You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC SPECIAL: સલમાન કેસના સાક્ષીએ તોડ્યું મૌન! કહ્યું, 'મેં બધું જોયું હતું'
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા, જોધપુરથી
સાગરરામ બિશ્નોઈ એવી વ્યક્તિ છે જેઓ મૃત્યુ પામેલા કાળિયારને પોસ્ટમોર્ટમ માટે મોકલનારા લોકોમાં સામેલ હતા.
આ પૂર્વે તેમણે ક્યારેય મીડિયા સાથે વાતચીત નહોતી કરી. બીબીસી હિંદીના વાચક રહેલા સાગરરામે એક ખાસ ઇન્ટર્વ્યૂમાં કહ્યું કે સલમાન ખાન, સૈફ અલી ખાન, નીલમ, સોનાલી બેન્દ્રે અને તબ્બૂને ઘટનાસ્થળે પ્રથમ વખત લઈ જનાર વ્યક્તિમાંના એક છે.
વર્ષ 1998માં વનરક્ષક રહેલા સાગરરામ બિશ્નોઈ 28 માર્ચ- 2018માં રાજસ્થાનના વન સેવાના વન્યજીવ વિભાગમાં સહાયક સબ-ઇન્સ્પેક્ટર પદેથી નિવૃત્ત થયા છે.
સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોવાથી તેમણે મીડિયા સાથે વાતચીત નહોતી કરી.
કાળિયારના શિકાર સંબંધિત કેસમાં કુલ પાંચ સરકારી સાક્ષી હતા અને સાગરરામ બિશ્નોઈ તેમાં બીજા ક્રમના સાક્ષી છે.
સાક્ષીઓએ શું જોયું હતું?
તેમના અનુસાર ત્રણ સાક્ષીએ સલમાન ખાન અને તેમના સાથી ફિલ્મ સ્ટાર્સને કાળિયારનો શિકાર કરતા જોયા હતા.
બીજી ઑક્ટોબર-1998ના રોજ તેઓ વન્ય જીવોની ચોકી માટે સહાયક વનપાલ ભંવર લાલ બિશ્નોઈ સમક્ષ આ બાબતની ફરિયાદ કરવા ગયા હતા.
એ સમયે વનરક્ષક અથવા ફોરેસ્ટ ગાર્ડ રહેલા સાગરરામ બિશ્નોઈ ઘટનાસ્થળે પહોંચ્યા અને તેઓ મૃત્યુ પામેલા બે કાળિયારને ઓફિસમાં લઈ ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વળી જ્યારે એવું નક્કી થયું કે કાળિયારનું પોસ્ટમોર્ટમ કરવું જરૂરી છે ત્યારે ડૉક્ટર નેપાલિયાના ત્યાં તેમને મોકલવામાં આવ્યા.
ફોરેન્સિક તપાસ
સાગરરામ બિશ્નોઈએ જણાવ્યું, "મને યાદ છે કે એ દિવસે ફોરેન્સિક તપાસ કરનારા ડૉક્ટર નેપાલિયાની રજા હતી."
"આથી અમારા વિભાગમાં પોસ્ટમોર્ટમ કરનારી વ્યક્તિની મદદથી તેમણે કાળિયારને ઓળખ્યા અને કહ્યું કે એક-બે દિવસમાં રિપોર્ટ સોંપશે."
"પણ રિપોર્ટ કેટલાક દિવસો સુધી આવ્યો નહીં અને જ્યારે આવ્યો ત્યારે તેમાં મૃત્યુનું કારણ કુદરતી અને વધુ પ્રમાણમાં ખાધું હોવાનું લખેલું હતું. રિપોર્ટની આ વાત અમારા ગળે ઉતરી નહીં."
"તાજેતરમાં જે ટ્રાયલ કોર્ટે સલમાન ખાનને કાળિયારના શિકાર કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે, તેના ચુકાદામાં એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે ડૉક્ટર નેપાલિયાની તપાસ બાદ ફરીથી ફોરેન્સિક તપાસ કરાવવામાં આવી હતી."
"રાજસ્થાન વન વિભાગે ડૉક્ટર નેપાલિયાના વિરુદ્ધ ખોટો રિપોર્ટ આપવાનો આરોપ લગાવતી એફઆઈઆર પણ નોંધાવી હતી."
સાગરરામ બિશ્નોઈએ વધુમાં જણાવ્યું, "સ્પષ્ટ લાગી રહ્યું હતું કે કાળિયારનાં મૃત્યુ ગોળી વાગવાથી થયાં હતાં."
તેમણે એ પણ કહ્યું કે ઑક્ટોબર-1998માં જ્યારે બીજો ફોરેન્સિક રિપોર્ટ આવ્યો હતો તેના અનુસાર કાળિયારનું મૃત્યુ ગોળી વાગવાથી થઈ હતી. ત્યારે આ ફિલ્મસ્ટાર્સની ધરપકડ કરવામાં આવી હતી.
અત્રે નોંધવું રહ્યું કે કોર્ટના ચુકાદામા આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે "સલમાન ખાને કાળિયારનો શિકાર બંદૂકથી કર્યો છે."
'અહીં જ કાળિયારને મારવામાં આવ્યાં હતાં'
સાગરામ બિશ્નોઈએ વધુમાં કહ્યું, "અમે આ પાંચેય લોકોને ઘટના સ્થળે લઈ ગયા હતા અને તે રાત્રે સલમાન ખાન, સૈફ અલી ખાન, નીલમ, તબ્બૂ અને સોનાલી બેન્દ્રેને અમારા વન વિભાગની ગુડામાં આવેલી ચોકીમાં રાખવામાં આવ્યાં હતાં."
"હું ત્યાં હાજર હતો પણ અંદર માત્ર જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ જ હાજર હતા"
"ગુડા વન વિભાગમાં 32 જેટલાં ગામ આવેલાં છે જેમાં કાંકાણી પણ સામેલ છે. અહીં જ કાળિયારોને મારવામાં આવ્યાં હતાં."
મેં સાગરરામ બિશ્નોઈને પૂછ્યું,"સલમાન અને અન્ય વિરુદ્ધ 20 વર્ષથી આ કેસ બિશ્નોઈ સમાજ જ લડી રહ્યો છે."
"તમે બીજા નંબરના સરકારી સાક્ષી છો, તમે ખુદ પણ બિશ્નોઈ છો, તો તમે પણ બિશ્નોઈ હોવાથી કેસમાં કોઈ ફરક નથી પડતો?"
સાગરરામે સ્મિત સાથે જવાબ આપ્યો, "આ સવાલનો જવાબ તો હું કોર્ટમાં પણ આપી ચુક્યો છું. સુનાવણી વખતે સલમાન ખાનના વકીલ હસ્તીમલ સારસ્વતે પણ કહ્યું કે સરકારી સાક્ષીમાં મોટાભાગના બિશ્નોઈ સમાજના છે."
"મેં જવાબ આપ્યો કે બિશ્નોઈ સમાજના વિસ્તારમાં આવેલા વન સંરક્ષણ અને સરકારી નોકરીઓમાં તમને બિશ્નોઈ લોકો નહીં મળે તો બીજું કોણ મળશે?"
'કોઈ શંકા નથી આ લોકોએ ફરી ફરીને શિકાર કર્યો હતો'
સાગરરામ બિશ્નોઈએ જતી વખતે પોતાના ઘરના દરવાજે ઊભા રહીને કહ્યું,"એ દિવસો દરમિયાન હું વન્ય જીવ ફ્લાઇંગ સ્ક્વૉડમાં ફરજ બજાવતો હતો."
"કેટલાક સ્થળોએ જઈને મેં લોકો સાથે વાતચીત કરી હતી. એ વાતમાં કોઈ જ શંકા નથી આ લોકોએ ફરી ફરીને શિકાર કર્યો હતો."
ટ્રાયલ કોર્ટે પાંચ વર્ષની સજા ફટકાર્યા બાદ સલમાનને બે દિવસ જેલમાં રહેવું પડ્યું અને ત્યાર બાદ સેશન્સ કોર્ટે તેમને જામીન આપ્યા.
કેસની વધુ સુનવાણી મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ફરીથી શરૂ થશે.
સૈફ અલી ખાન, તબ્બૂ, નીલમ અને સોનાલી બેન્દ્રેને બે કાળિયારના શિકારના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો