ઉત્તર પ્રદેશ : દુષ્કર્મ કેસમાં એફઆઈઆર દાખલ છતાં કુલદીપ સિંહ સેંગરની ધરપકડ નહીં

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં સગીરા પર દુષ્કર્મ કેસ મામલે ઉત્તર પ્રદેશ સરકારના વલણ પર સવાલ ઊભો થયો છે.

કેમકે, દુષ્કર્મ કેસમાં આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સામે 'પોક્સો' (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યૂઅલ ઓફેન્સિસ એક્ટ ,2012) કાનૂન હેઠળ એફઆઈઆર દાખલ થઈ ચૂકી છે. તેમ છતાં હજુ સુધી ધરપકડ નથી કરવામાં આવી.

સ્થાનિક પત્રકાર રોહિત ઘોષે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "કુલદીપ સેંગર સામે 'પોક્સો' હેઠળ ગુનો દાખલ થયો છે. પણ ધરપકડ નથી થઈ"

વળી અત્રે નોંધવું રહ્યું કે પીડિતાએ ન્યાય મેળવવા માટે તાજેતરમાં જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવાસ સામે આત્મવિલોપનની કોશિશ કરી હતી.

ત્યાર બાદ મામલો પ્રકાશમાં આવતા એફઆઈઆર દાખલ કરવા અને તપાસ શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.

કોણ છે કુલદીપ સેંગર?

પણ હજુ સુધી આ ધારાસભ્યની ધરપકડ નથી કરવામાં આવી. આથી સવાલ થાય છે કે શા માટે યોગી સરકાર દ્વારા આ મામલે આરોપીની ધરપકડ નથી કરવામાં આવી?

કોણ છે આ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર જેઓ દુષ્કર્મ કેસના આરોપી હોવા છતાં તેમની ધરપકડ નથી કરાઈ.

કુલદીપ સિંહ સેંગર હાલ ઉત્તર પ્રદેશના ઉન્નાવના બાંગરુમઉ વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે.

તેમની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ ઉત્તર પ્રદેશના મુખ્ય તમામ પક્ષમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

યુવક કોંગ્રેસથી રાજનીતિની શરૂઆત કરનારા કુલદીપ સિંહ સતત ચાર વખત ધારાસભ્ય ચૂંટાતા આવ્યા છે.

તેમણે ત્રણ વખત બેઠકો બદલી અને તે દરમિયાન ચાર વખત પાર્ટી પણ બદલી છે.

કહેવાનો અર્થ એ કે કોંગ્રેસ, ભાજપ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ તેમને સમયે સમયે અજમાવ્યા છે.

બીજી તરફ તેઓ જ્યારે પણ ચૂંટણીમાં ઊભા રહ્યા, ત્યારે વિજયી થયા છે. વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયા હતા.

ભાજપે તમને બાંગરમઉથી ટિકિટ આપી હતી અને તેઓ ચૂંટણીમાં વિજયી થયા હતા. વિધાનસભા ક્ષેત્રમાં તેમનો રાજકીય દબદબો છે.

ઉન્નાવના બાહુબલી નેતાની છબી

સ્થાનિક પત્રકાર સમીરાત્મજ મિશ્ર અનુસાર કુલદીપ સિંહનો રાજકીય દબદબો એવો છે કે તેમને જે પણ બેઠકથી ટિકિટ જોઇએ તે મળી જાય છે.

વધુમાં સામાજિક દબદબો એવો છે કે તેમને આ કેસમાં પરેશાન જોઈએ ગામના લોકો બહાર નથી નીકળી રહ્યા.

તેમને ડર છે કે તેમને કોઈ કુલદીપ સિંહ વિશે કંઈક પૂછી ન લે અથવા તેમણે કશું કહેવું ન પડે.

સૌથી મહત્ત્વની બાબત એ છે કે તેમના ઘરની પાસે જ પીડિતાનું બે રૂમનું નાનું મકાન આવેલું છે. બન્નેના ઘર વચ્ચે માત્ર પચાસ મીટરનું અંતર છે.

સમીરાત્મજે ગામવાસીઓ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે તેમની છબી એક બાહુબલી નેતાની છે. લોકો તેમનો ઉલ્લેખ 'રાજકીય મોસમ વૈજ્ઞાનિક' તરીકે કરે છે.

સપા-બસપા, ભાજપ-કોંગ્રેસ બધા પક્ષમાં રહી ચૂક્યા છે

એટલે કે ચૂંટણી પહેલા જ તોએ ક્યાસ લગાવી લે છે કે કઈ પાર્ટીની સરકાર બનશે અને તેઓ એ જ પાર્ટીમાં સામેલ થઈ જાય છે.

2002માં તેઓ બીએસપીની ટિકિટ પરથી લડ્યા હતા અને મતોના મોટા તફાવતથી વિજય થયો હતો.

વળી 2007માં ચૂંટણીના ગણતરીના મહિના પૂર્વે જ સમાજવાદી પક્ષમાં જોડાયા હતા. એસપી સામે વિરોધી લહેર હોવા છતાં તેમણે ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો.

જ્યારે 2012માં તેમણે પાર્ટી ન બદલી પણ બેઠક બદલી નાખી હતી. એ સમયે તેમણે ભગવંતનગરથી ચૂંટણી લડી અને જીતી હતી.

એક અન્ય સ્થાનિક પત્રકારે નામ નહીં જણાવવાની શરતે સમીરાત્મજનને કહ્યું કે ઉન્નાવમાં કોઈ પણ સરકારી કોન્ટ્રાક્ટ અથવા એ પ્રકારના કામ તેમની સંમતિ વગર નથી થતા.

તેમની વિરુદ્ધ સમાચાર લખનારી મીડિયા ચેનલ કે અખબારોને પછી તેની કિંમત ચૂકવવી પડતી હોય છે.

તેમનો પરિવાર પણ રાજનીતિમાં સક્રિય છે. તેમના પત્ની સંગીતા સિંહ જિલ્લા પંચાયત અધ્યક્ષ છે, જ્યારે દુષ્કર્મના કેસમાં ધરપકડ થયેલા તેમના ભાઈ અતુલ સિંહના પત્ની ગામનાં પ્રધાન છે.

પરિવારનો વ્યવસાય

તેમના પરિવારના હોટેલ સહિતના બિઝનેસ છે. સમીરાત્મજે એક અન્ય સ્થાનિક પત્રકારને ટાંકીને કહ્યું કે, તમામ કોન્ટ્રાક્ટ કુલદીપના ભાઈ જગદીપ ઉર્ફે અતુલ ચલાવે છે.

હોટેલનો બિઝનેસ મનોજ સેંગર સંભાળે છે. કુલદીપ તેમની રાજકીય પહોંચથી ભાઈઓને બિઝનેસમાં મદદ પહોંચાડે છે.

ઉત્તર પ્રદેશમાં ઉન્નાવ પ્રશાસનમાં તેમનું કદ કેટલું છે એ આ વાત પરથી સમજી શકાય છે કે એક વર્ષ પહેલા દુષ્કર્મનો આરોપ લગાવનારી યુવતીએ પ્રત્યક્ષ રૂપે તેમને જવાબદાર ગણાવી ઓળખ કરી હોવા છતાં તેમના વિરુદ્ધ હજી સુધી કેસ દાખલ નહોતો થયો.

દુષ્કર્મ કેસમાં સીબીઆઈ તપાસના રિપોર્ટ વિશે સ્થાનિક પત્રકાર રોહિત ઘોષે કહ્યું, "સીબીઆઈનું કહેવું છે કે તેમને આ કેસ મામલે તપાસ કરવાની સત્તાવાર જાણકારી નથી મળી."

ખાણ માફિયા તરીકેની છબી

તેમણે કહ્યું, "કુલદીપ સેંગરના ભાઈ અતુલ સેંગર સામે પણ પોલીસ અને પત્રકાર સામે હુમલો કરવાના કેસ નોંધાયેલા છે."

"કુલદીપ સેંગર ખાણ માફિયા તરીકે પણ ઓળખાય છે. કોઈ પણ અધિકારી તેમના વાહનનોનું ચેકિંગ કરવાની હિંમત નથી કરતા."

દરમિયાન કુલદીપ સિંહના પત્ની સંગીતા સેંગરે મંગળવારે ડીજીપીની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે તેમણે તેમના પતિને ન્યાય અપાવવા માટે ડીજીપી ઓફિસની મુલાકાત લીધી છે.

વધુમાં પીડિતાના પિતાની પોલીસ કસ્ટડીમાં મૃત્યુને પગલે અતુલ સેંગર અને અન્યોની પહેલા જ ધરપકડ કરવામાં આવી છે.

તદુપરાંત સમગ્ર ઘટનાને પગલે તાજેતરમાં રાષ્ટ્રીય માનવાધિકાર પંચે યોગી સરકારને આ મામલે નોટિસ પણ ફટકારી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો