. તેમનું સાચું નામ મનોહર છે. તેમનું પિતૃક ગામ સબનિસવાડી છે. સાંગલીમાં એક જમાનામાં બાબારાવ ભિડે નામના આરએસએસના વરિષ્ઠ કાર્યકર્તા હતા. સંભાજી તેમના ભત્રીજા છે. 1980 સુધી તેઓ ખુદ આરએસએસ સાથે જોડાયેલા હતા અને તેમણે એમએસસી સુધી અભ્યાસ કર્યો છે.

જોશી જણાવે છે કે સંભાજી ભિડેએ ત્યાં આરએસએસનું સંગઠન સ્તરનું કામ શરૂ કર્યું હતું પરંતુ કોઈ વિવાદને લઈને તેમની બદલી કરી દેવાઈ હતી. જોકે, તેમણે આ બદલીનો વિરોધ કર્યો અને આરએસએસની સમાંતર જ એક સંગઠનની સ્થાપના કરી.

વિજ્યાદશમીના દિવસે યોજાતી આરએસએસની રેલીના જવાબમાં સંભાજીએ દુર્ગા માતા દોડ શરૂ કરી હતી. બાદમાં જ્યારે રામજન્મભૂમિ આંદોલન શરૂ થયું ત્યારે તેમના સંગઠનને વધારે સર્મથન મળવાનું શરૂ થયું. જે રીતે હિંદુત્વવાદીઓ છત્રપતિ શિવાજી અને છત્રપતિ સંભાજીના ઇતિહાસને રજૂ કરે છે તેવી રીતે જ ભિડે પણ રજૂ કરે છે.

જોશી કહે છે કે જે રાજકારણમાં વિવિધ સમૂહના જે લોકોને પ્રતિષ્ઠાની ઝંખના હતી તેઓ આ સંગઠન સાથે જોડાઈ ગયા.

3. ભિડે સાંગલીના ગાવભાગ જિલ્લામાં રહે છે. તેમના પાડોશી મોહન નવલ બીબીસી મરાઠીને જણાવે છે કે ભિડે સાદગીપૂર્ણ જીવન જીવે છે. તેમના ખાવાની અને રહેવાની વ્યવસ્થાની જવાબદારી તેમના કાર્યકર્તાઓ પર હોય છે. તે સફેદ રંગના ધોતી-કુર્તો પહેરે છે અને ચંપલ પહેરતા નથી.

4. સાંગલી જિલ્લામાં ભિડેના સંગઠનના બે કાર્યકર્તાઓ દરરોજ રાયગઢ કિલ્લામાં શિવાજીની પૂજા કરવા માટે જાય છે.

5. શિવ પ્રતિષ્ઠાનની વેબસાઇટ પર જે માહિતી આપવામાં આવી છે તે મુજબ તેમના સંગઠનની સ્થાપના 1984માં થઈ છે.

6. તેમના સંગઠનનો ઉદ્દેશ હિંદુઓને શિવાજી અને સંભાજીના બ્લડ ગ્રુપના બનાવવાનો છે.

7. રાયગઢ કિલ્લા પર તેમણે સોનાનું સિંહાસન બનાવવાનો સંકલ્પ કર્યો છે. જેમાં લગભગ 144 કિલો સોનાનો ઉપયોગ થશે. ધર્મવીર સંભાજી મહારાજ બલિદાન મહિનો, દુર્ગા માતા દોડ, ધારાતીર્થ યાત્રા જેવા કાર્યક્રમોનું આ સંગઠન આયોજન કરે છે.

8. 2009માં આ સંગઠનને બીજાં સંગઠનો સાથે મળીને જોધા-અકબર ફિલ્મનો વિરોધ કર્યો હતો. જે બાદ સાંગલી, સતારા, કોલ્હાપુર જિલ્લાઓમાં હિંસા થઈ હતી.

9. 2014માં લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદી અને ભિડેની મુલાકાત રાયગઢ કિલ્લા પર થઈ હતી.

10. પંઢરપુરના વિઠ્ઠલની યાત્રા મહારાષ્ટ્રમાં મહત્ત્વપૂર્ણ મનાય છે. પૂનામાં જૂન 2017માં તેમના પર આ યાત્રામાં અવરોધ ઊભો કરવાનો આરોપ થયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો