સુરત: આંધ્રનાં પરિવારે મૃત બાળકી માટે દાવો કર્યો, DNA મેચિંગ કરાશે

    • લેેખક, રીષી બેનરજી અને દીપક ચુડાસમા
    • પદ, બીબીસી ગુજરાતી

સુરતના પાંડેસરા વિસ્તારમાં મળી આવેલી મૃત બાળકીનાં સંદર્ભમાં પોલીસને અગિયારમા દિવસે આશાનું કિરણ દેખાયું છે. આંધ્ર પ્રદેશના એક પરિવારે બાળકી તેમની હોવાનો દાવો કર્યો છે. સુરતના પોલીસ કમિશ્નરના જણાવ્યા પ્રમાણે, ડીએનએ ટેસ્ટ દ્વારા પરિવારના દાવાની ખરાઈ કરવામાં આવશે.

બીજી બાજુ, પોલીસની સાથે સુરતના કાપડના વેપારીઓ અને સામાજિક સંસ્થાઓ પણ બાળકીની ઓળખ થઈ શકે તે માટે આગળ આવ્યા છે.

ભારતમાં સાડીના હબ ગણતા સુરત શહેરના વેપારીઓએ સાડીનાં પચ્ચીસ હજાર પૅકેટ્સ પર બાળકીની તસવીર મૂકીને અન્ય રાજ્યોમાં મોકલી છે.

બાળકી વિશે માહિતી આપનારને સુરતના બિલ્ડર દ્વારા 5 લાખ રૂપિયા તથા અન્ય સંસ્થાઓએ પણ ઇનામ આપવાની જાહેરાત કરી છે.

છઠ્ઠી એપ્રિલે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી અંદાજે નવ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.

તેના શરીર પર 86 જેટલાં ઇજાના નિશાન હતાં અને તેની માર મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

આંધ્રના પરિવારે કર્યો દાવો

સુરતના પોલીસ કમિશ્નર સતીશ શર્માએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું:

મૃત બાળકીની ઓળખ કરવા માટે અન્ય રાજ્યોના સુપરિન્ટેન્ડ્ન્ટ્સને તસવીરો મોકલવામાં આવી હતી.

ત્યારે આંધ્ર પોલીસે ત્યાંથી ગુમ થયેલી બાળકી આ જ હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. ત્યાં બાળકી ગુમ થઈ હોવાનો કેસ પણ દાખલ થયેલો છે.

હાલમાં આંધ્ર પ્રદેશનો એક પરિવાર સુરત આવ્યો છે. પરિવારનો દાવો છે કે મૃત બાળકી તેમની છે.

પુરાવારૂપે પરિવાર દ્વારા બાળકીની તસવીરો પણ રજૂ કરવામાં આવી છે. જે મૃત બાળકીના ચહેરા સાથે મળતી આવે છે.

જોકે, પાક્કા પાયે ખરાઈ કરવા માટે સુરત પોલીસ દ્વારા મૃત બાળકી તથા તેના પિતાના ડીએનએની સરખામણી કરાવવામાં આવશે.

શું છે ડીએનએ પેટરનિટી ટેસ્ટ?

જ્યારે આ પ્રકારના કિસ્સા આવે છે, ત્યારે ડીએનએની સરખામણી કરીને બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવામાં આવે છે.

તેને ફોરેન્સિક સાયન્સની પરિભાષામાં ડીએનએ પેટરનિટી ટેસ્ટ કહેવામાં આવે છે.

જો બાળક દાવો કરનાર પિતાનું હોય તો બંનેના ડીએનએ મેચ થવાની શક્યતા 99.99 ટકા હોય છે.

પરંતુ જો બાળક તેમનું ન હોય તો ડીએનએ મેચ થવાની શક્યતા 0 % હોય છે.

આથી આ પ્રકારના દાવાઓ સમયે પોલીસ તથા ન્યાયતંત્ર દ્વારા ડીએનએ મેચિંગને ભારત જ નહીં વિશ્વભરમાં આધારભૂત માનવામાં આવે છે.

શા માટે પાર્સલ સાથે તસવીર મૂકી રહ્યા છે વેપારીઓ?

બીજી બાજુ, સુરતના ટેકસ્ટાઇલ વેપારીઓ પણ પોલીસની મદદ કરવા આગળ આવ્યા છે.

સુરતમાં ઉત્તર ભારત તથા અન્ય રાજ્યોનાં હજારો લોકો વસવાટ કરી રહ્યાં છે.

આ બાળકી સુરત કે ગુજરાત સિવાયનાં અન્ય રાજ્યોની હોય તેવી પણ શક્યતા છે.

જેથી વેપારીઓ સાડીઓનાં પૅકેટ પર બાળકીની તસવીરવાળાં પોસ્ટર્સ લગાવીને અન્ય રાજ્યોમાં મોકલી રહ્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ પાર્સલમાં લગાવવામાં આવેલાં પોસ્ટર્સમાં બાળકીની તસવીર સાથે ઘટનાની માહિતી પણ છે.

હાલ બિહાર, ઓડિશા, છત્તિસગઢ તથા ઉત્તર ભારતનાં રાજ્યોમાં જતાં સાડીનાં પૅકેટમાં આ બાળકીની તસવીર મૂકવામાં આવી રહી છે.

જો બાળકી અન્ય રાજ્યની હોય અને તેની હત્યા કરી સુરતમાં ફેંકી દેવાઈ હોય તો વેપારીઓના આ અભિયાનથી તેને ઓળખવામાં મદદ રહે તેવી શક્યતા છે.

રાજ્યમાં કોઈ બાળકીની હત્યા બાદ તેની ઓળખાણ કરવા માટે શરૂ થયેલો આ અનોખો પ્રયોગ છે.

એક લાખ પોસ્ટર્સ તૈયાર કરાયાં

કાપડનાં વ્યાપારી લલિત શર્માએ જણાવ્યું કે સુરતમાં જે ઘટના બની છે તે અત્યંત ઘૃણાસ્પદ કહી શકાય તેવી છે. સુરતી તરીકે અમારી ફરજ છે કે છોકરીની ઓળખ થાય અને એને ન્યાય મળે.

તેમણે કહ્યું, "સાડીઓના પૅકેટમાં છોકરીનો ફોટો મૂકવાથી અમને આશા છે કે એના પરિવારજનોનો સંપર્ક થઈ શકશે અને પોલીસ આરોપીને પકડી શકશે."

શર્માએ કહ્યું, "અત્યાર સુધી 25000 આવાં પૅકેટ્સમાં આ પોસ્ટર્સ મોકલી દેવામાં આવ્યાં છે અને બીજી એક લાખ તસવીરો તૈયાર છે.

"હાલમાં રઘુકુલ માર્કેટ અને મિલેનિયમ માર્કેટનાં વ્યાપારીઓ ફોટો સાડી સાથે મોકલી રહ્યાં છે."

બીજા એક વેપારી રાજીવ શર્માએ કહ્યું કે શહેરના કાપડના વેપારીઓ પોતાના ખર્ચે બાળકીની તસવીર અને સંદેશ છપાવી રહ્યા છે અને સાડીઓમાં પૅક કરીને મોકલી રહ્યાં છે.

તેમણે કહ્યું, "જ્યાં સુધી છોકરીની ઓળખ થઈ ન જાય અને આરોપી પકડાઈ ન જાય ત્યાં સુધી આ રીતે બાળકીની તસવીર વેપારીઓ દ્વારા સાડીનાં પૅકેટમાં મુકવામાં આવશે."

શહેરનાં સેવા ફાઉન્ડેશને પણ તસવીરો અને ઘટનાની માહિતી સાથે એક લાખ પોસ્ટર્સ તૈયાર કર્યાં છે.

ફાઉન્ડેશનનાં પ્રમુખ અશોક ગોયલના જણાવ્યાં મુજબ સુરત માટે આ ઘટના એક પડકાર છે અને શહેરીજનોની ફરજ છે કે તંત્રને આ કેસ ઉકેલવામાં મદદ કરવી જોઈએ.

તેમણે કહ્યું, "ફોટો નીચે સુરત પોલીસનો સંપર્ક નંબર પણ આપવામાં આવે છે જેથી પીડિતાના પરિવારજનો સંપર્ક કરી શકે."

ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન (ફોસ્ટા)ની માહિતી પ્રમાણે:

  • સુરત ભારતનું સૌથી મોટું સિન્થેટિક ટેક્સટાઇલ કાપડનું ઉત્પાદન કરતું કેન્દ્ર છે.
  • શહેરમાં 160 ટેક્સટાઇલ બજારો અને 50000 ટેક્સ્ટાઇલ દુકાનો છે.
  • આ સેક્ટરનું વાર્ષિક ટર્નઓવર 40000 કરોડ છે
  • સુરતમાં દરરોજ 1.5 કરોડ મીટર માનવસર્જિત ફેબ્રિકનું ઉત્પાદન થાય છે.
  • આ સેક્ટર દ્વારા હજારો લોકોને રોજગારી મળે છે.

આ સમગ્ર અભિયાન કેવી રીતે કામ કરશે?

સુરતના વેપારીઓએ પાંચ લાખ જેટલી તસવીરો મોકલવાનો ટાર્ગેટ રાખ્યો છે.

પરંતુ હવે સવાલ એ થાય કે આવડું મોટું અભિયાન કઈ રીતે કામ કરશે? તે બાળકીને ઓળખ કરાવવામાં કઈ રીતે કામ કરશે?

સુરતના વેપારીઓ સાડીના દરેક પાર્સલની સાથે સાથે સાડીના દરેક પૅકેટમાં પણ સંદેશ સાથે બાળકીની તસવીર મૂકી રહ્યા છે.

આ સાડીઓ જે તે રાજ્યના વેપારીઓ પાસે જશે એટલે વેપારીઓને તેની જાણ થશે.

ઉપરાંત દરેક સાડીમાં બાળકીની તસવીર હશે જેથી સાડી ખરીદનાર ગ્રાહક સુધી તે પહોંચશે.

આ રીતે ગ્રાહકો પાસે બાળકીની તસવીર જશે. આ નવા પ્રકારની પહેલથી ગ્રાહકો તેના આસપાસના લોકો સાથે વાત કરતા થશે.

આ રીતે બાળકીની ઓળખ કરવાનો આ ભગીરથ પ્રયત્ન થઈ રહ્યો છે.

પોલીસ કમિશનર સતિષ શર્માએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે સુરતના વેપારીઓ દ્વારા શરૂ કરાયેલું આ અભિયાન આવકારદાયક છે.

તેમણે કહ્યું, "આવી ઘટનાઓમાં સમાજના લોકોનો સાથ મળે તો પોલીસને પણ તપાસમાં સરળતા રહે છે.

"જોકે, પોલીસ પોતાની રીતે બાળકીની ઓળખ માટેના તમામ પ્રયત્નો કરી રહી છે. જેમાં બીજા રાજ્યના પોલીસની પણ મદદ લેવામાં આવી છે."

તેમણે કહ્યું, "પોલીસ હાલ શહેરના તમામ સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે. ઉપરાંત પોલીસના બાતીમીદારોને પણ સક્રિય કરી દેવામાં આવ્યા છે."

શર્માએ પોલીસ કોમ્બિંગ અંગે માહિતી આપતા કહ્યું કે પોલીસ જે વિસ્તારમાં બાળકી મળી હતી તેની આસપાસના વિસ્તારમાં ઘરે-ઘરે જઈને બાળકીના ફોટા સાથે માહિતી મેળવી રહી છે.

બાળકીની ઓળખ માટે લાખો રૂપિયાનાં ઇનામ

મૃત બાળકીની ઓળખ માટે ચારેબાજુથી પ્રયત્નો થઈ રહ્યા છે.

સાડીઓમાં ફોટા મોકલવા ઉપરાંત તેની ઓળખ આપનારને લાખો રૂપિયા આપવાના ઇનામ પણ જાહેર થયાં છે.

પોલીસ દ્વારા બાળકીની ઓળખ આપનારને 20 હજાર રૂપિયા આપવાનું ઇનામ જાહેર કરાયું છે.

સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીએ બાળકીની ઓળખ આપનારને 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

ઉપરાંત શહેરનાં સેવા ફાઉન્ડેશને પણ બાળકીની ઓળખ વિશે માહિતી આપનારને 25 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર, અન્ય લોકોએ પણ ઓળખ આપનારને હજારો રૂપિયાનાં ઇનામો આપવાની જાહેરાત કરી છે.

કેવી રીતે મળ્યો હતો બાળકીનો મૃતદેહ

છઠ્ઠી એપ્રિલે સવારે ભેસ્તાન વિસ્તારમાં મોર્નિંગ વૉક પર નીકળેલા ઓમપ્રકાશ બનવારી નામના વ્યક્તિએ સૌ પ્રથમ આ બાળકીના મૃતદેહને જોયો.

કાળા ટીશર્ટ અને આછા લીલા રંગની લેગીન્સમાં આ બાળકીનો મૃતદેહ મેદાન પર પડેલો હતો.

મોર્નિંગ વૉકમાં નીકળેલા કોઈપણ વ્યક્તિને આવા દૃશ્યની અપેક્ષા ના જ હોય.

આ બાળકીને જોતાંવેત તેમણે સુરત પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી. પોલીસ કન્ટ્રોલ રૂમે પાંડેસરા પોલીસ સ્ટેશનને આ વિશેની જાણ કરી હતી.

પાંડેસરા પોલીસ ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ પોલીસે આ સમગ્ર બનાવ નોંધ્યો અને તપાસ હાથ ધરાઈ હતી.

જે બાદ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો