કઠુઆ બળાત્કાર: ઇન્ડિયન આર્મીની મદદ કરનાર દેશભક્ત બકરવાલ સમાજ કેવો છે?

    • લેેખક, મોહિત કંધારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કઠુઆ બળાત્કાર અને હત્યાનો મામલો સામે આવ્યાની અસર બકરવાલ સમાજ પર જોવા મળી રહી છે. જમ્મુ કશ્મીરના મેદાની વિસ્તારમાં રહેતા બકરવાલો પોતાને સુરક્ષિત માનતા અચકાઈ રહ્યા છે.

તેમને સતત એ વાતનો ડર સતાવી રહ્યો છે કે ક્યાંક કોઈ અપ્રિય ઘટના ન ઘટી જાય અને તેમણે માઠાં પરિણામ ભોગવવા ન પડે.

પરિસ્થિતિ અને સતત તણાવને કારણે આ વર્ષે બકરવાલોએ સમય પહેલાં જ જમ્મુ છોડી શાંત વિસ્તારમાં જવાનો નિર્ણય કર્યો છે.

વરસાદની વાટ જોતા તેમનાં પશુઓ માટે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવી મુશ્કેલી પડી રહી હતી.

8 વર્ષની માસૂમ બાળકી આરિફા (બદલાયેલું નામ)ના પરિવારના સભ્યો પણ કઠુઆના રસાના ગામમાં પોતાના ઘર પર તાળું લગાવીને ઢોરઢાંખર સાથે બીજી કોઈ જગ્યા શોધવા નીકળી પડ્યા છે.

તેમની સાથે બીજા વિસ્તારોમાં રહેતા એવા કેટલાય ગુર્જર બકરવાલ પરિવારો હાલમાં જમ્મુના મેદાની વિસ્તારોમાંથી કશ્મીર અને બીજા પહાડી વિસ્તારો તરફ નીકળી પડ્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ઉનાળાના દિવસો પૂર્ણ થયા બાદ આ લોકો નવેમ્બર મહિનામાં મેદાની વિસ્તારોમાં પરત ફરી આવે છે.

ડૂંગરાળ વિસ્તારોમાં બરફવર્ષા શરૂ થતાં જ તેઓ સ્થળાંતર કરી જાય છે.

જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રમાર્ગ પર અલગ અલગ ઠેકાણે આ લોકો પોતાના પશુઓ સાથે ચાલતા જોવા મળશે.

આમાના કેટલાય લોકો સીધો રસ્તો છોડી સીધા પહાડી રસ્તા પર ચડવાનું પસંદ કરે છે.

ક્યાંય રોકાવાની જગ્યા મળે છે એટલે થોડા દિવસો માટે ત્યાં ડેરા તંબૂ તાણે છે.

થોડીવાર આરામ કરીને, પોતાના પશુઓને પાણી પીવડાવી આગળનો રસ્તો નક્કી કરવા નીકળી પડે છે.

તેમનું જીવનચક્ર આ જ રીતે નિરંતર ચાલ્યા કરે છે. તે ક્યારેય રોકાતું નથી.

આખરે બકરવાલ કોણ છે?

ગુર્જર સમાજના એક મોટા અને પ્રતિષ્ઠિત તબક્કાને 'બકરવાલ' તરીકે ઓળખવામાં આવે છે.

તેમને આ નામ કશ્મીરી ભાષા બોલતા વિદ્વાનોએ આપ્યું છે. બીજી ભાષામાં કહીએ તો ગુર્જર સમાજના લોકોનું બીજું નામ બકરવાલ પણ છે.

બકરવાલ સમાજ સાથે જોડાયેલા લોકોની મોટી સંખ્યા ઘેટાં-બકરાં ચરાવવાનું કામ કરે છે.

એવા ઘણા નેતા છે કે જેઓ બકરવાલ છે છતાં પોતાની ગુર્જર નેતા તરીકે ઓળખાવાનું પસંદ કરે છે.

તેમાંથી કેટલાક લોકો છે કે જેઓ થોડા ભણીગણી ગયા છે, એ સતત પ્રયાસ કરી રહ્યા છે કે તેમના સમુદાયના લોકો પણ ધીરેધીરે પોતાના કામકાજને સારી રીતે ચલાવવા માટે થોડું ઘણું ભણી લે અને દુનિયાની ખબર રાખે.

પરંતુ સ્વતંત્રતાનાં 70 વર્ષ વીતી ગયા બાદ પણ આ લોકો પોતાનું જીવન ખુલ્લા મેદાની અને પહાડી વિસ્તારોમાં વિતાવે છે. તેઓ પોતાના પશુઓ સાથે રહે છે.

બકરવાલોનેત્રણ ભાગોમાં વહેંચી શકાય

જાવેદ રાહીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગુજર્ર અને બકરવાલોને ત્રણ ભાગમાં વહેંચી શકાય.

જાવેદ રાહી લાંબા સમયથી ગુર્જર અને બકરવાલોના જીવન સાથે જોડાયેલા મુદ્દાઓ પર સંશોધન કરી રહ્યા છે અને એક સચિવ તરીકે ટ્રાઇબલ રિસર્ચ અને કલ્ચરલ ફાઉન્ડેશન સાથે પણ જોડાયેલા છે.

તેમના આધારે કેટલાક ગુર્જર અને બકરવાલ સંપૂર્ણપણે ઘરબાર વગરના હોય છે અને તેમને 'FULLY NOMAD' કહેવામાં આવે છે.

આ લોકો માત્ર જંગલોમાં વસે છે અને તેમની પાસે રહેવા માટે કોઈ જગ્યા હોતી નથી.

બીજી શ્રેણીમાં 'SEMI NOMAD' આવે છે. જાવેદ રાહીના જણાવ્યા પ્રમાણે આ એ લોકો છે કે જેમની પાસે કોઈ એક સ્થળે રહેવાની જગ્યા છે અને તેઓ નજીકના જંગલોમાં થોડો સમય વિતાવવા જતા રહે છે.

થોડો સમય વિતાવ્યા બાદ તેઓ ફરી એ સ્થળે આવી જાય છે જ્યાં તેઓ પહેલાંથી જ રહેતા હોય.

ત્રીજી શ્રેણીમાં 'MIGRATORY NOMAD' આવે છે કે જેમની પાસે પહાડી વિસ્તારમાં રહેવા માટે અસ્થાયી જગ્યા છે અને સાથે જ મેદાની વિસ્તારોમાં પણ રહેવાની જગ્યા છે.

1991માં બકરવાલોને ટ્રાઇબ્સનું સ્ટેટસ મળ્યું

ગુર્જર અને બકરવાલ ભારતનાં 12 રાજ્યોમાં રહે છે અને તેના સિવાય આ કબીલો મોટી સંખ્યામાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ છે.

જાવેદ રાહીના જણાવ્યા અનુસાર તેમની ભાષા, તેમનો પહેરવેશ, તેમનું ખાન પાન અને રહેવાની જીવનપદ્ધતિ તેમની ઓળખ છે. લાંબો સમય વીતી ગયા છતાં હજુ સુધી તેમાં કોઈ ફેરફાર આવ્યો નથી.

તેનું એક મોટું કારણ ઝડપથી બદલી રહેલી દુનિયા સાથે તેમનો સીધો સંપર્ક ન હોવો માનવામાં આવે છે.

જાવેદ રાહી જણાવે છે કે એક લાંબા સંઘર્ષ બાદ 1991માં બકરવાલોને ટ્રાઇબ્સનું સ્ટેટસ મળ્યું.

2011ની વસતી ગણતરીના આધારે જમ્મુ-કશ્મીરમાં ગુર્જર બકરવાલની કુલ વસતી લગભગ 12 લાખ જેટલી છે. જે રાજ્યની જનસંખ્યાનો 11 ટકા ભાગ છે.

જાવેદ રાહીએ બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું કે વસતી ગણતરી અનુસાર 9.80 લાખ ગુર્જર અને 2.17 લાખ બકરવાલ જમ્મુ-કશ્મીરમાં રહે છે.

જાવેદ રાહી જણાવે છે કે આ આંકડો પણ સટીક નથી. તેનું મોટું કારણ એ છે કે જે સમયે વસતી ગણતરીના અધિકારીઓ જમીન પર આ કાર્યવાહી કરી રહ્યા હતા તે સમયે મોટી સંખ્યામાં બકરવાલ પોતાના અસ્થાયી ઠેકાણાં પર હતા.

કેટલાક બકરવાલ બેઘર હતા જેના પગલે તેમની યોગ્ય રીતે ગણતરી થઈ શકી નથી. તેમના અનુમાન અનુસાર આવા બકરવાલ લોકો લગભગ 5-6 લાખ હશે છે.

બકરવાલોની પરિસ્થિતિ કેવી છે?

બકરવાલ લોકો મોટાભાગે ઘેટાં, બકરાં, ઘોડાઓ અને શ્વાનને પાળે છે.

જમ્મુ અને કશ્મીરમાં જે મટનની માગ છે તે રાજસ્થાનના રસ્તે મંગાવવામાં આવેલા પ્રાણીઓથી પૂરી થાય છે.

અને રાજ્યમાં વસેલા બકરવાલ મોટાભાગે ઇદના અવસર પર, તહેવારના સમયે અને પારંપરિક રીતરિવાજના સમયે સ્થાનિક લોકોની માગ પૂરી કરે છે.

જાવેદ રાહીના જણાવ્યા અનુસાર બકરવાલ સમાજના લોકો આજે પણ 'બાર્ટર સિસ્ટમ'નો ઉપયોગ કરે છે.

આ લોકોનાં બૅન્કમાં ખાતા હોતા નથી અને બૅન્કિંગ સિસ્ટમ પર આ સમાજના લોકોને વિશ્વાસ હોતો નથી.

તેમના આધારે એક લાંબા સમયથી જ તેમની એ માગ રહી છે કે જરૂરિયાત અનુસાર તેમને 'ફૂડ સિક્યોરિટી' આપવામાં આવે.

પરંતુ સરકાર હજુ સુધી એક પણ એવી પોલિસી બનાવી શકી નથી કે જેની મદદથી તેમની આ માગ પૂરી કરી શકાય.

જાવેદ રાહીએ બીબીસીને જણાવ્યું કે તેમણે સરકાર પાસે આ વાત અંગે ભલામણ પણ કરી હતી પરંતુ હજુ સુધી સરકારે આ અંગે ધ્યાન આપ્યું નથી.

તેમનું કહેવું હતું કે સરકાર હજુ સુધી એ વાતને સમજી શકી નથી કે આ લોકો એક જગ્યાએ વસેલા નથી.

જો સરકારે તેમની મદદ કરવી છે તો કોઈ નવીન યોજના બનાવવી પડશે. પરંતુ આજ દિન સુધી એવું થયું નથી.

સામાજિક સુરક્ષા અને સ્વાસ્થ્ય?

બકરવાલ સમાજના મોટાભાગના લોકો આજે પણ શિક્ષણથી વંચિત છે. સરકારે પોતાના તરફથી મોટી સંખ્યામાં મોબાઇલ સ્કૂલની વ્યવસ્થા કરી, થોડુંઘણું ભણેલા યુવાનોને આ મોબાઇલ સ્કૂલમાં નોકરી પણ આપી.

પરંતુ આજ દિવસ સુધી આ યોજનાની સફળતા પર સવાલ ઉઠતા રહ્યા છે.

બકરવાલ બશારત હુસૈન, જેઓ પોતાના કબીલા સાથે ચંદંવારી જઈ રહ્યા હતા તેમણે બીસીસીને જણાવ્યું કે સરકારે સ્કૂલ તો ખોલી પણ ત્યાં ભણવું શક્ય નથી.

તેમનું કહેવું હતું કે જ્યારે અમે 3-4 મહિના એક જગ્યાએ રહીએ અને પછી બીજી જગ્યાએ નીકળી પડીએ ત્યારે બાળકોને કેવી રીતે ભણાવીએ?

હાલની પરિસ્થિતિ મામલે તેમણે સરકાર પાસે એક જ માગ રાખી છે કે તેમના તંબુઓ ઉજાડવામાં ન આવે.

બશારત હુસૈને જણાવ્યું કે જ્યારે જ્યારે તેઓ સડક રસ્તાના માધ્યમથી પોતાનાં ઠેકાણા તરફ જાય છે ત્યારે રસ્તામાં વાહનવ્યવ્હારના કારણે ઘણી મુશ્કેલીઓ આવી પડે છે.

તેમનું કહેવું હતું કે માલ મવેશી સાથે તેમણે લાંબી મુસાફરી કરવાની હોય છે. તેના માટે જો સરકાર ઇચ્છે તો તેમની મદદ કરી શકે છે.

જેમ કે હાઇવે પર ટ્રાફિક કન્ટ્રોલ કરવામાં આવે છે તે જ રીતે તેમના તંબુઓ માટે થોડા સમય માટે ટ્રાફિકને બંધ કરી શકાય.

સ્કૂલો પર ધ્યાન આપવાની જરૂર

જાવેદ રાહીએ પણ જણાવ્યું કે મોટી સંખ્યામાં ખોલવામાં આવેલી મોબાઇલ સ્કૂલ કોઈ સુવિધા વગર માત્ર સરકારી દસ્તાવેજો પર ચાલી રહી છે.

તેમણે કહ્યું કે 'સરકારે આ તરફ થોડું ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે સ્કૂલ કોઈ શેલ્ટર વગર છે. તેમાં કોઈ મિડ ડે મિલની વ્યવસ્થા નથી. પુસ્તકો મળતાં નથી. તેવામાં બાળકો કેવી રીતે ભણી શકે છે?'

તેમનું કહેવું છે કે જે યુવાન પોતે જ થોડુંઘણું ભણ્યો છે, તે બીજી પેઢીને કેવી રીતે ભણાવી શકે?

આ તરફ બકરવાલ બાળકો અને મહિલાઓના સ્વાસ્થ્યની વાત કરતા જાવેદ રાહીએ જણાવ્યું કે ગણતરીના પરિવાર હશે જેમણે બાળકોને રસી આપી છે.

તેમનું કહેવું છે કે આ લોકો ન તો પોતાનાં પશુઓને રસી અપાવે છે ન તો પોતાનાં બાળકોને.

જાવેદ રાહીએ જણાવ્યું કે તેમની સંસ્થાએ એક સર્વે હાથ ધર્યો હતો જેમાં એ જાણવા મળ્યું કે 90 ટકા બાળકોનું તેમના પરિવારજનોએ રસીકરણ કરાવ્યું નથી.

તેમણે જણાવ્યું કે જંગલોમાં ફરતા ફરતા આ લોકો જડીબુટ્ટીઓ જમા કરે છે અને પોતાની દરેક બીમારીનો ઇલાજ પોતાની સમજ અને અનુભવના હિસાબે કરી લે છે.

તેમનું માનવું છે કે આ લોકો પહાડોમાં ફરે છે, તાજી હવામાં રહે છે તેથી તેમને ખાસ બીમારીઓ થતી નથી.

આ જ કારણ છે કે આ સમુદાય અત્યાર સુધી કોઈ પણ પ્રકારના સરકારી સહકાર વગરજ ચાલી રહ્યો છે.

જાવેદ રાહીએ જણાવ્યું કે આ લોકોના હક માટે કાયદા સમગ્ર ભારતમાં પાસ કરવામાં આવ્યા છે. જોકે, જમ્મુ-કશ્મીરમાં એનો હજુ સુધી અમલ કરાયો નથી.

તેમણે જણાવ્યું કે ભારત સરકારે આખા દેશમાં Forest Rights Act 2006માં પાસ કર્યો હતો પરંતુ જમ્મુ કશ્મીરમાં હજુ સુધી આ કાયદો લાગુ કરાયો નથી.

આ જ રીતે SC/ST ATROCITIES ACT પણ હજુ સુધી રાજ્યમાં લાગુ થયો નથી.

જાવેદ રાહીના જણાવ્યા અનુસાર જો આ સમાજના લોકોને અનામત મળે તો પોતાના તેમની હકની લડાઈ લડવી થોડી સરળ થઈ જશે.

દેશભક્ત છે ગુજર બકરવાલ

દેશની સરહદ સાથે જોડાયેલા વિસ્તારોમાં રહેતા ગુજર બકરવાલ સમાજના લોકો દેશની રક્ષામાં સતત પોતાનું યોગદાન આપતા રહે છે.

જાવેદ રાહીએ જણાવ્યું, "ઇતિહાસ સાક્ષી છે જ્યારે સીમા પર સેનાને કોઈ પ્રકારની મદદની જરૂર પડી, ત્યારે ગુજર બકરવાલ પરિવારોએ આગળ આવીને સેનાની મદદ કરી છે.'' ''અગ્રીમ ચોકીઓ સુધી સ્વાદિષ્ટ ભોજન પહોંચાડવામાં તેમની ભૂમિકા મહત્ત્વની રહી છે."

જ્યાં જ્યાં ગુર્જર બકરવાલ સમાજના લોકો મેદાની કે પહાડી વિસ્તારોમા વસેલા છે, ત્યાં ક્યારેય કોઈએ તેમના વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધાવી નથી.

હંમેશાંથી આ સમાજે શાંતિ યથાવત રાખવા માટે કુરબાની આપી છે અને સામાજિક તાલમેલ મજબૂત બનાવી રાખવા માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો