Charlie Chaplin : હિટલરની મજાક ઉડાવનાર ચાર્લી ચૅપ્લિનનો મૃતદેહ ચોરાઈ ગયો હતો

ફિલ્મકાર અને અભિનેતા ચાર્લી ચૅપ્લિનનો આજે જન્મદિવસ છે. ફિલ્મોની દુનિયામાં ચાર્લી ચૅપ્લિન એક અમર નામ છે.

ચાર્લીનો જન્મ 16 એપ્રિલ 1889માં લંડનમાં થયો હતો. ચાર્લી ચૅપ્લિનની જયંતિના અવસર પર જાણો તેમની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો-

ચાર્લી ચૅપ્લિનનું અવસાન 88 વર્ષની વયે 1977માં ક્રિસમસના દિવસે થયું હતું. તેમની દફનવિધિના ત્રણ મહિના બાદ તેમનો મૃતદેહ કબરમાંથી ચોરી થઈ ગયો હતો.

ચોરોએ પરિવાર પાસેથી પૈસાની વસૂલી કરવા માટે આમ કર્યું હતું.

1940માં ચાર્લી ચૈપલિને હિટલર પર 'ધ ગ્રેટ ડિક્ટેટર' ફિલ્મ બનાવી હતી. તેમાં તેમણે હિટલરની નકલ ઉતારતા તેમની મજાક ઉડાવી હતી.

ચાર્લી ચૅપ્લિનને વર્ષ 1973માં 'લાઇમલાઇટ'માં બેસ્ટ મ્યુઝિક માટે ઑસ્કર એવોર્ડ મળ્યો હતો.

આ ફિલ્મ 21 વર્ષ પહેલા બની હતી, પરંતુ તેનું સ્ક્રીનિંગ લૉસ એન્જલસમાં 1972 પહેલા થયું ન હતું. અહીં રિલીઝ બાદ ફિલ્મનું નામાંકન ઑસ્કર માટે થઈ શક્યું હતું.

1975માં મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ ચાર્લી ચૅપ્લિનને નાઇટ એટલે કે 'સર'ની ઉપાધિ આપી હતી.

ચાર્લી ચૅપ્લિનનું બાળપણ ખૂબ મુશ્કેલીઓ અને ગરીબી સાથે વિત્યું હતું. બેપરવા અને દારૂડિયા પિતાના કારણે તેમનો પરિવાર ભારે મુશ્કેલીઓ વચ્ચે પહોંચી ગયો હતો. ચૅપ્લિનના ગરીબ મા ગાંડપણનો શિકાર બની ગયાં હતાં.

તેનું પરિણામ એ આવ્યું કે ચૅપ્લિને સાત વર્ષની ઉંમરે એક આશ્રમમાં જવું પડ્યું હતું.

સ્કૂલનું શિક્ષણ છૂટી ગયા બાદ ચૅપ્લિન 13 વર્ષની ઉંમરે મનોરંજનની દુનિયામાં આવ્યા. ડાન્સની સાથે ચૅપ્લિને નાટકોમાં ભાગ લેવાનું શરૂ કર્યું.

ત્યારબાદ ચાર્લી ચૅપ્લિનને અમેરિકી ફિલ્મ સ્ટૂડિયો માટે પસંદ કરવામાં આવ્યા હતા. અહીંથી ચૅપ્લિન સમગ્ર દુનિયાની ફિલ્મોના બાદશાહના રૂપમાં સામે આવ્યા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો