You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું અંગ્રેજી ન આવડવાને કારણે થાય છે પ્લેન ક્રેશ?
- લેેખક, અનંત પ્રકાશ
- પદ, બીબીસી સંવાદદાતા
નેપાળની રાજધાની કાઠમંડુમાં સોમવારે થયેલી વિમાન દૂર્ઘટનાનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
જોકે, ત્રિભુવન એરપોર્ટ પર યુએસ-બાંગ્લા એરલાઈન્સની ફ્લાઈટ BS211 તૂટી પડવાનું એક કારણ, પાયલટ અને એર ટ્રાફિક કન્ટ્રૉલર (એટીસી) વચ્ચે સૂચનાઓનું યોગ્ય રીતે આદાનપ્રદાન ન થયું એ ગણાવવામાં આવે છે.
યુએસ-બાંગ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આસિફ ઇમરાને દાવો કર્યો હતો કે પાયલટને ખોટી દિશામાંથી રનવે પર ઊતરવાનું જણાવવામાં આવ્યું હતું.
જોકે, દૂર્ઘટનાગ્રસ્ત પ્લેનના બ્લેક બોક્સમાંથી આવી માહિતી બહાર આવી નથી.
આવા અનેક કિસ્સા
એટીસી અને પાયલટ વચ્ચે સૂચનાના આદાનપ્રદાનમાં ખામીને કારણે વિમાન દૂર્ઘટના સર્જાઈ હોય તેવો ઉડ્ડયન ક્ષેત્રનો આ પહેલો કિસ્સો નથી.
આવી જ એક ઘટનાના સાક્ષી બનેલા એર ઈન્ડિયાના કેપ્ટન મહેશ ગુલબાની સાથે બીબીસીએ વાત કરી હતી.
મહેશ ગુલબાનીએ કહ્યું હતું, "એક વખત અમે ચીની એરસ્પેસમાં 38થી 40 હજાર ફૂટની ઉંચાઈ પર પ્લેન ચલાવતા હતા. વિમાન ટર્બ્યુલન્સમાં ચાલતું એટલે અમારે નીચે જવું હતું."
"અમે એટીસીને વિનંતી કરી હતી કે અમને બહુ ઝટકા લાગી રહ્યા છે. તેથી પ્લેનને થોડું નીચે લાવવાની પરવાનગી આપવામાં આવે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"એટીસીએ જણાવ્યું હતું કે અત્યારનું સ્તર જાળવી રાખો. તેમણે અમને નીચે આવવાની છૂટ આપી નહીં."
તમને આ વાંચવું પણ ગમશે:
"પ્લેન નીચે લાવવામાં ન આવે એવું તેઓ અમને અંગ્રેજી ભાષામાં જણાવી શક્યા ન હતા."
"અમે તેમને તેનું કારણ પૂછ્યું એ પછી પણ તેઓ એવું કહેતા રહ્યા હતા કે પ્લીઝ મેન્ટેન લેવલ."
"અમે એટલી ઊંચાઈ પર પ્લેન ઉડાડી શકતા ન હતા. તેથી અમે તેમને ઇમરજન્સી કોલ કર્યો હતો. એ પછી અમારી વાત તેઓ સમજ્યા હતા."
ભાષાનું મર્યાદિત જ્ઞાન
મહેશ ગુલબાનીએ ઉમેર્યું હતું,"અમે આ ‘સ્પીડ પર છીએ’, ‘હાઇટ પર છીએ’ અંગ્રેજીના એવા ચાર-છ શબ્દપ્રયોગ આવા એટીસી જાણતા હોય છે. તેનાથી અલગ કંઈક બોલો તો એ તેમને સમજાતું નથી."
"આવું ઘણીવાર થતું હોય છે. દાખલા તરીકે, બેંગકોકમાં અંગ્રેજી બોલતી વખતે આર શબ્દનો ઉચ્ચાર થતો નથી. તેઓ કતાર એરલાઈન્સને ‘કતાલ એરલાઈન્સ’ કહેતા હોય છે."
જ્યારે ભારતમાં થઈ હતી દૂર્ઘટના
1996માં દિલ્હીમાં આવા જ કારણસર થયેલી દૂર્ઘટનામાં 312 પ્રવાસીઓ મૃત્યુ પામ્યાં હતાં.
નવી દિલ્હી એરપોર્ટ પર ઉતરાણ કરતાં પહેલાં સોવિયત એરલાઈન્સ અને સાઉદી અરેબિયાના વિમાનો વચ્ચે આકાશમાં જ અકસ્માત થયો હતો.
તેની તપાસમાં જાણવા મળ્યું હતું કે સોવિયત વિમાનના ચાલકો દિલ્હી એરપોર્ટના એટીસીની વાત સમજી ન શક્યા હોવાને કારણે દૂર્ઘટના સર્જાઈ હતી.
તપાસ સમિતિએ તેના અહેવાલમાં સલાહ આપી હતી કે અંગ્રેજી બોલી અને સમજી શકતી એરલાઇન્સ ક્રૂને જ ઉતરાણની પરવાનગી મળે એ ભારતીય એરપોર્ટ પ્રાધિકરણે સુનિશ્ચિત કરવું જોઈએ.
નાસાનો અહેવાલ શું કહે છે?
અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાએ આ મુદ્દે 1981માં એક અહેવાલ રજૂ કર્યો હતો.
નાસાની એવિએશન સેફટી રિપોર્ટ સિસ્ટમમાં પાંચ વર્ષમાં હવાઈ યાત્રામાં ગડબડની 28,000 ઘટનાઓ નોંધાઈ હોવાનું એ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
તેનો અભ્યાસ કર્યા બાદ નાસાને જાણવા મળ્યું હતું કે 28,000 પૈકીની 70 ટકા ઘટનાઓમાં સૂચનાનું અપૂરતું આદાનપ્રદાન જવાબદાર હતું.
પાયલટ અને એટીસી વચ્ચેની વાતચીતમાં ઘણી વખત એવું થાય છે કે બન્નેમાંથી એક પક્ષ પોતાની ક્ષેત્રીય ભાષા બોલવાનું શરૂ કરી દેતો હોય છે.
ખામીયુક્ત ઉચ્ચારને કારણે Two શબ્દને To સમજી લેવામાં આવે છે. આવી પરિસ્થિતિને કારણે અંગ્રેજી બોલતા પાયલટ કે એટીસીને પોતાની વાત સમજાવવામાં મુશ્કેલી થતી હોય છે.
શું છે આ સમસ્યાનું નિવારણ?
સૂચનાના આદાનપ્રદાનમાંની ભાષાકીય ખામીઓને દૂર કરવા માટે કમર્શિયલ ફ્લાઈટના પાયલટોએ અંગ્રેજી ભાષાની પરીક્ષા આપવી પડે છે.
એક કમર્શિયલ પાયલટે પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે કહ્યું હતું, "કમર્શિયલ ફ્લાઇંગ લાયસન્સ માટે રેડિયો ટેલિફોનિક ટેસ્ટ આપવી પડે છે."
"તેમાં ઉડ્ડયન ક્ષેત્રના માપદંડના આધારે અંગ્રેજીની પરીક્ષા લેવામાં આવે છે અને એ કામ ડીજીસીએ કરે છે."
"ભારતની વાત કરીએ તો અહીં આ ટેસ્ટ સૌથી આકરી રીતે લેવામાં આવે છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો