સુરતમાં મૃત મળેલી બાળકીની ઓળખ હજી સુધી નક્કી થઈ શકી નથી

    • લેેખક, મિહિર રાવલ
    • પદ, બીબીસી ગુજરાતી

છઠ્ઠી એપ્રિલે સવારે ભેસ્તાન વિસ્તારમાં મોર્નિંગ વૉક પર નીકળેલા ઓમપ્રકાશ બનવારીએ સૌ પ્રથમ આ બાળકીના મૃતદેહને જોયો.

કાળા ટીશર્ટ અને આછા લીલા રંગની લેગીન્સમાં આ બાળકીનો મૃતદેહ મેદાન પર પડેલો હતો.

મોર્નિંગ વૉકમાં નીકળેલા કોઈપણ વ્યક્તિને આવા દૃશ્યની અપેક્ષા ના જ હોય.

આ બાળકીને જોતાંવેત તેમણે સુરત પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી. પોલીસ કન્ટ્રોલ રૂમે પાંડેસરા પોલીસ સ્ટેશનને આ વિશેની જાણ કરી.

પાંડેસરા પોલીસ ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ પાંડેસરા પોલીસે આ સમગ્ર બનાવ નોંધ્યો અને તપાસ આરંભી. જે બાદ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો.

FSLમાં ચોંકાવનારી વિગતો બહાર આવી

સુરત સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ ડૉ. ગણેશ ગોવિરકરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું,

"પોસ્ટમોર્ટમ દરમિયાન સ્પષ્ટ રીતે જણાઈ આવ્યું હતું કે આ નાનકડી બાળકીને સળંગ આઠ દિવસ સુધી માર મારવામાં આવ્યો છે.

"ત્યારબાદ ગળે ટૂંપો આપીને બાળકીની હત્યા કરવામાં આવી હતી."

ગોવિરકરે ઉમેર્યું હતું, "બાળકીનાં શરીર પર 86 જેટલી ઈજાઓના નિશાન છે.

"જેમાં પ્રાઇવેટ પાર્ટ પર ઈજાના ઊંડા નિશાન છે. એટલે મૃતકના શરીર પરથી મળેલા નમૂનાઓને વધુ તપાસાર્થે ગાંધીનગર એફએસએલ ખાતે મોકલવામાં આવ્યા.

"પીડિતા બાળકી પર પાંચ કલાક સુધી પોસ્ટમોર્ટમ ચાલ્યું હતું."

તમે આ વાંચ્યું કે નહીં?

પોલીસનું બાળકીની ઓળખ માટે 'ઓપરેશન'

પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.બી. ઝાલા કહે છે "આ તમામ ઘટના બાદ પણ બાળકીની ઓળખ વિશે કંઈ જ ખબર નહોતી. એટલે સોશિયલ મીડિયા અને ન્યૂઝ મીડિયાનો સહારો લેવામાં આવ્યો."

"તેમ છતાં કોઈ આગળ ન આવ્યું અને બાળકીની ઓળખ થઈ શકી નહીં. એટલે સુરતના મહત્ત્વના વિસ્તારોમાં પોસ્ટર લગાવવામાં આવ્યા.

ત્રીજા દિવસે વીસ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

તેઓ કહે છે કે કેટલાક શકમંદોની તપાસ પણ શરૂ કરી દેવાઈ હતી. આસપાસના વિસ્તારમાં ઘરે-ઘરે જઈને આ વાતે તપાસ કરવામાં આવી હતી.

"ત્યાં સુધીમાં તો આ ઘટના અને બાળકીના ફોટોગ્રાફ્સ વાઇરલ થઈ ચૂક્યા હતા."

ગુજરાત બહારથી પણ લેવાઈ મદદ

સુરતના ભેસ્તાન વિસ્તારમાં મૂળ ઉત્તર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળથી આવેલા લોકો મોટાપાયે વસવાટ કરે છે.

આ શ્રમિકો ભેસ્તાન, ઉધના તથા પાંડેસરા વિસ્તારમાં આવેલી કાપડ અને ડાઇંગની ફેક્ટરીઓમાં કામ કરે છે.

અન્ય રાજ્યોમાંથી આવેલા મોટાભાગે કાચા કે અસ્થાયી મકાનોમાં વસવાટ કરે છે.

એટલે ઇન્સ્પેક્ટર ઝાલાએ ઉમેર્યું હતું કે, બાળકીના ફોટોગ્રાફ ઉત્તર પ્રદેશ, ઓડિશા તથા પશ્ચિમ બંગાળ પોલીસને પણ મોકલી આપવામાં આવ્યા છે.

આ મામલે સુરત પોલીસ કમિશનર સતિશ શર્માએ પ્રેસ કૉન્ફરન્સ પણ કરી.

સુરતના બિલ્ડરની જાહેરાત

દરમિયાન સુરતના બિલ્ડર દ્વારા આ બાળકીની માહિતી આપનારને 5 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી છે.

બીબીસી સાથેની વાતચીતમાં સુરતના આ બિલ્ડર તુષાર ઘેલાણીએ કહ્યું, "ચાર પાંચ દિવસથી સમાચારમાં અને સોશિયલ મીડિયામાં હું આ બાળકી વિશે વાંચી રહ્યો હતો."

"મને ખરેખર આ બાળકીમાં મારી દીકરી દેખાઈ અને તેની વેદના મને અનુભવાઈ. તેની ઓળખ થાય અને તેને ન્યાય મળી શકે તે માટે મેં ઇનામની જાહેરાત કરી."

હજુ સુધી સફળતા નહીં

આ બાળકીનો મૃતદેહ મળ્યાને પણ 10 દિવસ વીતી ગયા છે. પરંતુ હજુ સુધી આ બાળકીની ઓળખ કે તેના માતાપિતા વિશે કોઈ કડી પોલીસને મળી શકી નથી.

પીઆઈ ઝાલાએ જણાવ્યું કે હજુ સુધી તેઓ પૂરી મહેનતથી આ મામલે તપાસ કરી રહ્યા છે. પરંતુ તેમને બાળકી કે બાળકીના માતા-પિતાના સગડ મળ્યા નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો