આસારામ આશ્રમમાં થયેલાં દિપેશ-અભિષેકનાં મૃત્યુનું સત્ય શું?

    • લેેખક, હરેશ ઝાલા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

આસારામ આશ્રમમાં અમદાવાદના બે બાળકોના અપમૃત્યુના મુદ્દે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર હિંસક બન્યું હતું અને ગૃહે ન છાજે તેવાં દૃશ્યો નિહાળ્યાં.

મૂળ મુદ્દો જસ્ટિસ ડી. કે. ત્રિવેદી કમિશનના અહેવાલને ગૃહમાં રજૂ કરવાનો હતો જે બિનસંસદીય ધમાલમાં વધુ એક વખત ધરબાઈ ગયો.

2008માં ગુજરાત સરકારે અમદાવાદના મોટેરા સ્થિત આવેલા આસારામ આશ્રમના ગુરુકુળમાં અભ્યાસ કરતા દિપેશ અને અભિષેકનાં અપમૃત્યુની તપાસ કરવા અને સત્ય બહાર લાવવા માટે ગુજરાત હાઇકોર્ટના નિવૃત જજ ડી કે ત્રિવેદીનું પંચ રચ્યું હતું.

આ પંચે જુલાઈ 2013માં તેનો તપાસ અહેવાલ રાજ્યના ગૃહવિભાગને સોંપી દીધો છે. તેમ છતાં તે આજદિન સુધી વિધાનસભા ગૃહમાં રજૂ થયો નથી.

રાજકીય પક્ષોની મિલીભગતનો આક્ષેપ

કમિશન સમક્ષ દિપેશ અને અભિષેકના વાલીઓ વતી હાજર રહેલા વકીલ એસ. એચ. ઐયરે એવો આક્ષેપ કર્યો હતો કે બન્ને મુખ્ય રાજકીય પક્ષોની મિલીભગતથી આટલા ગંભીર પ્રશ્નનો જવાબ રાજ્ય સરકાર પાસેથી મળ્યો નથી.

તેમણે ઉમેર્યું હતું કે ત્રીજી જુલાઇ 2008ની મોડીરાતથી ચાર જુલાઈની વહેલી સવાર વચ્ચે બન્ને બાળકો આશ્રમની અંદર આવેલાં ગુરુકુળમાંથી ગૂમ થયાં છે.

પાંચ જુલાઈના રોજ તેમના મૃતદેહ આશ્રમની પાછળ સાબરમતી નદીના પટમાંથી મળ્યા ત્યારે દિપેશના શરીરના અંગો ન હોવાનું જાણવા મળ્યું હતું.

આ તરફ અભિષેકના શરીરના તમામ અંગો પુરાવા હતા. તે જ કારણોસર શંકા ઉપજી હોવાનું જાણવા મળ્યું છે અને એવી આશંકા વ્યક્ત કરાઈ છે કે આ મૃત્યુ આકસ્મિક ન હતું.

રાજ્ય સરકારે કમિશન નિયુક્તિનું જાહેરનામું બહાર પાડ્યું હતું.

તેનાથી પણ વધારે અગત્યનો મૂદ્દો એ હતો કે સરકારને કમિશને એ ભલામણ કરવા કહ્યું હતું કે રાજ્ય સરકારે શું પગલાં ભરવા જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટના ટાળી શકાય.

કમિશનના ટર્મ્સ ઍન્ડ રેફરન્સને ટાંકતાં ઐયર ઉમેરે છે, "આ અહેવાલ માત્ર દિપેશ-અભિષેકના મૃત્યુ પૂરતો સિમિત નથી."

"તમામ બાળકોના ભવિષ્ય સાથે સંકળાયેલો હોય તો પછી સરકાર શા માટે આ અહેવાલ પર બેસી રહી છે, શા માટે તેને વિધાનસભા ગૃહમાં રજૂ કરી તેના પર ચર્ચા કરવા તત્પર નથી. શું તેને બાળકોના ભવિષ્યની ચિંતા નથી?"

તેમણે આ અહેવાલને વહેલામાં વહેલી તકે ગૃહમાં રજૂ કરવાની માંગણી કરી છે. તથા જે સૂચનો થયા હોય તેના અમલ માટે જરૂર પડે તે કાયદો લાવવાની માગણી કરી છે, જેથી ભવિષ્યમાં અન્ય કોઇ બાળક સાથે આવી ઘટના ન બને.

અત્રે એ નોંધવું જરૂરી છે કે રાજ્ય સરકારે જુલાઇ 2008માં કમિશનની રચના કરી હતી, કમિશને તપાસના અંતે 2013માં અહેવાલ તૈયાર કરી રાજ્ય સરકારને સુપ્રત કર્યો, તે દરમિયાન કુલ 200 જેટલા સાક્ષીઓની નિવેદનો કમિશને નોંધ્યાં હતાં.

તેમાં આસારામ અને તેમના પુત્ર નારાયણસાંઇના નિવેદનનો પણ સમાવેશ થાય છે. અનેક સમન્સને નજરઅંદાજ કર્યાં પછી ડિસેમ્બર 2012માં આસારામ કમિશન સમક્ષ નિવેદન નોંધાવવા આવ્યા હતા.

આસારામના વકીલ બી.એમ.ગુપ્તાનું કહેવું છે, "આ અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત થાય તે તારીખથી છ મહિનાની અંદર વિધાનસભાગૃહમાં રજૂ કરવો જોઈએ. જો આમ ન થાય તો કાયદાકીય રીતે આ અહેવાલનું કોઈ મહત્ત્વ રહેતું નથી"

અત્રે એ પણ નોંધવું જરૂરી છે કે આ કેસની ક્રિમિનલ ફરિયાદની તપાસ સ્ટેટ સીઆઇડી (ક્રાઇમ) કરી રહી છે અને તેણે આ સંદર્ભમાં 2009માં આશ્રમના સાત ભક્તોની ધરપકડ કરી હતી.

2014માં આ કેસ અંગે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. આ કેસમાં બાળકોના પિતાએ સીબીઆઈ તપાસની પણ માગણી અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ કરી હતી, જેને કોર્ટે 2014માં ફગાવી દીધી હતી. હાલમાં આ કેસની ટ્રાયલ ચાલી રહી છે.

કોણ છે આસારામ?

આસારામનો જન્મ અવિભાજિત ભારતમાં નવાબશાહ જિલ્લા (વર્તમાન પાકિસ્તાન)ના બેરાની ગામમાં 17 એપ્રિલ 1941ના રોજ થયો હતો.

તેમના પિતાનું મૃત્યુ ત્યારે થયું હતું જ્યારે આસારામ ખૂબ નાની ઉંમરના હતા.

આસારામની વેબસાઇટનો દાવો છે કે જીવનના શરૂઆતી દિવસો દરમિયાનથી જ આસારામને ધ્યાન તેમજ આધ્યાત્મિક્તામાં રસ હતો.

તેમણે પોતાના પરિવારને છોડી વૃંદાવનમાં સંત લીલાશાહના આશ્રમમાં જતા પહેલાં દેશની યાત્રા કરી.

આસારામ આશ્રમના પ્રવક્તા મનીષ બગાડિયા અનુસાર આજે આસારામ પાસે 425 આશ્રમ, 1400 સમિતિ, 17 હજાર બાળ સંસ્કાર કેન્દ્ર અને 50 ગુરુકુળ છે.

બગાડિયાનો દાવો છે કે ભારત અને વિદેશમાં આસારામના પાંચ કરોડ કરતાં વધારે અનુયાયી છે.

તેમાં વિદ્યાર્થીઓ, ફિલ્મ સ્ટાર્સ, ક્રિકેટરો, ઉદ્યોગપતિઓ અને રાજનેતાઓ સામેલ છે.

આસારામ પર શું આરોપછે?

આસારામ પર હત્યા, જમીન હડપવા, કાળો જાદૂ કરવા, લોકો પર ધમકી આપવા જેવા ઘણાં પ્રકારના આરોપ લાગ્યા છે.

વર્ષ 2000માં ગુજરાત સરકારે આસારામ આશ્રમને નવસારી જિલ્લાના ભૈરવી ગામમાં 10 એકર જમીન આપી હતી.

ગ્રામજનોનો આરોપ છે કે આશ્રમે વધારાની 6 એકર જમીન પર કબજો મેળવી લીધો છે.

આસારામ આશ્રમના પૂર્વ સભ્ય રાજૂ ચંડકે પોલીસ સાથે એક એફિડેવિટમાં દાવો કર્યો છે કે તેમણે આસારામને મહિલાઓનું યૌન શોષણ કરતા જોયા છે.

આસારામ પર તાંત્રિક ક્રિયાઓ કરવાનો પણ આરોપ છે.

આસારામ પર જોધપુર ગુરુકુળમાં યુવતી સાથે દુષ્કર્મ કરવાનો આરોપ લાગ્યો એ પછી છેલ્લા પાંચ વર્ષથી તે જેલવાસ ભોગવી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો