You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સ્વરક્ષણ માટે આ યુવતીઓનો એક જ ગુરુમંત્ર: કોઈ છેડતી કરે તો ધીબી નાખો
પંજાબના જલંધર શહેરમાં મ્યુઝિક કંપનીમાં લેખિકા તરીકે કામ કરતાં 20 વર્ષનાં પ્રાક્ષી ખન્ના ગયા વર્ષે ઑગસ્ટમાં એક સાંજે ઘરે પાછા આવી રહ્યાં હતાં ત્યારે એક કાર તેમની પાછળ પાછળ ચાલવા લાગી.
'એ રવિવારનો દિવસ હતો. એટલે આ રસ્તા પર ભીડ ન હતી. બીજા દિવસોમાં અહીં સારી એવી ભીડ જોવા મળે છે.'
કારને પીછો કરતી જોઈને પ્રાક્ષીએ તેમની ચાલવાની ઝડપ વધારી દીધી. પરંતુ અચાનક કાર તેમની નજીક આવી ગઈ. હાથમાં ચક્કુ લઈને એક માણસ ઉતર્યો.
પ્રાક્ષીએ કહ્યું, “એણે મને ચક્કુ બતાવી કારમાં બેસવાનું કહ્યું. મેં મારી બધી જ તાકાત વાપરીને એને જોરથી ધક્કો માર્યો. તે કારની બોનેટ પર જઈને પડ્યો.”
તમે આ વાંચ્યું કે નહીં?
“હું ત્યાંથી ભાગી અને એક ઑટો જોયો. હું તેમાં બેસી ગઈ. મને લાગ્યું કે જાણે કે હું મરી ગઈ હોત. મને બહુ જ ડર લાગ્યો હતો.”
સંદીપ કૌર, કૉલેજનાં વિદ્યાર્થિની છે. તે કહે છે, “હું રાત્રે મારા પિતરાઈ ભાઈને લેવા ગઈ હતી. રસ્તામાં દારૂના નશામાં એક યુવકે મારી સ્કૂટીને ટક્કર મારી.”
“ઉપરથી એણે મને ગાળ બોલી. એટલે મેં તેને રસ્તા વચ્ચે જ ફટકાર્યો.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંદીપ કૌર મૂળ મુક્તસર જિલ્લાના એક ગામના વતની છે.
અગાઉ પણ સંદીપ કૌરે એક વ્યક્તિને માર માર્યો હતો. તે ગૌરવ સાથે કહે છે, "એક દિવસ બસમાં, એક માણસ મને કદાચ માર ખાવા માટે જ અડ્યો હતો."
પ્રાક્ષીએ પણ "અયોગ્ય" વર્તન કરનારાં ઘણા પુરુષોને બસમાં થપ્પડ લગાવી છે. સંદીપ કહે છે, "આ ત્રાસને અટકાવવાનો આ જ એકમાત્ર રસ્તો છે."
પંજાબની આ યુવતીઓએ તેમની પોતાની છેડતીનો જવાબ શોધી લીધો છે અને જવાબ છે સામે હુમલો કરો.
પ્રાક્ષી કહે છે, “હુમલો કરવાથી મારું આત્મસન્માન જળવાઈ રહે છે. સાથે હું જ્યાં જવા ઇચ્છું છું ત્યાં જઈ શકું છું.”
2016 માં પંજાબમાં મહિલાઓ સામે ગુનાના પાંચ હજાર બનાવો બન્યા છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોના તાજેતરના રિપોર્ટ અનુસાર મહિલાઓ પર હુમલા અને જાતીય સતામણીની 1038 ઘટનાઓ નોંધાઈ છે.
જો કે, એવા ઘણા કેસો છે, જેની ફરિયાદ પણ નથી થતી. જેમ કે પ્રાક્ષી અને સંદીપે તેમની ઘટનાની ફરિયાદ પોલીસમાં નહોતી કરી.
સંદીપ કૌર કહે છે, “અમારા શહેરની ગલીઓ અમારા માટે સલામત નથી. આ પ્રકારની સ્થિતિમાં અમે જાતે જ પુરુષોને પાઠ ભણાવીએ છીએ.”
પ્રીતિ, જલંધર કૉલેજમાંથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહી છે. પ્રીતિ પણ છેડતી કરનારા છોકરાઓને છોડતી નથી.
તે કહે છે, “હું બેડમિન્ટનની ખેલાડી છું અને પ્રેક્ટિસ કરતી વખતે શોર્ટ્સ પહેરું છું.”
“અમારી લગભગ રોજ છેડતી થાય છે પણ હું ડરતી નથી. હું તરત જ સામે ચોપડાવું છું. અમને ચિંતા માત્ર ત્યારે થાય છે જ્યારે એ ચાર પાંચ જણા હોય છે.”
જોકે, છોકરાઓની સામે થવાનો રસ્તો બધી જ છોકરીઓને યોગ્ય નથી લાગતો.
બાજુના રાજ્ય હિમાચલ પ્રદેશથી જલંધરમાં અભ્યાસ કરવા આવેલી શિવાની કહે છે, "રસ્તે ચાલતા ઘણા લોકો કૉમેન્ટ કરતાં જ હોય છે. તમે દરેક સાથે લડી ના શકો. એ તમને નુકસાન પહોંચાડી શકે છે."
જ્યારે જલંધરમાં જ રહેતાં ગ્રાફિક ડિઝાઈનર જસ્લીન કૌર આગ્રહ રાખે છે કે છેડતી કરનારાઓની અવગણના કરવી વધારે સારું છે.
"જો તમને લાગે કે ચોક્કસ વિસ્તાર સલામત નથી તો પછી શા માટે એ સ્થાન પર જવાનુ? તે મુશ્કેલીને આમંત્રણ આપવા જેવું છે."
પ્રાક્ષી કહે છે કે જો એવું વિચારીને ચાલીએ તો કંઇ ના થઈ શકે. સંદીપ કૌર કહે છે, "ડર આ સમસ્યાનું સમાધાન નથી. તમારો ડર માત્ર એમની હિંમત વધારવાનું કામ કરે છે."
છોકરીઓ છેડતીના કેસમાં પોલીસનો સંપર્ક કેમ નથી કરતી તેના જવાબમાં છોકરીઓ કહે છે કે ગંભીર ગુનામાં પોલીસની મદદ લઈએ છીએ પણ નાની મોટી છેડતી માટે એક કે બે લાફા જ બરાબર છે.
જો કે ભારતના કાયદામાં શારીરિક શોષણ, પીછો કરવો કે છેડતી કરવા માટે અલગ અલગ ધારાઓની જોગવાઈ કરવામાં આવી છે. મહિલાઓ આ કાયદાનો ઉપયોગ કરી શકે છે.
પંજાબ યુનિવર્સિટીના સોશિયોલોજી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર મનજિત સિંહ કહે છે, “ભણેલી અને સ્વતંત્ર રીતે કામ કરતી મહિલાઓની સ્થિતિ થોડી સુધરી છે, પણ ગરીબ અને ઓછું ભણેલી સ્ત્રીઓની હાલત હજી પણ એવી જ છે.”
એમ કહેવું મુશ્કેલ છે કે પંજાબમાં છેડતીનો વિરોધ કરવામાં મહિલાઓ ટ્રેન્ડમાં છે. પણ એ સત્ય છે કે અહીંની છોકરીઓ હવે છોકરાઓની છેડતીને મૂંગે મોઢે સહન નથી કરી રહી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો