ગોરખપુરમાં યોગી આદિત્યનાથ હાર્યા કે તેમને હરાવી દેવામાં આવ્યા?

    • લેેખક, પ્રદીપ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

ગોરખપુરની પેટાચૂંટણીના પરિણામ જાહેર થયા તે પહેલાં વારાણસીમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રોં અને નરેન્દ્ર મોદીની સાથે ઊભેલા યોગી આદિત્યનાથની બૉડી લૅંગ્વેજથી એ વાતનો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે પેટાચૂંટણીના પરિણામ તેમના સમર્થનમાં નહીં હોય.

મોટાપાયે ઝડપથી અને હાથને ઝાટકી ઝાટકીને ચાલતા યોગી આદિત્યનાથ સમારોહ દરમિયાન હાથ સાથે હાથ બાંધીને ઊભેલા નજરે પડ્યા હતા.

તમને આ પણ વાંચવું ગમશે

યોગી આદિત્યનાથ સાથે નજીકના સંબંધ ધરાવતા એક સહયોગીના આધારે, "આ પ્રકારના ઇનપુટ પહેલાં જ મળવા લાગ્યા હતા અને મતદાનના દિવસે જ્યારે મતની ટકાવારી ઓછી જોવા મળી, તો હારની આશંકા મુખ્યમંત્રીને પહેલેથી જ થઈ ગઈ હતી."

ગોરખપુરના ચૂંટણી પ્રચાર દરમિયાન પણ યોગી આદિત્યનાથને આ વાતની આશંકા ડરાવી રહી હતી.

ગોરખપુરમાં લાંબા સમયથી પત્રકારત્વ કરતા કુમાર હર્ષ કહે છે, "પહેલાંથી પ્રસ્તાવિત પ્રવાસ સિવાય યોગી આદિત્યનાથે વિસ્તારમાં બે વધારે ચૂંટણી સભાઓ પણ કરી હતી."

આ આશંકાઓનું કારણ શું રહ્યું હશે? તેનું સૌથી મોટું કારણ યોગી આદિત્યનાથની પોતાની છબી અને તેમનો અંદાજ જ રહ્યું છે.

યોગીની છબી પર અસર

જે રીતે વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણી બાદ તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા, તેને લઇને રાજકારણમાં એવી વાતો પણ થઈ કે તેમણે તેના માટે કેન્દ્રીય નેતૃત્વ પર દબાણ બનાવ્યું હતું.

એ જ કારણોસર જ્યારે 300 કરતાં વધારે ધારાસભ્યો વાળી સરકારમાં જ્યારે યોગી આદિત્યનાથની સાથે બે-બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા તો એ માનવામાં આવ્યું કે તેમના પર અંકુશ રાખવા માટે એમ કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય નેતૃત્વએ તેમની છબી અને તેમના અંદાજનો ઉપયોગ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ કર્યો.

પરંતુ જ્યારે ગોરખપુર પેટા ચૂંટણી માટે ઉમેદવારને પસંદ કરવાની વાત આવી તો કેન્દ્રીય નેતૃત્વએ યોગી આદિત્યનાથની સલાહ પર ધ્યાન આપ્યું નહીં.

ભારતીય જનતા પક્ષે ગૌરક્ષા પીઠ મઠની બહારની વ્યક્તિને પોતાના ઉમેદવાર બનાવ્યા.

યોગી સાથે જોડાયેલા વિશ્વાસપાત્ર સૂત્રોનું કહેવું છે, "એ ધારણા તો રહી છે કે 'નો ઇફ, નો બટ, ગોરખપુરમેં ઓનલી મઠ'. જો અમારા મઠના ઉમેદવાર હોત તો આ તસવીર ન હોત. મઠના માત્ર નામથી લોકો એકજૂથ થઈ જાય છે."

"અમે લોકોએ મઠના પુજારી કમલનાથનું નામ આગળ વધાર્યું હતું, જેઓ જાતિગત આધારે પછાત હોવાને કારણે મજબૂત ઉમેદવાર સાબિત થતા."

યોગીનું કદ ઓછું થયું?

આમ તો 1989થી માંડીને સતત આ લોકસભા ક્ષેત્રમાં મઠના ઉમેદવારોનો ડંકો વાગ્યો છે. નવમી, દસમી અને અગિયારમી લોકસભા ચૂંટણીમાં મહંત અવૈદ્યનાથ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદથી 1998થી સતત પાંચ વખત યોગી આદિત્યનાથ સાંસદ રહ્યા હતા.

ગોરખપુરના સ્થાનિક પત્રકાર કુમાર હર્ષ કહે છે, "મઠની અંદરના ઉમેદવાર હોવાથી સંસદીય ક્ષેત્રમાં મતદાનમાં જાતિગત ગણિત પાછળ રહી જાય છે. ભાજપે બ્રાહ્મણ ઉમેદવારને ઊભા કર્યા જેની જનસંખ્યા મતદાનને ધ્યાનમાં રાખીને ચોથા નંબર પર હતી."

જોકે, એક રાષ્ટ્રીય દૈનિકના ગોરખપુર આવૃત્તિના તંત્રીનું કહેવું છે, "ઉમેદવારની પસંદગીમાં ભાજપથી ભૂલ થઈ, જો સાફ છબી ધરાવતા ધારાસભ્યને ટિકિટ આપવામાં આવતી તો પરિસ્થિતિ જુદી હોત."

"ગોરખપુર શહેરી ક્ષેત્રના ધારાસભ્ય રાધા મોહન દાસ અગ્રવાલ યોગ્ય ઉમેદવાર સાબિત થઈ શકતા હતા. જ્યાં સુધી મઠની અંદરથી ઉમેદવારની વાત છે, તો યોગી આદિત્યનાથે એ પ્રકારની કોઈ વ્યક્તિને તૈયાર કરી નથી."

આ સિવાય એક મહત્ત્વની વાત એ પણ રહી છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી પ્રચાર માટે ન તો વડાપ્રધાન મોદી અને ન તો પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પહોંચ્યા હતા.

યોગી આદિત્યનાથના એક નજીકના સલાહકારનું કહેવું છે, "પાર્ટીના સંગઠને પણ પોતાનો દમ લગાવ્યો નથી. સંગઠનના કાર્યકર્તા લોકોને બૂથ સુધી લાવવામાં સફળ રહ્યા નથી. સંઘ તરફથી જવાબદારી નક્કી કરવામાં આવી ન હતી, જેવું સામાન્યપણે દરેક ચૂંટણીમાં થાય છે."

એક થિયરી એ પણ છે કે યોગી આદિત્યનાથની હિંદુ વાહિની પણ આ વખતે સક્રીય જોવા ન મળી.

આ થિયરીના પક્ષમાં એ પણ કહેવામાં આવી રહ્યું છે કે યોગી આદિત્યનાથ ક્યારેય નહીં ઇચ્છે કે ગોરખપુરના સંસદીય રાજકારણમાં તેમના વિકલ્પ તરીકે કોઈ આગળ આવે.

જોકે, યોગી આદિત્યનાથ સાથે જોડાયેલા સૂત્ર આ પ્રકારની કોઈ પણ વાતથી ઇનકાર કરે છે અને કહે છે, "મુખ્યમંત્રી બન્યા બાદ એક દિવસ પછી જ તેમણે પોતાના સંગઠનને નિષ્ક્રિય કરી નાખ્યું હતું તો એવું નથી કે હિંદુ વાહિનીના લોકો માત્ર ચૂંટણી દરમિયાન સક્રિય રહ્યા નથી. તમે એ પણ તો જૂઓ કે યોગી આદિત્યનાથે વિસ્તારમાં કેટલી સભાઓ કરી."

દબાણ નહીં કરી શકે યોગી

ગોરખપુરના સ્થાનિક પત્રકાર કુમાર હર્ષના આધારે, "પોતાના ગઢમાં હારવા જેવું મોટું જોખમ યોગી આદિત્યનાથ લઈ શકતા ન હતા. કેમ કે આ હારથી માત્ર તેમની છબીને નુકસાન પહોંચતું અને તેનો અનુભવ તેમને નિશ્ચિતરૂપે થયો હશે."

કેટલાક વિશ્લેષકોના મતે ભાજપને બ્રાહ્મણ વિરુદ્ધ રાજપૂત વર્ચસ્વની લડાઈની કિંમત ચૂકવવી પડી છે. જોકે, સમાજવાદી પાર્ટી તરફથી નિષાદ સમુદાયના ઉમેદવાર ઉતારવાથી અને બહુજન સમાજ પાર્ટીનો સાથ મળી જવાથી આ લડાઈ એટલી સહેલી પણ ન હતી.

ગોરખપુરના મતદાતાઓને ધ્યાનમાં રાખીને નિષાદ સમુદાયના સૌથી વધારે સાડા ત્રણ લાખ મતદાતા છે, જ્યારે બે-બે લાખ મતદાતા દલિત અને યાદવ સમાજના છે.

આ તરફ બ્રાહ્મણ મતદાતાની સંખ્યા માત્ર દોઢ લાખ છે.

આ સિવાય આ પહેલી તક છે જ્યારે ગોરખપુરની જનતાની આશાઓ પર ખરા ઉતરવાનો પડકાર યોગી આદિત્યનાથની સામે છે કેમ કે કેન્દ્ર અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે.

ગોરખપુરના સાંસદ તરીકે યોગી આદિત્યનાથની ઓળખ લોકો માટે આંદોલન કરતા નેતાની બની ગઈ છે. સત્તામાં આવ્યા બાદ લોકોની આશાઓ પર ખરા ઉતરવા તેમજ લોકોને સંતુષ્ટ કરવા તેમના માટે સહેલું સાબિત થયું નથી.

એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે ગોરખપુરમાં ચૂંટણીમાં હાર બાદ યોગી આદિત્યનાથ હવે એ રીતે ભાજપના કેન્દ્રીય નેતૃત્વ પર દબાણની રણનીતિ બનાવી શકશે નહીં.

હિંદુત્વના રાજકારણના ચહેરા તરીકે તેમની ઓળખને ધક્કો લાગ્યો છે. તેનાથી નરેન્દ્ર મોદીની જેમ આગળ વધવાની તેમની આશાઓને પણ ઝટકો લાગ્યો છે.

પેટા ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉદાસીનતાથી આ થિયરીને બળ મળે છે.

પરંતુ એક રાષ્ટ્રીય દૈનિકના ગોરખપુર આવૃત્તિના તંત્રી કહે છે, "આ હાર બાદ પણ ગોરખપુર અને પૂર્વોત્તરમાં યોગી આદિત્યનાથની અસર ઓછી થઈ નથી. ભારતીય જનતા પક્ષ ઇચ્છે તો પણ યોગી આદિત્યનાથની અસર ઓછી થઈ શકતી નથી."

જોકે, ચૂંટણીમાં હાર બાદ પ્રેસ કૉન્ફરન્સમાં યોગી આદિત્યનાથનો મુરઝાયેલો ચહેરો જણાવી રહ્યો હતો કે આ પરાજયે તેમનું કદ નાનું કરી નાખ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો