કર્ણાટકમાં દલિતોને આકર્ષવા ભાજપ શું કરી રહ્યો છે?

    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બેંગલુરુથી બીબીસી ગુજરાતી માટે

ઉત્તર પ્રદેશમાં તેઓ ડો. બાબાસાહેબ રામજી આંબેડકર હોઈ શકે છે, પણ વિધાનસભાની ચૂંટણી તરફ આગળ વધતા કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) માટે તેઓ હજુ બાબાસાહેબ આંબેડકર જ છે.

તેનું કારણ એ છે કે કર્ણાટકમાં ફરી સત્તા પર આવવા માટે બીજેપી દરેક પ્રકારના રાજકીય દાવ રમી રહી છે.

14 એપ્રિલે ડો. ભીમરાવ આંબેડકરની 127મી જન્મજયંતિ નિમિત્તે બીજેપીએ મોટાભાગનાં અખબારોમાં એક-ચતુર્થાંશ પાનાની જાહેરખબર આપી હતી.

તેમાં ડો. આંબેડકરને 'ભારત રત્ન'ના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા હતા. તેમાં ડો. આંબેડકરનો એક વિચાર પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

એ મુજબ ડો. આંબેડકરે કહ્યું હતું, "લોકતંત્ર માત્ર સરકારનું સ્વરૂપ નથી. એ મુખ્યત્વે બધા સાથે જીવવાનો, બધાને સાથે લઈને આગળ વધવા સાથે જોડાયેલો અનુભવ છે.

"આ એક પ્રકારનો સ્વભાવ છે, જેમાં આપણે આપણી સાથે જીવતા લોકો પ્રત્યે સન્માન અને પૂજાનો ભાવ રાખીએ છીએ."

ડો. આંબેડકર અને દલિતોના ઘરે ભોજન

કર્ણાટકમાં આ વ્યૂહરચના અનુસાર, બીજેપીના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર બી. એસ. યેદિયુરપ્પા દલિતોના ઘરે દલિતોએ જ બનાવેલું ભોજન કરવા જાય છે.

દલિતના ઘરમાં બહારથી મંગાવેલું ભોજન ખાવા બદલ અગાઉ યેદિયુરપ્પાએ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. તેથી આ વખતે તેઓ આવું કરી રહ્યા છે.

કેન્દ્રના પ્રધાન અનંત હેગડે બંધારણને બદલવાનું નિવેદન ભૂતકાળમાં કર્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

તેનાથી દલિત સમુદાય ગુસ્સે થયો હતો. એ ગુસ્સાને બીજેપી આ રીતે ઘટાડવા ધારે છે તેમાં કોઈ શંકા નથી.

આંબેડકર જયંતિ નિમિત્તે યોજાયેલા સમારંભોમાં યેદિયુરપ્પા સાથે વાત કરતાં દલિતોએ અનંત હેગડેના નિવેદન સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

દલિતોની નારાજગી

યેદિયુરપ્પાએ દલિતોને જણાવવું પડ્યું હતું કે અનંત હેગડેએ તેમના નિવેદન બદલ માફી માગી લીધી છે.

ગયા મહિને મૈસૂરમાં દલિત નેતાઓ સાથેની બેઠકમાં બીજેપીના પ્રમુખ અમિત શાહે અનંત હેગડે સંબંધી સવાલોના જવાબ આપવાનું ટાળ્યું હતું.

એ બેઠકમાં અમિત શાહે અનંત હેગડે દ્વારા માફી માગવાની વાત કહી ત્યારે દલિત નેતાઓએ સવાલ કર્યો હતો કે અનંત હેગડે પાસેથી પ્રધાનપદ શા માટે આંચકી લેવાયું નથી?

એ પછી દલિત નેતાઓને પોલીસની મદદથી બેઠકમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, પણ કર્ણાટકમાં બીજેપી વિરુદ્ધના દલિતોના ગુસ્સાનું કારણ માત્ર અનંત હેગડે નથી.

એસસી-એસટી એક્ટ મામલે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે જે રીતે પોતાનો પક્ષ રજૂ કર્યો, ડો. આંબેડકરની પ્રતિમાઓના અપમાન સંબંધી ઘટનાઓ, ભીમા કોરેગાંવ હુમલો અને ઉનામાં દલિત યુવાનો પરના હુમલા જેવી ઘટનાઓને કારણે દલિત સમાજમાં નારાજગી છે.

યેદિયુરપ્પાની જૂની વ્યૂહરચના?

ભારિપા બહુજન મહાસંઘ પાર્ટી સાથે જોડાયેલા અંકુર ગોખલેએ બીબીસીને કહ્યું હતું, "પોતાના સમુદાયને રાજકીય શક્તિથી વંચિત રાખવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાની વાતથી દલિતો વાકેફ છે."

"તેથી બીજેપી દલિતવિરોધી થઈ ગઈ હોવાની લાગણી દલિતોમાં પેદા થઈ છે."

દલિતોના ગુસ્સાનો કર્ણાટક વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં વિચાર કરીએ તો આ માહોલ બીજેપી માટે મુશ્કેલીસર્જક છે.

2008માં યેદિયુરપ્પાની વ્યૂહરચનાથી બીજેપીને ઘણો ફાયદો થયો હતો.

વિધાનસભામાં અનામત બેઠકો પર યેદિયુરપ્પાએ લિંગાયત સમુદાયને દલિત સમુદાયનાં ડાબેરી જૂથોનો ટેકો અપાવ્યો હતો.

દલિત સમુદાયનાં ડાબેરી જૂથો બીજેપીના લિંગાયત ઉમેદવારોને ટેકો આપે એ તેમણે આ રીતે સુનિશ્ચિત કરાવ્યું હતું.

જોકે, યેદિયુરપ્પાને એ સમુદાયનો જે ટેકો મળી રહ્યો હતો એ આ વખતે કોંગ્રેસને મળતો હોવાના સંકેત દેખાય છે.

કર્ણાટકમાં દલિતોના બે હિસ્સા

બીજેપીના એક નેતાએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે કહ્યું હતું, "આ પરિવર્તનથી આશ્ચર્યચકિત થવાની જરૂર નથી. અનંત હેગડેના નિવેદન પછી ઘણા મહિના પસાર થઈ ચૂક્યા છે."

"અમે દલિતોને એ નથી સમજાવી શક્યા કે બંધારણમાં અનામત સંબંધી ફેરફાર કરવાનું કોઈના પણ માટે શક્ય નથી."

દલિત લેખક ગુરપ્રસાદ કેરાગોડૂએ કહ્યું હતું, "દલિતોના ડાબેરી જૂથના લંબની તથા વૌદ્દાર સમુદાયના કેટલાક લોકોને બીજેપીએ આ વખતે ચૂંટણીની ટિકીટ આપી છે, પણ હવે એ લોકો ડરેલા જણાઈ રહ્યા છે."

"હું માનું છું કે દલિતોનાં ડાબેરી જૂથોનો 60થી 80 ટકા ટેકો હવે બીજેપીને બદલે કોંગ્રેસની તરફેણમાં ચાલ્યો જશે."

કર્ણાટકમાં દલિતોના ડાબેરી અને જમણેરી એમ બે વર્ગ છે. ડાબેરી વર્ગના લોકોનું પ્રમાણ જમણેરી વર્ગ કરતાં વધારે છે અને મલ્લિકાર્જૂન ખડગે જમણેરી વર્ગના મોટા નેતા છે.

જમણેરી વર્ગની વાત કરીએ તો એ ડાબેરી વર્ગની માફક શૈક્ષણિક, સામાજિક અને રાજકીય રીતે પછાત નથી.

રાજકીય રીતે સંવેદનશીલ મુદ્દો

કોંગ્રેસ સરકારે દલિતોમાં આંતરિક અનામત માટે સદાશિવ પંચની રચના કરી હતી.

એ પંચનો અહેવાલ હજુ આવ્યો નથી, પણ પંચે વસતીના હિસાબે ડાબેરી વર્ગ માટે છ ટકા અનામત અને જમણેરી વર્ગ માટે પાંચ ટકા અનામતની ભલામણ કરી હોવાના સંકેત મળ્યા છે.

રાજકીય રીતે સંવેદનશીલ ગણાતા આ મુદ્દે સિદ્ધારમૈયા સરકારે હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી.

તેનું કારણ એ છે કે કર્ણાટક સરકાર સદાશિવ પંચની ભલામણ સ્વીકારશે તો દલિતોના જમણેરી વર્ગના મતદાતાઓ કોંગ્રેસથી નારાજ થઈ જશે.

અનામત બેઠકોના ઉમેદવારો

દલિત સંઘર્ષ સમિતિના માવાલી શંકરે કહ્યું હતું, "કોંગ્રેસ સામે એક પ્રકારનો અસંતોષ છે એ વાત સાચી, પણ દલિતોનો યુવા વર્ગ તેમના સમુદાય પર દેશભરમાં થતા હુમલાઓ અને બંધારણ બદલવાના નિવેદનથી વધારે આશંકિત છે."

"કમસેકમ આ ચૂંટણીમાં તો કોંગ્રેસની એક મોટી વોટ બૅન્ક તૂટશે."

બીજેપી અને કોંગ્રેસ 36 અનામત બેઠકો માટેના પોતપોતાના ઉમેદવારોના નામ જાહેર કરશે ત્યારે આ સંબંધે અસલી પરીક્ષા થશે.

મડિગા અનામત આંદોલન સમિતિના મપન્ના અદનૂરે બીબીસીને કહ્યું હતું, "દલિત સમુદાય બન્ને પક્ષોથી નારાજ છે, પણ ક્યો પક્ષ ડાબેરી વર્ગને તથા ખાસ કરીને અછૂતોને વધારે પ્રતિનિધિત્વ આપે છે તેના આ સંબંધે ઘણો મદાર રહેશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો