Top News: રોજગારી મામલે ગુજરાત દેશના ટોપ-5 રાજ્યોમાં પણ નથી

'સંદેશ' અખબારના અહેવાલ અનુસાર દેશમાં રોજગાર ક્ષમતા ધરાવતાં પ્રથમ પાંચ રાજ્યોમાં ગુજરાતને સ્થાન મળ્યું નથી.

રોજગાર ક્ષમતા ધરાવતાં ટોચનાં પાંચ શહેરોમાં બેંગ્લૂરુ, ચેન્નાઈ, ઇન્દોર, લખનૌ અને મુંબઈનો સમાવેશ થાય છે.

જ્યારે વધુ રોજગાર ક્ષમતા ધરાવતા રાજ્યોમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ,કર્ણાટક, ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે.

અત્રે નોંધવું રહ્યું કે, દેશભરની 3000 શૈક્ષણિક સંસ્થાઓમાં 5.60 લાખ વિદ્યાર્થીઓમાં નોલેજ, સ્કિલ એપ્ટીટ્યુડ, બિહેવિયર કંપોનેટ, સ્કિલ ગેપ જેવા માપદંડોના આધારે સ્કિલ ડેવલપમેન્ટ-2017નો રિપોર્ટ તૈયાર કરાયો હતો.

પીએનબી કૌભાંડ: એક વર્ષ પહેલાં જ ચેતવણી મળી હતી

'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર નીરવ મોદી-મેહુલ ચોક્સી કૌભાંડ વિશે સેન્ટ્રલ વિજિલન્સ કમિશને(સીવીસી) એક વર્ષ પહેલાં જ ચેતવણી આપી હતી દીધી.

એજન્સીએ કેટલીક જ્વેલરી કંપનીઓનાં ખાતાઓમાં ગંભીર ગેરરીતિની ચેતવણી આપી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

જાન્યુઆરી-2017માં સીબીઆઈ(સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇનવેસ્ટીગેશન ), ઈડી(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ના વરિષ્ઠ અધિકારીઓ અને દસ બૅન્કોના ચીફ વિજિલન્સ અધિકારીઓની બેઠક મળી હતી.

આ બેઠકમાં પંજાબ નેશનલ બૅન્કના અધિકારીઓ પણ સામેલ હતા.

અહેવાલ મુજબ સીવીસીના 2017ના વાર્ષિક રિપોર્ટમાં કમિશને 5 જાન્યુઆરી-2017ની આ બેઠકનો ઉલ્લેખ કર્યો હતો.

'સીરિયામાં કેમિકલ એટેક કરનારે મોટી કિંમત ચૂકવવી પડશે'

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે સીરિયામાં કરવામાં આવેલા કેમિકલ હુમલાની હુમલાખોર પક્ષે મોટી કિંમત ચૂકવવી પડશે.

વ્હાઇટ હાઉસના અધિકારીએ આ મામલે કહ્યું કે સીરિયન પ્રમુખ બસર-અલ-અસદની સરકાર સામે મિસાઇલ હુમલો કરવાની પણ હિલચાલ છે.

અત્રે નોંધવું રહ્યું કે, અમિરકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે આ કેમિકલ એટેકનો અડધો દોષ રશિયાના પ્રમુખ પુતિન પર નાખ્યો હતો.

સત્તામાં આવ્યા બાદ પ્રથમ વખત તેમણે આ રીતે જાહેરમાં પુતિનને પ્રત્યક્ષ રીતે જવાબદાર ઠેરવ્યા છે.

તેમણે ટ્વીટમાં લખ્યું, "સીરિયામાં મગજ વાપર્યા વગર કરવામાં આવેલા કેમિકલ એટેકમાં મહિલાઓ અને બાળકો સહિત સંખ્યાબંધ લોકોનાં મૃત્યુ થયાં છે."

"રશિયાના પ્રમુખ પુતિન અને ઈરાન અસદ સરકારને ટેકો આપવા બદલ જવાબદાર છે."

એક અન્ય ટ્વીટમાં તેમણે લખ્યું, "આ માટે તેમણે મોટી કિંમત ચૂકવવી પડશે."

કર્ણાટક ચૂંટણી : ભાજપે 72 ઉમેદવારોની યાદી જાહેર કરી

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર ભાજપે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે 72 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.

ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી. એસ. યેદુરપ્પાને શિકારપુરીથી ટિકિટ આપવામાં આવી છે.

દિલ્હી ખાતે પાર્ટીના હેડક્વાટર પર કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાદ આ યાદી જાહેર કરવામાં આવી હતી.

આ બેઠકમાં વડાપ્રધાન મોદી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, વિદેશમંત્રી સુષમા સ્વરાજ, કર્ણાટકના ભૂટપૂર્વ મુખ્યમંત્રી બી. એસ. યેદુરપ્પા અને અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કર્ણાટકમાં 12 મેના રોજ ચૂંટણીઓ યોજાશે અને 15મી મેના રોજ પરિણામ જાહેર થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો