You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જાણો, ઉનાળામાં પીવા માટે સાદું પાણી સારું કે સોફ્ટડ્રિંક?
- લેેખક, ડૉ. માઈકલ મોસ્લે
- પદ, બીબીસી
ઉનાળામાં ગરમીને કારણે પાણી કે કોલ્ડ ડ્રિંકથી તરસ છિપાવવાની ઇચ્છા થતી હશે. બંને વિકલ્પો હોય તો સોફ્ટ ડ્રિંક પસંદ કરવાનું મન થતું હોય તો ચેતી જજો, કારણ કે બંને વિકલ્પોમાંથી પીવાનું પાણી ઉત્તમ છે.
ગળચટ્ટાં સોફ્ટ ડ્રિંક્સમાં પ્રચૂર પ્રમાણમાં કેલરી હોય છે એ આપણે બધા જાણીએ છીએ. કોલાના સ્ટાન્ડર્ડ કેનમાં સાત ચમચી ખાંડ જેટલી કેલરી હોય છે.
સવાલ એ છે કે કોલા ડ્રિંક્સમાંના સુગરના ભરપૂર પ્રમાણને કારણે આપણી કમરનો ઘેરાવો વધે છે કે પછી તેમાં જે ફીણ હોય છે તેને કારણે આપણું પેટ ફૂલી જાય છે?
પેલેસ્ટાઈનની બિર્ઝેટ યુનિવર્સિટીએ તાજેતરમાં આ સંબંધે એક અભ્યાસ કર્યો હતો.
આ અભ્યાસમાં સંશોધકોએ નર ઉંદરોના જૂથને પીવા માટે ભરપૂર મીઠાશ ધરાવતું ફિઝી ડ્રિંક અથવા તો ખાંડવાળું કે નળનું સાદું પાણી પીવા માટે આપ્યું હતું.
સંશોધકોને જાણવા મળ્યું હતું કે જે ઉંદરો ભરપૂર મીઠાશ ધરાવતું ફિઝી ડ્રિંક નિયમિત રીતે પીતા હતા તેમના વજનમાં ખાંડવાળું કે નળનું સાદું પાણી પીતા ઉંદરોની સરખામણીએ ઝડપથી વધારો થયો હતો.
આ ઉંદરોના લોહીના નમૂનાનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.
તમને આ પણ વાંચવું ગમશે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બ્લડ સેમ્પલ પરીક્ષણમાં જાણવા મળ્યું હતું કે વજનમાં ખાંડવાળું કે નળનું સાદું પાણી પીતા ઉંદરોની સરખામણીએ ભરપૂર મીઠાશ ધરાવતું ફિઝી ડ્રિંક નિયમિત રીતે પીતા ઉંદરોમાં ગ્રેલિન નામના હૉર્મોનનું ઊંચું પ્રમાણ જોવા મળ્યું હતું.
ગ્રેલિન ભૂખ સંબંધી હૉર્મોન છે અને ફિઝી ડ્રિંક પીતા ઉંદરોનું વજન શા માટે વધ્યું હતું એ તેનું ઊંચું પ્રમાણ સ્પષ્ટ કરે છે.
ચીઝ સૅન્ડવીચનું પરીક્ષણ
બીબીસીના 'ટ્રસ્ટ મી, આઈ એમ ડૉક્ટર' કાર્યક્રમની ટીમે આવો જ પ્રયોગ માનવ સ્વયંસેવકો પર કરવા વિચાર્યું હતું.
બર્મિંઘમની એસ્ટોન યુનિવર્સિટીના ડૉ. જેમ્સ બ્રાઉનની મદદ વડે ટીમે સ્વંયસેવકોના એક જૂથની પસંદગી કરી હતી.
સ્વયંસેવકોને એ પ્રયોગ વિશેની જાણકારી આપવામાં આવી ન હતી, કારણ કે એ જાણકારીનો પ્રભાવ પરિણામ પર પડે એવું ટીમ ઇચ્છતી ન હતી.
તેથી સ્વયંસેવકોને જણાવવામાં આવ્યું હતું કે ભરપૂર મીઠાશવાળાં ડ્રિંક્સની ભૂખ પર થતી અસરના આકલન માટે આ પરીક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ વાત આંશિક રીતે સાચી પણ હતી. પ્રયોગની શરૂઆત પહેલાંના 10 કલાકમાં કોઈ ખોરાક નહીં લેવાની સૂચના સ્વયંસેવકોને આપવામાં આવી હતી.
લેબોરેટરીમાં આવી પહોંચેલા સ્વયંસેવકોને નિયંત્રિત પ્રમાણમાં કેલરી ધરાવતી ચીઝ સૅન્ડવિચ ખાવા માટે આપવામાં આવી હતી.
તમામ સ્વયંસેવકોના રક્તમાં ગ્રેલિનનું પ્રમાણ લગભગ એકસમાન હોય એ સુનિશ્ચિત કરવાના હેતુસર આમ કરવામાં આવ્યું હતું.
સેન્ડવિચ ખાધાના એક કલાક પછી દરેક સ્વયંસેવકને વિવિધ પ્રકારના સોફ્ટ ડ્રિંક પીવા માટે આપવામાં આવ્યાં હતાં.
સ્વયંસેવકોને ભરપૂર મીઠાશવાળાં સોફ્ટ ડ્રિંક, સુગર વિનાનાં સોફ્ટ ડ્રિંક અને ફિઝી કે સાદું પાણી ભરેલો એક-એક ગ્લાસ આપવામાં આવ્યો હતો.
સ્વયંસેવકોએ એ પીણાં પીધાંની દસ મિનિટ પછી ડૉ. જેમ્સ બ્રાઉને ગ્રેલિનનું પ્રમાણ માપવા માટે તેમનાં બ્લડ સેમ્પલ્સ લીધાં હતાં.
એ પછી સ્વયંસેવકોને તેમના ઘરે મોકલી દેવાયા હતા.
સ્વયંસેવકોને એક ફૂડ ડાયરી આપવામાં આવી હતી, જેથી સોફ્ટ ડ્રિંક પીધા પછી તેમણે ખોરાકમાં કેટલી કેલરી હતી તેનું આકલન થઈ શકે.
ક્રૉસઓવર ટ્રાયલ
આગામી બે સપ્તાહમાં સ્વયંસેવકોને વધુ ત્રણ વખત લૅબોરેટરીમાં બોલાવવામાં આવ્યા હતા.
એ ત્રણેય વખતે તેમને સમાન ચીઝ સૅન્ડવિચ આપવામાં આવી હતી અને તેમનાં બ્લડ સેમ્પલ્સ લેવામાં આવ્યાં હતાં, પણ દરેક વખતે તેમને અલગ ડ્રિંક આપવામાં આવ્યું હતું.
આ પ્રક્રિયાને ક્રૉસઓવર ટ્રાયલ તરીકે ઓળખવામાં આવે છે.
સમગ્ર જૂથ પર એકસમાન પ્રયોગ કરવાને બદલે દરેક વ્યક્તિ પર અલગ પ્રયોગ કરવાના હેતુસર ક્રૉસઓવર ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી.
તેનો અર્થ એ થયો કે ઓછા સ્વયંસેવકો પર પ્રયોગ કરીને આંકડાકીય દૃષ્ટિએ અર્થપૂર્ણ પરિણામ મેળવી શકાય છે.
ગ્રેલિન છે સૌથી વધુ મહત્ત્વનું
સ્વયંસેવકો પરના પ્રયોગ વડે એકત્ર કરવામાં આવેલા આંકડાઓનું વિશ્લેષણ ડૉ. જેમ્સ બ્રાઉને કર્યું હતું.
એ પછી સ્વયંસેવકોને પ્રયોગનો ખરો હેતુ જણાવવામાં આવ્યો હતો.
પ્રયોગનો હેતુ માત્ર સુગરવાળાં જ નહીં, પણ ફિઝી પીણાંઓની ભૂખ પર થતી અસરના આકલનનો હતો.
ડૉ. જેમ્સ બ્રાઉનના તારણ અનુસાર, લોકો ફિઝી ડ્રિંક લે છે ત્યારે તેમના રક્તમાં ગ્રેલિનનું સ્તર પચાસેક ટકા વધી જાય છે.
તેથી ભરપૂર સુગરવાળું ફિઝી ડ્રિંક પીધાના એક કલાક પછી વધારે ભૂખ લાગે છે.
ભરપૂર સુગરવાળું ડ્રિંક પીધા પછી ગ્રેલિનની માત્રામાં વધારો જોવા મળ્યો હતો એટલું જ નહીં, કાર્બોનેટેડ પાણીના સંદર્ભમાં પણ આવી અસર જોવા મળી હતી. અલબત, તેની માત્રા ઓછી હતી.
કાર્બોનેટેડ, ફિઝી ડ્રિંક લીધા પછી દિવસ દરમ્યાન તેની ભૂખ પર કેવી અસર થાય છે એ પણ બીબીસીની ટીમ જાણવા ઇચ્છતી હતી.
એ તારણ મર્યાદિત સંદર્ભમાં વધારે આશ્ચર્યજનક હતું.
વધારે અર્થપૂર્ણ તારણ
ડો. જેમ્સ બ્રાઉને કહ્યું હતું કે ''સ્વયંસેવકોએ કાર્બોનેટેડ ડ્રિંક લીધું પછી તેમણે ખોરાકમાં વધારે 120 કૅલરિ લીધી હતી અને આ તારણ વધારે અર્થપૂર્ણ છે.''
ફિઝી ડ્રિંકને કારણે સ્વયંસેવકોના રક્તમાં ગ્રેલિનના પ્રમાણમાં વધારો થયો હતો.
તેમણે ફિઝી ડ્રિંકમાંની 140 કેલરી ઉપરાંત દિવસ દરમ્યાન ખોરાકમાં વધુ 120 કેલરી લીધી હતી.
સવાલ એ છે કે બબલ્સની આપણી ભૂખ પર આવી અસર શા માટે થાય છે?
તેનાં બે સંભવીત કારણ હોવાનું ડૉ. જેમ્સ બ્રાઉન માને છે.
ડૉ. જેમ્સ બ્રાઉને કહ્યું હતું કે ''કાર્બોનેટેડ ડ્રિંક લીધી પછી આપણા ઉદરમાં કાર્બન ડાયોક્સાઈડ રિલીઝ થાય છે.''
''આપણાં ઉદરમાં કેમિકલ રિસેપ્ટર્સ હોય છે, જે કાર્બન ડાયોક્સાઈડને શોધી કાઢે છે અને ઉદરની ટોચ પરના કોષોને ગ્રેલિન રિલીઝ કરવા પ્રેરે છે. પરિણામે આપણને ભૂખ લાગ્યાની અનુભૂતિ થાય છે.''
''બીજું સંભવિત કારણ એક મિકેનિકલ બાબત છે. કાર્બોનેટેડ ડ્રિંક લીધા પછી તેના ગેસને લીધે આપણું ઉદર ફૂલે છે અને કોષોને ગ્રેલિન રિલીઝ કરવા પ્રેરે છે.''
આમાં સમજવાનું શું? કાર્બોનેટેડ કે ભરપૂર સુગરવાળાં પીણાં પીવાં જોઈએ કે નહીં?
આ સવાલનો જવાબ છેઃ ના.
ડૉ. જેમ્સ બ્રાઉનના જણાવ્યા અનુસાર, ''સાદા પાણી જેવું ઉત્તમ પીણું બીજું એકેય નથી એ યાદ રાખો.''
વૈજ્ઞાનિક સંશોધનના સંદર્ભમાં આ તારણ વહેલું છે, પણ લોકોએ ગળ્યાં ફિઝી ડ્રિંકથી દૂર શા માટે રહેવું જોઇએ તેનું વધુ એક સારું કારણ આ તારણ આપે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો