દુનિયાને દેશો આ રીતે કરે છે પ્રદૂષણનો સામનો

દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ વધવાથી ખતરનાક પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

દિવાળી પછી ફેલાયેલા ધુમાડા બાદ હવે પરાળ સળગાવવાથી થયેલા ધુમાડાને કારણે પ્રદૂષણનાં પ્રમાણમાં અનેકગણો વધારો થયો છે.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા અનુસાર, એર ક્વોલિટી ઈન્ડેક્સ(એક્યુઆઈ)માં 100 સુધીનું સ્તર સામાન્ય હોય છે.

જોકે, દિલ્હીમાં એક્યુઆર સામાન્ય રીતે 300થી 400ની વચ્ચે રહેતું હોય છે, પણ મંગળવારે એ સ્તર 440 સુધી પહોંચી ગયું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

દિલ્હી-નેશનલ કેપિટલ રિજન(એનસીઆર), ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિવિધ વિસ્તારોમાં ઝેરીલો ધુમાડો ફેલાવાને કારણે ગેસ ચેમ્બર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

પ્રદૂષણના સામના માટે દિલ્હી સરકાર પાણીના છંટકાવથી માંડીને વાહનો માટે ઓડ-ઈવન ફોર્મ્યુલા ફરી અમલી બનાવી છે.

બુધવારે સ્કૂલો પણ બંધ રાખવામાં આવી હતી. હેલિકોપ્ટર વડે પાણીના છંટકાવની માગણી પણ કરવામાં આવી રહી છે.

ચીનઃ પાણીના છંટકાવથી એન્ટી-સ્મોગ પોલીસ સુધી

2014માં ચીનના અનેક શહેરોમાં ધુમાડો છવાઈ ગયો હતો. પ્રદૂષણની રાજધાની કહેવાતા બીજિંગમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સ્તરે પહોંચી ગયું હતું.

એ પછી ચીને પ્રદૂષણના સામના માટે યુદ્ધના ધોરણે પ્રયાસ શરૂ કર્યા હતા. ચીનમાં મલ્ટી-ફંક્શન ડસ્ટ સેપરેશન ટ્રકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

એ સાધન પર એક મોટી વોટર કેનન લગાવેલી હોય છે, જેના વડે 200 ફુટ ઉપરથી પાણીનો છંટકાવ કરવામાં આવે છે. ધૂળ હવામાંથી નીચે બેસી જાય એટલા માટે પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

એ ઉપરાંત ચીને વેન્ટિલેટર કોરિડોર બનાવવાથી માંડીને એન્ટી-સ્મોગ પોલીસની રચના સુધીના નિર્ણય કર્યા હતા.

એન્ટી-સ્મોગ પોલીસ રસ્તા પર કચરો ફેંકવા અને કચરો સળગાવવા સહિતના પ્રદૂષણ ફેલાવા માટે જવાબદાર કારણો પર વિવિધ સ્થળોએ જઈને નજર રાખે છે.

ચીનમાં પ્રદૂષણ વધવાનું એક કારણ કોલસાનો મોટા પાયે વપરાશ છે. ચીનમાં કોલસાનો વપરાશ ઘટાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

પેરિસમાં મોટરકારો પર નિયંત્રણ

ફ્રાન્સની રાજધાની પેરિસમાં સપ્તાહ દરમ્યાન કાર ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

પેરિસમાં પણ વાહનો માટે ઓડ-ઈવન ફોર્મ્યુલા અમલી બનાવવામાં આવી હતી.

એ ઉપરાંત પ્રદૂષણ વધવાની સંભાવના હોય એવા દિવસોમાં જાહેર પરિવહનમાં મફત પ્રવાસની સુવિધા આપવામાં આવી હતી.

વ્હિકલ શેરિંગ માટે લોકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

વાહનો પ્રતિકલાક માત્ર 20 કિલોમીટરની ઝડપે ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

આ નિયમના પાલન માટે 750 પોલીસ કર્મચારીઓને ગોઠવવામાં આવ્યા હતા.

જર્મનીમાં જાહેર પરિવહન વધારે સારું બનાવવાનો આગ્રહ

જર્મનીના ફ્રીબર્ગમાં પ્રદૂષણ ઘટાડવા માટે જાહેર પરિવહનને બહેતર બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ટ્રામનું નેટવર્ક વિસ્તારવામાં આવ્યું હતું.

બસ રૂટને પણ જોડી શકે અને વધુમાં વધુ લોકોને એ રૂટ હેઠળ આવરી લેવાય એ રીતે ટ્રામનું નેટવર્ક વિસ્તારવામાં આવ્યું હતું.

એ ઉપરાંત સસ્તી અને કાર્યક્ષમ પરિવહન વ્યવસ્થા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

કાર નહીં ખરીદતા લોકોને સસ્તાં ઘર, જાહેર પરિવહનમાં મફત પ્રવાસ અને સાયકલો માટે જગ્યા જેવી સુવિધા આપવામાં આવી હતી.

બ્રાઝિલમાં 'મોતની ખીણ'

બ્રાઝિલના ક્યૂબાટાઉ નામના એક શહેરને 'મોતની ખીણ' કહેવામાં આવતું હતું.

ક્યૂબાટાઉમાં પ્રદૂષણનું પ્રમાણ એટલું વધારે હતું કે તેજાબના વરસાદને કારણે લોકો દાઝી જતા હતા.

જોકે, ફેક્ટરીઓની ચીમનીઓ પર ફિલ્ટર્સ લગાવવા દબાણ કરવામાં આવ્યું પછી શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ 90 ટકા સુધી ઘટ્યું હતું.

હવાની ગુણવત્તા પર નજર રાખવા માટે બહેતર રીતો અપનાવવામાં આવી હતી.

સ્વિત્ઝર્લેન્ડમાં પાર્કિંગમાં ઘટાડો કરાયો

સ્વિત્ઝર્લેન્ડના ઝુરિચ શહેરમાં પ્રદૂષણના સામના માટે વાહનોના પાર્કિંગની જગ્યા ઘટાડવામાં આવી હતી.

પાર્કિંગની જગ્યા નહીં મળે તો લોકો કારનો ઉપયોગ ઓછો કરશે, એવા હેતુસર આમ કરવામાં આવ્યું હતું.

પ્રદૂષણ અને ટ્રાફિક જામથી છૂટકારો મેળવવામાં આ પ્રયાસને લીધે કંઈક અંશે સફળતા મળી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો