તમારા બાળકો પૂછે કે રેપ એટલે શું? તો તમે શું જવાબ આપશો?

    • લેેખક, અર્ચના પુષ્પેન્દ્ર
    • પદ, બીબીસી ગુજરાતી

કઠુવા અને સુરતમાં નિર્દોષ બાળકીઓ પર થયેલા દુષ્કૃત્ય અને હત્યાના વિરોધમાં અમદાવાદ અને સુરતમાં લોકોએ કૅન્ડલ માર્ચ દ્વારા વિરોધ કર્યો હતો.

જેમાં કેટલાક માતાપિતા તેમની નાની નાની દીકરીઓ સાથે આ માર્ચમાં જોડાયાં હતાં.

અમદાવાદમાં એક પિતા તેમની દીકરીને તેડીને માર્ચમાં ઊભેલા દેખાયા. તો સુરતમાં એક નાનકડી દીકરી પોસ્ટર લઈને વિરોધ દર્શાવતી જોવા મળી.

નવાઈની વાત એ નથી કે સગીરાઓ કે બાળકીઓ આ કૅન્ડલ માર્ચમાં જોડાઈ હતી.

નવાઈની વાત એ છે કે આ બાળકીઓને શું રેપનો અર્થ પણ ખબર છે? તેમના માતાપિતા આવા સંવેદનશીલ મુદ્દાઓ પર તેમની સાથે કેવી રીતે વાત કરે છે? તેમને શું સમજાવે છે?

આ પ્રશ્ન એટલા માટે કારણ કે સમગ્ર દેશમાં ટીવી, અખબારો, ઇન્ટરનેટ વગેરે પર ચારે તરફ જ્યારે આજ સમાચારો આવી રહ્યા છે.

બાળકો પૂછે રેપ એટલે શું? તો શું જવાબ આપશો?

નાની છોકરીઓ હોય કે છોકરાઓ. તેમના નિર્દોષ સવાલોના જવાબ આપવા તેમના માતાપિતા માટે કેટલા મુશ્કેલ છે.

સુરતના વેપારી નીરવ મસરાની કહે છે, "મારી દીકરીની ઉંમર નવ વર્ષની છે. તેણે મને પૂછ્યુ, પપ્પા રેપ એટલે શું?"

તમે આ વાંચ્યું કે નહીં?

"હું તેના આ સવાલનો જવાબ આપવા અસમર્થ હતો. મને ખબર નહોતી પડતી કે તેનો યોગ્ય જવાબ શું હોઈ શકે?"

"મારી દીકરી ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. મને રોજ રાત્રે ન્યૂઝ જોવાની આદત છે. હું સમાચાર જોઉં તો એ પણ મારી પાસે આવીને બેસી જાય છે."

'રેપના સમાચાર આવતા મેં ચેનલ બદલી નાખી'

તેઓ કહે છે, "એ દિવસે તે મારી સાથે સમાચાર જોતી હતી ત્યારે ઉન્નાવ અને કઠુઆના ન્યૂઝ આવ્યા. મેં તરત જ ચેનલ બદલી નાખી."

"એણે મને તરત પૂછ્યું કે ચેનલ કેમ બદલી નાખી? એ છોકરી સાથે શું થયું છે?"

"મેં તેને કહ્યું કે એ દીકરીને કોઈએ મારી નાખી છે. એ પછી સુરતના સમાચાર આવ્યા. એણે મને ફરીથી પૂછ્યું કે આ છોકરીને પણ કોઈએ મારી નાખી? કેમ?"

નીરવ કહે છે કે તેને એ વાતની ખબર છે કે કંઈક ખોટું બન્યું છે. એટલે જ તેને અમારી સાથે માર્ચમાં લઈ ગયા હતા.

માર્ચમાંથી આવ્યા પછી મારી દીકરીએ મને ફરીથી સવાલ કર્યો, 'પપ્પા રેપ એટલે શું?'

'રેપ એટલે શું? એમ પૂછે તો શું જવાબ આપું?'

તેઓ કહે છે, "મારી આટલી નાનકડી દીકરીને રેપનો અર્થ સમજાવવાની તાકાત મારામાં નથી. એટલે મેં તેનો સવાલ અવગણ્યો. તેણે મને એ સવાલ આઠથી દસ વાર કર્યો અને મારે વારંવાર તેને અવગણવું પડ્યું."

આ ઘટનાએ માત્ર એક બાળકી પર જ નહીં દેશના દરેક ઉંમરના લોકો પર માનસિક અસર કરી છે.

નીરવ કહે છે કે સુરતની ઘટના વિશે રાત્રે સાંભળ્યું ત્યારે એ રાત્રે ઊંઘ નહોતી આવી. મને ડર લાગી રહ્યો હતો.

આવી જ માનસિક હાલત આજે લગભગ દરેક માતાપિતાની છે.

તેઓ કહે છે કે અગમચેતીના ભાગરૂપે બાળકીઓને અજાણ્યા માણસો સાથે વાત નહીં કરવાની અને સાવચેત રહેવાની સલાહ પૂરતી નથી. લોકોને વધારે જાગૃત થવાની જરૂર છે.

બાળકીઓ પણ સવાલ કરે છે આરોપીઓ કેમ પકડાતા નથી?

કારણકે હવે નાની બાળકીઓ પણ સવાલ કરવા લાગી છે કે પોલીસ અને સરકાર આરોપીઓને પકડતી કેમ નથી?

સુરતના ગુંજન કહે છે, "મારી તેર વર્ષની દીકરી આ બધા સમાચારોના કારણે ખૂબ નિરાશ છે. તે મને પૂછે છે આવું શા માટે થઈ રહ્યું છે?"

"સુરતની ઘટના પછી લોકોના મનમાં ડર વધ્યો છે. મારી દીકરી હિમ્મતાવાળી છે."

"તેને અમે એટલે જ કૅન્ડલ માર્ચમાં લઈ ગયા હતાં કે આ ઘટનાના વિરોધમાં આટલા બધા લોકો સાથે છે."

"મારી દીકરીને આ ઘટના વિશે બધી જ જાણકારી છે. ઇન્ટરનેટ અને મીડિયાના કારણે બાળકોમાં અવેરનેસ વધી છે."

"અમે સાયલન્સ વૉક કર્યું હતું જેથી કરીને સત્તાપર બેઠેલા લોકોનું મૌન તૂટે."

'મારા ઘર પાસે જ આ ઘટના બની હતી'

માનવ અધિકારો માટે કામ કરતાં પુનીતા ભટ્ટ કહે છે, "હું વર્કિંગ વુમન છું. હું કામથી બહાર જઉં છું. મને આજકાલ સતત મારી દીકરીની ચિંતા રહે છે. હું ઘરે આવું ને તેને જોઉ ત્યારે રાહત અનુભવુ છું."

"મારા ઘરે આવ્યા પછી પણ જો એ બહાર રમવા જાય તો પણ મને તેની જ ચિંતા રહે છે. તેણે યૂ ટ્યૂબ પર આ સમાચાર જોયા ત્યારે મને કહ્યું કે આપણે પણ કંઇક કરવું જોઈએ."

"સુરતમાં આ ઘટના બની તે પાંડેસરા રોડથી હું ત્રણ-ચાર કીમી દૂર રહું છું. અમારા ઘરની પાસે આવી ઘટના બની છે એટલે ડર વધારે લાગે છે."

તેઓ કહે છે, "સરકારે કડક પગલાં લેવા જોઈએ. જેલથી કામ નહીં થાય આવાં કૃત્યો માટે ફાંસીની સજા થવી જોઈએ."

એક તરફ આવા જઘન્ય અપરાધો સામે જનતાનો આક્રોશ રસ્તા પર આવી રહ્યો છે બીજી તરફ સવાલ એ પણ છે કે બાળકોને સેક્સ એજ્યુકેશનની જરૂર છે?

બાળકોને સેક્સ એજ્યુકેશનની જરૂર છે?

આ એક ચર્ચાનો વિષય છે કારણ કે ભારતમાં સેક્સ એજ્યુકેશનની વાત સંસ્કૃતિ અને સંસ્કારો સાથે જોડી દેવામાં આવે છે.

અવારનવાર સેક્સ એજ્યુકેશનનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવાની માંગ ઉઠે છે પરંતુ તે વાત ચર્ચા બાદ આગળ વધી શકતી નથી.

2007 માં કેન્દ્ર સરકારે NACO, NCERT અને UN એજન્સીઓની સાથે મળી શાળાઓમાં એડોલેસન્સ એજ્યુકેશન પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી હતી.

પરંતુ એ વખતે દેશનાં તેર રાજ્યોએ તેના પર તાત્કાલિક પ્રતિબંધ લાવવા કહ્યું હતું. આ રાજ્યોનો તર્ક હતો કે સેક્સ એજ્યુકેશન ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો