કોરોના લૉકડાઉન 2.0 : નરેન્દ્ર મોદી સરકારે શું ચાલુ રાખ્યું અને શું બંધ કર્યુ?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

દેશમાં તા. ત્રીજી મે સુધી વધુ 19 દિવસ માટે લૉકડાઉનને લંબાવી દેવામાં આવ્યું છે, જેના પરિણામે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા નવેસરથી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

જેમાં કોરોનાની અસરથી મુક્ત હોય તેવા વિસ્તારોમાં અમુક પ્રવૃત્તિઓને સશર્ત આંશિક છૂટછાટો આપવામાં આવી છે, જેનો હેતુ 'ખેડૂતો તથા રોજમદારોને રાહત આપવા'નો હોવાનું જણાવવામાં આવ્યું છે.

નવી માર્ગદર્શિકા પ્રમાણે, રેલવે, માર્ગ વાહનવ્યવહાર, હવાઈવ્યવહાર દ્વારા મુસાફરોની અવરજવર પર પ્રતિબંધ યથાવત્ રહેશે, જોકે ચીજવસ્તુઓની (આવશ્યક તથા બિનઆવશ્યક બંને) હેરફેર ચાલુ રહેશે.

આ સિવાય ધાર્મિક તથા રાજકીય મેળાવડાઓ ઉપરનો પ્રતિબંધ યથાવત્ રહેશે તથા થિયેટર અને મૉલ જેવા સ્થળો તત્કાળ નહીં ખુલે.

ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંગળવાર (તા. 14મી એપ્રિલ)ના રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું કે લૉકડાઉન 2.0 દરમિયાન શું થઈ શકશે તથા શું નહીં થઈ શકે, તેની વિસ્તૃત માર્ગદર્શિકા તા. 15મી એપ્રિલે બહાર પાડવામાં આવશે.

આ પહેલાં 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી, જેની મુદ્દત તા. 14મી એપ્રિલે લંબાવી 3 મે કરવામાં આવી છે.

શું થઈ શકશે?

કૃષિ ઉત્પાદન, ખરીદ-વેચાણ, બજાર સિવાય ખાતર, બીજ તથા જંતુનાશક દવાનું વેચાણ

ઈ-કૉમર્સ, આઈ.ટી. તથા તેના આધારિત સેવાઓ

RBI, ATM, વીમા કંપનીઓ તથા બૅન્કો

કેન્દ્ર, રાજ્ય તથા સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓ

માછીમારી, પશુપાલન, પૉલ્ટ્રી, ચા-કૉફીના બાગ

આવશ્યક તથા બિનઆવશ્યક ચીજવસ્તુઓની હેરફેર

ગ્રામીણ વિસ્તારમાં ફૂડ પ્રોસેસિંગ, ગ્રામીણ વિસ્તારમાં ઔદ્યોગિક તથા નિર્માણ પ્રવૃત્તિઓ

આરોગ્ય તથા સામાજિક સેવાઓ

મનરેગા, સિંચાઈ તથા જળસંચયના કામો

નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરીને સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોન તથા નિકાસ કેન્દ્રિત એકમમાં ઉત્પાદન

જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ તથા આઈ.ટી. હાર્ડવેરનું ઉત્પાદન

કોલસો, ક્રૂડઑઈલ તથા ખનીજ ઉત્પાદન

વીજ ઉત્પાદન, વિતરણ અને જાળવણી

સરકારી પ્રવૃત્તિ માટેના ડેટા તથા કૉલસેન્ટર

કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં નિયંત્રણો સાથે આવશ્યક સેવાઓ

કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્યક્ષેત્રના, કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલા કર્મચારીઓ તથા રાજ્ય સરકારના કર્મચારીઓ જ પ્રવેશી શકશે.

શું નહીં થઈ શકે?

હવાઈ, રેલ તથા માર્ગથી મુસાફરની અવરજવર બંધ

શૈક્ષણિક તથા તાલીમ સંસ્થાઓ, ટ્યુશન બંધ રહેશે, ઑનલાઇન શિક્ષણને મુક્તિ

ઔદ્યોગિક તથા વ્યાપારી પ્રવૃત્તિઓ બંધ રહેશે

સિનેમા હૉલ, શોપિંગ મૉલ તથા હોટેલો બંધ રહેશે

સામાજિક ધાર્મિક તથા રાજકીય મેળાવડા બંધ રહેશે

સ્પૉર્ટ્સ તથા કલ્ચરલ ઇવેન્ટ્સ બંધ રહેશે

જાહેર ધાર્મિકસ્થળોએ પૂજાપાઠ કે બંદગી બંધ રહેશે

અન્ય માર્ગદર્શિકા

  • જાહેર તથા કાર્યસ્થળે મોં ઢાંકવું અનિવાર્ય
  • કાર્યસ્થળે સૅનિટાઇઝની તથા આરોગ્યની કાળજી રાખવી
  • જાહેરમાં થૂંકવા પર દંડ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો