કર્ણાટક : રેડ્ડી બ્રધર્સે કઈ રીતે ઊભું કર્યું અબજોનું સામ્રાજ્ય?

    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બેંગ્લુરુથી, બીબીસી હિંદી ડૉટકૉમ માટે

એકવીસમી સદીની આ એવી કહાણી છે, જેમાં એક હવાલદારનો દીકરો પોતાના દમ પર ખનન ક્ષેત્રની દુનિયાનો બેતાજ બાદશાહ બની જાય છે.

આ કહાણી જનાર્દન રેડ્ડી છે. તેઓ દોલત કમાવવાની હોડમાં એટલા બધા આગળ નીકળી ગયા કે તેમના ભાઈઓ અને સહયોગીઓ માટે ચૂંટણી પ્રચાર કરવા માટે પોતાના જ જિલ્લા બેલ્લારી જવા પર સુપ્રીમ કોર્ટે પર પ્રતિબંધ લગાવવો પડ્યો.

તેમના રાજકીય કદની વાત કરીએ, તો બી.એસ. યેદિયુરપ્પા જેવા રાજનેતા પણ તેમના બચાવમાં ઊભા રહે છે.

વળી વર્ષ 2008માં રેડ્ડી બ્રધર્સે ભાજપના નેતૃત્વવાળી સરકારના મુખ્યમંત્રી યેદિયુરપ્પાને પદ પરથી હટાવવાની કોશિશ કરી હતી.

રેડ્ડી બ્રધર્સનો સત્તા પર પ્રભાવ

જનાર્દન રેડ્ડીએ એ વાતની ખાતરી કરી કે તેમના ભાઈ અને માનેલા ભાઈ બી શ્રીરામુલુ (બેલ્લારીથી સાંસદ અને બાદામી અને મોલોકલમુરુથી ભાજપના ઉમેદવાર)ને આ ચૂંટણીમાં પાર્ટી તરફથી એકવાર ફરીથી ઉમેદવાર બનાવવામાં આવે.

બીબીસીએ જનાર્દન રેડ્ડી સાથે વાતચીત કરવાની કોશિશ કરી પણ વાતચીત થઈ શકી નહીં.

તમે આ વાંચ્યું કે નહીં?

જોકે, તેમના એક નજીકના સાથી વીરુપક્ષા ગૌડાએ બીબીસી હિંદીને જણાવ્યું કે રેડ્ડી બ્રધર્સ(જનાર્દન, કરુણાકર અને સોમશેખર રેડ્ડી)ના પિતા આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલ હતા અને તેમની બદલી બેલ્લારી થઈ હતી.

એ સમયે આંધ્ર પ્રદેશ અને કર્ણાટક મદ્રાસ પ્રેસિડન્સીનો ભાગ હતાં.

ગૌડાએ વધુમા જણાવ્યું, "વર્ષ 1956માં રાજ્યોનાં પુનર્ગઠન બાદ રેડ્ડી બ્રધર્સના પિતાએ બેલ્લારીમાં જ રહેવાનું નક્કી કર્યું."

"અહીં જનાર્દન રેડ્ડીએ કોલકાતાની એક વીમા કંપની સાથે કામ કરવાનુ શરૂ કર્યું. રેડ્ડી વીમાના દાવા સંબંધિત કામના સમાધાન કરવામાં સફળ રહ્યા."

"આનાથી તેમણે એટલા નાણાં મેળવ્યાં કે તેઓ ચિટફંડ કંપની શરૂ કરવામાં સફળ રહ્યા."

જ્યારે રેડ્ડી બ્રધર્સે અખબાર શરૂ કર્યું...

વીરુપક્ષપ્પા અનુસાર, "જનાર્દન રેડ્ડીએ એક અખબાર શરૂ કર્યું હતું અને તેનું નામ 'એ નમ્મા કન્નડ નાડુ' એટલે કે 'અમારી કન્નડ ભૂમિ' હતું."

"આ દરમિયાન જનાર્દન રેડ્ડી અને શ્રીરામુલુ ઉન એવા લોકોની નજીક આવવા લાગ્યા જેઓ ઝઘડાના સમાધાન માટે તેમની પાસે આવતા હતા."

"કેમ કે પોલીસ પાસે જઈને ઝઘડાનું નિરાકરણ ઘણી કરવું ખૂબ જટિલ પ્રક્રિયા હતી."

આ એ સમયની વાત છે જ્યારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી બેલ્લારીથી લોકસભા ચૂંટણી લડવાનાં હતાં.

પણ ભાજપ કોંગ્રેસના ગઢમાં સોનિયા ગાંધીને પડકાર આપવા માગતો હતો.

આથી ભાજપે સુષ્મા સ્વરાજને બેલ્લારી બેઠક પરથી ચૂંટણી લડાવી. આ દરમિયાન જનાર્દન રેડ્ડી અને શ્રીરામુલુ તેમની નજીક આવ્યા.

વિવાદ-તકરારનું નિરાકરણ લાવવામાં માહેર

ખાણ-ખનિજ ક્ષેત્રમાં તેમની એટલી મહારત હતી કે ખાણ-ખનિજ ક્ષેત્રના બાદશાહ લાડ બંધુ અનિલ-સંતોષ અને આનંદ સિંહ (વર્તમાન ચૂંટણીનમાં કોંગ્રેસના ઉમેદવાર) મેંગેનીઝ અયસ્કની ધૂળ પર માલિકી હક સંબંધિત વિવાદના સમાધાન માટે જનાર્દન અને શ્રીરામુલુ પાસે ગયા હતા.

આ વિવાદ એક મોટી ખાણ-ખનિજ કંપની સાથે બે લાખ ટન ધાતુના બુરાદા મામલે હતો. ચીનમાં લોહ અયસ્કની માંગ વધતા આ બુરાદાનો ભાવ ખૂબ જ વધી ગયો હતો.

વીરુપક્ષપ્પાએ કહ્યું, "આ વિવાદમાંથી પાંચથી દસ લાખ રૂપિયા કમાવવાની જગ્યાએ રેડ્ડી બ્રધર્સ દસ ગણા નાણાં કમાયા હતા."

"આ નાણાંની મદદથી તેમણે આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાં ઓબાલાપુરમમાં ખોદકામ ક્ષેત્રે કામ કરતી એક કંપની ખરીદી."

આ રીતે ઊભું કર્યું સામ્રાજ્ય

ઓબાલાપુરમ ખનન કંપની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરનારા સમાજ પરિવર્તન સમુદાયના એસ. આર. હીરેમઠ કહે છે, "રેડ્ડી બ્રધર્સે આંધ્ર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી વાઇએસ રાજશેખર રેડ્ડી સાથે મિત્રતા કરીને આ ખાણો માટે લાયસન્સ લઈ લીધાં."

"રેડ્ડી બ્રધર્સ પાસે આંધ્ર પ્રદેશમાં કર્ણાટક સરહદ પાસે ચાર ખાણો હતી પણ તેમાંથી નીકળતા ખનીજને ખરીદનારા ઓછા લોકો હતા. કેમ કે તેની ગુણવત્તા કર્ણાટકામાંથી મળતા કાચા લોખંડની ગુણવત્તાથી ઓછી હતી."

પણ રેડ્ડી બ્રધર્સે જે ગુણવત્તાના ખનીજની નિકાસ કરી તે આંધ્ર પ્રદેશમાંથી મળતા ખનીજ કરતાં સારી હતી.

રેડ્ડીનું બિઝનેસ મોડેલ

સુપ્રીમ કોર્ટની પર્યાવરણ સંબંધિત પીઠે એક સમિતિની રચના કરી. આ સમિતિએ ઘણા સમય બાદ આ બાબત શોધી કાઢી.

હીરેમઠ કહે છે, "રેડ્ડી બ્રધર્સ તેમની આંધ્ર પ્રદેશની ખાણમાંથી ઘુસીને કર્ણાટકમાં સ્થિત ખાણમાંથી ખનન કરતા હતા."

"આ ખાણ બેલ્લારીની કંપની પાસે હતી અને આંધ્ર પ્રદેશ પાસે આવેલી હતી."

"આ રેડ્ડી બ્રધર્સની કામ કરવાની રીત હતી. તેમણે ખનન કંપની સાથે એક બીજી પ્રક્રિયા પણ અપનાવી હતી."

"જેમાં તેઓ 30 ટકા અને 70 ટકા પર સમજૂતી કરતા હતા. જનાર્દન રેડ્ડી ખુબ જ ચાલાક વ્યવસાયી હતા."

સીબીઆઈની ભૂમિકા પર સવાલ

બેલ્લારીમાં ખનન સાથે જોડાયેલા એક ખાનદાનને એક વન અધિકારીએ જનાર્દન રેડ્ડી સાથે કામ કરવાનું કહ્યું.

આ પરિવારના તપલ ગણેશ કહે છે,"મેં રેડ્ડી બ્રધર્સની આ સમજૂતી કરવાનો ઇન્કાર કરી દીધો. પણ એક વાર ખબર પડી કે તેઓ બાજુની ખાણમાંથી અમારી ખાણમાં ખનન કરવા માટે ઘૂસી આવ્યા છે."

"ત્યારે મેં પોલીસ અને અન્ય સંસ્થાઓને ફરિયાદ કરી. કોઈ પણ પગલાં ન લેવાતા હું અદાલતમાં ગયો."

તેમણે વધુમાં ઉમેર્યું, "તમને યાદ હોવું જોઈએ કે રેડ્ડી બ્રધર્સ(કરુણાકર સિવાય) એક નવા પ્રકારના રાજનેતાઓના જૂથનું પ્રતિનિધિત્વ કરે છે."

"તેઓ નાણાં સંભાળવાની સાથે સાથે તેને છુપાવવામાં પણ સક્ષમ છે."

કર્ણાટકના તત્કાલીન લોકાયુક્ત જસ્ટિસ સંતોષ હેગડેએ તેમના રિપોર્ટમાં આકલન કર્યું છે કે ગેરકાનૂની ખનન અને દેશના દસ પોર્ટથી ચીન નિકાસ થતાં ખનીજની કિંમત લગભગ 16, 500 કરોડ રૂપિયા હતી.

આ નિકાસ કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને ગોવામાં આવેલા પોર્ટથી થઈ હતી.

લોકાયુક્તનો રિપોર્ટ

જસ્ટિસ હેગડેએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "મને લાગે છે કે આ કિંમત આના કરતાં પણ વધુ હતી. કેમકે ઘણા કિસ્સામાં અમને દસ્તાવેજ મળ્યા ન હતા."

પણ જસ્ટિસ હેગડે આશ્રર્યચકિત છે કે,"આ કૌભાંડની તપાસ કરતી એજન્સી સીબીઆઈએ પણ રિપોર્ટ આપવો જોઈએ કેમ કે રાજ્ય સરકારે તેના દસ્તાવેજ નથી આપ્યા."

"સીબીઆઈ એક તપાસ એજન્સી છે અને તેમની પાસે તપાસ કરવાની સત્તા છે. દસ્તાવેજો માટે એજન્સી અદાલતમાં જઈ શકે છે."

"તેમ છતાં લોકાયુક્તના રિપોર્ટમાં તમામ દસ્તાવેજ હતા જેના આધારે કાર્યવાહી થઈ શકતી હતી."

વીરુપક્ષપ્પા કહે છે, "રાજકીય રીતે જનાર્દન રેડ્ડી એક રણનીતિકાર છે પણ ક્યારેક ક્યારેક તેઓ યોગ્ય કે અયોગ્યની પરવાહ કર્યા વગર નિવેદનબાજી કરી નાખે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો