મુંબઈનું ગુજરાતી દંપતી પુત્રની યાદમાં 100થી વધુ નિઃસહાય વૃદ્ધોને પહોંચાડે છે ફ્રી ટિફિન

    • લેેખક, સરિતા હરપલે
    • પદ, બીબીસી ગુજરાતી માટે

મુંબઈનાં મુલુંડમાં આવેલાં 300 ચોરસ ફૂટનાં એક મકાનમાં સવારના સાડા અગિયાર વાગતાં જ સિનિયર સિટીઝન્સની અવરજવર શરૂ થઈ જાય છે.

અહીંથી આજુબાજુના વિસ્તારોના નિઃસહાય વૃદ્ધોને ટિફિન દ્વારા પણ ભોજન પહોંચાડવામાં આવે છે.

2011માં લોકલ ટ્રેનના એક અકસ્માતમાં પ્રદીપભાઈ તથા દમયંતીબહેન તન્નાનાં એકના એક પુત્ર નિમેષનું મૃત્યુ થયું હતું.

થોડો સમય સુધી શું કરવું તેના સાન કે ભાન જ ન રહ્યાં, પણ એક દિવસ તેમને દિશા સૂઝી, જેના કારણે અનેક લોકોની જિંદગીમાં ઉજાશ ફેલાયો છે.

આજે આ દંપતી 110થી વધુ અસહાય વૃદ્ધો સુધી ભોજન પહોંચાડે છે તથા અન્ય સેવાકાર્યો કરે છે.

સતત ચાલતી રહે છે સેવા

નિમેષ તેમના જન્મદિવસ પર ગરીબોને જમવાનું આપતા અને સેવાકાર્યો કરતા.

નિમેષની સ્મૃતિને જીવંત રાખવા તથા તેમની જેમ જીવનનો આધાર ગુમાવનારા વૃદ્ધોનો આધાર બનવા દંપતીએ 'શ્રી નિમેષ તન્ના ચેરિટેબલ ટ્રસ્ટ' શરૂ કર્યું.

ટ્રસ્ટનાં માધ્યમથી મુલુંડ અને આજુબાજુના વિસ્તારમાં રહેતા અસહાય વૃદ્ધોને 365 દિવસ ટિફિન દ્વારા તૈયાર ભોજન પહોંચાડવામાં આવે છે.

મુલુંડ વિસ્તારમાં રહેતા બહેન જયાબહેન કહે છે, "હું એકલી જ રહું છું. આ સેવાને કારણે મને મદદ મળે છે."

'અમારું જીવતાં જીવ મોત થઈ ગયું'

ઓગસ્ટ 2011માં નિમેષ એક મીટિંગમાં ભાગ લેવા માટે ઘરેથી નીકળ્યા હતા.

એ ઘટનાને યાદ કરતાં દમયંતીબહેન કહે છે, "રસ્તામાં એક વળાંક પાસે થાંભલા સાથે માથું અથડાતા નિમેષ લોકલ ટ્રેનમાંથી નીચે પટકાયો."

"એનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. અમારું તો જાણે જીવતા જીવ જ મૃત્યુ થઈ ગયું."

આટલું બોલતાં જ દમયંતીબહેનની આંખમાં આંસુ આવી જાય છે.

તન્ના દંપતી ફરસાણની દુકાનમાંથી થતી તમામ આવક સેવાકાર્ય પાછળ ખર્ચે છે. ક્યારેક નાનું-મોટું દાન પણ મળી રહે છે.

કોઈપણ આર્થિક મદદ વગર દંપતીએ 30 વૃદ્ધોને ભોજન પહોંચાડવાનું શરૂ કર્યું હતું.

આજે તેઓ 110થી વધુ નિઃસહાય વૃદ્ધોને ટિફિન તથા 100થી વધુ પરિવારોને કરિયાણું પહોંચાડે છે.

ટ્રસ્ટ દ્વારા આંગણવાડીનાં બાળકોને મફત ભોજન આપવાનું કાર્ય પણ કરવામાં આવે છે.

ઉપરાંત ટ્રસ્ટ આદિવાસી મહિલાઓનાં ઉત્થાન માટે પણ કાર્ય કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો