ગુજરાતના ફેમસ ભાલિયા ઘઉં પર કેમ તોળાઈ રહ્યો છે ઝેરી ખતરો?

    • લેેખક, હરેશ ઝાલા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ધોળકા તાલુકાના સરગવાળા ગામે પ્રસ્તાવિત 'કૉમન ઇન્ટિગ્રેટેડ લૅન્ડફિલ ઍન્ડ ઇન્સિનરેશન ફૅસિલિટી' પ્રોજેક્ટ વિવાદનું કેન્દ્ર બન્યો છે. સ્થાનિકો સુનાવણી દરમિયાન તેમનો વિરોધ નોંધાવી ચૂક્યા છે અને જરૂર પડ્યે અહિંસક માર્ગે આંદોલન કરવા સજ્જ છે.

સ્થાનિકોનું કહેવું છે કે આ પ્રોજેક્ટને કારણે અહીંનું પાણી પ્રદૂષિત થશે અને તેના કારણે ભાલિયા ઘઉંની જાત પર સંકટ ઊભું થશે.

ઉપરાંત પાસે જ આવેલા હડપ્પા અને લોથલ સંસ્કૃતિના અવશેષો પણ પ્રોજેક્ટની માઠી અસરથી બાકાત નહીં રહી શકે.

આ અંગે કંપનીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કંપની તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.

ભાલિયા ઘઉં બચાવવા અભિયાન

ગ્રામજનો માટે આ લડાઈ માત્ર અસ્તિત્વ ટકાવવા માટે નથી પરંતુ ભાલિયા ઘઉંને બચાવવા માટેની પણ છે.

સ્થાનિક રહેવાસી સબરસિંહના કહેવા પ્રમાણે, "નપાણિયા ગણાતા ગામમાં ચોમાસાનું જે પાણી જમીનમાં ઉતરે છે તેના આધારે ખેતી કરી ભાલિયા ઘઉંનો પાક અમે લઇએ છીએ.

"ભાલિયા ઘઉંની મૂળ જાતિ હવે આ અને આજુબાજુના અન્ય 14 ગામમાં જ બચી છે."

'ચણા, જીરું અને સવાના પાકને નુકસાનની ભીતિ'

ઉપ-સરપંચ લાલજીભાઈ સોલંકીના કહેવા પ્રમાણે, પ્રોજેક્ટ રિપોર્ટમાં એવો દાવો કર્યો છે કે પ્રોજેક્ટ સાઇટથી પાંચ કિલોમીટરના અંતર સુધી કોઈ જળસ્રોત નથી, પરંતુ આ તથ્ય તંત્રને ગેરમાર્ગે દોરનારું છે.

સરગવાળા ગામના સરપંચ અંબાલાલ સોલંકીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું,"અમારું ગામ ધોળકા તાલુકાનું છેવાડાનું ગામ છે."

"ગામની સીમ 3500 એકર જમીન પર પથરાયેલી છે, જેમાં ભાલિયા ઘઉં, ચણા, જીરું અને સવા જેવો પાક લેવાય છે."

"માત્ર અને માત્ર વરસાદના પાણીના આધારે પાક લેવાય છે ત્યારે જો ઝેરી કેમીકલના ઘનકચરાના નિકાલ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવશે તો સ્થાનિક ખેતીને નુકસાન થવાની ભીતિ અમને દેખાઈ રહી છે."

લોથલ સાઇટ માત્ર ત્રણ કિલોમીટરના અંતરે

વાત માત્ર પર્યાવરણ કે સ્વાસ્થ્ય પૂરતી સીમિત નથી, હડપ્પા સંસ્કૃતિનું ઉત્ખનન થયું છે તે લોથલ સાઇટ ગામથી રસ્તાના માર્ગે માત્ર ત્રણ કિલોમીટરના અંતરે આવેલી છે.

ઉપ-સરપંચ લાલજીભાઈ સોલંકીએ સવાલ ઉઠાવ્યો, "જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાંથી વાયુ પ્રદૂષણ પણ નીકળવાનું, શું કોઇ તેની ઐતિહાસિક લોથલ સાઇટ પર થતી અસર અટકાવી શકશે?"

ઈ.સ. પૂર્વે 2400માં લોથલ સિંધુ સંસ્કૃત્તિનું મહત્ત્વપૂર્ણ શહેર હતું.

લોથલને ઐતિહાસિક સાઇટ તરીકેનો દરજ્જો મળેલો છે. આર્કિયૉલૉજિકલ સરવે ઑફ ઇન્ડિયા (એએસઆઈ) દ્વારા આ સાઇટની દેખરેખ રાખવામાં આવે છે.

એએસઆઈ દ્વારા જ લોથલમાં ઉત્ખનન કરીને પુરાતત્વીય અવશેષો બહાર કાઢવામાં આવે છે.

'જમીન પર ઝેરી કચરાની અસરની ચિંતા'

જે સર્વે નંબર જમીન પર આ સૉલિડ વેસ્ટ સાઇટ વિકસાવવાનું આયોજન કર્યું છે, તેની બિલકુલ બાજુમાં ઘનશ્યામભાઇનું ખેતર આવેલું છે.

જ્યારથી તેમણે આ યોજના વિશે સાંભળ્યું છે, ત્યારથી તેમને એક જ ચિંતા સતાવી રહી છે કે મારી ખેતીવાડીનું શું થશે.

આવી જ ચિંતા ગામના આગેવાન સૂરસિંહ સોલંકીને સતાવી રહી છે. સબરસિંહની જમીનની પાસે જ પ્રસ્તાવિત પ્રોજેક્ટ આકાર લેવાનો છે.

તેમના મતે ચોમાસાના ચાર મહિનામાં જેટલો પણ વરસાદ પડે છે, તે પાણી ખેતરમાં ભરાઇ રહે છે. તે સૂકાય પછી વાવણી શરૂ થાય છે.

તે સંજોગોમાં જો ઝેરી કચરો વરસાદના પાણીમાં પડ્યો રહે તો આજુબાજુની જમીન પર તેની અસર થશે.

ગ્રામજનોને માહિતગાર નહોતા કરાયા?

લાલજીભાઈ સોલંકીના કહેવા પ્રમાણે, "ગામથી દસ કિલોમીટરની ત્રિજ્યામાં કેમીકલનો એક પણ એકમ આવેલો નથી.

"અમને પ્રોજેક્ટ વિશે પ્રથમ જે ટૂંકી માહિતી આપી હતી તે અંગ્રેજીમાં હતી, બાદમાં ઘણા સમય પછી ગુજરાતીમાં માહિતી પૂરી પાડી છે, તે પણ અપૂરતી છે.

"તેમણે વધુમાં કહ્યું કે પ્રોજેક્ટની વાસ્તવિક અસર વિશે અમને અંદાજ આવે જ નહીં.

"ગુજરાતભરમાંથી દૈનિક 80થી વધુ ટ્રક ઘનકચરો લઈ ગામમાં આવશે જે સ્પષ્ટ રીતે ગ્રામજનોને જણાવ્યું નથી.

"ઘન કચરાને બાળવાથી કેવા પ્રકારનો ગેસ નીકળશે, તે વિશે કોઇ માહિતી આપી નથી.

"તેની સ્વાસ્થ્ય પર શું અસર થશે તેની માહિતી પણ આપવામાં આવી નથી."

પ્રોજેક્ટનો વિરોધ કરાશે

સરપંચ અંબાલાલ સોલંકી તથા ઉપસરપંચ લાલજીભાઈ સોલંકીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગ્રામજનો કોઈ પણ સંજોગોમાં આ ઝેરી કચરાનો નિકાલ અહીં થવા દેશે નહીં.

અત્યાર સુધી ગ્રામજનોએ માત્ર રૂબરૂ કે પત્ર દ્વારા વિરોધ વ્યક્ત કરતી રજૂઆત કરી હતી. પરંતુ હવે જરૂર પડ્યે અહિંસક આંદોલન હાથ ધરવાની ફરજ પડશે તો તે પણ કરીશું.

સ્વૈચ્છિક સંસ્થા 'ગુજરાત લોકસમિતિ'ના આગેવાન નીતાબેન મહાદેવે કહ્યું, "બીજી એપ્રિલના રોજ ત્રીજી વખત લોકસુનાવણી યોજવામાં આવી હતી.

આ પહેલા ડિસેમ્બર -2016 અને મે- 2017માં પણ લોકસુનાવણીઓ યોજાઈ હતી. જેમાં વિરોધનો સૂર ઊઠતા તંત્રે તેને મુલતવી રાખવાની ફરજ પડી હતી."

રાજ્યમાં કુલ આઠ કૉમન હૅઝર્ડસ વેસ્ટ ટીએસડીએફ

ઇન્ડસ્ટ્રિયલ વેસ્ટ મેનેજમેન્ટ સર્વિસિઝે પ્રોજેક્ટના પ્રિ-ફિઝિબિલિટી અહેવાલમાં જણાવ્યું છે કે અમદાવાદ અને તેની આસપાસ આવેલા ઔદ્યોગિક એકમમાંથી દર વરસે 3,36,317.14 મેટ્રિક ટન જોખમી ઘન કચરો નીકળે છે.

જે સમગ્ર રાજ્યના કુલ કચરાનો માત્ર 19 ટકા હિસ્સો છે. આ અહેવાલમાં એવી પણ નોંધ છે કે રાજ્યમાં કુલ આઠ કૉમન હૅઝર્ડસ વેસ્ટ ટીએસડીએફ (ટ્રીટમેન્ટ, સ્ટેબિલાઇઝેશન, ડિસ્પોઝલ ફૅસિલિટીઝ) મંજૂર થયેલા છે.

પરંતુ તેમાંથી માત્ર પાંચ જ ફૅસિલિટીઝ કાર્યરત છે. આ પાંચ વધુ ઘન કચરાનો નિકાલ કરી શકે તેમ ન હોવાથી આ સાઇટની દરખાસ્ત મૂકવામાં આવી છે.

અહેવાલ પ્રમાણે, આ સાઇટ કાર્યરત થશે તો દરરોજ સલ્ફર ઓક્સાઇડ અને નાઇટ્રસ ઑક્સાઇડ જેવા ગેસ ઓકશે, તે ઉપરાંત દૈનિક 679 કિલોલિટર પ્રદૂષિત પાણીને ટ્રીટ કર્યાં પછી નિકાલ થશે.

આ સાઇટ કાર્યરત રહે તે માટે અમદાવાદ અને તેની આજુબાજુના ઔદ્યોગિક એકમોમાંથી દૈનિક 200 મેટ્રિક ટન ઘન કચરો 25 ટ્રકમાં આવશે.

પ્લાન્ટમાં રિસાઇક્લિંગ માટે દરરોજ 20 ટેન્કર પાણીની જરૂર પડશે, તેવું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે, જેની નકલ બીબીસી પાસે છે.

ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું શું કહેવું છે?

ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અમદાવાદ(ગ્રામ્ય)ના અધિકારી કિરણ ઉપાધ્યાયે બીબીસીને જણાવ્યું હતું કે સ્થાનિક ગ્રામજનોના વિરોધના પગલે ઇન્ડસ્ટ્રિયલ વેસ્ટ મેનેજમેન્ટ સર્વિસિઝની લોક સુનાવણી બંધ રાખવામાં આવી છે.

તેમણે ઉમેર્યું કે કંપની જો પુનઃ લોકસુનાવણી માટે માંગણી કરશે તો પૂનઃ લોકસુનાવણી યોજીશું.

ઇન્ડસ્ટ્રિયલ વેસ્ટ મેનેજમેન્ટ સર્વિસીઝ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

ઈ-મેલ અને કોલ દ્વારા કંપનીના પદાધિકારીઓની પ્રતિક્રિયા સાધવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ કંપની દ્વારા ઔપચારિક રીતે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો