નલિયા ગેંગરેપ કેસમાં સત્ય ક્યારે સામે આવશે?

    • લેેખક, હરેશ ઝાલા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

નલિયા ગેંગરેપ કેસની તપાસ માટે નીમવામાં આવેલા નિવૃત જસ્ટિસ એ. એલ. દવે પંચની સ્થાપનાને તેર મહિના વીતવા છતાંય હજુ સુધી જુબાનીની પ્રક્રિયા શરૂ થઈ શકી નથી. પંચ દ્વારા ઍફિડેવિટ સુપ્રત કરવાની મુદત ચાલુ મહિનાના અંત સુધી લંબાવવામાં આવી છે.

ગત વર્ષે ગુજરાત વિધાનસભાના બજેટસત્ર દરમિયાન ગેંગરેપનો વિવાદ વકરતા રાજ્ય સરકાર દ્વારા તપાસ પંચની રચનાની જાહેરાત કરવામાં આવી હતી.

બંધારણીય જોગવાઈઓ પ્રમાણે, કાયદો અને વ્યવસ્થા રાજ્ય સરકારને આધિન બાબત છે.

રાજ્ય સરકાર કમિશન ઑફ ઇન્ક્વાયરી એક્ટ હેઠળ કાયદો અને વ્યવસ્થાને લગતી કોઈ બાબતમાં ન્યાયિક તપાસ નીમી શકે છે.

બીજી બાજુ, કેસના આઠ આરોપીઓ સામે ચાલુ સપ્તાહે ભૂજની એડિશનલ સેશન્સ કોર્ટમાં આરોપનામું દાખલ થાય તેવી શક્યતા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

હજુ સુધી જુબાની નહીં

તપાસ પંચ સમક્ષ ઍફિડેવિટ દાખલ કરવાની ત્રણ મુદત વીતવા છતાં એકપણ ઍફિડેવિટ દાખલ થઈ ન હતી, જેના કારણે ચોથી વખત મુદત લંબાવવામાં આવી છે.

હવે આ કેસમાં સામેલ થવા માંગતા લોકો એપ્રિલ મહિનાના અંત સુધીમાં પંચ સમક્ષ એફિડેવિટ દાખલ કરી શકશે.

જોકે, હજુ સુધી કોની-કોની એફિડેવિટ દાખલ થઈ છે, તે અંગે પંચના સેક્રેટરી વી. એસ. દવેએ કોઈ માહિતી જાહેર કરી નથી.

સરકાર દ્વારા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે ચેતન શાહની નિમણૂક કરવામાં આવી છે.

13 મહિને કાર્યરત થયું પંચ

નલિયાની 25 વર્ષીય પીડિતાને ન્યાય માટેની લડતમાં નિસબત નાગરિક મંચ નામની સંસ્થા સહાય કરી રહી છે.

સામાજિક કાર્યકર્તા મીનાક્ષીબહેન જોશીએ બીબીસીને જણાવ્યું કે નવમી એપ્રિલે એક ઍફિડેવિટ દાખલ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં વધુ એક પૂરક ઍફિડેવિટ દાખલ કરવામાં આવશે.

ફેબ્રુઆરી 2018માં ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસી ધારાસભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલના જવાબમાં રાજ્ય કક્ષાના કાયદામંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે જાન્યુઆરી-2018ના અંતભાગ સુધીમાં પંચની કામગીરી પાછળ નવ લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો હતો.

પંચ હવે ઔપચારિક રીતે કાર્યરત થયું છે ત્યારે એફિડેવિટ દાખલ કરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં પંચ દ્વારા જુબાનીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ઘડાશે આરોપનામું

સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર કલ્પેશ ગોસ્વામીના કહેવા પ્રમાણે, 13મી એપ્રિલની સુનાવણી દરમિયાન આરોપનામું ઘડાય તેવી શક્યતા છે.

ગત મહિને ગુજરાત સરકારે આ કેસમાં પબ્લિક પ્રોસિક્યુટર તરીકે તેમની નિમણૂક કરી હતી.

કેસની તપાસ કરવા માટે નિમાયેલી SITએ માર્ચ 2017માં કુલ દસમાંથી આઠ આરોપીઓ વિરુદ્ધ ભૂજની એડિશનલ સેશન્સ કોર્ટ સમક્ષ 474 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી હતી.

જેમાં 33 પાનાનું આરોપનામું, 140 પાનાના સાક્ષીઓનાં નિવેદન ઉપરાંત 13 પાનાના દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.

નલિયા દુષ્કર્મકાંડ

ગત વર્ષ 2017ની 25મી જાન્યુઆરીના રોજ પીડિતાએ કચ્છ જિલ્લાના નલિયા પોલીસ સ્ટેશનમાં 10 શખ્સો વિરુદ્ધ સામૂહિક દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી હતી.

પીડિતાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે વર્ષ 2015ની દિવાળી પૂર્વે કચ્છ ભાજપના નેતા શાંતિલાલ સોલંકી તથા તેમના બે સાથીઓએ સોલંકીના નિવાસસ્થાને દુષ્કર્મ આચર્યું હતું.

પીડિતાએ ઉમેર્યું હતું કે દુષ્કર્મનો વીડિયો ઉતારીને બ્લેકમેલિંગ કરવામાં આવતું હતું.

વીડિયો ક્લિપના આધારે કાર કે હોટલ સહિત અલગઅલગ સ્થળોએ અલગઅલગ લોકો દ્વારા દુષ્કર્મનો ક્રમ ચાલુ રહ્યો હતો.

સમગ્ર પ્રકરણ બહાર આવતાં ભાજપ દ્વારા આરોપી કાર્યકરોને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

કેસની તપાસ માટે કચ્છની એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ના ઇન્સ્પેક્ટર જે. એમ. અલના નેતૃત્વમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી.

સમગ્ર તપાસ પર ગુજરાત ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટના ચાર ઉચ્ચ અધિકારીઓએ ચાંપતી નજર રાખી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો