કર્ણાટકમાં ગઠબંધન સરકાર તો બની પરંતુ હવે ખરેખર કેવો જંગ ખેલાશે?

    • લેેખક, કમર વહીદ નકવી
    • પદ, વરિષ્ઠ પત્રકાર

મે 2018નાં કર્ણાટકની બે અધુરી કથા છે. એક તો લોકતંત્રની રક્ષાનો તાજ પહેરી બની રહેલી કર્ણાટકની હવેની સરકાર કેવી હશે અને કેટલા દિવસ ચાલશે?

જવાબ બિલકુલ સરળ છે. નવી સરકાર ઓછામાં ઓછી 2019ની લોકસભા ચૂંટણી સુધી તો ચાલશે.

ત્યાર પછીનું કશું કહી શકાય નહીં. લોકસભા ચૂંટણીનું પરિણામ કેવું આવે છે? ત્યારે વિપક્ષી એકતાની જરૂર રહેશે કે નહીં અને રહેશે તો કેટલી, એના આધારે નક્કી થશે કે સરકાર રહેશે કે વિખેરાઈ જશે.

અને કુમારસ્વામીની સરકાર કેવી હશે? જેવી યેદિયુરપ્પાની સરકાર બનતી, લગભગ એવી જ કે કદાચ એના કરતાં પણ વધુ ખરાબ.

ભ્રષ્ટાચારનાં મુદ્દે કુમારસ્વામીનો રેકોર્ડ યેદિયુરપ્પા કરતાં કંઈ વધુ સારો નથી અને ગઠબંધન સરકાર હોય અને જ્યારે સરકારના સમયગાળા અંગે જ્યારે બધા વિચારતા હોય ત્યારે કોણ તક જતી કરવા ઇચ્છે ?

તો પ્રાથમિક તફાવત માત્ર એક જ છે અને તે એ આ સરકાર નાગપુરથી નહીં ચાલે. પહેલી કથા અહીં સમાપ્ત થાય છે.

ખરેખર કોંગ્રેસ ઊભી થઈ છે ખરી?

હવે કથા નંબર બે. આ લાંબી કથા છે. અત્યાર સુધી સુસ્ત પડેલી કોંગ્રેસ સરકારનાં નિશ્ચેતન અંગોમાં અચાનક જ કર્ણાટકમાં થયેલા સળવળાટથી શું ખરેખર એનામાં પ્રાણ પાછા આવવાની સંભાવના ફરી જાગૃત થઈ છે ખરી?

શું કર્ણાટકમાં ભાજપનાં ચક્રવ્યૂહને ભેદ્યા બાદ વિપક્ષી એકતાની કોઈ નવી તડજોડ શરુ થશે ખરી?

શું મે 2018નું કર્ણાટક 2019નાં ભારતની કોઈ છબી રજૂ કરે છે ખરું?

તમે આ વાંચ્યું કે નહીં?

સાચું છે કે લોકસભાની ચૂંટણીમાં પછડાટ ખાધા પછી કોંગ્રેસ ચાર વર્ષ બાદ પહેલી વાર કર્ણાટકમાં કંઈક કરતી જોવા મળી છે.

એટલે કોગ્રેંસ પોતાની 'નર્વસનેસ' માંથી થોડી ઘણી તો બહાર આવી છે અને તેનામાં કંઈક કરવાનો હવે આત્મવિશ્વાસ પણ જોવા મળી રહ્યો છે.

પણ આના મોટા અર્થ કાઢવાની જરૂર નથી. કોંગ્રેસે આ આત્મવિશ્વાસ મેળવવા માટે કંઈક મહેનત કરી હોય, કોઈ યોજના બનાવી હોય, કંઈ તૈયારી કરી હોય કે ચાર વર્ષમાં કંઈ કામ કર્યું હોય તો વાત કંઈ જુદી હતી પણ એ તો એદીની જેમ જ પડી રહેલી હતી.

કંઈક અલગ છે કર્ણાટકનો વિજય

કર્ણાટકનો વિજય અલગ છે, વિપક્ષમાં જે હાલમાં સળવળાટ જોવા મળી રહ્યો છે એનું કારણ કંઈક અલગ છે.

વાસ્તવમાં, મોદી સરકારનાં ચાર વર્ષ બાદ હવે કોંગ્રેસને અને બાકીના વિપક્ષને પણ લાગવા માંડ્યું છે કે કાંઈક કરવું પડશે.

બે કારણો છે. એક કે જો અત્યારે નહીં તો પછી ક્યારે? જેમ કે પરીક્ષાનું ટાઇમટેબલ આવી જાય ત્યારે આખા વર્ષમાં ના વાંચતા બાળકો પણ મને-કમને ભણવા બેસી જાય છે.

તેમ લોકસભાની ચૂંટણી માથા પર ઊભી છે ત્યારે દરેક માટે આ અસ્તિત્વની લડત અને સોદાબાજી માટેની એક ઉમદા તક બની ગઈ છે.

બીજું કારણ એ કે 2014માં વિકાસની વાંસળી વડે 'મોદીમય' બનેલા લોકોમાંથી ઘણાંની આંખોમાંથી મેઘધનુષ્યનાં રંગો ઝાંખા પડી રહ્યાં છે.

એટલા માટે જ કોંગ્રેસ અને વિપક્ષને લાગે છે કે એમના માટે અત્યારે કાંઈક તક ઊભી થઈ શકે એમ છે.

શું મોદીની ઝડપ ધીમી થઈ?

એમનું આમ વિચારવું ખોટું નથી. 2014માં બે વાતો હતી. કોંગ્રેસ અને વિપક્ષ લોકોની નજરમાં 'ખલનાયક' બની ચૂક્યાં હતાં.

નરેન્દ્ર મોદીએ પોતાની જાતને' જાદૂઈ' નેતા તરીકે રજૂ કરી પરિવર્તનનું જે વાવાઝોડું ફૂંક્યું હતું એની સામે જે આવ્યું તે જમીનદોસ્ત થઈ ગયું.

પરંતુ આજે આવું નથી.ચાર વર્ષ પૂર્ણ બહુમત સાથે કામ કર્યા બાદ લોકોનો મોદીનો જાદૂઈ' નેતા હોવા અંગેનો ભ્રમ ભાંગી ચૂક્યો છે.

બીજા એવા લોકોનો સમૂહ આગળ આવી રહ્યો છે કે જેમણે ઘણા મુદ્દે મોદીનું મૌન ખટકી રહ્યું છે, ખાસ કરીને હિંદુત્વનાં નામે ચાલી રહેલી ઉપદ્રવી બ્રિગેડની બેરોકટોક પ્રવૃતિઓ પર.

ઘણા લોકો એવા છે જેમને બંધારણીય સંસ્થાઓનાં પતન અંગે ઊંડી ચિંતા છે.

ત્રીજી વાત એ છે કે મોદી-શાહની જોડી ઉદ્ધવ ઠાકરે અને ચંદ્રબાબૂ નાયડૂ સહિત કેટલાક જૂના સાથીઓને ખટકી રહી છે.

કોંગ્રેસ અને વિપક્ષને આ ગમી રહ્યું છે અને એમને રાહત છે કે ભલે એમની સકારાત્મક છબી નથી પણ 2014 જેવી નકારાત્મક પણ નથી.

2019માં કેવી રીતે રોકાશે નમો રથ?

એક બાજુ જ્યાં મમતા બેનર્જી ક્ષેત્રીય પાર્ટીઓને ભેગી કરી રહ્યાં છે ત્યાં જ ઉત્તર પ્રદેશની પેટાચૂંટણીઓ અને કર્ણાટકનાં રાજકીય નાટકમાં કોંગ્રેસ-જેડીએસની સફળતા બાદ વિપક્ષને 2019માં નમોના રથને રોકવો શક્ય લાગી રહ્યો છે.

પણ સવાલ એ છે કે વિપક્ષનો સારથી કોણ હશે? શું રાહુલ ગાંધીનું નેતૃત્વ વિપક્ષના બીજા નેતાઓ સ્વીકાર કરી શકશે ખરા? કદાચ ના. તો પછી નેતા કોણ બનશે? કે પછી એકતા નેતા વગરની હશે?

માટે કર્ણાટકમાં કોંગ્રેસે ઉઠાવેલું પગલું મોડું તો મોડું પણ યોગ્ય છે. જો આવું બે-ત્રણ વર્ષ પહેલાં કરાયું હોત તો કોંગ્રેસ આજે વિપક્ષનું નેતૃત્વ કરી રહી હોત.

કોંગ્રેસને પોતાનાં કર્મોને કારણે આ જગ્યા જાતે જ ગુમાવી દીધી છે, માટે જ કર્ણાટકમાં તે અગ્રણી પાર્ટી નથી બની શકી.

કુમારસ્વામી ને ભાજપ પાસે જતા રોકવા અને આવનારી લોકસભાની ચૂંટણીમાં જેડીએસ સાથે ગઠબંધન કરી ભાજપને અટકાવવાનો દૂરદર્શી રાજકીય દાવ રમવામાં એણે આ ''રાજનીતિક ત્યાગ'' પસંદ કર્યો છે.

મારા મતે આ રાજકીય ચતુરાઈ નથી, પણ મજબૂરી છે. કોંગ્રેસને એ અણસાર આવી ગયો હતો કે જો કુમારસ્વામી સાથે ગઠબંધન ના કર્યું અને ભાજપ સત્તા પર આવી ગઈ તો આવનારી ચૂંટણી સુધી કોંગ્રેસ ત્યાં પણ સંપૂર્ણ પણે સાફ થઈ જશે.

કોંગ્રેસ મોદીને હરાવી શકશે?

મોદી અને અમિત શાહ માટે સૌથી મોટી વાત એ રહેશે કે ભલે તેઓ 2014ની 282 સીટોને આગળ વધારી ના શકે પણ એને જાળવી શકે.

આ એટલું સરળ નથી. એ વખતે આ આંકડો મોદીના ચક્રવાતમાં છુપાયેલો હતો અને વિપક્ષને પણ એ વખતે આનો અંદાજ નહોતો.

જોકે, મોદીની લોકપ્રિયતા હજુ પણ યથાવત્ છે, પણ હવે એ લહેર કે આંધી નથી.

આવામાં ભાજપ 2019માં 282ના આંકડાથી દૂર રહી ગઈ તો એણે રિસાયેલા સાથી પક્ષોને મનાવવા પડશે કે પછી નવા સાથી શોધવા પડશે.

એવામાં શું તમામ સાથી નરેન્દ્ર મોદીના નામ પર રાજી થશે? જો હાં, તો 2019માં આપણે એક બિલકુલ નવા અને સરળ મોદીને નિહાળીશું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો